Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૧૮

મિશન મૂન પ્રકરણ ૧૮

આ મિશન મૂન નથી મિશન ઈમ્પોસિબલ છે. સ્યુસાઈડ મિશન છે.નીચે યુરેનિયમ છે અને યાનમાં ટનના હિસાબે જ્વલનશીલ ઈંધણ છે. લેન્ડિંગ વખતે જરા પણ ભૂલ થઈ તો બધું રાખ થઈ જશે

લેખક – વિપુલ વૈદ્ય

રશિયાની રાજધાની મોસ્કોમાં ડુમા હાઉસની નજીક આવેલી એક વિશાળ ઈમારતમાં અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવ પોતાના સાથીઓ સાથે નકશાઓ બનાવવામાં પડ્યો હતો અને પળેપળ તેનો ગૂંચવાડો વધતો જતો હતો.
તેને કહેવામાં આવ્યું હતું કે એક ખેપમાં ઓછામાં ઓછું પાંચ ટન યુરેનિયમ પાછું આવવું જોઈએ એવા યાનને લઈ જવા માટેના રોકેટની વ્યવસ્થા કરવી. અત્યારે માથાના બધા વાળ ખેંચી નાખવાનું મન થતું હતું. આ કામ કેટલું અઘરું અને પડકારજનક છે તે તેના ધ્યાનમાં આવી રહ્યું હતું અને અનાયાસે તેના મોંમાંથી શબ્દો સરી પડ્યા.
‘આ મિશન મૂન નથી મિશન ઈમ્પોસિબલ છે. સ્યુસાઈડ મિશન છે.’
‘નીચે યુરેનિયમ છે અને યાનમાં ટનના હિસાબે જ્વલનશીલ ઈંધણ છે. લેન્ડિંગ વખતે જરા પણ ભૂલ થઈ તો બધું રાખ થઈ જશે. આવી જ રીતે પાછા ફરતી વખતે પૃથ્વીની કક્ષામાં પ્રવેશતી વખતે આગનો એક તણખો પણ અંદરની તરફ લાગ્યો તો બધું રાખ થઈ જાય. ફરી લેન્ડિંગ વખતની ચિંતા તો અકબંધ જ છે.’
‘બાઈબલમાં એલેકઝાંડર પોપે બરાબર જ કહ્યું છે કે ‘શાણા માણસો જ્યાં જતા વિચાર કરે છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે.’ એવા ક્યા મૂર્ખા હશે જે આવા આત્મઘાતી મિશન પર જવા તૈયાર હશે. મને લાગે છે કે દુનિયાનો કોઈપણ દેશ આ જોખમ લેશે નહીં,’ રૂમાન્ટેસેવ બોલ્યા.
બરાબર એ જ વખતે ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવનું આગમન થયું.
તેમણે કહ્યું, ‘શું વાત છે, કેમ આવા ધૂંધવાયેલા લાગો છો?’
‘તમે બાઈબલ વાંચ્યું છે? તેમાં એક વાક્ય છે જ્યાં જતાં દેવદૂતો અચકાય છે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે. અત્યારની સ્થિતિમાં આ વાક્યમાં દેવદૂતોની જગ્યાએ શાણા લખો તો વાક્ય પૂર્ણ થઈ જાય છે,’ એલેક્ઝાંડરે પોતાની વ્યથા માંડી.
‘કેમ આટલી નકારાત્મક વાતો કરો છો?’ રૂમા અત્યારે એલેકઝાંડરની વાત જાણવા તત્પર હતો.
‘અહીં આવો તમને દેખાડું, આ જુઓ નકશા અને આકૃતિઓ તૈયાર કરી છે. આપણે જવાનું છે ચંદ્ર પર, બરાબર. અહીંથી જનારા યાનની અંદર જ્વલનશીલ ઈંધણ અને બહાર પણ ઈંધણ. આવી જ રીતે ત્યાંથી આવતી વખતે પણ અંદર જ્વલનશીલ યુરેનિયમની ધાતુ અને બહાર રોકેટની ગરમી. આ પ્લાન તૈયાર કરતી વખતે એક વાળ જેટલી પણ ભૂલ થઈ તો બધું સ્વાહા. કેવી રીતે આનું આયોજન કરવું,’ એલેકઝાંડરે પોતાની સમસ્યા સમજાવી.
‘તમે એક કામ કેમ નથી કરતા, તમારી પાસે એક મોટો નિષ્ણાત છે બધી વસ્તુઓનો. તેની પાસે ઘણી બધી માહિતી હોય છે. તેની મદદ કેમ નથી લેતા,’ રૂમાએ એલેકઝાંડરને આડકતરી રીતે જણાવ્યું.
‘તમે સીધી સીધી વાત કરો આવી રીતે ઉખાણામાં કેમ ખબર પડે? તમે કોની વાત કરો છો?’ એલેકઝાંડરે સામો સવાલ કર્યો.
‘હું કુર્ચાટોવની વાત કરી રહ્યો છું. તે ઘણો જ્ઞાની છે અને જ્યારે હોય ત્યારે બધાથી વધારે એ જ બોલતો હોય છે ને. તેની મદદ કેમ માગતા નથી.’ રૂમાએ ડુમા હાઉસમાં કુર્ચાટોવ જે રીતે સાહેબનું ધ્યાન ખેંચતો હતો અને બીજા બધાને અજ્ઞાની દર્શાવવાનો પ્રયાસ કરતો હતો તેનો બદલો લેવાના હેતુથી એલેકઝાંડરને આગળ કરીને પોતાની સોગઠી મારવાનો પ્રયાસ કર્યો.
‘કુર્ચાટોવ ખગોળશાસ્ત્રી છે અને ભૂસ્તરશાસ્ત્રની પણ તેની પાસે જાણકારી છે, પરંતુ તેની પાસે અવકાશવિજ્ઞાનની માહિતી ન હોય.’
‘રોકેટ કેવી રીતે લઈ જવું અને યાનને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અમારી જવાબદારી છે. અમારી જવાબદારી અમારે જ સમજવી પડશે અને તેનો રસ્તો કાઢવો પડશે,’ રૂમાનો દાવ સમજી ગયેલા એલેકઝાંડરે સ્પષ્ટ જવાબ આપ્યો.
* * *
યુરેનિયમને સમૃદ્ધ કરીને લાવવું હોય તો ચંદ્ર પર નહીં તો સ્પેસ સ્ટેશનમાં યુરેનિયમના શુદ્ધીકરણ ઉપરાંત સમૃદ્ધ કરવા માટેનાં યંત્રો ઊભાં કરવાં પડશે અને તેને માટે આપણે ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલા એન્જિનિયરોની મદદ લેવી પડશે.
અણુ વિજ્ઞાની યેવગેની એડામોવ અત્યારે ચિંતામાં જણાઈ રહ્યા હતા. તેમણે પોતાના હાથ નીચેના અધિકારીઓને એટમિક રિએક્ટર તૈયાર કરનારા એન્જિનિયર રોસાટેમને શોધી કાઢવાનો આદેશ આપ્યો.
ચેર્નોબિલના અણુઊર્જા પ્લાન્ટમાં થયેલા ધડાકા બાદ વિશ્ર્વનું સૌથી સુરક્ષિત વીવીઈઆર-૬ શ્રેણીનું રિએક્ટર બાંધનારા એન્જિનિયર રોસાટેમનું આખી દુનિયામાં ઘણું
માન હતું.
રોસાટેમે ફક્ત રશિયામાં જ નહીં, ભારત અને વિશ્ર્વના અન્ય કેટલાક દેશોમાં પણ આવા રિએક્ટર બાંધવામાં પોતાની નિપુણતાનો લાભ આપ્યો હતો.
‘સર, અત્યારે રોસાટેમ ભારતમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને તેમનો પ્રોજેક્ટ હજી બે વર્ષ સુધી ચાલવાનો છે. આવી સ્થિતિમાં તેમને પાછા બોલાવવા હોય તો કોમરેડ સર સિવાય કોઈપણ આનો આદેશ આપી શકશે નહીં,’ આસિસ્ટન્ટે યેવગેનીને માહિતી આપી.
* * *
‘તમે લોકો હજી સુધી એક અહેવાલ મેળવવાનું કામ કરી શક્યા નથી, તમારા કારણે મારે કોમરેડ સરની વાતો સાંભળવી પડે છે.’
‘આપણી ભારતમાં રહેલી ટીમ અને અમેરિકામાં રહેલી ટીમો શું કરી રહી છે?’ ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવ ડુમા હાઉસની ઉત્તરે આવેલી ઈમારતમાં પોતાના હાથ નીચેના અધિકારીઓને ધમકાવવાનું ચાલુ કર્યું.
‘સર, અમેરિકામાં આપણા જાસૂસે કહ્યું હતું કે અહેવાલ ફક્ત અને ફક્ત મિ. પીટર બોઝેસ પાસે અને વિજ્ઞાની જોન સ્વીપર પાસે છે. સ્વીપરનો આસિસ્ટન્ટ મિ. બેઈલી છે. તેની ગર્લફ્રેન્ડના માધ્યમથી અહેવાલની કોપી મેળવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી છે.’
‘સ્વીપરે આ અહેવાલ ફક્ત પોતાના કમ્પ્યુટરમાં હાઈડ કરીને રાખ્યો છે અને આ કમ્પ્યુટર ફક્ત તેની આંખોને જોઈને જ ખુલી શકે છે. મિ. બોઝેસ તો અત્યંત પ્રમાણિક છે એટલે તેમની પાસેથી અહેવાલ મળવો મુશ્કેલ છે.’
‘અચ્છા, ભારતમાં રહેલા જાસૂસોની શું સ્થિતિ છે?’ ઈવાનોવિચે બીજો સવાલ કર્યો.
‘સર, ત્યાંના આપણા જાસૂસોએ એવી માહિતી આપી છે કે સેન્ટ્રલ વિસ્ટામાં ઓછામાં ઓછા ૨૫ વિજ્ઞાનીઓને રાખવામાં આવ્યા છે અને આમાંથી મોટા ભાગના મિશન મૂન સાથે સંકળાયેલા છે.’
‘આ બધાને બહાર નીકળવાની પરવાનગી નથી અને બહારના લોકોને તેમને મળવાની પરવાનગી નથી. આમ છતાં આપણા પ્રયાસો ચાલી રહ્યા છે અને બહુ ટૂંક સમયમાં એક વિજ્ઞાની આપણી જાળમાં ફસાઈ જવાની શક્યતા છે.’
‘તેની પાસેથી અહેવાલ મળશે કે નહીં, પરંતુ મિશન મૂન અંગેની ઘણી માહિતી મળી શકશે,’ એમ તેણે ઈવાનોવિચને અત્યંત વિશ્ર્વાસપૂર્વક કહ્યું.
‘બીજી કોઈ જાણવા લાયક માહિતી આવી છે ભારતમાંથી?’ મળેલી માહિતીથી અસંતુષ્ટ ઈવાનોવિચે અધિકારીઓની ઊલટતપાસ આદરી.
બરાબર એ જ સમયે મેજર જનરલ વેલેરી ગેરાસિમોવની કેજીબીની ગુપ્ત કચેરીમાં એન્ટ્રી થઈ.
અંદર આવતાં જ તેમણે સવાલ કર્યો કે, ‘શું માહિતી છે તમારી પાસે અહેવાલ બાબતે?’
તેમના સવાલને લઈને ઈવાનોવિચના ચહેરા પર જે ભાવ આવ્યા તેના પરથી ઘણી વાતો સમજી ચુકેલા વેલેરીએ પોતાની પાસે રહેલી માહિતી આપવાની શરૂઆત કરી.
‘છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ વિજ્ઞાનીઓની સેન્ટ્રલ વિસ્ટામાં એન્ટ્રી થઈ છે અને અત્યારે કલાક પહેલાં મળેલી માહિતી મુજબ આંદામાનમાં બની રહેલા ભારતના અણુ ઊર્જા પ્લાન્ટની બ્લ્યુપ્રિન્ટ (રૂપરેખા) મગાવવામાં આવી છે. હવે તમારા ભારતમાં રહેલાં સૂત્રોને સક્રિય કરો અને તેની માહિતી મેળવો.’(ક્રમશ:)
————-
હવે શું?
‘પ્રેસિડેન્ટ સર, અમારા માટે મિશન મૂન ઘણું ખર્ચાળ છે અને તેથી આના માટેનો ખર્ચો ઉઠાવ્યા બાદ તમારી ઈચ્છા મુજબ જો ફક્ત ૫૦ ટકા યુરેનિયમ અમારા હાથમાં આવવાનું હોય તો આ અમારા માટે નુકસાનનો સોદો છે અમને નહીં પરવડે,’ લોકહીડ માર્ટીન કંપનીના મિ. માર્ટીને પેન્ટાગોનની બેઠકમાં રાષ્ટ્રપ્રમુખ જોન લાઈગરને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular