Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ -૩૮

તમે બંને બહુ સીધા માણસો છો અને તેથી જ તમને બધા લોકો સીધા લાગે છે,’ એમ કહેતાં અમિતાભ શેઠે આદેશ સામે જોયું અને પૂછ્યું, ‘તને કોના પર શંકા લાગે છે? સર, જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મને વિશાલ માથુર, લૈલા ડિસોઝા, એમજેપી અકબર પર અત્યારે શંકા જઈ રહી છે, આદેશે કહ્યું

વિશાખાપટ્ટનમમાં વિક્રમ નાણાવટીને એક નાના ડુંગર પર આવેલા સરકારી કોટેજમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તેની સાથે ચાર એન્જિનિયરો મદદમાં આપવામાં આવ્યા હતા. તેમની સાથે વાત કરતાં વિક્રમને જાણ થઈ કે ચારેય એન્જિનિયરો ભારત સરકારની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ના છે. એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આ સંસ્થાનું મહત્ત્વ કેટલું છે તેની જાણકારી વિક્રમને હતી.
‘રામ શર્મા, આપણી પાસે પ્રોટોટાઈપ તૈયાર કરવા માટે ઘણો ઓછો સમય છે,’ વિક્રમે ડીઆરડીઓના એન્જિનિયરને જણાવ્યું.
‘વિક્રમ સર, મારી પાસે ત્રણેક ડિઝાઈન તૈયાર છે,’ રામ શર્માએ કહ્યું.
‘કેવા પ્રકારની છે ડિઝાઈન,’ વિક્રમે પૂછ્યું.
‘પહેલું આગળથી એકદમ રોકેટ જેવું અને પાંખોથી આપણા ફાઈટર પ્લેનના જેવું.’
‘બીજી એક ડિઝાઈન છે આખું આપણા ફાઈટર પ્લેન જેવું.’
‘ત્રીજી ડિઝાઈન છે અત્યંત નાની પાંખના રોકેટ જેવું, અમેરિકાના તૂટી પડેલા કોલંબિયા જેવી,’ એમ રામ શર્માએ જણાવ્યું.
‘ચોથી ડિઝાઈન કેવી છે?’ ઉતાવળા વિક્રમ નાણાવટીએ સવાલ કર્યો.
‘ચોથી ડિઝાઈન શંકુ આકારની છે. આ એક કેપ્સ્યૂલ જેવું પ્લેન બની રહેશે,’ રામ શર્માએ જવાબ આપ્યો.
‘ડિઝાઈન તો ચારેય સારી છે, ચાલો હવે તેને લોન્ચ કેવી રીતે કરવી તેના પર ચર્ચા કરીએ,’ વિક્રમે કહ્યું.
‘સર, આ પહેલી ડિઝાઈન છે. આને લોન્ચ કરવા માટે નીચેની તરફ જેટ એન્જિન લગાવી શકાશે અને તેને લોન્ચ કરતી વખતે રોકેટની જેમ આકાશમાં મોકલવાનું રહેશે. ઉતરાણ કરતી વખતે તે વિમાનની જેમ કામ કરશે.’
‘આ એવું વાહન છે જે પૃથ્વીના વાતાવરણમાં વિમાનની જેમ ઊડી શકે છે અને ગ્લાઈડ પણ કરી શકશે.’
‘બાહ્ય અવકાશમાં અવકાશયાનની જેમ કામ કરશે.’
‘આમાં એરક્રાફ્ટ અને સ્પેસ ક્રાફ્ટ બંનેની વિશેષતા સામેલ છે.’
‘ભ્રમણકક્ષામાં ફરતી વખતે તેની સમાનતા પરંપરાગત અવકાશયાન જેવી રહેશે.’
‘પેટા-ભ્રમણકક્ષામાં તે પાંખોવાળા વિમાનની જેમ કામ કરશે.’
‘પૃથ્વી પરથી રવાના કરતી વખતે તેને અવકાશયાનની જેમ મોકલવામાં આવશે.’
‘ભ્રમણકક્ષામાં મોકલતી વખતે આપણને ઉચ્ચ વેગથી મોકલવાની જરૂર પડશે અને તેની ગતિ પ્લેન તરીકે કામ કરતી વખતે હોય તેના કરતાં ૫૦ ગણી વધારે રાખવી પડશે.’
‘ઉડ્ડયન કરતી વખતે તેને રોકેટની જેમ એટલે કે ઊભું રાખીને અવકાશમાં રવાના કરવું પડશે જેથી તેને ઉચ્ચ ગતિ મળી શકે,’ રામ શર્માએ પોતાની ડિઝાઈન સમજાવી.
‘આપણી જરૂરિયાત મુજબ આ યોગ્ય લાગી રહ્યું છે,’ વિક્રમ બોલ્યો.
‘આ ડિઝાઈનનો એક પ્રોટોટાઈપ અત્યારે આપણી પાસે તૈયાર પણ છે,’ રામ શર્માએ માહિતી આપી.
‘આપણી પાસે જે એન્જિન પડ્યું છે તે ક્યાં છે?’ વિક્રમે સવાલ કર્યો.
‘સર, આ રહ્યું એન્જિન. આ આપણી અણુ સબમરીનનું સ્ટેન્ડબાય એન્જિન છે.’
‘આ એન્જિનની ક્ષમતા આમ તો અવકાશયાન માટે ઓછી છે, પરંતુ પ્રોટોટાઈપ માટે કદાચ ચાલી જશે,’ રામ શર્માએ કહ્યું.
વિક્રમ નાણાવટીએ એન્જિનનો અભ્યાસ ચાલુ કર્યો. તેને લાગ્યું કે એન્જિનને ચલાવીને જોવું જોઈએ. એન્જિનને તેણે ઈંધણ સાથે જોડવાનું નક્કી કર્યું.
‘સર, એક વાત પૂછું?’ રામ શર્માએ પૂછ્યું.
‘હા, શું જાણવું છે?’ વિક્રમે રામની જિજ્ઞાસાને સંતોષવાના હેતુથી કહ્યું.
‘અણુ વિઘટન પ્રક્રિયા પર આધારિત એન્જિન બનાવવાનું જોખમી નહીં બની રહે?’
‘વાસ્તવમાં પરમાણુ વિઘટન સામગ્રીનો ઉપયોગ રોકેટમાં કરવો એ લગભગ અણુબૉમ્બશૈલીનો ગણી શકાય.’
‘ભલે આ સામગ્રી અણુબૉમ્બ જેવી ન હોય, પરંતુ રોકેટના બળતણ તરીકેનો તેનો ઉપયોગ પ્રક્ષેપણના તબક્કામાં વિસ્ફોટ કરી શકે છે અને તેનાથી જે કિરણોત્સર્ગ થાય તે પૃથ્વીવાસીઓ માટે ડર્ટી બૉમ્બ બની શકે છે.’
‘બીજું ન્યુક્લિયર રોકેટમાં થર્મલ એનર્જી, ગામા કિરણો અને વધારાના ન્યુટ્રોન છોડે છે અને પ્રોપેલન્ટને ગરમ કરવામાં આવે છે અને તેને કારણે સૂર્યની સપાટી કરતાં ચારગણી વધુ એટલે કે ૨૦,૦૦૦ કેલ્વિન (૧૯,૭૦૦ સેન્ટિગ્રેડ) ગરમી ઉત્પન્ન કરે છે.’
‘આ બધી બાબત અણુ ઊર્જાનો રોકેટ માટે ઉપયોગ જોખમી પુરવાર નહીં થાય?’ રામ શર્માએ પોતાની માહિતી પ્રમાણે મુદ્દાઓ માંડીને વિક્રમને પૂછ્યું.
‘વાહ, એક એન્જિનિયર તરીકે ન્યૂક્લિયર રોકેટ વિશે ઘણી વધારે માહિતી છે તમારી પાસે, પરંતુ તમારી ચિંતા અસ્થાને છે.’
‘વાસ્તવમાં પરમાણુ રિએક્ટર એન્જિન સામાન્ય રસાયણિક રોકેટ એન્જિન કરતાં લગભગ છ ગણી ઝડપથી યાનને આગળ ધપાવવા માટે પૂરતી ઊર્જા ઉત્પન્ન કરે છે.’
‘બીજી તરફ રસાયણિક ઈંધણ અને અણુ ઈંધણની સરખામણી કરવામાં આવે તો એક કિલોગ્રામ રસાયણિક ઈંધણ કરતાં અણુ ઈંધણમાં ૧૦ મિલિયનગણી ઊર્જા હોય છે.’
‘આને કારણે અવકાશયાનમાં લઈ જવા માટેના ઈંધણની જગ્યાની બચત થાય છે અને તેમાં અન્ય મહત્ત્વની વસ્તુઓ અવકાશમાં લઈ જઈ શકાય છે.’
‘કેમિકલ રોકેટમાં મહત્તમ સ્પેસિફિક ઈમ્પલ્સ ૫૦૦ સેક્ધડ હોય છે અને ન્યૂક્લિયર રોકેટમાં તે ૬,૦૦૦ સેક્ધડ સુધી હોય છે.
એક્ઝોસ્ટ વેગ ૪,૯૦૦ મીટર પ્રતિ સેકેન્ડ હોય, તેની સામે ફક્ત ૧૦૦૦ સેક્ધડના સ્પેસિફિક ઈમ્પલ્સ ધરાવતા રોકેટમાં પણ બમણો એટલે કે ૯,૮૦૦ મીટર પ્રતિ સેક્ધડનો એક્ઝોસ્ટ વેગ મેળવશે.’
‘આમ જોવા જઈએ તો અણુ ઈંધણ બધી જ રીતે પરવડી શકે તેવું બની રહેશે.’
‘રહી વાત જોખમની તો ન્યુક્લિયર રોકેટમાં યુરેનિયમ જેવી ધાતુના વિઘટનને પગલે ગામા કિરણો અને વધારાના ન્યૂટ્રોન છોડે છે, જે એન્જિનને ચાલુ રાખે છે અને તેમાંથી નીકળેલી ઊર્જાનો ઉપયોગ હાઈડ્રોજન જેવા પ્રોપેલેન્ટને ગરમ કરવા માટે થાય છે.’
‘ખાસ વાત એ છે કે રોકેટમાં ઓક્સિજનની ટાંકી રાખવામાં આવતી ન હોવાથી વિસ્ફોટ જેવી હોનારત થવાની આશંકા ઓછી હોય છે,’ એમ વિક્રમ નાણાવટીએ અણુ ઈંધણના ફાયદા ગણાવતાં રામ શર્માને કહ્યું.
****
સેન્ટ્રલ વિસ્ટામાં ગૃહપ્રધાન અમિતાભ શેઠની કેબિનમાં મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. ગૃહપ્રધાને રંજન કુમાર અને અનુપ રોયને બોલાવ્યા હતા. આદેશ રાજપાલ અને રાજેશ તિવારી પણ હાજર હતા.
‘અનુપ રોય, મારે તમને બંનેને અત્યંત મહત્ત્વની વાત કરવાની છે.’
‘આપણે મિશન મૂનનું જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું તેની વિગતો જાહેર થઈ ગઈ છે.’
‘ચીન, અમેરિકા અને રશિયાથી મળતા અહેવાલો મુજબ ત્રણેય દેશો પાસે આપણા પ્રેઝન્ટેશનની રજેરજ વિગતો પહોંચી ગઈ છે.’
‘મારે તમારો નિષ્પક્ષ મત જોઈએ છે કે આપણી ટીમમાંથી તમને કોના પર શંકા છે?’ અમિતાભ શેઠે પૂછ્યું.
‘હોમ મિનિસ્ટર સર, જ્યાં સુધી વિજ્ઞાનીઓનો સવાલ છે ત્યાં સુધી મને કોઈના પર પણ શંકા નથી. મારા મતે આપણા અત્યારે અહીં હાજર દરેક વિજ્ઞાની ઓછામાં ઓછા ૧૦-૧૫ વર્ષથી આપણી સાથે કામ કરે છે,’ અનુપ રોયે કહ્યું.
અમિતાભ શેઠે તેમનો જવાબ સાંભળ્યા બાદ રંજન કુમાર સામે નજર કરી.
‘મારી દૃષ્ટિએ પણ આપણી ટીમમાં કોઈ માહિતી લીક કરે એવી વ્યક્તિ નથી,’ રંજન કુમારે કહ્યું.
‘તમે બંને બહુ સીધા માણસો છો અને તેથી જ તમને બધા લોકો સીધા લાગે છે,’ એમ કહેતાં અમિતાભ શેઠે આદેશ સામે જોયું અને પૂછ્યું, ‘તને કોના પર શંકા લાગે છે?’
‘સર, જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી મને વિશાલ માથુર, લૈલા ડિસોઝા, એમજેપી અકબર પર અત્યારે શંકા જઈ રહી છે,’ આદેશે કહ્યું.
આદેશનું બોલવાનું પૂરું થતાં ગૃહપ્રધાને રાજેશ તિવારી સામે જોયું.
‘સર, જ્યાં સુધી મારી વાત છે તો મને કેન્ટિનના જે બે છોકરાઓ પર શંકા હતી તે ગાયબ થઈ ગયા છે.’
‘વિશાલ માથુરનો તેના કાકાને થયેલો ફોન અને ત્યાંથી ઓરિસા અને ત્યાંથી ચીન થયેલો ફોન એવો સંકેત કરે છે કે કદાચ તેણે માહિતી લીક કરી હોઈ શકે.’
‘લૈલાનો કેરળ ગયેલો ફોન અને તેના પછી ત્યાંથી રશિયા ગયેલો ફોન એવું દર્શાવે છે કે તેણે પણ કદાચ માહિતી લીક કરી હોઈ શકે,’ રાજેશ તિવારીએ કહ્યું.
રાજેશ તિવારી માહિતી આપી રહ્યો હતો અને બંને વિજ્ઞાનીઓના મોં પોતાના હાથ નીચેના માણસોની વિગતો સાંભળીને ખુલ્લા રહી ગયા હતા.
‘આટલું સાંભળ્યા પછી તમને કોઈ પર શંકા છે?,’ અમિતાભ શેઠે ફરી સવાલ કર્યો.

હવે શું?
બોઈંગનું રોકેટ, ચિલ રેટનો પોર્ટેબલ પ્લાન્ટ, લોકહીડ માર્ટીનનો અને અન્યોનો ખર્ચ. નાસાના ઈજનેરોને લઈને આપણું મિશન મૂન અમલમાં મૂકવાનું છે. આ વખતે મને કોઈ ભૂલ ખપતી નથી. મંગળયાન અને ચંદ્રયાનમાં ભારત ભલે આગળ થઈ ગયું, પરંતુ આમાં આપણે જ વિજયી થવાનું છે, જોન લાઈગરે પોતાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular