આદેશને મળીને પાછા ફરતી વખતે અનુપ રોયે લોબીમાં રંજન કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રંજન કુમાર કોણ જાણે કયા વિચારમાં અટવાયેલા હતા કે તેમણે વાત ન સાંભળી
લેખક – વિપુલ વૈદ્ય
સેન્ટ્રલ વિસ્ટાની સાઉથ-એન્ડની કેબિનમાં અત્યારે ભારે હલચલ હતી. ડીએઈના ડિરેક્ટર રંજન કુમારની સામે તેના બંને આસિસ્ટન્ટ શ્રૃતિ મહેતા અને અમોલ પાઠક ઊભા હતા.
‘સર, તમે મગાવેલો આંદામાન ખાતેના પ્રસ્તાવિત અણુ ઊર્જા આધારિત વીજ ઉત્પાદન કેન્દ્રનો પ્રોજેક્ટ રિપોર્ટ આવી ગયો છે,’ શ્રૃતિ મહેતાએ કહ્યું.
‘ઠીક છે, એક કામ કર. એના પાના નંબર ૩૪ પર પ્લાન્ટના ઓટોમેશન અંગેની જે વાત છે તેમાંથી આપણા પ્રેઝન્ટેશનમાં કામ આવે એવી બધી વસ્તુઓ નોટ કરીને રાખી લે. ત્યાર બાદ ૩૭મા પાના પર ફીડર વિશેની જે વાતો હશે તેમાંથી આપણા પ્રેઝન્ટેશન માટેની વાતો માર્ક કરીને રાખ અને ૪૯મા પાના પર અનુપ રોય સર દ્વારા કરવામાં આવેલી કમેન્ટ હશે તેને પણ કાઢીને અલગ રાખી મૂકજે,’ રંજન કુમારે શ્રૃતિને નિર્દેશ આપ્યા.
થોરિયમના શુદ્ધીકરણ માટેના પોર્ટેબલ પ્લાન્ટની વિગતો પણ લાવીને રાખી છે. તેનું શું કરવાનું છે? હવે અમોલ પાઠકે રંજન કુમારને સવાલ કર્યો.
‘એક કામ કર આ રિપોર્ટમાં મશીનરી વિશેની જે માહિતી છે તે મને અલગથી તારવીને આપ અને તેમાં આપણે જે થોરિયમના શુદ્ધીકરણ માટે જે કાચી ધાતુ વાપરી છે તેમાં કેટલું પ્રમાણ છે તેના જરા આંકડા વડા પ્રધાનને આપવાનું જે પ્રેઝન્ટેશન બનાવ્યું છે તેના બારમા પાના પર લખી નાખ,’ રંજન કુમારે કહ્યું
‘અચ્છા, એક કામ કર તો. મને કહે કે આપણે કાચી ધાતુ જે વાપરી એમાં થોરિયમનું પ્રમાણ કેટલા ટકા હતું?’ રંજન કુમારે સવાલ કર્યો.
‘સર, આમાં લખવામાં આવ્યું છે તે મુજબ આપણે જે કાચી ધાતુનું શુદ્ધીકરણ કર્યું તેમાં થોરિયમનું પ્રમાણ ૧.૨ ટકા જેટલું હતું,’ અમોલ પાઠકે અહેવાલમાં જોઈને રંજન કુમારને માહિતી આપી.
‘બરાબર, હવે આપણને પેલો નાસાએ મોકલાવેલો એ અહેવાલ કાઢ તો, એમાં થોરિયમનું પ્રમાણ કેટલા ટકા છે?’ રંજન કુમારે પુછ્યું
‘સર, એ અહેવાલમાં તો યુરેનિયમનું પ્રમાણ ૧૨ ટકા અને થોરિયમનું પ્રમાણ સાત ટકા છે,’ અમોલ પાઠકે જવાબ આપ્યો.
‘એનો અર્થ એવો થાય કે આપણે થોરિયમનું શુદ્ધીકરણ કરવા માટે ચાર ચેમ્બરના મશીનની આવશ્યકતા નથી. એક ચેમ્બર કાઢી નાખીએ તો ચાલશે, બરાબર?’ રંજન કુમારે અમોલ પાઠકને સવાલ કર્યો.
‘હા સર, કેમ કે પહેલી ચેમ્બરમાં આમેય તેને ૨૦ ટકા શુદ્ધ કરવામાં આવે છે,’ અમોલ પાઠકે જવાબ આપ્યો.
‘હવે તું હોંશિયાર થતો જાય છે. એક ચેમ્બર ઓછી કરી નાખીએ તો મશીનના વજનમાં કેટલો ફરક પડશે તેની માહિતી મેળવીને એ પ્રમાણે આપણા પ્રેઝન્ટેશનમાં સુધારો કરી નાખો, સમજાયું?’ રંજન કુમારે પૂછ્યું.
‘હા સર, એ કરી નાખું છું,’ અમોલ પાઠકે કહ્યું.
‘સર, મંગળયાનના ઈંધણ બાબતની જે માહિતી મગાવી હતી તે પણ આવી ગઈ છે,’ શ્રૃતિ મહેતાએ રંજન કુમારને માહિતી આપી.
‘મંગળયાનના ઈંધણની ટીમમાં કોણ કોણ હતા તેની માહિતી એમાં સાથે આપેલી છે?’ રંજન કુમારે સામો સવાલ કર્યો.
‘ના સર, એ માહિતી આમાં આપેલી નથી,’ શ્રૃતિએ માહિતી આપી.
‘સારું, અમોલ એ માહિતી જરા મગાવી લેજે,’ રંજન કુમારે હવે અમોલને કામ સોંપ્યું.
‘અચ્છા તમને જે સોંપ્યું છે એ કામ પૂરું કરો એટલી વારમાં હું જરા આદેશ સરને મળીને આવું છું,’ રંજન કુમાર બોલ્યા અને કેબિનની બહાર નીકળ્યા.
* * *
વડા પ્રધાનની કચેરીની સામેની દિશામાં છદ્મ દરવાજા પર ત્રણ ટકોરા પડ્યા અને અંદરથી દરવાજો કળ દ્વારા ખોલવામાં આવ્યો.
આદેશ રાજપાલે આખી લોબીમાં નજર મારી, લોબી ખાલી છે તે સુનિશ્ર્ચિત કરીને તેઓ અંદર પેસી ગયા.
અંદર રાજીવ ડોવાલ અને અન્ય એક વ્યક્તિ બેઠી હતી.
રાજીવ ડોવાલે તેની ઓળખાણ કરાવતાં કહ્યું કે ‘આ છે શ્રી. રામશંકર શર્મા, અત્યારે રૉ સાથે સંકળાયેલા છે. અમે બંને વિદેશયાત્રાએ જઈ રહ્યા છીએ તે દરમિયાન તમારા સંપર્કમાં રહેશે.’
‘તેમની સાથે મારે અનુપમ વૈદ્ય અને વિક્રમ નાણાવટીના કેસ સંબંધે ચર્ચા થઈ છે. સંપૂર્ણ ખાનગી રાહે તપાસ કરશે અને સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરશે. અમારા આવવા પહેલાં તેમની પાસે જાણકારી આવશે તો તમને આપશે. આ મુલાકાતનો ફક્ત આટલો જ હેતુ હતો.’
‘તમારે બીજું કશું પૂછવું છે?’ રાજીવે આદેશને પુછ્યું.
‘શ્રૃતિ અને વિશાલ માથુરનું શું કરવાનું છે?’
‘તેની તપાસ કોણ કરી રહ્યું છે?’
‘તમારી પાસે કશી માહિતી છે?’ આદેશે એકસાથે ત્રણ સવાલ કરી નાખ્યા.
‘અત્યારના તબક્કે શ્રૃતિ કે વિશાલ અંગે કશું જ કરવાનું નથી. તેમની તપાસ અલગ અલગ ટુકડીને સોંપવામાં આવી છે. તેમનો અહેવાલ મળતાં હું તમને તેની જાણ કરીશ.’ રાજીવે ટુંકાણમાં પતાવ્યું.
* * *
રંજન કુમાર વડા પ્રધાનની કચેરીની અંદર બનાવવામાં આવેલી નાની આદેશ રાજપાલની કેબિનમાં પહોંચ્યા અને ત્યાં આદેશ રાજપાલે અનુપ રોયને પણ બોલાવી રાખ્યા હતા.
‘રંજન કુમાર, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી તમારી કાચી યોજના તૈયાર થઈ ગઈ છે અને અનુપ રોયની પણ યોજના લગભગ તૈયાર હશે એવું મારું માનવું છે,’ આદેશ રાજપાલે કહ્યું.
‘હા, અમારી યોજના લગભગ તૈયાર છે,’ રંજન કુમારે જવાબ આપ્યો.
‘આવતીકાલે સવારે ૧૦ વાગ્યે આપણી સેન્ટ્રલ હોલમાં બેઠક છે, એ પહેલાં મને તમારા પ્રેઝન્ટેશનની પેન ડ્રાઈવ આપી દેજો એટલે મારે પ્રેઝન્ટેશનમાં ચલાવવાની ખબર પડે,’ આદેશે બંનેને કહ્યું.
* * *
આદેશને મળીને પાછા ફરતી વખતે અનુપ રોયે લોબીમાં રંજન કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રંજન કુમાર કોણ જાણે ક્યા વિચારમાં અટવાયેલા હતા કે તેમણે વાત ન સાંભળી. આથી અનુપ રોયે થોડા મોટા અવાજમાં કહ્યું ‘રંજન, શું કરી રહ્યો છે? વાત પર ધ્યાન નથી તારું?’
છોભીલા પડતાં રંજન કુમારે કહ્યું કે ‘અનુપ, તારી વાતને અવગણવાનો પ્રયાસ નહોતો, પરંતુ હું મારા વિચારોમાં જ ખોવાયેલો હતો. યોજના આડેનાં જે જોખમો પહેલાં દેખાયાં નહોતાં તે હવે ધ્યાનમાં આવી રહ્યાં છે.’
‘કાંઈ વાંધો નહીં, આપણે રસ્તો કાઢીશું,’ અનુપ રોયે કહ્યું.
‘આપણે ભેગા મળીને અનેક અઘરાં કામ કર્યાં છે, આ એક વધારે,’ અનુપ રોય બોલ્યા.
* * *
‘અનુપમ, તમારા સંશોધન માટે પ્રયોગની પરવાનગી આપવામાં આવે તો તમે કેટલા દિવસમાં પહેલો પ્રયોગ પૂર્ણ કરી શકશો?’ રાજેશ તિવારીએ સોંપવામાં આવેલા કામની માહિતી મેળવવાના પ્રયાસમાં સવાલ કર્યો
‘મને પ્રયોગ માટેની પરવાનગી ફક્ત પૂરતી નથી,’ અનુપમ વૈદ્યે કહ્યું.
‘મને ખબર છે, પરવાનગી અને બધી જ સાધન સામગ્રી આપ્યા બાદ કેટલા વખતમાં પહેલો પ્રયોગ કરી શકશો?’ રાજેશે સવાલ કર્યો.
‘આમ તો આ પ્રયોગની તૈયારી કરવામાં મહિનાઓનો સમય જોઈએ, પરંતુ ઓછામાં ઓછા ૧૫ દિવસ તો લાગશે જ,’ અનુપમે જવાબ આપ્યો.
‘તમારે જોઈતી સામગ્રી અને સાધનોની યાદી તમારી અરજીમાંથી મને મળી ગઈ છે, તમારે બીજા કોઈ ખાસ વિજ્ઞાનીની મદદ જોઈએ છે?’
‘બીજી કોઈ જરૂરિયાત?’ રાજેશે સીધો સવાલ કર્યો.
‘મારે પ્રયોગ કરવા પહેલાં અનુપ રોય સરનું માર્ગદર્શન જોઈશે અને તેમની મદદ પણ કદાચ,’ અનુપમે કહ્યું.
‘બધું મળે તો વહેલામાં વહેલો પહેલો પ્રયોગ ક્યારે કરી શકશો?’ રાજેશે વધુ એક વખત પુછ્યું.
હવે અનુપમને સમજાઈ ગયું કે વાત અલગ છે અને જરૂરિયાત તાકીદના ધોરણની છે એટલે તેણે કહ્યું કે ‘અનુપ સરની મદદ મળશે તો ૪૮ કલાકમાં પહેલો પ્રયોગ થઈ શકશે.’ (ક્રમશ:)
————
હવે શું?
‘મારી સામે વિક્રમની બદબોઈ કરવાનું રહેવા દેજે. આ પ્રોજેક્ટ સાથે રહેવું હોય તો બે વસ્તુ સમજી લેજે કે તારે વિક્રમ અને મારી બંને સાથે કામ કરવાનું છે અને ઓછામાં ઓછું બોલવાનું છે. નહીં તો તને વિક્રમની જગ્યાએ ઈસરોમાં મોકલી દેવામાં આવશે,’ અનુપ રોયે વિશાલ માથુરને ચેતવણીના સ્વરમાં કહ્યું