Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ -૩૯

‘સર, જ્યાં સુધી મારી પાસે નકશા અને અન્ય વિગતો છે, મારું એન્જિન બરાબર છે અને ઈંધણ પણ સુયોગ્ય રીતે કામ કરી રહ્યું છે.’ ‘એન્જિન ચાલી રહ્યું છે અને તે વિમાનને આગળ ધકેલી રહ્યું છે, પરંતુ ઉડ્ડયન ભરવાની વાતે નિષ્ફળતા મળી રહી છે’

હવે અણુ ઈંધણ પર ચાલનારા અવકાશયાનની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. વિક્રમ નાણાવટીએ પ્રોટોટાઈપમાં અણુશક્તિ પર કામ કરનારું એન્જિન ફીટ કર્યું.
‘રામ શર્મા, આપણે હવે પ્રયોગ માટે તૈયાર છીએ.’
‘સામેના મેદાનમાં આપણું અવકાશયાન દોડવા અને ઊડવા તૈયાર છે.’
‘રેડી, ૩.. ૨.. ૧..’ વિક્રમ નાણાવટીએ કાઉન્ટડાઉન કર્યું અને એન્જિન રિમોટથી ચાલુ કર્યું.
પ્રોટોટાઈપ થોડું ધ્રૂજ્યું અને પછી આગળ વધ્યું.
વિમાન થોડું દોડ્યું, પણ ઊડી ન શક્યું.
વિક્રમે બીજી વખત પ્રયાસ કર્યો. આ વખતે પણ વિમાન ખાસ્સું દોડ્યું, ગતિ પણ પકડી તેમ છતાં ઊડી ન શક્યું.
વિક્રમ અને ડીઆરડીઓની ટીમમાં હતાશા વ્યાપી ગઈ.
તેમનો પ્રયોગ અને મહેનત નિષ્ફળ ગઈ હતી.
ફરીથી વિક્રમ બધા નકશા લઈને બેઠો અને સાથે જ પ્રોટોટાઈપમાં લગાવેલા એન્જિનના કનેક્શન ચેક કરવા લાગ્યો.
દેખીતી રીતે બધું બરાબર લાગી રહ્યું હતું છતાં વિમાન ઊડતું નહોતું.
હવે શું કરવું તે વિક્રમને સમજાતું નહોતું. આ સમસ્યાના નિરાકરણ માટે જયંત સિન્હા કે પછી એમજેપી અકબર જેવા રોકેટના ઉડ્ડયન સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓની મદદ લેવી કે પછી અનુપ રોયની મદદ લેવી તે નક્કી કરી શકતો નહોતો.
તેને ચિંતામાં જોઈને રામ શર્માએ પૂછ્યું કે, ‘શું થયું સર?’
‘નકશા પ્રમાણે આપણે બધું બરાબર કર્યું છે. બધા જોડાણ પણ બરાબર છે. એન્જિન પણ બરાબર છે. ઈંધણ પર એન્જિન ચાલે પણ છે. આમ છતાં વિમાન ઊડતું નથી.’
‘મને અત્યારે સમજાતું નથી કે ક્યાં બધું અટક્યું છે.’
‘હવે આ સ્થિતિમાં મદદ માગવી હોય તો કોની પાસે મદદ માગું?’ વિક્રમે પોતાની સમસ્યા રજૂ કરી.
‘એમાં શું મુંઝાઓ છો? તમને કહેવામાં આવ્યું છે કે અનુપ રોયની મદદ લેવાની તો તેમને જ ફોન કરો,’ રામ શર્માએ મૂંઝવણનો ઉકેલ દેખાડ્યો.
રામ શર્માના શબ્દોથી વિક્રમને હોમ મિનિસ્ટર સાથેની બેઠક યાદ આવી ગઈ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પ્રયોગની વાત બહાર જાય નહીં.
આવી સ્થિતિમાં હવે અનુપ રોય સિવાય કોઈની મદદ લઈ શકાય એમ નથી એ વાત એના મનમાં ઠસી ગઈ અને તેણે અનુપ રોય સાથે વાત કરવાનો નિર્ણય લીધો.
કચેરીમાં જઈને તેણે હોટલાઈન પર સેન્ટ્રલ વિસ્ટામાં ફોન કરીને અનુપ રોય સાથે વાત કરવાની માગણી કરી. હોટલાઈન પર અનુપ રોય આવતાં જ તેમણે પોતાની સમસ્યા રજૂ કરવાનું શરૂ કર્યું.
‘સર, જ્યાં સુધી મારી પાસે નકશા અને અન્ય વિગતો છે, મારું એન્જિન બરાબર છે અને ઈંધણ પણ સુયોગ્ય રીતે કામ કરી રહ્યું છે.’
‘એન્જિન ચાલી રહ્યું છે અને તે વિમાનને આગળ ધકેલી રહ્યું છે, પરંતુ ઉડ્ડયન ભરવાની વાતે નિષ્ફળતા મળી રહી છે,’ વિક્રમે કહ્યું.
અનુપ રોયે તેને સમજાવતાં કહ્યું કે ‘અણુ ઈંધણને આધારે એન્જિન ચલાવતી વખતે કેન્દ્રમાં પરમાણુઓના વિઘટનને કારણે પેદા થતી ગરમીને અંદર ફરતા પ્રવાહી (હેવી વોટર)ના માધ્યમથી શોષી લેવામાં આવે છે અને પેદા થતી વરાળના માધ્યમથી ટર્બાઈન ચલાવવામાં આવે છે, બરાબર?’
‘હવે જ્યારે તેને જોરનો ધક્કો મળતો નથી ત્યારે ન્યૂટનની ગતિના બીજા સિદ્ધાંતને બદલીને કહીએ તો રોકેટના બળતણનો જેટલો વધુ જથ્થો બળશે અને ઉત્પાદિત ગેસ જેટલી ઝડપથી એન્જિનમાંથી બહાર નીકળી શકે એટલું રોકેટને ઉપરની તરફનો ધક્કો જોરથી મારશે.’
‘સોલિડ-કોર સિસ્ટમ્સમાં ૮૫૦ સેક્ધડની રેન્જમાં આવેગ આવે ત્યારે એન્જિનને થ્રસ્ટ લાગશે અને પ્રેશર ૧૦,૦૦૦ પાઉન્ડ જેવું થાય તો જોરનો ધક્કો લાગશે.’
‘આને માટે થ્રસ્ટ-ટુ- વેઈટનું પ્રમાણ બેથી ૨૦ પાઉન્ડની વચ્ચે રાખવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ પરિણામ મળશે,’ અનુપ રોયે કહ્યું.
‘આને માટે એક કામ કર, પાણીની જગ્યાએ હાઈડ્રોજન ગેસ વાપરીને જો,’ અનુપ રોયે રસ્તો દેખાડ્યો.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે જોન લાઈગર અને મોનિકા હેરિસ સામસામે બેઠા હતા. ચીફ ઓફ સ્ટાફ યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી સેમ્યુઅલ યંગ બંનેની સામે અદબ વાળીને ઊભા હતા.
‘મોનિકા, તમારી પાસે આપણા મિશન મૂનની શી જાણકારી આવી છે? આપણી તૈયારી ક્યાં સુધી પહોંચી છે?,’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘સર, મિ. માર્ટીનની સાથે થયેલી વાત મુજબ મિશન મૂનની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.’
‘પાંચેય કંપનીઓએ આપના આદેશ મુજબ કામ આરંભી દીધા છે,’ મોનિકાએ માહિતી આપી.
‘અચ્છા તો એનો અર્થ એવો થાય છે કે બોઈંગ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું રોકેટ આપણા અવકાશ યાનને ચંદ્ર પર લઈ જશે.’
‘ચિલ રેટની કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો પોર્ટેબલ પ્લાન્ટ ચંદ્ર પર યુરેનિયમનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરશે.’
‘લોકહીડ માર્ટીન, હનીવેલ ઈન્ટરનેશનલ અને નોર્થોપ મળીને આખા મિશન મૂનના અવકાશયાન અને ચંદ્ર પર થનારા કામનો ખર્ચ ઉપાડશે.’
‘નાસાના ઈજનેરો-વિજ્ઞાનીઓ આપણું મિશન મૂન સફળ કરશે.’
‘આ વખતે મને કોઈ ભૂલ ખપતી નથી.’
‘મંગળયાન અને ચંદ્રયાનમાં ભારત ભલે આગળ થઈ ગયું, પરંતુ આમાં આપણે જ વિજયી થવાનું છે,’ જોન લાઈગરે પોતાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો.
‘સર, જ્યાં સુધી તમે કહ્યું છે તે મુજબ થશે ત્યાં સુધી આપણે આગળ જ રહીશું,’ મોનિકાએ થોડા ખુશામતના અંદાજમાં કહ્યું.
લાઈગરે એક હળવી નજર તેમના તરફ કરી અને પછી સેમ્યુઅલ યંગ સામે જોયું.
યંગ અત્યંત ગંભીર મુખમુદ્રામાં જણાઈ રહ્યા હતા.
‘તમે મોનિકાની વાત સાથે સહમત લાગતા નથી?’ લાઈગરે પૂછ્યું.
‘સર, મને ખબર છે કે તમારો હેતુ સારો છે. મને એ પણ ખબર છે કે તમને અત્યારે પરાજય કોઈપણ હાલતમાં ખપતો નથી, પરંતુ જે રીતની તૈયારી ભારત કરી રહ્યું છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો મને હજી પણ લાગે છે કે આ વખતે પણ મંગળયાન અને ચંદ્રયાનની જેમ ભારત અવ્વલ રહેશે,’ સેમ્યુઅલ યંગે કહ્યું.
‘આમેય ભારતનું મિશન મૂન પોતાના સ્વાર્થ માટે નહીં, પૃથ્વીની ભલાઈ માટે છે.’ ‘આપણે તો ભારતના મિશન મૂનને સહકાર આપવો જોઈએ અને આપણે તેમને શુભેચ્છા પણ આપી શકતા નથી,’ સેમ્યુઅલે પોતાના મનની વાત સ્પષ્ટ રીતે રાષ્ટ્રપ્રમુખ સામે મૂકી.
લાઈગર બે મિનિટ સેમ્યુઅલની સામે જોઈ રહ્યા. તેઓ જાણે પારખવા માગતા હતા કે તે બોલી રહ્યો છે તે હૃદયમાંથી આવી રહ્યું છે કે મગજમાંથી. તેને ખાતરી થઈ ગઈ કે સેમ્યુઅલ જે બોલી રહ્યો છે તે પૂરેપૂરું દિલમાંથી આવી રહ્યું છે ત્યારે તેને પણ એક પળ માટે લાગ્યું કે ખોટું થઈ રહ્યું છે.
હવે જોકે, પાછા ફરવાનો સમય વીતી ગયો હતો. અમેરિકાના હિતાર્થે આખી દુનિયા સાથે વિશ્ર્વાસઘાત કરવો પડે તો ભલે. નીતિ-મૂલ્યોનો હ્રાસ કરવો પડે તો ભલે પણ મિશન મૂન તો અમલમાં મૂકવું જ છે એવું વિચારીને મનને મક્ક્મ બનાવ્યું.
‘સેમ્યુઅલ, તારી વાત ગમે તેટલી સાચી લાગતી હોય, પરંતુ મિશન મૂન સાથે કોઈ સમજૂતી નહીં થાય,’ લાઈગરે કહ્યું. (ક્રમશ:)

હવે શું?
કુર્ચાટોવ, હવે આપણી હરીફાઈ ભારતની સાથે નથી. આપણી
હરીફાઈ અમેરિકાની સાથે છે. તેમનું મિશન મૂન તૈયાર થઈ ગયું છે અને આ મિશન મૂનની સાથે પાંચ ટોચની કોર્પોરેટ કંપનીઓ જોડાઈ છે. તમારે બધાએ મિશન મૂન માટે મને વહેલી તકે આખો પ્લાન તૈયાર કરી આપવાનો છે, વોલેરન બાઈને આદેશ આપ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular