વૈશ્ર્વિક રીતે આપણે એનપીટી પર સહી કરવા માટે આખી દુનિયા પર દબાણ લાવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં જો ચંદ્ર પરથી આવેલું બધું યુરેનિયમ તમને આપી દઉં તો મારે માટે સ્થિતિ કફોડી થશે અને તમારું અસ્તિત્વ પણ જોખમાઈ જશે, એમ આઈ ક્લીયર
લેખક – વિપુલ વૈદ્ય
‘પ્રેેસિડેન્ટ સર, તમારી વાત સર આંખો પર પણ અમારે માટે આ બહુ મોટું મૂડીરોકાણ છે. આની સામે અમને પૂરતું વળતર તો મળવું જોઈએને.’
‘મિશન મૂન માટે અબજો ડોલરનું રોકાણ થશે અને પછી ત્યાંથી આવનારા યુરેનિયમની ધાતુના શુદ્ધીકરણ પાછળ પણ અમારે ખર્ચ કરવો પડશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચંદ્ર પરથી આવેલા યુરેનિયમ પર અમારી ચાર કંપનીનો અધિકાર હોવો જોઈએ,’
‘આ યુરેનિયમમાંથી શસ્ત્રોનું નિર્માણ થશે અને તે અમેરિકા તેમ જ અન્ય દેશોને વેચવામાં આવશે ત્યારે અમારું રોકાણ છૂટું થશે. ડેપ્યુટી મેડમે એવો સંદેશ આપ્યો છે કે આમાંથી અડધું યુરેનિયમ સરકાર પોતાના માટે લઈ લેશે. આવી સ્થિતિમાં અમારી હાલત કફોડી થઈ જશે,’ અમેરિકાની અણુશસ્ત્રો તૈયાર કરનારી કંપની લોકહીડ માર્ટીનના મિ. માર્ટીને પેન્ટાગોનની અંડરગ્રાઉન્ડ ચેમ્બરમાં રાષ્ટ્ર પ્રમુખ જોન લાઈગર સામે પોતાની વાત રજૂ કરી ત્યારે બાકીની ત્રણ કંપની બોઈંગ, હનીવેલ ઈન્ટરનેશનલ અને નોર્થોપ ગ્રુમેનના પ્રતિનિધિઓ હાજર હતા.
‘મિ. માર્ટીન તમે ચારેય કંપનીઓનું નેતૃત્વ તમારા હાથમાં લીધું છે, બરાબર.’ ‘અત્યારે આપણે જે કરી રહ્યા છીએ તે દેશના હિતમાં કરી રહ્યા છીએ, બરાબર.’
‘મિશન મૂન જાહેર થયા વગર રહેશે નહીં તે સ્પષ્ટ છે, બરાબર.’
‘મિશન મૂન શું છે તે જાહેર થયા બાદ જો બધું જ યુરેનિયમ ફક્ત ચાર કંપનીઓને આપી દેવામાં આવ્યું છે એવું જાહેર થાય તો શું કરવું?’
‘તમને ખબર પડે છે, કેવી પરિસ્થિતિ સર્જાશે?’
‘આંતરરાષ્ટ્રીય સમુદાયની તો વાત જવા દો, પરંતુ આપણા દેશની જ વિવિધ સમાજસેવી સંસ્થાઓ મારી પાછળ પડી જશે.’
‘વૈશ્ર્વિક રીતે આપણે નોન-પ્રોલિફરેશન ઓફ ન્યુક્લિયર વેપન (એનપીટી) પર સહી કરવા માટે આખી દુનિયા પર દબાણ લાવી રહ્યા છીએ જે દેશોએ એનપીટી પર સહી નથી કરી તેમને ધમકાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ચંદ્ર પરથી આવેલું બધું યુરેનિયમ તમને આપી દઉં તો મારે માટે સ્થિતિ કફોડી થશે અને તમારું અસ્તિત્વ પણ જોખમાઈ જશે, એમ આઈ ક્લીયર.’ લાઈગરે પોતાની વાત મુદ્દાસર રજૂ કરી.
‘બીજી તરફ દેશમાં ૧૦૭ અણુઊર્જા પર ચાલનારા પ્લાન્ટ હતા તેમાંથી ૧૦ પ્લાન્ટ ઈંધણના અભાવે બંધ પડ્યા છે અને બાકીના પ્લાન્ટની હાલત પણ ખરાબ છે. આવી સ્થિતિમાં મારે દેશમાં વીજળીની સ્થિતિ માટે આ મિશન મૂન ચલાવી રહ્યો છું એવું કહેવું પડશે કે નહીં.’
‘તેમને હું યુરેનિયમ આપીશ તો દેશમાં અણુ ઊર્જા સસ્તી અને મબલખ મળી રહેશે. જનતા પણ ખુશ રહેશે અને તમે પણ. સમજ્યા,’ લાઈગર બોલ્યા.
‘પ્રેસિડેન્ટ સર, એટલી વાત તો સમજો કે બધો ભાર અમારી કેડ પર આવી રહ્યો છે,’ હનીવેલ કંપનીના પ્રતિનિધિ માઈકલ થોર્પેએ કહ્યું.
‘અમારી નફાકારક શક્તિ ઘણી ઘટી ગઈ છે. એનપીટીને કારણે અણુશસ્ત્રોની ખરીદી બંધ થઈ ગઈ છે અને તેમાં આટલું મોટું રોકાણ વસૂલ કેવી રીતે થશે?’ તેમણે શંકા વ્યક્ત કરી.
‘મિ. થોર્પે સત્તાવાર રીતે અણુશસ્ત્રોનું વેચાણ બંધ થયું હોવા છતાં દુનિયાના અનેક દેશોને તમે અને અન્ય કંપનીઓ જે ગેરકાયદે અણુશસ્ત્રો વેચ્યાં છે તેનો અહેવાલ છે મારી પાસે, તમારી ઈચ્છા હોય તો બધું જાહેર કરીએ.’
મોનિકા હેરિસે પ્રેસિડેન્ટ સરની સામે દલીલ કરી રહેલા અણુશસ્ત્રોની કંપનીના પ્રતિનિધિઓને સીધા કરવા માટેનું શસ્ત્ર ઉગામ્યું.
‘ગેરકાયદે વેચાણનો નફો પણ ગેરકાયદે છે અને અમે જાણી જોઈને હજી સુધી તમારી એ બધી સંપત્તિ જપ્ત કરી નથી. એમ આઈ ક્લિયર.’
‘તમારા એ બધા ધંધા આડે અમે આંખ આડા કાન કરીએ છીએ, પરંતુ દેશહિતના મુદ્દે તમારે પણ થોડું જતું કરવું પડશે.’
‘અત્યારે તમારે મિશન મૂનમાં રોકાણ કરવાનું છે અને ત્યાંથી આવનારા યુરેનિયમમાંથી તમને શુદ્ધીકરણ બાદ પચાસ ટકા આપવામાં આવશે, એમ આઈ ક્લિયર,’ મોનિકા હેરિસના મોંએથી બોલાયેલા શબ્દોએ ચારેય કંપનીના પ્રતિનિધિઓ એકદમ ઠંડા પડી ગયા.
‘ઠીક છે પ્રેસિડેન્ટ સર, અમારે શું કરવાનું છે?’ મિ. માર્ટીને નમતું જોખ્યું.
‘નાસા દ્વારા એક રોકેટ અવકાશમાં મોકલવામાં આવવાનું છે, તેમાં તમારે આવશ્યક ભૂસ્તરશાસ્ત્રીઓ અને ધાતુવિજ્ઞાનીઓને મોકલવાના છે. આ લોકો સ્પેસ સ્ટેશનમાં પહોંચશે ત્યાંથી તેમને આગળના બધા કામના નિર્દેશ આપવામાં આવશે,’ જોન લાઈગર વતી ચીફ ઓફ યુનાઈટેડ સ્ટેટ્સ આર્મી સેમ્યુઅલ યંગે માહિતી આપવાનું ચાલુ કર્યું.
‘ચંદ્ર પર પહોંચીને આ ભૂસ્તરશાસ્ત્રીઓ યુરેનિયમનું પ્રમાણ વધુ હોય એવી કાચી ધાતુ શોધી કાઢશે અને તેમની સાથે રહેલા ધાતુશાસ્ત્રી આનું શુદ્ધીકરણ પરવડી શકે તેમ છે કે નહીં તે નક્કી કરશે.’
‘સ્પેસ સ્ટેશનમાંથી જોડાયેલા મજૂરો આ કાચી ધાતુને ઉલેચશે અને યાનમાં ભરશે. ત્યાંથી ધાતુને સ્પેસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે અને ત્યાંથી શટલના માધ્યમથી ટુકડે-ટુકડે ધરતી પર લાવવામાં આવશે.’
‘આ સમગ્ર પ્રક્રિયામાં તમારું યોગદાન દરેક તબક્કે રહેશે. આર્થિક સહયોગ તમારો રહેશે અને મેનપાવર અમે ઉપલબ્ધ કરાવી આપીશું,’ સેમ્યુઅલે પોતાની વાત પૂરી કરી.
‘પ્રેસિડેન્ટ સર, તમને ખરાબ ન લાગે તો એક વાત કરું,’ મિ. થોર્પેએ અત્યંત દયામણા થઈને લાઈગરને કહ્યું.
‘કહો,’ લાઈગરે ઉપકાર કરવાના ભાવ સાથે જવાબ આપ્યો.
‘પ્રેસિડેન્ટ સર, કાચી ધાતુને પૃથ્વી પર લાવવામાં આવશે તો એક ટન કાચી ધાતુમાંથી માંડ ૧૨૦ કિલો યુરેનિયમ હાથમાં આવશે, તેને બદલે કાચી ધાતુને ધોઈને શુદ્ધીકરણ કરીને લાવવામાં આવે તો એક ટન યુરેનિયમ પૃથ્વી પર આવશે અને તેનું અડધું અડધું કરવાનું યોગ્ય પણ ગણાશે,’ થોર્પેએ પોતાની યોજના માંડી.
‘ચિલ રેટની ન્યુક્લિયર પાવર કંપની પાસે યુરેનિયમના શુદ્ધીકરણ અને સંવર્ધન માટેના પ્લાન્ટ છે. તેમની પાસે આની ટેકનોલોજી પણ છે, જો તેમની મદદ લઈ શકાય તો આપણે આવા પ્લાન્ટ સ્પેસ સ્ટેશન કે પછી સીધા ચંદ્ર પર સ્થાપીને વધુ સારી રીતે યુરેનિયમનો લાભ લઈ શકીશું.’
‘આમેય તેની કમ્પ્યુટર સોફ્ટવેર પ્રોગ્રામની કંપની ચિન્ડોસથી સારો એવો નફો થઈ રહ્યો છે તો અત્યારે તેને રોકાણ કરવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં,’ થોર્પે પ્રેસિડેન્ટને પોતાની યોજના સમજાવવાના બહાને ચિન્ડોસના માલિકને પણ મૂડીરોકાણ માટે ઘસડી રહ્યો હતો.
દુનિયાના સૌથી શ્રીમંતોમાં સ્થાન ધરાવતા ચિલ રેટને જો આ પ્રોજેક્ટમાં સાથે લેવાય તો અમેરિકન સરકાર પર દબાણ પણ રહેશે એવી પણ મહેચ્છા હતી.
* * *
‘બેઈલી, તે સાંભળ્યું? ભારત મિશન મૂન જેવો કોઈ પ્રોગ્રામ કરી રહ્યું છે. ભારતના વર્તમાન વડા પ્રધાનને પોતાના દેશની પ્રગતિમાં ઘણો રસ હોય એવું લાગી રહ્યું છે,’ જોન સ્વીપર પોતાના આસિસ્ટન્ટને જણાવી રહ્યો હતો.
‘આ વ્યક્તિ વડા પ્રધાન બન્યા બાદ ભારતે એક સાથે ૧૦૦થી વધુ ઉપગ્રહો અવકાશમાં છોડીને વિશ્ર્વ વિક્રમ નોંધાવ્યો હતો. મંગળયાન અને ચંદ્રયાન બાદ જો હવે મિશન મૂનમાં પણ તેઓ સફળ થાય તો તેમનો છાકો પડી જશે,’ જોન સ્વીપર અનાયાસે બોલી રહ્યો હતો.
અચાનક કશોક વિચાર આવતાં તે અટક્યો અને બોલ્યો, ‘શું ભારતને પણ યુરેનિયમની લાલચ લાગી છે? શું તેઓ પણ અણુશસ્ત્રો બનાવવા માગે છે?’
‘શું ત્યાંની સરકાર પણ વિનાશકારી શસ્ત્રો નિર્માણ કરનારી કંપનીઓના હાથમાં વેચાઈ ગઈ છે? આવું ન થવું જોઈએ. ભારત પાસેથી આવી આશા નથી.’
‘સર, તમે વિચારો છો એવું કશું જ નથી,’ મિ. બેઈલીએ પોતાના
સિનિયર જોન સ્વીપરને ધરપત આપતાં કહ્યું.
‘મારી માહિતી છે ત્યાં સુધી ભારત દેશને કોલસામુક્ત એટલે કે પ્રદૂષણ રહિત વીજળી આપવાના હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે અને તેમના આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના રંજન કુમાર છે.’
(ક્રમશ:)
————–
હવે શું?…
‘અનુપમ અને વિક્રમને અન્યાય કરનારા, તેમને યોગ્ય માનપાનથી વંચિત રાખનારા રંજન કુમાર જ તેમની ભલામણ કરી રહ્યા છે… આ વાત મને સમજાતી નથી,’ વડા પ્રધાન ઈન્દ્રકુમાર મહેતાએ રાજેશ તિવારી દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ રાજીવ ડોવાલ અને આદેશ રાજપાલ સામે જોઈને વાતની શરૂઆત કરી. રંજન કુમારની બેવડી ભૂમિકાને સમજવા માટે ત્રણેય લોકોએ આ મુદ્દે ગંભીર ચર્ચાની શરૂઆત કરી