સર, મારા પ્લાન મુજબ આકાશમાંથી જે રીતે વીજળી ત્રાટકે છે, એવી જ રીતે હું એક એમિટરમાંથી વીજળીનું બીમ ફેંકીને રિસેપ્ટરમાં પકડવાની કોશિશ કરવાનું વિચારું છું. આને માટે એવી જગ્યા પસંદ કરવી પડશે, જેમાં વચ્ચે કશું આવે નહીં
લેખક – વિપુલ વૈદ્ય
‘સર, મારે તમારી મદદની તાકીદે આવશ્યકતા છે. મારે મારા શોધ નિબંધનો પ્રયોગ કરીને દેખાડવાનો છે અને આમાં તમારા સિવાય મને કોઈ મદદ કરી શકશે નહીં, અનુપમ વૈદ્ય અત્યંત કાકલુદીના સ્વરમાં અનુપ રોય સાથે વાત કરી રહ્યો હતો.
‘બોલ, શું મદદ જોઈએ છે તારે મારી પાસેથી?’ અનુપ રોયે અત્યંત નિખાલસ સ્વરે જવાબ આપ્યો.
સર, માધ્યમ વગર વીજળીના વહન માટેનો પ્રયોગ કરવા માટે કેવા પ્રકારની જગ્યા પસંદ કરવી અને વીજળીની કેટલી શક્તિનો ઉપયોગ કરવો તેની માહિતી તમારી પાસેથી જોઈએ છે.
‘મને તને મદદ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ પહેલાં તારી તૈયારી બતાવ,’ અનુપ રોયે કહ્યું.
‘સર, મારા પ્લાન મુજબ આકાશમાંથી જે રીતે વીજળી ત્રાટકે છે, એવી જ રીતે હું એક એમિટરમાંથી વીજળીનું બીમ ફેંકીને રિસેપ્ટરમાં પકડવાની કોશીશ કરવાનું વિચારું છું. આને માટે એવી જગ્યા પસંદ કરવી પડશે જેમાં વચ્ચે કશું આવે નહીં, કેમ કે વીજળીના પ્રવાહમાં વચ્ચે આવનારી બધી વસ્તુ રાખ થઈ જશે.’
‘આ પ્રયોગ માટે યોગ્ય સ્થળની પસંદગીમાં તમારી મદદ જોઈશે, બીજું વીજળીનું બીમ સીધું જ જાય તેને માટે શું કરવું તેનો વિચાર કરું છું,’ અનુપમે પોતાની સમસ્યા જણાવી.
આવી જ રીતે વીજળીને એમિટરથી રિસેપ્ટર સુધી પહોંચાડવા પહેલાં રિફ્લેક્ટરનો ઉપયોગ કરવાનો પણ વિચાર છે, અનુપમે પોતાની યોજના દર્શાવી.
જો, આ પ્રયોગ માટે તિરુવનંતપુરમમાં આવેલી રોસ હિલ, શ્રૃંગમણી હિલ અને કોંડા હિલનો વિસ્તાર શ્રેષ્ઠ રહેશે રોસ હીલ પર જનરેટર માટેની વ્યવસ્થા થઈ રહેશે અને શ્રૃંગમણી હિલ પર રિસેપ્ટર રાખજે. રિફ્લેક્ટર વાળા પ્રયોગ માટે કોંડા હિલનો પણ ઉપયોગ કરી શકશે, અનુપ રોયે રસ્તો દેખાડ્યો.
****
‘સર, મારે કોની સાથે કામ કરવાનું છે તેની કોઈ જાણકારી મળી શકશે?’ વિક્રમ નાણાવટીએ અનુપ રોયને સવાલ કર્યો.
‘આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે. તને કોઈની સાથે કોઈ વાંધો છે?’ અનુપ રોયે સીધો જ સવાલ કર્યો.
‘તમને પ્રાથમિક સ્તરે જે માહિતી આપવામાં આવી છે તેના પર તમે કશું કામ કર્યું છે?’ અનુપ રોયે બીજો સવાલ કર્યો.
‘મને જે માહિતી આપવામાં આવી હતી તેના આધારે કેટલાક નકશા તૈયાર કર્યા છે અને એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે,’ વિક્રમ નાણાવટીએ પોતાના કામની માહિતી આપી.
‘મને પેન-ડ્રાઈવમાં આપી દેજે, ત્યાં ટેબલ પર વિશાલ માથુરે તૈયાર કરેલા નકશા અને પ્લાન પર પણ નજર મારી લેજે,’ અનુપ રોયે વિક્રમ નાણાવટીને આદેશ આપ્યો.
****
‘આદેશ, મારે આ આખા પ્રોજેક્ટમાં શું જોવાનું છે?’ ગૃહ પ્રધાન અમિતાભ શેઠે સવાલ કર્યો.
‘સર, વિજ્ઞાનીઓની અત્યારે ત્રણ ટીમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા છે તેમણે આપેલા પ્રેઝન્ટેશનને આધારે આપણે મિશન મૂન હાથ ધરવું કે નહીં તેનો નિર્ણય લેવાનો છે. મિશન મૂનની બાકીની વિગતો તમારી સામેની ફાઈલમાં પડી છે, આદેશે ગૃહ પ્રધાનને માહિતી આપી.
‘આ અનુપમ વૈદ્ય અને વિક્રમ નાણાવટીની ફાઈલો મારી પાસે કેમ મૂકી છે?’ અમિતાભ શેઠે બીજો સવાલ કર્યો.
‘સર, આ બંને અત્યારના પ્રોજેક્ટ માટે અત્યંત મહત્ત્વના વિજ્ઞાનીઓ છે. ભૂતકાળમાં તેમને અન્યાય થયો હોવાનું પીએમ સરને લાગ્યું હતું. તેમની સાથેના બનાવની ખાનગી રાહે આપણે તપાસ આદરી છે. રામશંકર શર્મા બંને પ્રકરણની તપાસ કરી રહ્યા છે. તેમને અન્યાય થયો હોય તો તે સુધારી લેવો જોઈએ એવું પીએમ સરનું માનવું છે,’ આદેશે પૂરી વિગતો આપી.
****
‘હ્યુ, મને લાગે છે કે તમે ભારતના મિશન મૂનને યોગ્ય રીતે સમજી શકશો અને તેથી તમને એક મહત્ત્વની જવાબદારી સોંપવા માગું છું,’ ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિંગ પિંગે હ્યુ રેન્યુને પોતાની કેબિનમાં બોલાવીને વાતની શરૂઆત કરી.
‘કોમરેડ સર, તમારો હુકમ સર આંખો પર,’ હ્યુએ અત્યંત નમ્રતાપુર્વક જવાબ આપ્યો.
‘મારે તમારી પાસેથી એક સાચી વાત જાણવી છે, શું તમે પણ ભારતની જેમ મિશન મૂનનો પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો?’ હ્યુએ પોતાના મનની વાત કરી.
‘કોમરેડ સર, હું અણુવિજ્ઞાની છું. યુરેનિયમ મળ્યા પછીનું આગળનું કામ હું કરી શકું છું.’
‘મારી મિત્રતાનો લાભ લઈને ભારતનો મિશન મૂન પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ હાથ કરવાનો હેતુ હોય તો આવું અનૈતિક કામ હું નહીં કરું, કેમ કે આ તમને પણ નહીં શોભે અને મને પણ નહીં શોભે,’ હ્યુ બોલતાં તો બોલી ગયા પણ તેમને હવે ચિંતા થતી હતી કે રાષ્ટ્રપ્રમુખ નારાજ થઈ જશે.
‘હ્યુ, તમારી પાસે મારે કોઈ અનૈતિક કામ કરાવવું નથી. મારી ઈચ્છા છે કે ચીનના મિશન મૂનની જવાબદારી તમે લો અને યુરેનિયમને કેવી રીતે લાવી શકાય એની બ્લ્યુ-પ્રિન્ટ તૈયાર કરો.’
‘ભારતના મિશન મૂનનું નેતૃત્વ અનુપ રોય કરી રહ્યા છે તો આપણા મિશન મૂનનું નેતૃત્વ તમે કરો તો વધુ સારું રહેશે,’ લ્યાન ઝિન પિંગે કહ્યું.
****
‘સિનોરીટા, તમને શું લાગે છે કે આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? માઈકલ થોર્પેની વાત આમ તો યોગ્ય લાગે છે, પરંતુ આ પ્રોજેક્ટમાં ચિલ રેટને સામેલ કરવો યોગ્ય રહેશે?’ જોન લાઈગરે મોનિકા હેરિસને પોતાની ખાનગી કેબિનમાં વાત કરી ત્યારે ત્યાં તેમના સુરક્ષા સલાહકાર સેમ્યુઅલ યંગ હાજર હતા.
‘પ્રેસિડેન્ટ સર, મારા મતે આ સ્પષ્ટ રીતે આપણને ફિક્સમાં મુકવાની યોજના છે. ચિલ રેટ અત્યારે સૌથી શ્રીમંત વ્યક્તિ છે. તેમને આટલા મોટા પ્રોજેક્ટમાં સામેલ કરતી વખતે અનેક સ્થળે આપણે સમાધાન કરવાની તૈયારી રાખવી પડશે,’ મોનિકાએ જવાબ આપ્યો.
‘સર, મારો અલગ મત છે. મને લાગે છે કે ચિલ રેટને સામેલ કરવાથી આપણા પ્રોજેક્ટનું કદ અને સ્વરૂપ વધી જશે. તેમને સામેલ કરવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ,’ સેમ્યુઅલ યંગે પોતાનો મત માંડ્યો.
‘મોનિકા, શું તું ચિલ રેટ સાથે વાત કરી લેશે?’ પ્રેસિડેન્ટે સવાલ કર્યો.
‘યસ પ્રેસિડેન્ટ સર, જે વાતો આપણી બેઠકમાં થઈ છે તે તેમની સાથે કરી લઉં છું અને પછી તમારી સાથે સાંજે આઠ વાગ્યે બેઠક નક્કી કરી નાખું છું,’ મોનિકાએ જવાબ આપ્યો.
****
‘બેઈલી, તારી પાસે ભારતના મિશન મૂન અંગે કોઈ માહિતી છે?’ જોન સ્વીપરે પોતાના આસિસ્ટન્ટને સવાલ કર્યો.
‘જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી ચંદ્ર પર આવાગમન કરી શકે એવા રોકેટની તૈયારી પર વાત અટકી છે,’ બેઈલીએ પોતાની પાસેની માહિતી આપી. (ક્રમશ:)
———–
હવે શું?
‘વિક્રમ, તારી યોજના મને ગમી તો છે, પરંતુ એમાં જોખમનું સ્તર ઘણું વધારે લાગે છે,’ અનુપ રોયે એક સમયના પોતાના અત્યંત પ્રિય વિજ્ઞાનીને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો મત જણાવ્યો. ‘સર, જ્યાં સુધી મારી ગણતરી છે ત્યાં સુધી આ યોજનાથી ચંદ્ર પર જઈને આવવાનો આપણો ખર્ચ લગભગ અડધાથી ઓછો થઈ જશે. એક વખત ચંદ્ર પર જઈ આવવાના ખર્ચમાં આપણે બે વખત ચંદ્રનું આવાગમન કરી શકીશું,’ વિક્રમે પોતાની યોજનાના ફાયદા ગણાવ્યા