આ સાંભળ્યા પછી એવું લાગી રહ્યું છે કે રંજન કુમાર બધા વિજ્ઞાનીઓથી ખાનગી રાખીને પોતાની અલગ જ યોજના બનાવી રહ્યા છે. આનો અર્થ એવો થાય છે કે ક્યાં તો તેમને અન્ય વિજ્ઞાનીઓ પર વિશ્ર્વાસ નથી અથવા તો તેમને પોતાની યોજના સફળ થાય તેની શંકા છે, અમિતાભે કહ્યું
લેખક – વિપુલ વૈદ્ય
‘આદેશ-રાજેશ, તમને આ સંભળાઈ રહ્યું છે?’ ગૃહપ્રધાન અમિતાભ શેઠ અત્યારે ક્રોધમાં કંપી રહ્યા હતા.
‘હમણાં થોડા સમય પહેલાં આપણને જે પ્રેઝન્ટેશન દેખાડવામાં આવ્યું તેમાં ચંદ્ર પરથી શુદ્ધીકરણ કરીને યુરેનિયમ પૃથ્વી પર લાવવાની વાત થઈ રહી હતી અને અહીં આ રંજન કુમાર અનુપમ વૈદ્યને અલગ જ વાત કરી રહ્યો છે,’ ગૃહપ્રધાન બોલ્યા.
‘સર, હજી આગળ સાંભળો,’ રાજેશ તિવારી બોલ્યો.
‘આ શું? અનુપમના પ્રયોગને કારણે તેના પર સંકટ હતું? આ સાંભળ્યા પછી તો એવું લાગી રહ્યું છે કે જે માણસને આપણે વિલન માનતા હતા તે ખરેખર અનુપમ માટે હીરો હતો,’ અમિતાભ બોલ્યા.
‘સર, હજી વિક્રમ સાથેની વાતો પણ આમાં રેકોર્ડ થયેલી છે,’ રાજેશ તિવારી બોલ્યો.
‘આ સાંભળ્યા પછી એવું લાગી રહ્યું છે કે રંજન કુમાર બધા વિજ્ઞાનીઓથી ખાનગી રાખીને પોતાની અલગ જ યોજના બનાવી રહ્યા છે.’
‘આનો અર્થ એવો થાય છે કે ક્યાં તો તેમને અન્ય વિજ્ઞાનીઓ પર વિશ્ર્વાસ નથી અથવા તો તેમને પોતાની યોજના સફળ થાય તેની શંકા છે,’ અમિતાભે કહ્યું.
‘સર, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી રંજન કુમારની નિષ્ઠા માટે કોઈ શંકા લઈ શકાય એવું નથી, પરંતુ બાકીના વિજ્ઞાનીઓ તેમને ધૂની માનીને અનેક વખત તેમની સાથે સહમત થતા ન હોવાથી તે મોટા ભાગના પ્રોજેક્ટ એકલેપંડે કરવાનો પ્રયાસ કરતા હોય છે.’
‘કદાચ એવું પણ હોય કે આ પ્રોજેક્ટનું નેતૃત્વ અનુપ રોયને સોંપી દેવામાં આવ્યું એટલે તેઓ નારાજ હોય, કેમ કે વડા પ્રધાન પાસે આ યોજનાને પહેલી વખત રજૂ કરનારા તેઓ પોતે જ હતા,’આદેશે પોતાનો મત વ્યક્ત કર્યો.
રાજેશ આ સિવાય કોઈ જાણવા લાયક વાત છે?
‘સર, લૈલાની વાત છે. મેં આદેશને જાણ કરી છે,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘અનુપમ સામેની ઈન્ક્વાયરીના વડા કોણ છે? તેમણે પોતાનો
અહેવાલ આપ્યો છે?’ અમિતાભે સવાલ કર્યો.
‘હજી સુધી નથી સોંપ્યો, તમને આજના દિવસમાં આપી જશે એવું લાગે છે,’ આદેશે જવાબ આપ્યો.
‘વિક્રમનો શું મુદ્દો હતો?’ અમિતાભનો સવાલ.
‘વારંવારની બદલી, દર વખતે તેમની સાથેના બીજા એન્જિનિયર વિશાલ માથુરને ફાયદો થયો છે,’ આદેશે કહ્યું.
‘આ વિશાલ માથુર એ જ છે ને જેના કાકા વિધાનસભ્ય છે,’ અમિતાભે પૂછ્યું.
‘હા સર, અત્યારે આપણી બેઠક પૂરી થયા બાદ તે કાકા સાથે જ વાત કરી રહ્યો છે લગભગ અડધા કલાકથી,’ રાજેશ તિવારીએ માહિતી આપી.
‘અચ્છા, સીડીઆર કઢાવ્યો છે?’ અમિતાભે પૂછ્યું.
‘હા સર, સાંભળ્યો નથી. કેમ કે હજી સુધી પીએમ સરે સાંભળવાની પરવાનગી આપી નથી,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘પીએમ સરને મેસેજ આપી
દીધો આજની બેઠકનો?’ અમિતાભે પૂછ્યું.
‘હા સર, તેમનો જવાબ આવ્યો છે કે તમને (ગૃહપ્રધાનને) યોગ્ય લાગ્યું હોય તો અનુપ રોયને બોલાવીને ગો-અહેડનું સિગ્નલ આપી દેજો,’ આદેશ રાજપાલે વિગતો આપી.
‘મારા હિસાબે તો વાત યોગ્ય છે. આ પ્રોજેક્ટ આપણને આખી દુનિયામાં ત્રીજી વખત માથું ઊંચું કરવાની તક આપશે. આપણે આ પ્રોજેક્ટને આગળ વધવાની પરવાનગી આપી દઈએ. તમે અનુપ રોયને બોલાવીને જાણ કરી દેજો,’ અમિતાભે કહ્યું.
‘સર, એક પ્રશ્ર્ન છે. આ વીડિયો જોયા પછી તમને એમ નથી લાગતું કે અનુપ રોયને બદલે રંજન કુમારને બોલાવીને આખી યોજનાનું
નેતૃત્વ સોંપવું જોઈએ,’ રાજેશ તિવારીએ પોતાને મૂંઝવતો પ્રશ્ર્ન કરી નાખ્યો.
‘બિલકુલ નહીં, વાત છુપાવનારી વ્યક્તિ પર ભરોસો કરી ન શકાય. આ લોકોને કદાચ ખબર નથી કે અહીં થનારી દરેક વાત આપણે સાંભળી શકીએ છીએ એટલે તેમના અસલી ચહેરા સામે આવી રહ્યા છે,’ અમિતાભે પોતાનો મત વ્યક્ત કર્યો.
****
‘અનુપમ, મારી વાત સાંભળ,’ લૈલાએ અનુપમને આખરે એકલો પકડી પાડ્યો.
‘મારે કોઈ વાત નથી સાંભળવી,ઽઽ’ અનુપમે વાત સાંભળવાનો ઈનકાર કર્યો.
‘તારી ગેરસમજ થાય છે, હું તારી દુશ્મન નથી,’ લૈલાએ કહ્યું.
‘હોઈ શકે, પણ એનાથી શું મારે તારી સાથે વાત નથી કરવી,’ અનુપમ બોલ્યો.
‘મારા પર દબાણ હતું,’ લૈલાએ કહ્યું.
‘મારે નથી જાણવું. અત્યારેને અત્યારે તું જતી રહે નહીં તો હું આ પ્રોજેક્ટ છોડીને જતો રહીશ. ભલે મારું સસ્પેન્શન ચાલુ રહે.’
‘હું મારા ગામમાં અડધા પગારમાં પણ ગુજારો કરી લઈશ.’
‘નહીં પૂરું થાય તો હું વાંસળી વગાડીને ભીખ માગી લઈશ પણ તારી કોઈ વાત મારે સાંભળવી જ નથી,’ અનુપમ અત્યંત આક્રમક બન્યો.
ફરી એક વખત છોભીલી પડી ગઈ લૈલા અને રૂમાલમાં મોં સંતાડીને ભાગી ગઈ.
****
‘હોમ મિનિસ્ટર સર, રવિ માથુર, વિશાલ માથુરના વિધાનસભ્ય કાકાએ ઈસરોમાં પોતાની વગનો ઉપયોગ કર્યો હતો.’
‘તેમની પાર્ટી ચીનની સત્તાધારી પાર્ટી સાથે સંબંધ ધરાવે છે એવું પણ જાણવા મળ્યું છે.’
‘વિશાલ માથુર સાથે લાંબી વાત કર્યા બાદ તેમણે ઓરિસાના કોઈ નંબર પર વાત કરી હતી. દસેક મિનિટ જેટલી વાત ચાલી હતી. મને શંકા પડી એટલે મેં એ સ્થળ પર કાર્યરત દરેક ફોનનું ટ્રેકિંગ કરાવ્યું હતું અને અન્ય એક નંબરથી ડુઆંગઝોંગ (ચીન)માં વાત થઈ હતી,’ રાજેશ તિવારીએ પોતાને સંવેદનશીલ
લાગતી વાતની વિગતો ગૃહપ્રધાનને આપી.
‘એટલે? ઓરિસાથી કોઈના તાર જોડાયેલા છે?’
‘અનુપમને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે તે ઓરિસામાં જ હતો ને?’ ગૃહપ્રધાને પૂછ્યું.
‘હા, સર,’ રાજેશ બોલ્યો
‘વિક્રમની બદલી કરવામાં આવી ત્યારે તે પણ ઓરિસામાં જ હતો ને?’ ગૃહપ્રધાને પૂછ્યું.
‘હા, સર,’ રાજેશે કહ્યું.
‘આ ઓરિસાનું કનેક્શન ખટકી રહ્યું છે. આની તપાસ કરવાની જરૂર જણાઈ રહી છે,’ અમિતાભે કહ્યું.
હા, સર, આદેશ રાજપાલે જવાબ આપ્યો અને ઉમેર્યું કે ‘હું શર્માજીને આ બાબતે ખાનગી રાહે તપાસ કરવા જણાવું છું.’
ઠીક છે, ત્યાં સુધી લૈલાની વિગતો લાવો મારી પાસે, અમિતાભે આદેશ આપ્યો.
‘હા, સર.’ બંને એક સાથે બોલી ઉઠ્યા. (ક્રમશ:)
———
હવે શું?
આ રહી તારા પ્રોજેક્ટ માટે આવશ્યક સામગ્રી. આ રહ્યા ત્રણ પર્વતો. તારો પ્રયોગ મને ૪૮ કલાકમાં જોઈએ છે. આ પ્રોજેક્ટ પર તારું ભાવિ આધાર રાખે છે. તારી સાથે શું થયું, તેં લોકો સાથે શું કર્યું તે બધું અત્યારે આ પ્રયોગ પર આધાર રાખે છે. પ્રયોગ સફળ થશે તો તારી બધી જ ભૂલ માફ. જા જીવી લે તારી જિંદગી અનુપમ, અમિતાભ શેઠે જ્યારે આવું કહ્યું ત્યારે અનુુપમ વૈદ્યના શરીરમાં કંપારી છૂટી ગઈ હતી. હવે તેને નિષ્ફળ જવાનો કોઈ વિકલ્પ જ નહોતો