લેખક – વિપુલ વૈદ્ય
પ્રકરણ-૨૦
—
જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી અન્યાય કરવામાં આવ્યો તે દીવા જેવું સ્પષ્ટ છે. મેં તેમની ફાઈલનો અભ્યાસ કર્યો હતો. મને લાગે છે કે ક્યાંક કશું કાચું કપાયું છે. અનુપમ વૈદ્ય સામેના આરોપો ઓન-પેપર છે
—
સેન્ટ્રલ વિસ્ટામાં બનેલી વડા પ્રધાનની કચેરીમાં વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતા તેમના બે વિશ્ર્વાસુ સાથીઓ આદેશ રાજપાલ અને રાજીવ ડોવાલની સાથે બેઠા હતા. તેમણે રાજેશ તિવારી દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ ફરી એક વખત આખું સીસીટીવી ફૂટેજ બંનેને દેખાડ્યું હતું.
‘હવે આ સીસીટીવી ફૂટેજ જોયા પછી તમને શું લાગે છે કે આ બંને વિજ્ઞાનીઓ સાથે અન્યાય થયો હતો?’
‘આમાં બંને જે રીતે વાત કરી રહ્યા છે તેના પર તમારી સેન્સ શું કહે છે?’ ઈન્દ્રવદન મહેતાએ પોતાના બંને વિશ્ર્વાસુઓને સવાલ કર્યો.
‘સર, જ્યાં સુધી આ બંનેની વાતનો સવાલ છે તો સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કે તેમની સામે કાવતરૂં ઘડવામાં આવ્યું હતું.’
‘આ કાવતરાનો સંબંધ અનુપમનાં સંશોધનો સાથે છે કે પછી વિક્રમ નાણાવટી જે રીતે મંગળયાનની સફળતા બાદ આગળ વધી શક્યા હોત તેને રોકવા માટે હતું તે તપાસનો વિષય છે,’ આદેશ રાજપાલે પોતાનો મત વ્યક્ત કર્યો.
‘જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી અન્યાય કરવામાં આવ્યો તે દીવા જેવું સ્પષ્ટ છે. મેં તેમની ફાઈલનો અભ્યાસ કર્યો હતો. મને લાગે છે કે ક્યાંક કશું કાચું કપાયું છે. અનુપમ વૈદ્ય સામેના આરોપો ઓન-પેપર છે.’
‘બધી જ મહિલાઓ અને પુરુષ કર્મચારીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે. અનુપમ વૈદ્યનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. પ્રક્રિયાનું પાલન પૂરી પારદર્શકતાથી કરવામાં આવ્યું હતું. આમ છતાં અત્યારે આ વાતો સાંભળીને બધું પ્લાન્ટ કરાયું હોવાની શક્યતા મને પણ જણાઈ રહી છે,’ રાજીવ ડોવાલે પોતાનો મત માંડ્યો.
‘સર, બીજી એક વાત મને ખટકી રહી છે કે જો બંનેને અન્યાય રંજન કુમાર દ્વારા જ કરવામાં આવ્યો હતો તો તેઓ જ આ બંનેની ભલામણ કેમ કરી રહ્યા છે?’
‘આના પર વિચાર કરતાં અનુપ રોય અને વિશાલ માથુરે અનુક્રમે અનુપમ વૈદ્ય અને વિક્રમ નાણાવટી સામે જે વિરોધ નોંધાવ્યા હતા તેના પર મારું ધ્યાન જાય છે.’ ‘બંનેની ફાઈલનો અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે વિશાલ માથુર અને વિક્રમ નાણાવટીની વિશેષતા એક જ હોવાથી કદાચ તેમનામાં કરિયર રાઈવલરી હોઈ શકે.’
‘જોકે, અનુપ રોયને વૈદ્ય સામે શું વાંધો હોઈ શકે તે હજી સુધી ધ્યાનમાં આવતું નથી. એક સંબંધ જોડી શકાય કે અનુપમ વૈદ્યે જે સમયે સંશોધનની પરવાનગી માગી તે જ વખતે અનુપ રોયે પણ સંશોધન માટેની પરવાનગી માગી હતી અને હજી સુધી બંનેની પરવાનગી પડતર છે.’
‘કદાચ એવું હોઈ શકે કે અનુપ રોયને એવું લાગતું હોય કે અનુપમનું સસ્પેન્શન રદ કરીને તેમને ફરી લેવામાં આવે તો અનુપમને સંશોધનની પરવાનગી મળે અને તેમની પરવાનગી રદ થઈ જાય,’ રાજીવ ડોવાલે બોલવાનું પૂરું કર્યું.
‘હવે આ પ્રકરણે આપણે શું કરવું જોઈએ એવું તમને લાગે છે?’ વડા પ્રધાને રાજીવ-આદેશની જોડીને સવાલ કર્યો.
‘આપણે અનુપમ અને વિક્રમને બોલાવીને તેમનો પક્ષ માંડવાની તક આપવી જોઈએ એવું મને લાગે છે,’ આદેશ રાજપાલે પોતાનો મત વ્યક્ત કર્યો.
‘આપણે સીધા તેમને બોલાવી ન શકાય કેમ કે આનાથી આપણે તેમના વાર્તાલાપ પર નજર રાખી રહ્યા હતા એવું સિદ્ધ થઈ જાય. આ આપણા માટે યોગ્ય નથી.’
‘બીજી કોઈ રીતે આ પ્રકરણોની તપાસ હાથ ધરવી જોઈએ એવું મને લાગી રહ્યું છે,’ રાજીવે આદેશ કરતાં બરાબર ઊંધો અભિપ્રાય આપ્યો.
‘એક કામ કરો, અનુપ રોય અને અનુપમ વૈદ્ય બંનેની સંશોધનની પરવાનગી માગતી ફાઈલોનો અભ્યાસ કરીને મારી પાસે લઈ આવો આપણે તેના પર વિચારી લઈએ,’ વડા પ્રધાને પહેલો આદેશ આપ્યો.
‘વિશાલ માથુરને ચાર દિવસ માટે ઈસરોમાં મોકલી આપો અને વિક્રમ નાણાવટીના બોસ રાયચૂરાને બે દિવસ પછી બોલાવી રાખો મારે તેમની સાથે કેટલીક ચર્ચા કરવી છે.’
‘હવે બે દિવસ માટે હું વિદેશયાત્રા પર જઈ રહ્યો છું. મારી સાથે રાજીવ પણ હશે એટલે આદેશ તું અને રાજેશ બંને બધા વિજ્ઞાનીઓની હિલચાલ પર નજર રાખજો. મારી જ્યારે જરૂર પડે ત્યારે જણાવજો એટલે વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રહેવાનો પ્રયાસ કરીશ. બાકી ચૅટથી તમારા સાથે સંપર્કમાં રહીશ,’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ પોતાના કાર્યક્રમની માહિતી આપી.
‘આજે રાત સુધીમાં વિજ્ઞાનીઓ સાથે એક બેઠક કરી લેવાનો પ્રયાસ કરું છું, નહીં થાય તો આવતીકાલે સવારે ૧૦ વાગ્યે તેમની સાથે બેઠક કરીને અત્યાર સુધીની અપડેટની જાણકારી મને આપજો. અધ્યક્ષસ્થાને રંજન કુમારને નહીં, અનુપ રોયને જ બેસાડજો. સમજાયું,’ વડા પ્રધાને છેલ્લો આદેશ આપ્યો.
‘હા સર,’ આદેશ રાજપાલે વડા પ્રધાનને જણાવ્યું.
‘પીએમ સર, એક સવાલ છે કે શ્રૃતિ મહેતાને સેન્ટ્રલ વિસ્ટામાં રાખવી છે? અત્યાર સુધી તો તેમની હિલચાલમાં કશું સંદેહજનક જણાતું નથી, પરંતુ દિવસમાં બે-ત્રણ વખત તેઓ પિતા સાથે વાતો કરે છે. અત્યાર સુધીની વાતોમાં કશું વાંધાજનક લાગતું નથી પણ મને એવું લાગે છે કે તેમને બેઠકોથી દૂર રાખવામાં આવે,’ આદેશે ચિંતા વ્યક્ત કરી.
‘એક કામ કરો, રંજન કુમારને પૂછી જુઓ કે તેમને શ્રૃતિ વગર ચાલશે? તેમને વાંધો ન હોય તો શ્રૃતિને પાછી મોકલી આપો,’ વડા પ્રધાને વચલો માર્ગ દાખવ્યો.
‘બીજી કોઈ શંકા રહેલી છે?’ વડા પ્રધાને વધુ એક સવાલ કર્યો.
‘સર, અનુપ રોયને તમે અધ્યક્ષ સ્થાને બેસાડવાની વાત કરી છે, પરંતુ તેમનો અનુપમ વૈદ્ય સામે પૂર્વગ્રહ છે અને રંજન કુમાર સાથે તેમને સ્પર્ધા જેવું લાગી રહ્યું છે. આ બધામાં આપણા મિશન મૂનના પ્રોજેક્ટ સાથે અન્યાય ન થાય.’
‘રાજીવ, તારે આ બાબતમાં કશું કહેવાનું છે?’ વડા પ્રધાને પુછ્યું.
‘પીએમ સર, જ્યાં સુધી અનુપ રોયની મારી પાસે જાણકારી છે ત્યાં સુધી તેઓ કોઈને ઈરાદાપૂર્વક અન્યાય નહીં થવા દે. આમ છતાં તેમને અધ્યક્ષ બનાવવાને બદલે ગૃહપ્રધાન અમિતાભ શેઠને આપણે બેઠકના અધ્યક્ષસ્થાને રાખવાની વાત કરીએ તો વધુ સારું રહેશે,’
‘બીજું અમિતાભ શેઠને આ સમગ્ર પ્રક્રિયા સાથે સાંકળવામાં આવશે તો અનુપમ વૈદ્ય તેમ જ વિક્રમ નાણાવટી સાથે થયેલા અન્યાયની તપાસ પણ કરી શકાશે અને અન્યો પણ દબાણ હેઠળ રહેશે. તેમની ધાક બધા પર છે,’ રાજીવ ડોવાલે નવો રસ્તો દાખવ્યો.
‘તમારી વાત સાચી છે, આમેય આ આખા પ્રોજેક્ટને ગુપ્ત રાખવા માટે આપણે જે જહેમત કરી રહ્યા છે તેને ગૃહ ખાતાની મદદ જોઈશે અને તેને માટે શેઠને આજે નહીં તો કાલે વિશ્ર્વાસમાં લેવા જ પડશે તો કાલથી જ કેમ નહીં, અમિતાભ શેઠને સંદેશો મોકલાવી દો કે હું જાઉં તે પહેલાં મિશન મૂન અંગેની બ્રીફ મારી પાસેથી લઈ લે,’ વડા પ્રધાને કહ્યું.
‘ઓકે સર,’ રાજીવ ડોવાલે વડા પ્રધાનને ખાતરી આપી.
* * *
અનુપ રોય અત્યારે પોતાની કેબિનમાં બેસીને કેટલીક આકૃતિઓ તૈયાર કરી રહ્યા હતા અને વિશાલ માથુર તેમણે આપેલી સૂચનાઓને આધારે કમ્પ્યુટર પર પ્રેઝન્ટેશન તૈયાર કરી રહ્યા હતા. અચાનક અનુપ રોયને કશુંક યાદ આવ્યું અને તેઓ ઊભા થઈને ઓરડાની બહાર નીકળી ગયા.
અનુપ રોય બહાર ગયા એટલે તરત જ વિશાલ માથુરે પોતાના કાકા રવિ માથુરને ફોન લગાવ્યો. થોડી ઔપચારિક વાતો થયા બાદ તેમણે પોતાની વાત કરતાં કહ્યું કે ‘હવે ફરી એક વખત હું અને વિક્રમ નાણાવટી બંને એક જ જગ્યાએ રહીશું.’
‘કેમ એવું શું થયું?,’ રવિ માથુરે સવાલ કર્યો
‘કંઈ નહીં કાકા, રંજન કુમારે કહ્યું છે કે તેમને વિક્રમ નાણાવટી જોઈએ છે,’ વિશાલ બોલ્યો.
‘તો શું થયું, ઈસરોમાંથી તેને રિલીઝ નહીં કરવામાં આવે એવી વ્યવસ્થા મેં કરી હતી,’ રવિ માથુરે સામે જવાબ આપ્યો.
‘તમારી વાતનું કશું જ થયું નથી, ઈસરોમાંથી તેને રિલીઝ કરી દેવામાં આવ્યો છે,’ વિશાલ માથુરે પોતાની વ્યથા જણાવી. (ક્રમશ:)
—
હવે શું?
‘ભારતના મિશન મૂન સાથે સંકળાયેલા બે વિજ્ઞાનીઓ રંજન કુમાર અને અનુપ રોય સાથે તમારે વ્યક્તિગત સંબંધો છે ને? આ વાત તમે કેમ જણાવી નહોતી? તમારી પાસે મને આપવા જેવી કોઈ વિશેષ માહિતી છે?’ રાષ્ટ્ર પ્રમુખ લ્યાન ઝિંગ પિંગે સામે બેસાડીને સીધો સવાલ કર્યો ત્યારે અણુવિજ્ઞાની હ્યુ રેન્યુને શરીરમાં ઠંડો કરન્ટ લાગ્યો હોય એવી અનુભૂતિ થઈ