સર, પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરવામાં સૌથી મોટો અવરોધ પૃથ્વી અને ચંદ્ર પરના વાતાવરણનો ફરક છે, આના પહેલાં આપણે ક્યારેય શુદ્ધીકરણ માટે પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કર્યા નથી તેથી આપણને થોડી સમસ્યા આવી રહી છે
લેખક – વિપુલ વૈદ્ય
અનુપમ ફરી એક વખત પોતાના પ્રયોગમાં લાગ્યો.
આ વખતે તેણે સૌથી પહેલાં બહારની હવાની ગતિ માપી.
મનોજને કેટલીક સૂચનાઓ આપી અને જનરેટર ચાલુ કરાવ્યા.
ચુંબકીય ક્ષેત્ર ચાલુ કરાવ્યું.
‘એક, બે, ત્રણ..
‘રેડી, સાવધાન..’ અનુપમે બધાને સાવધ રહેવા જણાવ્યું.
‘પ્રયોગ ચાલુ..’ અનુપમે કહ્યું.
વીજળીના કડાકા જેવો એક અવાજ સંભળાયો અને તેજલિસોટો શ્રુંગમણિ હિલ તરફ આગળ વધ્યો.
બધાના શ્ર્વાસ અધ્ધર હતા આ વખતે નિશાન બરાબર લાગે તે માટે બધા પ્રાર્થના કરી રહ્યા હતા.
સામે લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલ પર વિશેષ દૂરબીન લગાવીને બધા જોઈ રહ્યા હતા.
તેજલિસોટો પ્લાસમા ચેનલે ઝીલી લીધો અને બધાએ રાહતનો શ્ર્વાસ લીધો.
અનુપમે તરત જ મોનિટર પર નજર નાખી.
પ્લાસમા ચેનલમાં ગતિવિધિઓ જોવા મળી.
તરત જ મોનિટરની સાથે લાગેલા મીટરમાં તેણે જોવાનું ચાલુ કર્યું જેમાં વીજળી સ્ટોર થઈ રહી હતી એના આંકડા જોવા મળી રહ્યા હતા.
લગભગ એક મિનિટ સુધી આ પ્રવાહ ચાલુ રાખીને પછી અનુપમે પ્રવાહ બંધ કર્યો.
હવે તેનું બધું ધ્યાન શ્રુંગમણિ હિલ પર રાખવામાં આવેલા પ્લાસમા ચેનલમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર હતું.
તેણે જોયું કે સ્ટોરેજમાં વીજળીનું પ્રમાણ વધી રહ્યું હતું.
પીક ક્યાં સુધી પહોંચે છે તેના પર અનુપમ ધ્યાન રાખી રહ્યો હતો.
***
‘અનુપ સર, મેં અહીંથી જેટલી વીજળી મોકલી હતી તેમાંથી લગભગ ૨૦ ટકા ઓછી વીજળીનો સંગ્રહ થયો છે,’ અનુપમ વૈદ્યે પોતાના પ્રયોગની માહિતી આપી.
‘હમમ, બીજું શું થયું,’ અનુપ રોયે પૂછ્યું.
‘પ્લાસમા ચેનલે આ વખતે બરાબર વીજળીના પ્રવાહને પકડ્યો. પછી ઓઈલ ગરમ થયું અને પછી તેમાંથી બંને પોલ ચાર્જ થવા લાગ્યા અને થોડી વારમાં બેટરીમાં ઊર્જા જમા થવા લાગી.’
‘એમ્પિયર મીટર દ્વારા કેટલી વીજળી જમા થઈ તેનો હિસાબ માંડ્યો હતો.’
‘મોકલી એના કરતાં જમા થઈ એ વીજળી ૨૦ ટકા જેટલી ઓછી હતી,’ અનુપમે પ્રયોગનો હિસાબ આપ્યો.
‘આ સામાન્ય બાબત છે, તને સમજાવું અત્યારે ત્યાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, બરાબર?’
‘હા, સર.’
‘તારો વીજળીનો તેજલિસોટો પસાર થયો હશે ત્યારે તેણે જતી વખતે હવાને ગરમ કરી હશે, બરાબર?’
‘હા, સર.’
‘હવાને ગરમ કરતી વખતે થોડા પ્રમાણમાં ઊર્જાનો વપરાશ થયો હશે, બરાબર?
હવે સમજાયું કે સ્ટોરેજમાં એકઠી થયેલી ઊર્જા કેમ ઓછી છે?’ અનુપ રોયે અત્યંત વિગતવાર અનુપમ વૈદ્યને સમજાવ્યું.
‘જો શૂન્યાવકાશમાંથી આ વીજળીને પસાર કરવામાં આવશે તો કદાચ વીજળીનો વ્યય આનાથી પણ ઓછો કે નગણ્ય થઈ શકે છે.’
‘વાતાવરણમાંથી પસાર થાય એટલે થોડો વ્યય થશે જ,’ અનુપ રોયે કહ્યું.
‘સમજાઈ ગયું સર, આભાર.’
‘હવે બીજો પ્રયોગ રિફ્લેક્ટર સાથે કરીશ અને પછી બંને પ્રયોગ આવતીકાલે ફરીથી કરીશું,’ અનુપમે કહ્યું.
‘તારો પહેલો પ્રયોગ સફળ થયો તેના અભિનંદન,’ અનુપ રોયે કહ્યું.
***
‘આપણા મિશન મૂન કાર્યક્રમનું શું થયું?’ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગરે ડેપ્યુટી મોનિકા હેરિસને સવાલ કર્યો.
બંને અત્યારે વ્હાઈટ હાઉસના સ્ટડી રૂમમાં બેઠા હતા.
‘જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી નાસાનું સ્પેસ શટલ જવા માટે તૈયાર છે, પરંતુ હજી સુધી ચિલ રેટના શુદ્ધીકરણ પ્લાન્ટનો પુરવઠો થયો નથી.’
‘નાસાના વિજ્ઞાની જોન સ્વીપર હજી પણ આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે દેશના અન્ય કેટલાક વિજ્ઞાનીઓ પણ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.’
‘તેમનું કહેવું છે કે આ યોજના અવ્યવહારુ છે અને આમાં સરકાર પોતાનાં નાણાં વેડફી રહી છે,’ મોનિકાએ બધો હિસાબ આપ્યો.
‘તેમને ખબર નથી કે આ યોજનામાં આપણા નહીં, કંપનીઓના પૈસા લાગેલા છે?’ લાઈગરે પૂછ્યું.
‘ના, એ વસ્તુને ખાનગી રાખવામાં આવી છે.’
‘મિ. માર્ટીને પોતાના તરફથી બધી તૈયારી થઈ ગઈ હોવાનો સંદેશો આપ્યો હતો,’ મોનિકાએ કહ્યું.
‘આપણને પ્રેઝન્ટેશન ક્યારે આપે છે?,’ પ્રેસિડેન્ટનો સવાલ.
‘આવતીકાલે તેઓ પ્રેઝન્ટેશન આપશે,’ એમ મોનિકાએ કહ્યું.
***
‘આપણા મિશન મૂનની સ્થિતિ શું છે, આ વિશે ક્યારે માહિતી આપવામાં આવશે?’ ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગે સવાલ કર્યો.
તેમની સામે બેઠેલા બધા જ લોકો અત્યારે ચિંતામાં હતા. અવકાશ વિજ્ઞાની વાંગ ચાંગ કશું બોલવાનું ચાલુ કરે તે પહેલાં જ અણુવિજ્ઞાની ઝાંગ યાંગે કહ્યું કે ‘આપણી પાસે હજી સુધી પોર્ટેબલ ધાતુ શુદ્ધીકરણ પ્લાન્ટ તૈયાર થયા નથી. બાકી અમારી તૈયારી
પૂરી છે.’
‘વધારાનું ઈંધણ આવશે કે તરત જ તેનો ઉપયોગ કરવા માટે અણુશસ્ત્ર કંપનીઓ પણ તૈયાર છે. અવકાશયાનની સ્થિતિની જાણકારી મળે એટલે તેની ક્ષમતા પ્રમાણે કેટલા લોકોને મોકલવા તે નક્કી થઈ જશે.’
‘મારું અવકાશયાન તૈયાર છે. તમારી ગમે તેટલી મોટી ટીમને લઈ જવા માટે હું સક્ષમ છું. મારું અવકાશયાન પાંચ ટન વજનને ઊંચકી શકશે. તમારા પ્લાન્ટ તૈયાર થાય એટલે આપણે રવાના થઈશું,’ વાંગ ચાંગે આખી વાતને પોતાના પર આવતી જોઈને સ્પષ્ટતા કરી.
‘ઝઘડવાનું બંધ કરો,’ રાષ્ટ્રપ્રમુખે હસ્તક્ષેપ કરતાં જણાવ્યું કે ‘પોર્ટેબલ પ્લાન્ટ ક્યાં સુધીમાં તૈયાર થશે તેની માહિતી આપો.’
સર, પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કરવામાં સૌથી મોટો અવરોધ પૃથ્વી અને ચંદ્ર પરના વાતાવરણનો ફરક છે, એમ જણાવતાં હ્યુ રેન્યૂએ ઉમેર્યું કે, ‘આના પહેલાં આપણે ક્યારેય શુદ્ધીકરણ માટે પોર્ટેબલ પ્લાન્ટ તૈયાર કર્યા નથી તેથી આપણને થોડી સમસ્યા આવી રહી છે, પરંતુ પ્રેઝન્ટેશન આવતીકાલે મળી જશે.’
(ક્રમશ:)
——-
હવે શું?
એન્જિન ચાલુ થયું અને પ્લેન થોડું દોડ્યું પણ તે ઊડી ન શક્યું. ફરી એક વખત વિક્રમ નાણાવટીએ પ્રયાસ કર્યો, પણ તોયે એ ઊડ્યું નહીં એટલે તે ચિંતામાં પડી ગયો. આ સમસ્યાના નિરાકરણ માટે જયંત સિન્હાની મદદ માગવી, અકબરની મદદ માગવી કે પછી અનુપ રોયની મદદ માગવી તે નક્કી કરી શકતો નથી.