લેખક – વિપુલ વૈદ્ય
પ્રકરણ-૩૨
‘સર, વિમાન પ્રકારનું અવકાશયાન ચંદ્ર પર ઊતરાણ કરીને આપણા મશીનો અને લોકોને મૂકીને પાછું ફરશે અને અવકાશમાં તરતું રહેશે. ફરી જ્યારે જરૂર પડે ત્યારે તેને ચંદ્ર પર ઉતારી શકાશે અને પાછું પૃથ્વી પર પણ લાવી શકાશે, રંજન કુમારે કહ્યું
—
અનુપમ વૈદ્ય રવાના થયા બાદ રંજન કુમાર અને અનુપ રોય પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં અનુપ રોયને કશું યાદ આવ્યું અને તેમણે રંજન કુમારને કહ્યું.
‘અનુપમ વૈદ્યના પ્રયોગ સાથે આપણા મિશન મૂન પ્રોજેક્ટને કોઈ સંબંધ છે?’
‘કેમ એવો સવાલ કર્યો,’ રંજન કુમારે અત્યંત નિર્દોષતાથી જવાબ આપ્યો.
‘કેમ કે જ્યાં સુધી આપણા પ્રેઝન્ટેશનનો સવાલ છે ત્યાં સુધી એમાં આવું કશું જ જોવા મળ્યું નથી,’ અનુપ રોયે કહ્યું.
‘આપણે શાંતિથી બેસીને વાત કરીએ,’ રંજન કુમારે કહ્યું.
‘રંજન, તને મારા પર હવે કોઈ વાતનો વિશ્ર્વાસ નથી, બરાબર?,’ અનુપ રોય બોલ્યા.
‘એવું કશું જ નથી,’ હવે રંજન કુમાર પૂરા બચાવાત્મક ભૂમિકામાં આવી ગયા.
‘તો પછી મને કેમ જાણકારી આપી નહોતી કે તારા મગજમાં શું ચાલી રહ્યું છે.’ અનુપ રોય આક્રમક થયા.
‘આપણે અહીં લોબીમાં વાત કરવાને બદલે કેબિનમાં જઈને વાત કરીએ?,’ રંજન કુમારે કહ્યું.
‘સારું,’ અનુપ રોય બોલ્યા.
બંને નોર્થ-એન્ડની કેબિનમાં પહોંચ્યા અને અંદર ગયા બાદ નાની કેબિનમાં બેઠા.
‘હવે જવાબ આપ,’ અનુપ રોયે રંજન કુમારને કહ્યું.
‘મારી કશું જ છુપાવવાની ઈચ્છા નહોતી, પરંતુ હજી સુધી મારી પાસે નક્કર યોજના નથી. પ્રેઝન્ટેશન વખતે નક્કર યોજના ન હોવાને કારણે મેં આ બધી બાબતો સ્પષ્ટ કરી નહોતી, રંજન કુમારે પોતાનો પક્ષ માંડવાનો પ્રયાસ કર્યો.
‘તને હું નાનો બચ્ચો લાગું છું,’ હવે અનુપ રોય ખરેખર ધુંધવાયા હતા.
‘સર, એવું નથી. મારી વાત તો સાંભળો…’
રંજન કુમારને વચ્ચે જ કાપતાં અનુપ રોય બોલ્યા.
‘તમારી વાત સાંભળવા જ આપણે કેબિનમાં આવ્યા છીએ, બોલ.’
‘વાત એમ છે કે ચંદ્ર પરથી યુરેનિયમને પૃથ્વી પર લાવવાની યોજના મને અવ્યવહારુ લાગી રહી હતી.’
‘આનો રસ્તો શોધતાં મને અનુપમ વૈદ્યના પ્રયોગનો વિષય યાદ આવ્યો હતો.’
‘જો આ રીતે આપણે કામ કરી શકીએ તો અંધકાર દૂર કરવાની આપણી ઈચ્છા પૂરી થઈ શકશે.’
‘મને આશા છે કે ટૂંકા અંતરમાં તેનો પ્રયોગ સફળ થાય તો આપણે લાંબા અંતરનું વિચારી શકીશું,’ રંજન કુમારે પોતાની વાત કરી.
‘અચ્છા, આ સિવાય બીજું શું છુપાવ્યું છે મારાથી,’ અનુપ રોયે કટાક્ષમાં કહ્યું.
‘કશું જ નહીં, વિક્રમ નાણાવટીને એક નાનું કામ આપ્યું છે.’
‘તારી પાસે મદદ માટે આવ્યો હશે.’
‘રોકેટ જેવું અવકાશયાન નથી વાપરવું, પરંતુ વિમાન જેવું અવકાશયાન વાપરવું છે.’ રંજન કુમાર બોલ્યા.
‘આનાથી શું ફરક પડશે?,’ અનુપ રોયે સવાલ કર્યો
‘આકાશમાં તેનો સેટેલાઈટની જેમ પણ ઉપયોગ કરી શકાશે અને આપણો દરેક યાત્રાનો ખર્ચ ઘણો ઓછો થઈ જશે,’ રંજન કુમારે કહ્યું.
‘કેવી રીતે, સમજાવી શકશે?,’ અનુપ રોય બોલ્યા.
‘સર, વિમાન પ્રકારનું અવકાશયાન ચંદ્ર પર ઊતરાણ કરીને આપણા મશીનો અને લોકોને મૂકીને પાછું ફરશે અને અવકાશમાં તરતું રહેશે. ફરી જ્યારે જરૂર પડે ત્યારે તેને ચંદ્ર પર ઉતારી શકાશે અને પાછું પૃથ્વી પર પણ લાવી શકાશે, રંજન કુમારે કહ્યું.
‘વિમાન પ્રકારનું અવકાશયાન પસંદ કરવા પાછળ સરળ ઊતરાણ અને ઉડ્ડયનને ધ્યાનમાં રાખ્યું છે.’
‘તમારાથી કશું જ ગુપ્ત રાખવું નથી, પરંતુ હજી મારા પ્રયત્નો ચાલી રહ્યા છે,’ રંજન કુમારે કહ્યું.
‘આ માટે કોને જવાબદારી સોંપી છે અને શું કામ સોંપ્યું છે?,’ અનુપ રોયે સવાલ કર્યો.
‘તમારા પ્રિય શિષ્ય વિક્રમ નાણાવટીને એક નાનું કામ સોંપ્યું છે, જો તે સફળ થાય તો પછી આગળનું વિચારીશું,’ રંજન કુમારે કહ્યું.
‘આ બધું ગુપ્ત રાખવાની આવશ્યકતા હતી અને તમારી આજુબાજુ કાયમ બધા રહેતા હતા,’ એમ પણ રંજન કુમારે કહ્યું.
***
અમિતાભ શેઠની કેબિનમાં રંજન કુમાર, અનુપ રોય અને આદેશ રાજપાલ બેઠા હતા. આખી યોજના તેમને સમજાવ્યા બાદ ગૃહ પ્રધાને રાજેશ તિવારીને ફોન કરીને વિક્રમ નાણાવટીને બોલાવવાનો આદેશ આપ્યો.
‘મે આઈ કમ ઈન સર,’ વિક્રમ નાણાવટીએ દરવાજે આવીને સવાલ કર્યો.
‘યસ, કમ ઈન,’ ગૃહ પ્રધાને કહ્યું.
કચેરીમાં રંજન કુમાર અને અનુપ રોય બંનેને સાથે જોઈને વિક્રમને થોડી નવાઈ લાગી. ઓરિસામાં બંનેએ છેલ્લે સાથે કામ કર્યું હતું અને વિક્રમની બદલી થયા બાદ બંને વચ્ચે બોલવાના સંબંધો રહ્યા નહોતા અને તેથી બંને કાયમ એકબીજાથી દૂર રહેતા હતા.
અત્યારે બંને સાથે બેઠા હતા અને તેમના ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે બંને ખુશ હતા. આ બાબત ખરેખર નવાઈ પામવા જેવી હતી.
‘વિક્રમ, તને અહીં એક મહત્ત્વના કામ માટે બોલાવવામાં આવ્યો છે,’ અમિતાભ શેઠે વાતનો પ્રારંભ કર્યો
‘વિશાખાપટ્ટનમ જવાની તૈયારી કરો,’ ગૃહ પ્રધાને કહ્યું.
‘વિશાખાપટ્ટનમ!,’ વિક્રમે ગૃહપ્રધાન અને પછી રંજન કુમાર તેમ જ અનુપ રોય સામે વારાફરતી જોયું.
‘મેં તને જે વાત કરી હતી તેનું પ્રોટોટાઈપ તારે તૈયાર કરવાનું છે. વિશાખાપટ્ટનમમાં આપણી પાસે એક અણુસબમરીનનું એન્જિન ફાજલ પડ્યું છે.’
‘તારે આ એન્જિનનો અને અણુઈંધણનો ઉપયોગ કરવાનો છે અને ત્યાં તને જે વિમાનના બે-ત્રણ પ્રોટોટાઈપ તૈયાર કરીને આપવામાં આવે તેમાં એન્જિન બેસાડીને ઉડ્ડયન થઈ શકે કે નહીં તેની ચકાસણી કરવાની છે.’
‘તારો પ્રયોગ કરવા માટે તને બીજા કેટલા લોકોની આવશ્યકતા છે?’ રંજન કુમારે વિક્રમને સવાલ કર્યો.
‘આટલું જલદી, હજી તો ગઈકાલે જ આપણે આવા પ્રોટોટાઈપની તૈયારી કરવાની વાત થઈ હતી,’ વિક્રમે રંજન કુમાર સામે જોયું.
‘આપણી પાસે સમય નથી. જ્યાં સુધીમાં અનુપમ એનો પ્રયોગ કરે ત્યાં સુધીમાં તારે પ્રોટોટાઈપ તૈયાર કરવાનું છે,’ અનુપ રોયે કહ્યું.
‘વિક્રમ, તારે ડીઆરડીઓ સિવાય કોઈની મદદ લેવાની નથી. ત્યાંના સંબંધિત અધિકારીને તારા આગમનની વાત કરી દેવામાં આવી છે. તને જોઈતી બધી વસ્તુઓ એ લોકો ઉપલબ્ધ કરાવશે, બરાબર.’
‘આ વાત અત્યંત ખાનગી રાખવાની છે, ખબર છે ને?’
‘તને ત્રણ પ્રોટોટાઈપ વિમાન આપવામાં આવશે. તેના પર તારો પ્રયોગ કરવાનો છે. ત્યાં પડેલા એન્જિનની તાકાત મને ખબર નથી. તારે જોઈ લેવાનું રહેશે, બરાબર,’ ગૃહ પ્રધાને વિક્રમ નાણાવટીને કહ્યું.
‘હા સર, સમજી ગયો,’ વિક્રમે જવાબ વાળ્યો.
***
‘આ શું ચાલી રહ્યું છે? અનુપમ ક્યાં છે? તું શેની તૈયારીઓ કરી રહ્યો છે? મને કશું કહેશે?’
હજી તો વિક્રમ પોતાની રૂમ પર જઈને સામાન બાંધતો હતો ત્યાં લૈલા આવી ચડી અને એક સરખો પ્રશ્ર્નોનો મારો ચલાવ્યો.
‘જો લૈલા, અત્યારે હું ઘણો તણાવમાં છું. મને ખબર નથી કે અનુપમ ક્યાં છે. હું અત્યારે કામ માટે જઈ રહ્યો છું. આપણે પછી વાત કરીશું,’વિક્રમે અત્યંત રૂક્ષ સ્વરમાં આપેલા જવાબથી લૈલા ચોંકી ગઈ.
‘વિક્રમ, તું પણ?’ લૈલા બોલી ઊઠી.
‘અનુપમ તો નિર્દયી હતો જ, હવે તું પણ આવું કરવા લાગ્યો? તમે બધા જ પુરુષો હૃદયવિહીન છો,’ લૈલાનો અવાજ જાણે આર્તનાદ બની રહ્યો હતો.
‘લૈલા, આપણે કોલેજિયન નથી. પીઢ વ્યક્તિઓની જેમ વર્તન કરતાં શીખ. અત્યારે અત્યંત મહત્ત્વના કામે હું બહાર જઈ રહ્યો છું. તારા કોઈ સવાલના જવાબ મારી પાસે નથી અને હોય તો આપી શકું એમ નથી,’ વિક્રમે સ્પષ્ટ વાત કરી અને પોતાની બેગ લઈને ચાલતી પકડી.
વિક્રમના આવા વર્તનથી જાણે તૂટી ગઈ હતી લૈલા અને પોતાના મોં પર રૂમાલ ઢાંકીને ભાગી ગઈ. (ક્રમશ:)
—-
હવે શું?…
મને જાણકારી મળી છે કે ભારતે મિશન મૂનના પ્રેઝન્ટેશનમાં ચંદ્ર પરની ધાતુઓનું શુદ્ધીકરણ કરવા માટે પોર્ટેબલ મશીન લઈ જવાનું નક્કી કર્યું છે. આ મશીન લઈ જવા માટે વિશાળ અવકાશયાનની તૈયારીઓ થઈ રહી છે. મહત્ત્વની વાત એ છે કે ભારત આ ધાતુઓનો ઉપયોગ કરીને ત્રીજા વિશ્ર્વનો અંધકાર દૂર કરવાની અને પોતાના દેશના બધા વાહનોને પણ વીજળી પર દોડાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી રહ્યું છે, કેજીબીના વડા ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈનને માહિતી આપી.