ચંદ્ર પરથી યુરેનિયમ લાવવાનો પ્રોજેક્ટ અવ્યવહારુ છે. જો તેમને અનુપમની બુદ્ધિ પર ભરોસો હોય અને તેઓ એવું માનતા હોય કે ચંદ્ર પરથી પૃથ્વી પર માધ્યમ વગર વીજળી પહોંચાડી શકાશે તો તેનો પ્રયોગ કરી જોવામાં મને વાંધો લાગતો નથી
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટામાં ગૃહ પ્રધાનની કચેરીમાં અમિતાભ શેઠ બેઠા હતા અને તેમણે આદેશ રાજપાલ અને રાજેશ તિવારીને બોલાવ્યા હતા. બંને આવીને તેમની સામે અદબ વાળીને ઊભા હતા.
‘આદેશ, મને લાગે છે કે આપણે રંજન કુમારને બોલાવીને સામે બેસાડીને આ બાબતે પૂછપરછ કરવી જોઈએ,’ અમિતાભ શેઠે કહ્યું.
‘હોમ મિનિસ્ટર સર, આપણે એવું ના કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમને ખબર પડી જશે કે આપણે તેમની બધી જ વાતો જોઈ/સાંભળી શકીએ છીએ,’ આદેશે કહ્યું.
‘બીજું, રંજન કુમાર સર જે પણ કરી રહ્યા છે તેની પાછળનો હેતુ દેશને નુકસાન પહોંચાડવાનો નહીં, પરંતુ ફાયદો કરાવવાનો છે.’
‘તેમણે જ કહ્યું છે કે ચંદ્ર પરથી યુરેનિયમ લાવવાનો પ્રોજેક્ટ અવ્યવહારુ છે. જો તેમને અનુપમની બુદ્ધિ પર ભરોસો હોય અને તેઓ એવું માનતા હોય કે ચંદ્ર પરથી પૃથ્વી પર માધ્યમ વગર વીજળી પહોંચાડી શકાશે તો તેનો પ્રયોગ કરી જોવામાં મને વાંધો લાગતો નથી.’
‘આમ છતાં સર, તમે કહેશો એમ કરીએ,’ આદેશે અત્યંત નમ્રભાવે પોતાનો મત વ્યક્ત કર્યો.
‘આદેશ, તારી વાત સાચી લાગે છે. ચાલ આપણે અનુપમને જોઈતી વસ્તુઓની યાદી જોઈ લઈએ,’ અમિતાભે કહ્યું.
‘હોમ મિનિસ્ટર સર, જ્યાં સુધી અનુપમની આવશ્યકતાની વાત છે તો તેની યાદી ૪૮ કલાક પહેલાં તેમની પાસેથી લઈ લેવામાં આવી હતી. હવે આ પ્રયોગ કરવા માટે જગ્યા કઈ પસંદ કરવી તેની વાત બાકી છે.’
‘દિલ્હીમાં આપણા બે પર્વતો છે સામ-સામે,’ આદેશે કહ્યું.
‘ના, દિલ્હીમાં આપણને આવું જોખમ જોઈતું નથી,’ અમિતાભ શેઠે તરત જ નનૈયો ભણ્યો.
‘દિલ્હીમાં આવો પ્રયોગ કરવા જઈએ અને કશું આડુંઅવળું થાય તો આખી દુનિયામાં હાહાકાર થઈ જાય.’
‘બીજું આ આખો પ્રયોગ ગુપ્ત રીતે કરવાનો છે અને તેથી અનુપમને દિલ્હીની આસપાસના પણ કોઈ હિલ-સ્ટેશન પર આવું સાહસ કરવાનું નથી,’ અમિતાભ શેઠે કહ્યું.
‘સર, એક વાત કહું.’
‘બોલ,’ અમિતાભે કહ્યું.
‘અનુપ રોય સાથે અનુપમ વૈદ્યે વાત કરી ત્યારે તેમણે જે વિકલ્પ આપ્યો તે સાંભળ્યો હતો.’
‘મને લાગે છે કે આપણે આ જ વિકલ્પ અનુપમને આપવા જોઈએ,’ આદેશ રાજપાલે કહ્યું.
ક્યો છે તે વિકલ્પ? અમિતાભે પૂછ્યું.
‘તિરુવનંતપુરમમાં આવેલી રોસ હિલ, શૃંગમણિ હિલ અને કોંડા હિલનો વિસ્તાર,’ આદેશે કહ્યું.
‘અચ્છા! મારા ખ્યાલથી ત્યાં કોઈ પ્રકારનો વાંધો ન આવવો જોઈએ. તેને ફાઈનલ કરી નાખો,’ ગૃહ પ્રધાને કહ્યું.
‘તેને જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ કરાવી આપો. તે સિવાય આ પ્રયોગ માટે બીજી કઈ વસ્તુની જરૂર પડી શકે છે તેની જાણકારી અનુપ રોય પાસેથી લઈને વ્યવસ્થા કરો.’
‘અનુપમને અહીંથી સીધા રોસ હિલ પર જ ઉતારજો. તેની સાથે વિજ્ઞાનીઓ અને મદદનીશોની ટીમ પણ આપજો. કોઈની પાસે ફોન ન હોવો જોઈએ, સમજ્યા?’ ગૃહ પ્રધાને પૂછ્યું.
‘યસ સર,’ આદેશ અને રાજેશ એકસાથે બોલ્યા.
અનુપમને મોકલી આપજો, તેમણે આદેશ આપ્યો.
‘હા સર,’ રાજેશે કહ્યું અને તે ઝડપથી બહાર ગયો.
થોડી વાર પછી અનુપમ વૈદ્ય આવ્યો ત્યારે રૂમમાં અમિતાભ શેઠ એકલા બેઠા હતા. તેમણે અનુપમને બેસવાનું કહ્યું.
‘તારી સાથે અત્યાર સુધી શું થયું તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી.’
‘અત્યારે હવે તને પાછો લેવા માટે એક તક આપી રહ્યો છું.’
‘તારે એક પ્રયોગ કરવો છે અને તેને માટેની પરવાનગી તે માગી હતી, બરાબર.’
‘આ પ્રયોગ કરવા માટે તારે કેટલાંક સાધનોની આવશ્યકતા છે, બરાબર.’
‘હા, સર,’ અનુપમ વૈદ્ય સંકોચાતો બોલ્યો.
ગૃહ પ્રધાન તરીકે અમિતાભ શેઠની ધાક હતી અને તેમનાથી બધા જ લોકો ડરતા હતા અને અત્યારે તેમની સામે પ્રત્યક્ષ સ્વરૂપે બેસાડવામાં આવ્યો હોવાથી અનુપમ પણ અંદરથી ડરતો હતો. કદાચ તેની સામે મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આરોપોની વાત હશે એમ સમજીને ખુરશીની અંદર પણ સંકોચાઈને બેઠો હતો.
‘પ્રયોગ કરવાની તારી પરવાનગી મંજૂર કરવામાં આવે છે. તારે ૪૮ કલાકમાં પ્રયોગ પૂરો કરવાનો છે,’ અમિતાભ શેઠે કહ્યું.
‘આ પ્રયોગ પર તારું ભવિષ્ય આધાર રાખે છે, એમ સમજી લે. તારા અંગત જીવન સાથે મારે કશી લેવાદેવા નથી. તેં લોકો સાથે શું કર્યું, તેમણે તારી સાથે શું કર્યું. તારો પ્રયોગ સફળ થશે તો તારી બધી ભૂલો માફ.’
અમિતાભ શેઠ આટલું બોલતાં બોલતાં પોતાની ખુરશીમાંથી ઊભા થયા અને ગોળ ફરીને અનુપમના ખભે હાથ મૂક્યો. અનુપમના શરીરમાં એક કંપારી છૂટી ગઈ. આ પ્રોજેક્ટ સાથે હવે તેના જીવન-મરણનો પ્રશ્ર્ન જોડાઈ ગયો હતો. જોકે, એક વાત સારી હતી કે તેના બંને બોસ તેની સાથે હતા. હવે તેને નિષ્ફળ જવાનો કોઈ ડર નહોતો, પરંતુ હવે સફળતા માટે પૂરી રીતે પોતાની જાતને ઝબોળી નાખવી પડશે એ તો નક્કી થઈ ગયું હતું.
જેવી ગૃહ પ્રધાનની વાત પૂરી થઈ કે તરત જ રાજેશ તિવારી અંદર આવ્યો.
‘સર, તમારા જવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. તમારે કોઈ સામાન લેવાનો છે?’ રાજેશ તિવારીએ અનુપમને સંબોધીને કહ્યું.
‘મારો એક થેલો છે, બે કપડાં અને મારા પ્રયોગની ફાઈલ ધરાવતો એટલું લઈને આપણે જઈએ. જવા પહેલાં હું અનુપ સરને મળી શકું?’ અનુપમે રાજેશ તિવારીને ધીમે સ્વરે સવાલ કર્યો.
‘તમારે ક્યાંય જવાની આવશ્યકતા નથી, પ્યુન થેલો લઈ આવશે. અનુપ રોય સર અને રંજન કુમાર સર બંને અહીં જ આવી રહ્યા છે,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘તમારા પ્રયોગને ગુપ્ત રાખવા માટે આ સાવચેતી આવશ્યક છે,’ રાજેશ તિવારીએ સ્પષ્ટતા કરી.
થોડી વારમાં રંજન કુમાર અને અનુપ રોયે ઓરડામાં પ્રવેશ કર્યો. અંદર આવીને તેમણે ગૃહ પ્રધાન અમિતાભ શેઠને અભિવાદન કર્યું. ગૃહ પ્રધાને તેમને બેસવાનો નિર્દેશ કર્યો.
‘અત્યારે તમને અત્યંત મહત્ત્વની જાણકારી આપવા જઈ રહ્યો છું. અનુુપમ વૈદ્યની પ્રયોગ માટેની પરવાનગી સ્વીકારી લેવામાં આવી છે.’
‘તેમને વીજળીને ફેંકવા માટેનું ઉપકરણ, આ વીજળીના તરંગોને ઝીલનારું ઉપકરણ અને તેનું પ્રતિબિંબ પાડી શકે એવું ઉપકરણ ગોઠવી આપવા માટે કઈ જગ્યા યોગ્ય રહેશે?’ અમિતાભ શેઠે બંનેને સવાલ કર્યો.
‘હોમ મિનિસ્ટર સર, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી સિમલા કે લદાખ અહીંથી નજીક પડશે ત્યાં જો પ્રયોગ થઈ શકે તો..’
રંજન કુમાર બોલી રહ્યા હતા, પરંતુ તેમને વચ્ચે જ કાપતાં અમિતાભ શેઠે કહ્યું કે ‘દિલ્હીથી નજીક કે પછી ચીનની સરહદની નજીક કોઈપણ સ્થળ પસંદ કરી શકાશે નહીં.’
‘મારા મતે તિરુવનંતપુરમમાં આવેલી રોસ હિલ, શ્રૃંગમણિ હિલ અને કોંડા હિલનો વિસ્તાર સારો રહેશે.’ અનુપ રોયે કહ્યું.
આ જ જવાબ સાંભળવાની અપેક્ષા રાખનારા અમિતાભ શેઠે તરત જ કહ્યું કે ‘તમારી વાત માન્ય છે. આ ત્રણ ડુંગર પર આખો પ્રયોગ કરવામાં આવશે.’
‘તમારા મતે આ પ્રયોગ માટે આવશ્યક જે વસ્તુઓ લાવવી પડે અને લાવી શકાય તેની યાદી રાજેશને આપી દેજો.’
‘અડધા કલાકમાં અનુપમ રોસ હિલ પર જઈ રહ્યો છે. બાકીની વ્યવસ્થા માટે કોને સંપર્ક કરવાનો છે તે મને જણાવશો.’
‘હા, આ વાત અત્યંત ખાનગી રાખવાની છે તે ભૂલશો નહીં,’ અમિતાભ શેઠે કહ્યું.
‘રાજેશ, આ ત્રણ ડુંગરોને ત્રણ દિવસ માટે માનવી અવરજવરથી મુક્ત કરી નાખજો, સમજ્યા’ ગૃહ પ્રધાને કહ્યું.
‘યસ સર, હું અનુપમ સરને લઈ જવાની વ્યવસ્થા કરું છું,’ રાજેશ તિવારી આટલું બોલીને બહાર ગયો.
થોડીવારમાં એક પ્યૂન અનુપમ વૈદ્યનો થેલો લઈ આવ્યો.
ગળગળો થઈ ગયેલો અનુપમ તરત ઊભો થઈને અનુપ રોય અને રંજન કુમારને પગે લાગ્યો. રંજન કુમારે ઊભો કરીને છાતીસરસો ચાંપ્યો અને કહ્યું કે, ‘હવે તારી કસોટી છે અને આ કસોટીમાં તારે ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થવાનું છે.’
બંને વરિષ્ઠોને પગે લાગ્યા બાદ અનુપમ ગૃહ પ્રધાનની નજીક પહોંચ્યો અને તેમને પગે લાગવા ગયો, પરંતુ તેમણે તેના બંને હાથ પકડી લીધા.
‘આ બંને તો તારા વરિષ્ઠો છે, મને પગે ન લાગવાનું હોય,’ અમિતાભ શેઠે કહ્યું.
‘સર, આજે મને નવી જિંદગીની તક મળી છે. તમારે માટે મારો જાન હાજર છે,’ અનુપમ ભાવાવેશમાં બોલી ગયો.
‘અરે ગાંડા, મને તારો જીવ લઈને શું કરવું છે. તારે આ પ્રયોગ સફળ કરવાનો છે. જાન આપવો હોય તો મારા માટે નહીં, દેશ માટે આપજે. દેશપ્રેમથી વધુ દુનિયામાં કશું જ નથી.’
‘માનવસેવાનો ભેખ લીધો હતો ને તેં? માનવીઓના હિત માટે કશું કરવાનું આવે ત્યારે પાછીપાની ન કરતો.’ અમિતાભ શેઠે કહ્યું.
અનુપ રોય અને રંજન કુમારે પ્રયોગમાં લેવાની કેટલીક સાવચેતીઓ અને અન્ય બાબતો અંગે અનુપમને સલાહ આપી એટલી વારમાં રાજેશ તિવારી અન્ય ત્રણ વિજ્ઞાનીઓ સાથે આવી ચડ્યો.
‘આ બધા સાથે જઈ રહ્યા છે,’ એમ રાજેશે રંજન કુમાર અને અનુપ રોયને કહ્યું.
‘પ્રયોગ માટે જરૂરી અન્ય સહાયકો ત્યાં રોસ હિલ પર પહોંચી ગયા છે,’ રાજેશે અમિતાભ શેઠને માહિતી
આપી. (ક્રમશ:)
———
હવે શું?…
વિક્રમ, તારે માટે એક મહત્ત્વનું કામ છે. આપણી અણુસબમરીનનું એક એન્જિન ફાજલ પડ્યું છે. આ એન્જિનને પ્લેનમાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવાની છે. તારે વિશાખાપટ્ટનમ જવાનું છે અને પ્રોટોટાઈપ તૈયાર કરીને તેનું પરીક્ષણ કરવાનું છે. આને માટે તારી પાસે અત્યંત ઓછો સમય છે. તારે ત્યાં પડેલા પ્લેનને અણુસબમરીનના એન્જિન પર ઉડાવીને દેખાડવાનું છે, અણુઈંધણ સાથે. આ વાતને ગુપ્ત રાખવાની છે, બોલ તને મદદ માટે કોની આવશ્યકતા છે, રંજન કુમારે પોતાના સિક્રેટ મિશનની વાત માંડી