આ વિશેષ પ્રકારના હાઈ વે છે, જ્યાં વીજળીથી બધાં વાહનો દોડશે અને તેને માટે ઉપરના કેબલની આવશ્યકતા નહીં પડે. આ રીતે બસ-ટ્રેન અને મેટ્રો જ નહીં, સામાન્ય બાઈક-રિક્ષા-કાર પણ વીજળી પર ચાલશે અને તેમાં તેમને હાનિકારક લિથિયમ બેટરીનો ઉપયોગ કરવો પડશે નહીં
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટાના વિશાળ હોલમાં અત્યારે મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. અમિતાભ શેઠની અધ્યક્ષતા હેઠળ બેઠક ચાલુ થઈ હતી. આદેશ રાજપાલ અમિતાભ શેઠની પાછળની દિશામાં એક ખુરશી પર બેઠા હતા.
અમિતાભ શેઠની જમણી તરફની હરોળમાં અનુપ રોય, વિક્રમ નાણાવટી, વિશાલ માથુર અને એજેપી અકબર તેમ જ અન્ય કેટલાક આસિસ્ટન્ટ્સ બેઠા હતા જ્યારે સામેની તરફ રંજન કુમાર, અનુપમ વૈદ્ય, લૈલા ડિસોઝા, અમોલ પાઠક અને અન્ય કેટલાક લોકો બેઠા હતા.
રાજેશ તિવારી લેપટોપ લઈને પ્રોજેક્ટર નજીક બેઠા હતા અને કેટલાક વિજ્ઞાનીઓને પાછળ રાખવામાં આવેલી ખુરશીઓમાં બેસાડવામાં આવ્યા હતા.
અમિતાભ શેઠે વારાફરતી રંજન કુમાર અને અનુપ રોય સામે જોયું અને પછી પોતાની નજીક બેઠેલા આદેશ રાજપાલ તરફ નજર કરી. ગૃહ પ્રધાનનો આદેશ સમજી ગયેલા આદેશે બેઠકની ઔપચારિક બેઠક શરૂ થવાનું એલાન કર્યું અને પછી અનુપ રોયને પોતાનો પ્લાન રજૂ કરવા જણાવ્યું.
‘હોમ મિનિસ્ટર સર, અત્યાર સુધીના અમારા બધા પ્રયાસોને પગલે જે રીતનું આયોજન થયું છે તેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરેલું છે. મને લાગે છે કે આપણે પ્રેઝન્ટેશન જોઈ લઈએ,’ અનુપ રોયે કહ્યું.
ગૃહ પ્રધાને મંજૂરી આપ્યા બાદ પ્રેઝન્ટેશન ચાલુ કરવામાં આવ્યું. પ્રેઝન્ટેશન ચાલુ હતું ત્યારે સાથે અનુપ રોય પોતે ગૃહ પ્રધાનને સમજાવી રહ્યા હતા.
‘સર, આ છે આપણી મિશન મૂનની યોજના. મિશન મૂન હાથ ધરવાનું કારણ એ છે કે ચંદ્ર પર અખંડ ઊર્જાનો જે સ્રોત પડ્યો છે તેમાંથી થોડો પૃથ્વી પર લાવીને તેમાંથી આખી દુનિયાને અંધકારથી મુક્ત કરી શકાય.’
‘આ આપણો હેતુ પૂરો થયો.’
‘હવે આ યોજનાથી કેવી રીતે અંધકાર દૂર કરી શકાશે એની વાત કરીએ.’
‘અણુ ઊર્જા વિશ્ર્વમાં સૌથી સારો વિકલ્પ વીજળીનો છે અને તેને મોટા પાયે ઉત્પાદિત કરીને પહેલાં ભારતને વીજળી ઉત્પાદનમાં અગ્રેસર બનાવવા માટેની આ યોજના છે.’
‘આપણે કેટલા પ્લાન્ટ નાખવા પડશે અને તેમાંથી ઉત્પાદિત થનારી વીજળીથી આપણે અંધકાર દૂર કરવાની સાથે આપણા દેશનાં બધાં વાહનોને પણ વીજળી પર ચલાવી શકશું.’
‘આ વિશેષ પ્રકારના હાઈ વે છે, જ્યાં વીજળીથી બધાં વાહનો દોડશે અને તેને માટે ઉપરના કેબલની આવશ્યકતા નહીં પડે. આ રીતે બસો-ટ્રેન અને મેટ્રો જ નહીં, સામાન્ય બાઈક-રિક્ષા-કાર પણ વીજળી પર ચાલશે અને તેમને હાનિકારક લિથિયમ બેટરીનો ઉપયોગ કરવો પડશે નહીં, તેમને સતત વીજળી મળતી રહેશે.’
‘આવા હાઈવે બનાવવાની ટેકનોલોજીનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.’
‘આના પછી આ આપણી પાસે સરપ્લસ વીજળી કેવી રીતે દુનિયાના અનેક દેશોમાં પહોંચાડી શકાશે એની યોજના દેખાડી છે.’
‘હવે આને માટે આપણે જે કરવાનું છે તેની વાત કરીએ.’
‘ચંદ્ર પર જવા માટે આપણે લેન્ડર પ્રકારનું અવકાશયાન વાપરવું પડશે કેમ કે આપણે ચંદ્ર પર સમાનવ ઉતરાણ કરવાનું છે.’
‘આને માટે ત્રણ પ્રકારના યાન તૈયાર કરી શકાશે. એક ફક્ત એક જ તરફથી ખૂલનારું, બીજું બે તરફથી ખૂલનારું અને ત્રીજું ત્રણેય તરફથી ખૂલનારું.’
‘આપણે જે પ્રકારના પોર્ટેબલ શુદ્ધીકરણ પ્લાન્ટ લઈ જવાના છે તેને ધ્યાનમાં લેવામાં આવે તો મને લાગે છે કે તેમને ચંદ્ર પર ઉતારવાનું સહેલું પડે એ માટે ત્રણેય દીવાલો ખુલી શકે એવું યાન બનાવવાનું યોગ્ય રહેશે.’
‘આપણા અવકાશયાનને પાછું પૃથ્વી પર પણ લાવવાનું છે એટલે પાછા ફરવાનું ઈંધણ સાથે લઈને જવું પડશે, જેને માટે આ ટાંકી રાખવામાં આવશે.’
‘આ ટાંકીને મજબૂતી આપવા માટે ચાર લેયરની ટાંકી બનાવવાનો વિચાર છે અને તેમાં વચ્ચે આ એક લેયર અબરખનું હશે જે મજબૂતી આપવાની સાથે જ લેન્ડિંગ વખતે લાગનારો ઝટકો પણ સહન કરી શકશે.’
‘ટાંકીની બહારની તરફ ગ્રેફાઈટ કે પછી ગ્રેનાઈટનું આવરણ રાખવાનો વિચાર છે જે ટાંકીને સુરક્ષિત રાખી શકે.’
‘ચંદ્ર પર આપણે જઈને પાછા ફરવાનું છે એટલે સેટેલાઈટને આકાશમાં તરતા મૂકવા માટે જે પ્રકારના રોકેટ વાપરવામાં આવે છે તેવા રોકેટ વાપરી શકાશે નહીં, તેને માટે આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા રોકેટ વાપરવાની આવશ્યકતા રહેશે.’
‘આ એવા પ્રકારના બે રોકેટના પ્રકાર છે.’
‘અકબર સરની ભલામણને ધ્યાનમાં રાખવામાં આવે તો આ બીજા પ્રકારનું રોકેટ સારું રહેશે. આમાં જતી વખતે જે ભાગો નાશ પામશે તેને પાછા ફરતી વખતે તૈયાર કરી શકાશે.’
‘ચંદ્ર પર લઈ જવા માટે આવા પ્રકારના પોર્ટેબલ પ્લાન્ટ લઈ જવાના છે. આવો એક પ્લાન્ટ આપણી પાસે તૈયાર છે, જેમાં અત્યારે થોરિયમનું શુદ્ધીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટમાં થોડો સુધારો કરીને આવી રીતે યુરેનિયમનું શુદ્ધીકરણ અને સંવર્ધન કરવા માટે વાપરી શકાશે.’
‘આ પ્લાન્ટનું અત્યારે વજન ઘણું છે, પરંતુ ચંદ્રમાં યુરેનિયમ-થોરિયમનું પ્રમાણ જોઈને તેનો આટલો ભાગ કાઢી નાખવામાં આવે તો આપણે આ પ્લાન્ટને સહેલાઈથી લઈ જઈ શકીશું.’
‘આ ચંદ્ર પર શુદ્ધીકરણ અને સંવર્ધન કેવી રીતે થઈ શકશે તેની વિગતો છે.’
‘હવે અહીં, અવકાશયાનને પૃથ્વી પર પાછા લાવવાની વિગતો છે. સૌથી મહત્ત્વની બાબત પૃથ્વી પર પાછા ફરતી વખતે આપણા વાતાવરણમાં થનારા ઘર્ષણ અને પૃથ્વી પર ઉતરાણ વખતે જમીન પર અવકાશયાન ઊતરે તે સુનિશ્ર્ચિત કરવાની યોજના.’
‘આ અત્યારે કઠિન લાગી રહી છે, તેમ છતાં આને શક્ય બનાવવા
માટે થોડો અભ્યાસ અકબર સર કરી રહ્યા છે.’
‘હવે વિવિધ સ્તરે આ યોજનાને અમલમાં મૂકવા માટે થનારા ખર્ચની વિગતો આમાં આપેલી છે. અહીં આ યોજનાને અમલમાં મૂકવા માટે કેટલા માણસો લાગશે, ક્યાં ક્યાં અણુ ઊર્જા પ્લાન્ટ નાખી શકાશે, આ પ્લાન્ટમાં કેવી રીતે ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવશે, આ બધાની પાછળ ખર્ચ કેટલો થશે તેની બધી વિગતો આપેલી છે.’
‘અહીં સરેરાશ એક વખત ચંદ્ર પર જઈને પાછા ફરવાનો ખર્ચ આપ્યો છે.’
‘આ એક ટ્રિપમાં કેટલું યુરેનિયમ આપણે લાવી શકીશું તેની વિગત છે. આ યુરેનિયમ ૯૯.૯ ટકા શુદ્ધ પ્રકારમાં લાવવાના કેટલા જોખમ છે તેની વિગત અહીં છે, પરંતુ તેને કેવી રીતે સુરક્ષિત કરવામાં આવશે તેની વિગતો અહીં આપી છે.’
‘મારા તરફથી આ પ્રેઝન્ટેશન પૂરું થયું. હવે આ બાબતે તમારે કોઈ સવાલ હોય તો અહીં અમે બધા બેઠા છીએ,’ અનુપ રોયે બોલવાનું પૂરું કર્યું. (ક્રમશ:)
———
હવે શું?
અનુપ રોય, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી આપણે મંગલ મિશનમાં તો પ્રતિ કિલોમીટર ખર્ચો ઘણો ઓછો આવ્યો હતો. આવી જ રીતે અવકાશયાન પાછું પૃથ્વી પર આવ્યા
પછી પાછું જવા માટે એ જ અવકાશયાન ન વાપરી શકાય? આમાં
તો નવેસરથી તેનો ખર્ચ દેખાડ્યો છે, અમિતાભ શેઠે પોતાની
શંકાઓ ઉપસ્થિત કરી