Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૨૭

મિશન મૂન પ્રકરણ ૨૭

‘સોરી સર, અત્યાર સુધી અજ્ઞાનતામાં હું તમને મારા દુશ્મન સમજી રહ્યો હતો. આ બધી વાત સમજવા માટે અત્યાર સુધી હું સક્ષમ નહોતો. આજે મને ખબર પડી રહી છે કે મારા હિત માટે જ તમે આ પ્રોજેક્ટની પરવાનગી રોકી રાખી હતી,’ અનુપમ વૈદ્યને અત્યારે પસ્તાવો થઈ રહ્યો હતો

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટામાં સાઉથ-એન્ડની કેબિનમાં અત્યારે રંજન કુમાર કશુંક વિચારી રહ્યા હતા ત્યાં તેમનો મદદનીશ અમોલ પાઠક અંદર આવ્યો.
‘સર, શ્રૃતિ મહેતાને પાછી મોકલી દેવામાં આવી છે અને તેને સ્થાને લૈલા ડિસોઝાને તમારી મદદનીશ તરીકે લાવવામાં આવી છે,’ અમોલ પાઠકે માહિતી આપી.
‘હમમમ,’ વિચારમાં મગ્ન રંજન કુમારે ફક્ત હોંકારો ભર્યો
‘લૈલાને હું શું કામ આપું?’ અમોલે સવાલ કયોર્.
‘અમોલ, જે કામ શ્રૃતિ કરતી હતી તે બધા કામ લૈલાને સોંપી દેજે અને સૌથી પહેલાં થોરિયમ અને યુરેનિયમના સંવર્ધન માટેના પ્લાન્ટને અંતિમ સ્વરૂપ આપજો,’ રંજન કુમારે અમોલને સૂચનાઓ આપી.
‘અમોલ, એક કામ કર. જલ્દી અનુપમ વૈદ્યને કહે કે મને મળે,’ રંજન કુમારે કહ્યું.
****
‘અનુપમ, મારી વાત સમજી લે. ચંદ્ર પરથી યુરેનિયમ પૃથ્વી પર લાવવાની યોજના બિનવ્યવહારુ છે. મારી યોજનામાં આ બાબતનો સમાવેશ જ નથી. તારે મને એવી યોજના તૈયાર કરી આપવાની છે, જેમાં ચંદ્ર પરથી સીધી વીજળી પૃથ્વી પર આવી શકે. શું તું તૈયાર છે?’ રંજન કુમારે પહેલી વખત પોતાની યોજનાનો ફોડ પાડ્યો.
‘સર, તમને લાગે છે કે આ શક્ય થઈ શકશે?’ અનુપમ વૈદ્યે સવાલ કર્યો.
‘મને શક્ય લાગ્યું હતું અને અત્યારે પણ લાગે છે,’ રંજન કુમારે જવાબ આપ્યો.
‘તો પછી શા માટે મારો પ્રયોગ રોક્યો હતો? અનુપમ વૈદ્યે બીજો સવાલ કર્યો.
‘એમ સમજી લે કે આજના દિવસ માટે જ તારો પ્રોજેક્ટ રોકી નાખ્યો હતો,’ રંજન કુમારનો જવાબ.
‘એટલે?,’ હવે સંપૂર્ણ રીતે ગૂંચવાયેલા અનુપમ વૈદ્યે અજ્ઞાનતા વ્યક્ત કરી.
‘તારા પ્રયોગની જ્યારે જરૂર છે ત્યારે આ પ્રયોગને કરવાની ભૂમિકા તૈયાર કરી રહ્યો છું,’ રંજન કુમારે કહ્યું.
‘આવું કરવાનું કોઈ ખાસ કારણ?,’ અનુપમ વૈદ્ય હજી સુધી સમજી શકતા નહોતા કે રંજન કુમાર શું કહેવા માગે છે.
‘અનુપમ, મારી પાસે ત્યારે તારો પ્રયોગ રોકવા માટેનું પણ કારણ હતું અને અત્યારે તારા પ્રયોગને સફળ કરીને ઉપયોગ કરવાનું પણ કારણ છે,’ રંજન કુમારે જવાબ આપ્યો.
‘સર, પણ આવું કેમ કર્યું મારી સાથે?,’ અનુપમે હવે કાકલૂદીના સ્વરે પૂછ્યું.
‘કેમ કે ત્યારે તારા વિષય અને તારા પર બધાની નજર હતી અને મારે તને આ બધાની વચ્ચે સુરક્ષિત રાખવો હતો,’ રંજન કુમારે કહ્યું.
‘તને ખબર પડે છે કે હું શું કહેવા માગું છું? અત્યારે કદાચ તું આ વાત સમજી શકે એટલો પીઢ છે, ત્યારે તેં મારી વાત ન સાંભળી હોત,’ રંજન કુમારે પોતાની વાત પૂરી કરી.
‘સોરી સર, અત્યાર સુધી અજ્ઞાનતામાં હું તમને મારા દુશ્મન સમજી રહ્યો હતો. આ બધી વાત સમજવા માટે અત્યાર સુધી હું સક્ષમ નહોતો. આજે મને ખબર પડી રહી છે કે મારા જ હિત માટે જ તમે આ પ્રોજેક્ટની પરવાનગી રોકી રાખી હતી,’ અનુપમ વૈદ્યને અત્યારે પસ્તાવો થઈ રહ્યો હતો.
‘અનુપમ, તેં જ્યારે પ્રયોગ માટે પરવાનગી માગી હતી ત્યારે ભારતમાં જ નહીં, દુનિયાના કેટલાય દુશ્મનોની નજર તારા પર હતી અને એ લોકો તારા પ્રોજેક્ટને હાઈજેક કરવા માટે તત્પર હતા,’ એમ રંજન કુમારે કહ્યું.
‘હવે હું તારી સાથે છું અને તારે પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે પૂરો કરવાનો છે,’ એમ પણ રંજન કુમારે અનુપમના ખભે હાથ મૂકતાં કહ્યું.
હવે અનુપમને જાણે બશેર લોહી ચડ્યું હતું. જોશ અને જુસ્સા સાથે તે બોલ્યો ‘યસ સર.’
અત્યારે તેના બંને સિનિયરો અનુપ રોય અને રંજન કુમાર તેની સાથે હતા અને હવે તેને પોતાના પ્રયોગના સફળ થવા અંગે કોઈ શંકા નહોતી.
****
‘વિક્રમ, મારે તારી સાથે વાત કરવી છે,’ રંજન કુમારે વિક્રમ નાણાવટીને બોલાવીને તેની સાથે વાત શરૂ કરી.
‘સર, તમારા જેવા મહાન વ્યક્તિને મારી સાથે વાત કરવી છે!’ વિક્રમે કટાક્ષ કર્યો.
‘હા, મારે તારી સાથે વાત કરવી છે અને આ વાત બહાર જવી ન જોઈએ,’ રંજન કુમારે દૃઢ સ્વરે કહ્યું.
રંજન કુમારના સ્વરમાં રહેલી દૃઢતાને જોઈને વિક્રમ નાણાવટીનો સ્વર ધીમો પડ્યો.
‘બોલો સર, શું કહેવું છે,’ વિક્રમે કહ્યું.
‘તમારે ફક્ત ઈંધણ નહીં, એન્જિન પણ તૈયાર કરવાનું છે. રોકેટનું નહીં, વિમાનનું,’ રંજન કુમારે કહ્યું.
‘શું કહ્યું, વિમાનનું એન્જિન!,’ વિક્રમના સ્વરમાં ગૂંચવાડો સ્પષ્ટ જણાઈ રહ્યો હતો.
‘હા, વિમાનનું એન્જિન. વિમાનનો આકાર કેવો હશે તે અત્યારે તો હું કહી નહીં શકું, પરંતુ તારું એન્જિન એવું હોવું જોઈએ કે વિમાનને આકાશમાં અમુક કલાકો કે દિવસો કે પછી અઠવાડિયાઓ માટે સ્થિર કરવું હોય તો થઈ શકે,’ રંજન કુમારે પોતાની માગણી રજૂ કરી.
પોતાની વાત કરીને રંજન કુમાર જતા રહ્યા અને વિક્રમ તેમની વાત પર વિચાર કરતો રહ્યો.
****
‘આદેશ સર, અત્યારે વિજ્ઞાનીઓની ટીમમાં આવેલી લૈલા અંગે મને થોડી શંકા જાગી રહી છે,’ રાજેશ તિવારીએ પોતાના સિનિયર અધિકારીને જઈને કહ્યું.
‘કેમ, શું થયું?’ આદેશે પૂછ્યું.
‘સર, લૈલા આવ્યા પછી ફક્ત પોતાની કેબિનમાં બેસવાને બદલે ત્રણેય ટીમમાં ફરતી રહી છે અને તેના ફોન સતત એક્ટિવ આવી રહ્યા છે,’ રાજેશ તિવારીએ માહિતી આપી.
‘એક કામ કર, એના ફોનનો સીડીઆર મગાવી લે. શ્રૃતિને હજી સુધી પાછી મોકલી નથી ને?’
‘ના સર, સેન્ટ્રલ વિસ્ટામાં બધાને કહેવામાં આવ્યું છે કે તેને પાછી મોકલી દેવામાં આવી, પરંતુ તેને દિલ્હીમાં જ અન્યત્ર રાખવામાં આવી છે,’ રાજેશ તિવારીએ માહિતી આપી.
‘તેના અને તેના પિતાજીના ફોનથી કોઈ શંકાસ્પદ બાબત સામે આવી છે?’ આદેશે પૂછ્યું.
‘ના સર, હજી સુધી કશું શંકાસ્પદ લાગ્યું નથી. તેના પિતાજી પોતાના કામની વાતો કંપનીમાં કરે છે અને પિતા-પુત્રી ફક્ત પારિવારિક વાતો ફોન પર કરે છે. ક્યારેક શ્રૃતિ પોતાના પ્રોજેક્ટના મહત્ત્વ વિશે તેમને જણાવતી હોય છે, પરંતુ હજી સુધી કશું વાંધાજનક સાંપડ્યું નથી,’ રાજેશે અહેવાલ આપ્યો.
———-
હવે શું?
મિશન મૂનના અવકાશયાનનો કાચો પ્લાન આખો તૈયાર થઈ ગયો છે અને આપણે ચંદ્રની સપાટી પર ઊતરીને કામ કરવાનું છે એટલે લેન્ડર ટાઈપનું અવકાશયાન બનાવવું પડશે. આ અવકાશયાનને પાછા પૃથ્વી પર લાવવા માટે વધારાની ઈંધણ ટાંકી પણ સાથે રાખવી પડશે અને રોકેટ ડિસ્પોઝેબલને બદલે રિયુઝેબલ રાખવા પડશે. આ અવકાશયાન તૈયાર કરવા માટે અમને લગભગ એક મહિનાનો સમય લાગશે, એજેપી અકબરે અમિતાભ શેઠની હાજરીમાં થયેલી બેઠકમાં
પોતાની તૈયારીઓની વાત કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular