‘અત્યારે આમાંથી એકેય વાત બહાર પાડવાની નથી. કશું જ બન્યું નથી એમ દેખાડીને કામ ચાલુ રાખજો. આ બધાનો આપણી સગવડ પ્રમાણે ઉપયોગ કરવામાં આવશે,’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ બધાને કહ્યું.
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ એક બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિતાભ શેઠની સાથે રાજીવ ડોવાલ, આદેશ રાજપાલ અને રાજેશ તિવારી જેવા અત્યંત વિશ્ર્વાસુ લોકો હાજર હતા.
વડા પ્રધાનની ગેરહાજરીમાં મિશન મૂન પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ વિશેની માહિતી આપવામાં આવી રહી હતી. આ મિશન દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહી વિશેની પણ માહિતી આપવામાં આવી હતી.
બધી માહિતી મળી ગયા બાદ વડા પ્રધાને આદેશ રાજપાલ સામે જોયું અને સવાલ કર્યો કે ‘આદેશ, તને અહીંની જવાબદારી સોંપી હતી. શું માહિતી છે તારી પાસે? ‘સર, જ્યાં સુધી મને લાગતું હતું તેને હિસાબે મેં વિશાલ અને લૈલા સામે પગલાં લીધા હતા.’
‘કેન્ટિનના પેલા બે છોકરા મળતા નથી તેમની વિગતો પણ મળતી નથી.’
‘ઓરિસામાં ટ્રેસ થયેલો નંબર પણ મળતો નથી,’ આદેશ રાજપાલે કહ્યું.
‘કેન્ટિનના બંને છોકરાઓ આપણી પાસે જ છે, તેમને આ જ સેન્ટ્રલ વિસ્ટાના અંડરગ્રાઉન્ડ ભંડકિયામાં રાખવામાં આવ્યા છે.’
‘ઓરિસામાં જે નંબર ટ્રેસ થયો હતો તે વાત કરનારા દિનેશ સાહુને પણ તાબામાં લઈ લેવામાં આવ્યો છે અને તેની પૂછપરછ ચાલી રહી છે,’ રાજીવ ડોવાલે કહ્યું.
રાજીવે આપેલી માહિતી સાંભળીને રાજેશ તિવારી અને આદેશ રાજપાલ જ નહીં, ખુદ ગૃહપ્રધાન અમિતાભ શેઠ પણ મોંમાં આંગળા નાખી ગયા.
‘રશિયાના ઈન્ફોર્મર પણ પકડાઈ ગયા છે, ચીનના ઈન્ફોર્મર પણ પકડાઈ ગયા છે અને અમેરિકાના પણ ઈન્ફોર્મર પકડાઈ ગયા છે,’ રાજીવ ડોવાલે
કહ્યું.
‘એનો અર્થ એવો થયો કે રંજન કુમાર તેમ જ અનુપ રોયને પોતાના વિજ્ઞાનીઓ પર રહેલો વિશ્ર્વાસ સાચો પડ્યો છે,’ અમિતાભ શેઠે કહ્યું.
‘અત્યારે આમાંથી એકેય વાત બહાર પાડવાની નથી. કશું જ બન્યું નથી એમ દેખાડીને કામ ચાલુ રાખજો. આ બધાનો આપણી સગવડ પ્રમાણે ઉપયોગ કરવામાં આવશે,’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ બધાને કહ્યું.
‘ડાબેરીઓ અને સમાજવાદીઓ આંદોલન કરવાના મૂડમાં હતા..’ અમિતાભ શેઠ બોલવા ગયા ત્યાં તેમને વચ્ચે કાપતાં વડા પ્રધાને કહ્યું કે ‘તેની ચિંતા કરવાની જરૂર નથી. કોઈ આંદોલન થશે નહીં.’
***
અમેરિકામાં વાતાવરણ તંગ બન્યું હતું. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે દેખાવો ચાલી રહ્યા હતા. અમેરિકા સરકાર ઉદ્યોગપતિઓને વેચાઈ ગઈ હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો હતો. વ્હાઈટ હાઉસની સામે પણ અત્યારે આંદોલન ચાલી રહ્યું હતું અને આ આંદોલનમાં ધ ગ્રીન પાર્ટી, લિબરટેરિયન, ક્ધસ્ટીટ્યૂશન પાર્ટી અને નેચરલ લો પાર્ટીના કાર્યકર્તાઓ રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરનો વિરોધ કરી રહ્યા હતા.
વ્હાઈટ હાઉસની અંદર રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગર ભારે ગુસ્સામાં હતા. તેમના ચમકતા માથાની ચામડી ઊંચીનીચી થઈ રહી હતી. આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. હાથ ધ્રૂજવા લાગ્યા હતા.
‘મોનિકા, આ શું થઈ રહ્યું છે? આપણે જે આંદોલન ભારતમાં કરાવવાના હતા તે અહીં આપણી જ ધરતી પર થઈ રહ્યું છે.’
‘અત્યારે દેશનાં ૨૫ રાજ્યોમાં આવાં આંદોલનો થઈ રહ્યા છે. આંદોલનો આપણી મોનોપોલી છે અને અત્યારે આપણી જ સામે આંદોલનો થઈ રહ્યા છે.’
‘ભારતમાં વડા પ્રધાન મહેતા વિદેશયાત્રાથી પાછા ફરે ત્યારે તેમને કાળા ઝંડા દેખાડવામાં આવશે એવું તે કહ્યું હતું. ત્યાં તો એવું કશું ન થયું, પરંતુ અહીં મને કાળા ઝંડા દેખાડવામાં આવી રહ્યા છે.’
‘આ શું થઈ રહ્યું છે?’
‘સામે ભારત હોય ત્યારે જ કેમ તારી બુદ્ધિ કામ કરતી નથી?’
‘ભારત આપણા કરતાં એટલું શક્તિશાળી થઈ ગયું છે કે આપણો દાવ આપણા પર જ ઊલટો વાળી શકે?’
‘ફરી એક વખત આપણો ફજેતો નિશ્ર્ચિત છે?’
‘બોલતી કેમ નથી? જવાબ આપ,’ જોન લાઈગરે કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, જ્યાં સુધી મારું આકલન છે ત્યાં સુધી આ ભારતનું કામ નથી.’
‘આની પાછળ કોઈ મોટી શક્તિ કામ કરી રહી છે.’
‘ભારતમાં તેઓએ કાળા વાવટા ફરકાવ્યા હતા, પરંતુ વડા પ્રધાન નિર્ધારિત કાર્યક્રમ કરતાં થોડા વહેલા નીકળી ગયા હોવાથી તેમની સામે નહોતું થયું.’
‘આ વખતે આપણે ભારતને નીચાજોણું કરાવીને રહીશું,’ મોનિકાએ જોન લાઈગરને કહ્યું.
‘તારો પ્લાન મને પહેલાં કહે. હવે તારા કોઈ પ્લાન પર હું આંખ મીંચીને વિશ્ર્વાસ કરી શકીશ નહીં,’ જોન લાઈગરે કહ્યું.
***
‘સપના, હું તને ઘણી આશા સાથે મળવા આવી છું. મારો બાળપણનો મિત્ર અત્યારે મારાથી નારાજ છે. મારી કોઈ વાત સાંભળતો નથી,’ લૈલા ડિસોઝાએ વિક્રમની પત્ની સપના નાણાવટી સમક્ષ કરગરીને વાત માંડી.
‘જો લૈલા, તમારા બંનેના સંબંધો સાથે મારે કશી લેવા-દેવા નથી. મેં વિક્રમને છોડી દીધો છે. અત્યારે હું તને કશી જ મદદ કરી શકું એમ નથી,’ સપનાએ લૈલાને રોકડું પરખાવ્યું.
‘આવું ન કરીશ, વિક્રમ તમારા બંનેના વિખૂટા પડવા માટે મને દોષી માને છે. તને ખબર છે કે મેં ક્યારેય તમારા બંને વચ્ચે વિખવાદ થાય તે પસંદ કર્યું નથી,’ આંખોમાં ઝળઝળિયાં સાથે લૈલા બોલી રહી.
‘જો લૈલા, એક વાત સમજી લે.’
‘તેં મારા સ્કૂલ ફ્રેન્ડ સાથે બહુ ખરાબ વર્તન કર્યું હતું. એના પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો.’
‘એક સજ્જન સાથે કરેલા ખરાબ વર્તનનું આજે તને ફળ મળી રહ્યું છે. તારા ખોટા આરોપને કારણે તેનો પરિવાર ભાંગી ગયો.’
‘આ બધાનું ફળ તારે તો ભોગવવું જ પડશે ને?’ સપનાએ કહ્યું.
‘તું.. તું.. અનુપમની વાત કરે છે?’
‘એ.. એ.. તારો સ્કૂલ ફ્રેન્ડ હતો?’
‘ખરેખર, તો તો તું મારી માં.’
‘સપના, સાચું કહું છું. અનુપમને હું દિલોજાનથી ચાહું છું.’
‘તને ખાતરી ન હોય તો અનુપમને ખુદને પૂછી જોજે.’
‘અનુપમ પોતાની જિંદગીથી ખુશ નહોતો. અમને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. અમે અંતરંગ પળો પણ માણી હતી,’ લૈલાએ કહ્યું.
‘અચ્છા, તને અનુપમ સાથે પ્રેમ થઈ ગયો હતો? તો પછી તેં જ એના પર બળાત્કારનો આરોપ કેમ લગાવ્યો?,’ હવે સપનાએ લૈલા પાસેથી જવાબ માગ્યો.
‘એને માટે એક મોટું કારણ જવાબદાર હતું, જેની બાબતે હું અત્યારે કશું જ કહી શકું એમ નથી,’ લૈલાએ કહ્યું.
‘મને ખબર છે એ કારણ. તને પ્રમોશન જોઈતું હતું, જે અનુપમના સસ્પેન્ડ થવા પર તને તરત જ મળી ગયું હતું,’ હવે સપના થોડી આક્રમક બની.
‘એ વાત સાચી નથી. મેં જે કર્યું તે અનુપમના હિતમાં જ કર્યું હતું,’ અત્યંત ગળગળા અવાજે લૈલા કહેવા લાગી.
(ક્રમશ:)
———-
હવે શું?
આ શું થવા બેઠું છે? દેશમાં ચારે તરફ મિશન મૂન સામેના દેખાવો ચાલી રહ્યા છે. એક સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યાં આ બીજી મુસીબત ક્યાંથી આવી પડી? ચીન કેમ મોટા પ્રમાણમાં કેમિકલ ફ્યુઅલ ખરીદી રહ્યું છે? ચીન સાથે પણ સ્પર્ધા કરવી પડશે હવે આપણે? અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને મિશન મૂન સામે એક પછી એક અવરોધ દેખાઈ રહ્યા હતા.