હ્યુ રેન્યુને સો ટકા ખાતરી હતી કે આ દિવસ ક્યારેક તો આવશે જ. આ સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે છેલ્લા ૪૮ કલાકથી તેઓ વિચારી રહ્યા હતા અને તેના ચક્કરમાં તેમને ઊંઘ પણ આવી નહોતી. અત્યારે તેમની આંખો લાલ થઈ ગઈ હતી
લેખક – વિપુલ વૈદ્ય
ચીનના રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિંગ પિંગ અત્યારે પોતાની વિશાળ ઓફિસના ઉત્તર ખૂણામાં બનાવવામાં આવેલી નાની એન્ટી-ચેમ્બરમાં બેઠા હતા અને કશુંક વાંચી રહ્યા હતા ત્યારે ચીનની જાસૂસી સંસ્થા એસએમએસના વડા લી અચાનક તેમને મળવા પહોંચી ગયા.
થોડા સમય સુધી બંધ કેબિનમાં બંને વચ્ચે ચર્ચા થઈ પછી લી રવાના થઈ ગયા.
લ્યાન ઝિંગ પિંગે પોતાના આસિસ્ટન્ટને દોડાવીને અણુવિજ્ઞાની હ્યુ રેન્યુને બોલાવી મગાવ્યા.
હ્યુ રેન્યુને સો ટકા ખાતરી હતી કે આ દિવસ ક્યારેક તો આવશે જ. આ સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે છેલ્લા ૪૮ કલાકથી તેઓ વિચારી રહ્યા હતા અને તેના ચક્કરમાં તેમને ઊંઘ પણ આવી નહોતી. અત્યારે તેમની આંખો લાલ થઈ ગઈ હતી અને ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. ૪૮ કલાકમાં જાણે તેમની ઉંમરમાં ૧૦ વર્ષનો વધારો થઈ ગયો હોય એવી હાલત દેખાતી હતી.
હવે આ વિશે કશું જ કરી શકાય એમ નહોતું. તેમની સામે આવેલી આ વ્યક્તિ તેમને લીધા વગર જવાની નથી તેનો પણ તેમને વિશ્ર્વાસ હતો એટલે તેઓ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને બહાર નીકળ્યા.
રાષ્ટ્રપ્રમુખની કચેરીના સ્ટડી રૂમમાં અત્યારે ફક્ત બે જ લોકો બેઠા હતા. લ્યાન ઝિંગ પિંગની આંખોમાં જોવાની હિંમત હ્યુ કરી શકતા નહોતા. તેમની આંખો જાણે શરીરને ટાઢા ડામ દઈ રહી હતી.
લ્યાન ઝિંગ પિંગ અત્યારે હ્યુનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને તેમનામાં ૪૮ કલાકની અંદર આવેલા ફેરફાર તેમની ચાણાક્ષ નજરે નોંધી લીધા હતા.
કોઈપણ જાતના સવાલ-જવાબ કરતી વખતે તેમની નજર સામેની વ્યક્તિ પર રહેતી અને ફક્ત બોલેલા શબ્દો જ નહીં, સામેની વ્યક્તિના બદલાતા હાવભાવને જોઈને તેઓ નક્કી કરતા હતા કે સામેની વ્યક્તિ કેટલું સાચું બોલે છે અને કેટલું
છુપાવે છે.
અત્યારે એ જ તીક્ષ્ણ નજરો હ્યુ પર તાકીને તેમણે સીધો સવાલ કર્યો. ‘ભારતના મિશન મૂન સાથે સંકળાયેલા બંને વિજ્ઞાનીઓ રંજન કુમાર અને અનુપ રોયને તમે વ્યક્તિગત રીતે ઓળખો છો, બરાબર?’
‘હા, કોમરેડ સર,’ હ્યુએ કબૂલાત કરી.
‘જ્યારે આપણે પેલા દિવસે ભારતના મિશન મૂન બાબતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે તમને ખબર હતી કે આ બંને તમારા ‘મિત્રો’ જ છે, બરાબર?’
‘ના કોમરેડ સર, તે બંને મારા મિત્રો નથી. તેમની સાથે મારે ફક્ત મુલાકાત થઈ છે અને તેમને હું ઓળખું છું,’ હ્યુએ પોતાનો બચાવ કર્યો.
‘અચ્છા!’ લ્યાને કહ્યું ત્યારે હ્યુને લાગ્યું કે રાષ્ટ્રપ્રમુખની વેધક આંખો તેના શરીરની અંદર જઈને કાપી રહી છે. હવે વધુ ખોટું બોલી શકાશે
નહીં એવું જણાતાં તેમણે બોલવાનું ચાલુ કર્યું.
‘હા, અનુપ રોય મારી સાથે કોલેજમાં હતા. તેમની વિશેષતા એટમિક ફિશન છે. તેઓ ભારતના અણુઊર્જા પ્રોજેક્ટ સાથે સંકળાયેલું મોટું નામ છે. ભારતે પાંચ વર્ષમાં જે અણુઊર્જા પ્લાન્ટ સ્થાપ્યા તેમાંથી મોટા ભાગના સાથે અનુપ રોય સંકળાયેલા હતા. અમારી દોસ્તી નહોતી, પરંતુ એકબીજાને ઓળખતા હતા.’
‘મને આપણી સરકારે સ્પોન્સરશીપ આપી હોવાથી હું હોસ્ટેલમાં રહેતો હતો અને તેઓ ત્યાં પોતાના કોઈ સંબંધીને ત્યાં રહેતા હતા. ક્યારેક પોતાના ભારતીય મિત્રોને મળવા માટે હોસ્ટેલમાં આવતા એટલે ઓળખ થઈ હતી.’
‘મારે તેમને વ્યક્તિગત રીતે કોઈ મૈત્રી નહોતી, પરંતુ કેમ્પસ ઈન્ટરવ્યૂ વખતે એક વસ્તુ એવી થઈ હતી કે મારા ધ્યાનમાં તેઓ રહી ગયા હતા.’
‘કેમ્પસમાં જ્યારે ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા ત્યારે તેમને એક અમેરિકન કંપનીએ પાંચ હજાર ડોલરનો પગાર ઓફર કર્યો હતો. આખા કેમ્પસમાં આ બાબતની ચર્ચા ચાલી રહી હતી અને બધાને એવી આશા હતી કે અનુપ રોય આ ઓફર સ્વીકારી લેશે. અનુપ રોયે આ ઓફરને ઠુકરાવીને આખી કોલેજને આંચકો આપ્યો હતો અને આ જ કારણ છે કે અમારા બેચમાં તે વર્ષે જેટલા વિજ્ઞાનીઓ હતા તે બધાના ધ્યાનમાં અનુપ રોય રહી ગયા છે.’
‘મને તો આપણી સરકારે સ્પોન્સર કર્યો હતો એટલે મારે તો પાછા ફરવાનું જ હતું, પરંતુ તેમને આવું કોઈ બંધન નહોતું છતાં તેમણે સ્વદેશ જવાનું પસંદ કર્યું હતું.’
‘છેલ્લે જ્યારે મળ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તેમના દેશમાં અણુઊર્જા સંસ્થામાં કામ કરવા માટે તેમણે અમેરિકન કંપનીની ઓફર નકારી કાઢી હતી. કોઈપણ લાલચમાં આવે એવી વ્યક્તિ નથી.’
સતત હ્યુ સામે તીખી નજરથી જોઈ રહેલા લ્યાનને ધ્યાનમાં આવ્યું કે તેના મુખમાંથી નીકળી રહેલો એક-એક શબ્દ સો ટચના સોના જેવો છે.
‘અચ્છા, તો પછી રંજન કુમાર સાથે તમારે મૈત્રીસંબંધો હશે,’ હવે લ્યાને બીજી સોગઠી મારી.
‘ના કોમરેડ સર, છેલ્લા લગભગ પાંચ વર્ષમાં આપણા દેશ વતી હું ત્રણેક વખત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ અને બે વખત અણુવિજ્ઞાનીઓના અધિવેશનમાં હાજરી આપવા ગયો છું. આમાંથી બે વખત હોટેલમાં અમારા ઓરડા બાજુ-બાજુમાં આવેલા હતા.’
‘ચારેક વર્ષ પહેલાં તેમણે એક નિબંધ વાંચ્યો હતો અને ત્યારે તેમને અભિનંદન આપવા મળ્યો હતો. ત્યારપછી આવી રીતે મુલાકાત થતાં થોડી બોલચાલ થતી હતી. તેનાથી વધુ મારે કોઈ સંબંધ નથી.’
‘રંજન કુમારને ગયા વર્ષે આવી જ પરિષદમાં મળ્યો ત્યારે મને જાણ થઈ હતી કે તેઓ ડિરેક્ટોરેટ ઓફ એટમિક એનર્જીના ડિરેક્ટર બની
ગયા છે.’
‘વ્યક્તિગત રીતે મારે બંનેમાંથી કોઈની સાથે ‘મૈત્રી’ નથી, પરંતુ તેમના માટે આદર ચોક્કસ છે.’
‘આપણા દેશના કેટલા વિજ્ઞાનીઓ સરકારે શિક્ષણ માટે સ્પોન્સર કર્યા હોવા છતાં દેશની સેવા કરવાને બદલે અમેરિકા-ફ્રાંસની મોટી કંપનીમાં જોડાવા માટે ભાગી જાય છે ત્યારે આ એવા વિજ્ઞાનીઓ છે જે નહીંવત્ પગાર હોવા છતાં પોતાના દેશની સેવા કરી રહ્યા છે.’
‘દેશપ્રેમને ખાતર નજીવા પગાર અને સુવિધાઓ છતાં કાળી મહેનત કરીને પોતાના દેશને અણુઊર્જા ક્ષેત્રે આટલું ઊંચું લઈ આવવા બદલ તેમનો હું આદર કરું છું. આપણા દેશમાં પણ જો આવા વફાદાર અને નિષ્ઠાવાન વિજ્ઞાનીઓ હોત તો અમેરિકા આપણી સામે ધૂળ ચાટતું હોત.’
સતત એકધારું બોલી રહેલા હ્યુ રેન્યુને લ્યાન ઝિંગ પિંગ એક નજરે નીરખી રહ્યા હતા.
આજે આ વ્યક્તિ જે બોલી રહી હતી તે બીજા કોઈએ બીજા કોઈ સમયે તેમની સામે ઉચ્ચાર્યું પણ હોત તો તેનું માથું વાઢી નાખ્યું હોત.
ભારત અને ભારતીયોની પ્રશંસા તેના મોં પર એક દેશના ટોચના અધિકારીઓની હરોળમાં આવનારો વિજ્ઞાની કરી રહ્યો હતો. ભારતીય વિજ્ઞાની માટે આદર! માય ફૂટ..
આમ છતાં અત્યારે લ્યાનને ગુસ્સો આવતો નહોતો, તે પોતે જાણે હ્યુની વાતો સાથે સહમત હતા. ચીને છેલ્લાં ૧૦ વર્ષમાં ૪૦,૦૦૦થી વધુ વિજ્ઞાનીઓને ઉચ્ચાભ્યાસ માટે સ્પોન્સર કર્યા હતા અને અત્યારે તેમાંથી ફક્ત આઠ હજાર વિજ્ઞાનીઓ ચીન માટે કામ કરી રહ્યા હતા. બાકીના વિજ્ઞાનીઓ તક મળતાં જ ભાગી જતા હતા. (ક્રમશ:)
——–
હવે શું?
‘રંજન સર, આંદામાનના પ્રસ્તાવિત પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ રિપોર્ટ આવી ગયો છે અને એવી જ રીતે થોરિયમ શુદ્ધીકરણના પોર્ટેબલ પ્લાન્ટની વિગતો અને મંગળયાનમાં વપરાયેલાં બધાં જ ઈંધણો બાબતની વિગતો પણ આવી ગઈ છે. હવે આ બધાનું શું કરવાનું છે?’ શ્રૃતિ મહેતાએ પોતાના સિનિયરને
વિગતો આપી