મિશન મૂન પ્રકરણ ૩૩

311

આપણી સામે રાખવામાં આવેલા અહેવાલમાં સમાવિષ્ટ બાબતોનો જ સમાવેશ જો ભારતીય મિશન મૂનમાં કરવામાં આવ્યો હોય તો મને નિરાશા થઈ છે.આ પ્રોજેક્ટ બિલકુલ વ્યવહારુ નથી. આખો પ્રોજેક્ટ નુકસાનીનો છે

લેખક – વિપુલ વૈદ્ય

રશિયાના પાટનગર મોસ્કોમાં આવેલા ડુમા હાઉસમાં અત્યારે મહત્ત્વપુર્ણ બેઠક ચાલી રહી હતી અને તેમાં રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈન અધ્યક્ષસ્થાને હતા અને તેમની સામે બધા ડેપ્યુટી, અણુવિજ્ઞાનીઓ, અવકાશવિજ્ઞાનીઓ અને ગુપ્તચર સંસ્થાના વડા બેઠા હતા.
‘મને જાણકારી મળી છે કે ભારતના મિશન મૂનનું પ્રેઝન્ટેશન થઈ ગયું છે. આ પ્રોજેક્ટ વિશે તમારી પાસે કેટલી માહિતી છે? વોલેરન બાઈને મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ સામે જોઈને સવાલ કર્યો.
‘સર, જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી આ મિશન મૂનમાં મોટી મોટી વાતો કરવામાં આવી છે. એક ખેપમાં પાંચ ટન જેટલું યુરેનિયમ લાવવાની વાત કરી રહ્યું છે,’ વેલેરીએ જવાબ આપ્યો.
‘કોમરેડ સર, જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી મિશન મૂનમાં ભારતે ચંદ્ર પર જ ધાતુઓનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરવાની યોજના બનાવી છે અને તેને માટે અહીંથી પોર્ટેબલ મશીન પણ લઈ જવાના છે.’
‘મશીનોને લઈ જવા માટે વિશાળ અવકાશયાન તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી રહી છે.’
‘ભારતની યોજનામાં ત્રીજા વિશ્ર્વના અંધારા દેશોને વીજળી પહોંચાડવાની યોજના પણ ઘડવામાં આવી હતી.’
‘આવી જ રીતે ભારતે આ યોજનામાં પોતાના દેશમાં બધા જ વાહનોને વીજળી પર દોડાવવાની યોજના ઘડી છે,’ કેજીબીના પ્રમુખ ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે પોતાની પાસે રહેલી બધી જ માહિતી આપી.
આ વાત સાંભળતાં જ ખગોળશાસ્ત્રી કુર્ચાટોવે કહ્યું.
‘આનો અર્થ એવો છે કે ભારતનું સંપૂર્ણ મિશન મૂન શાંતિપુર્ણ હેતુ
માટે છે.’
એ બધી વાત બાજુ પર રાખો અને કહો કે આપણા મિશન મૂનનું પ્રેઝન્ટેશન તૈયાર થયું કે નહીં? વોલેરન બાઈને કુર્ચાટોવના અપેક્ષિત મુદ્દાઓને ટાળવા માટે આખી વાતને વાળી નાખી.
‘પ્રેસિડેન્ટ સર, મારા તરફથી બધી તૈયારીઓ થઈ ચૂકી છે,’ એલેકઝાંડર રૂમાન્ટેસેવે વાતની શરૂઆત કરી.
‘અવકાશમાં અત્યારે આપણું સ્પેસ સ્ટેશન કાર્યરત છે. આ સ્પેસ સ્ટેશનમાં પાર્થો ઈવાનોવિચને તૈયાર રહેવાનું કહી દેવામાં આવ્યું છે.’
‘કમ્પ્યુટર નિષ્ણાત રોબર્ટ નીમોને પણ તૈયાર રહેવા જણાવી દેવામાં આવ્યું છે.’
‘અમારું અવકાશયાન પણ તૈયાર છે. તમે કહેશો એટલે અહીંથી સામગ્રી અને માણસો લઈને રવાના થઈ જશે.’
‘અવકાશયાન સીધા ચંદ્ર પર જવાને બદલે આપણા સ્પેસ સ્ટેશન પર જશે અને ત્યાંથી શટલને ચંદ્ર પર મોકલવામાં આવશે.’
‘સમગ્ર પ્રક્રિયા પર આપણા સ્પેસ સ્ટેશનના વિજ્ઞાનીઓ નજર રાખશે,’ એલેકઝાંડરે પોતાનું બોલવાનું પૂરું કર્યું.
‘કોમરેડ સર, અમારી તૈયારી હજી થઈ શકી નથી. ચંદ્ર પર ધાતુનું શુદ્ધીકરણ કરવા માટે આવશ્યક પ્લાન્ટ હજી સુધી અમારી પાસે નથી,’ અણુવિજ્ઞાની યેવગેની એડામોવે પોતાની તૈયારીની માહિતી આપવાનું ચાલુ કર્યું.
‘પ્લાન્ટની નિર્મિતીના નિષ્ણાત રોસાટેમ અત્યારે ભારતના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેમને પાછા બોલાવવાનું તમારા વગર શક્ય નથી.’
‘તેમનું બંધાણ હજી બે વર્ષ સુધીનું છે અને તેમને આવી રીતે પાછા બોલાવી શકાય નહીં, તમારો હસ્તક્ષેપ હોય તો પાછા બોલાવી શકાય.’
રોસાટેમ પોર્ટેબલ પ્લાન્ટ બનાવવા માટે સક્ષમ છે. અત્યારે અહીંના વિજ્ઞાનીઓ શુદ્ધીકરણ અને સંવર્ધન માટેનો પ્લાન્ટ તૈયાર કરવાની
જહેમત કરી રહ્યા છે, યેવગેની બોલી
રહ્યા હતા ત્યાં જ વચ્ચે કુર્ચાટોવે ઝંપલાવ્યું.
‘શુદ્ધીકરણ અને સંવર્ધન માટેના પ્લાન્ટને તૈયાર કરતી વખતે આપણા પરંપરાગત પ્લાન્ટ કરતાં બે ચેમ્બર ઓછી કરી નાખજો, જેનાથી તેનું કદ ઓછું થઈ જાય,’ કુર્ચાટોવે કહ્યું.
રોસાટેમને પાછા બોલાવવાનું યોગ્ય રહેશે? પ્રેસિડેન્ટ વોલેરન બાઈને સવાલ કરતાં મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ અને ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવ સામે જોયું.
સર, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી તેમને પાછા બોલાવવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ, વેલેરીએ કહ્યું.
****
‘ભારતીય વિજ્ઞાનીઓએ મિશન મૂન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરી નાખ્યું અને હજી સુધી તમે મિશન મૂન માટેનો પ્લાન પણ તૈયાર કરી શક્યા નથી.’
‘તમને નથી લાગતું કે આ અત્યંત શરમજનક બાબત છે, તમારા માટે?’
‘તમારી પાસે આ બાબતે કોઈ ખુલાસો છે?,’ લ્યાન ઝિન પિંગે પોતાની સામે બેઠેલા વિજ્ઞાનીઓની ટીમને સવાલ કર્યો.
‘કોમરેડ સર, અત્યારે આપણી સામે રાખવામાં આવેલા અહેવાલમાં સમાવિષ્ટ બાબતોનો જ સમાવેશ જો ભારતીય મિશન મૂનમાં કરવામાં આવ્યો હોય તો મને નિરાશા થઈ છે.’
‘આ પ્રોજેક્ટ બિલકુલ વ્યવહારુ નથી. આખો પ્રોજેક્ટ નુકસાનીનો છે. આ પ્રોજેક્ટને મંજૂરી મળવી અશક્ય છે, પરંતુ જો મંજૂરી આપવામાં આવી હોય તો તે મંજૂરી આપનારો કાં તો કોઈ અણઘડ કે અજ્ઞાની જ હોઈ શકે,’ અગ્રણી અણુવિજ્ઞાની ઝાંગ વાંગ બોલી રહ્યા હતા અને રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ વારાફરતી ઝાંગ વાંગ અને હ્યુ રેન્યુને જોઈ રહ્યા હતા.
‘આ પ્રોજેક્ટમાં ચંદ્ર પર પોર્ટેબલ પ્લાન્ટ લઈ જવાની વાત કરવામાં આવી છે અને ત્યાં શુદ્ધીકરણ કરવાનું વિચારવામાં આવ્યું છે. ત્યાંથી ૯૯.૯ ટકા શુદ્ધીકરણ કરીને યુરેનિયમને પૃથ્વી પર લાવવાનો વિચાર છે.’
‘આ યોજના પાછળ જેટલો ખર્ચ કરવામાં આવશે તેની સામે પ્રત્યેક ખેપમાં આવનારું યુરેનિયમ મોંઘું પડશે,’ ઝાંગ વાંગે બોલવાનું પૂરું કર્યું.
‘કોમરેડ સર, મારા મતે આ પ્રેઝન્ટેશનમાં કશું છુપાવવામાં આવી રહ્યું છે,’ ઝાંગ યાંગે પોતાની શંકા
વ્યક્ત કરી.
****
વ્હાઈટ હાઉસમાં અત્યારે વાતાવરણ ગરમ હતું. પ્રેસિડેન્ટ જોન લાઈગર તેમને મળેલા અહેવાલથી ખાસ્સા એવા ધુંધવાયેલા હતા.
‘મોનિકા, શું થયું? તને કશી ખબર પડી કે નહીં. ભારતના મિશન મૂનનું પ્રેઝન્ટેશન પણ થઈ ગયું અને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી.’
‘આ વખતે ભારત બધું જ તારા વિચારોથી એકદમ વિપરીત કરી રહ્યું છે.’
‘તારા હોવા છતાં શું વિશ્ર્વનો સૌથી શક્તિશાળી દેશ ત્રીજી વખત ભારતથી મહાત થશે?’
‘મંગળયાન અને ચંદ્રયાનની તેમની સિદ્ધિઓ નાની હતી અને તેની આપણે અવગણના કરી, પરંતુ હવે આ સિદ્ધિ નાની કહી શકાય એવી નથી.’
‘બેસી શું રહી છે, કશુંક વિચાર ઝડપથી કશું કર,’ જોન લાઈગર બોલ્યા.
‘પ્રેસિડેન્ટ સર, તમારી વાત બિલકુલ સાચી છે. આ વખતે ભારત અપેક્ષા કરતાં વિપરિત વર્તન કરી
રહ્યું છે.’
‘ભારતના મિશન મૂનનું પ્રેઝન્ટેશન ભલે થઈ ગયું હોય, પરંતુ હવે આ પ્રોજેક્ટને અમલમાં આવવા દઈ શકાય નહીં.’
‘હમમ, આને માટે મેં કશુંક વિચારી રાખ્યું છે, આ પ્રોજેક્ટ અમલમાં મુકાશે નહીં,’ મોનિકા હેરિસે પ્રેસિડેન્ટ સરને ખાતરી આપી. (ક્રમશ:)
———-
હવે શું?
આપણા મિશન મૂન પ્રોજેક્ટની વાત ક્યાંકથી લીક થઈ છે. અત્યારે મળી રહેલાં એંધાણ મુજબ દેશની વિરોધી પાર્ટીઓ આ અભિયાનને રોકવા માટે દેખાવો કરવાની છે. આ દેખાવો કરનારા લોકોને ચોક્કસ બહારથી જ ભંડોળ મળી રહ્યું છે, પરંતુ એનો સીધો અર્થ એવો થાય છે કે આપણી માહિતી લીક થઈ રહી છે, આદેશ રાજપાલે ગૃહ પ્રધાન અમિતાભ શેઠને કહ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!