લેખક – વિપુલ વૈદ્ય
જો, વિશાલ એક વસ્તુ સમજી લે, અત્યારે અહીં જે ટીમ બેઠી છે તે કોર ટીમ છે અને આ ટીમે ભવિષ્યની એક મોટી યોજના માટે બધાં જ સારાં-માઠાં પાસાંની ગણતરી કરીને એક એવો અહેવાલ તૈયાર કરવાનો છે, જેને આધારે વડા પ્રધાન મહોદય નિર્ણય લઈ શકે કે મિશન મૂન ખરેખર હાથ ધરવાનું છે કે નહીં
———
હવે શું?
‘આ મિશન મૂન નહીં, મિશન ઈમ્પોસિબલ છે. ચંદ્ર પર પાછા ફરવા માટેના ટનબંધ ઈંધણની સાથે ઊતરવું અને ત્યાંથી ટનને હિસાબે વિસ્ફોટક યુરેનિયમ લઈને પાછા ફરવું અત્યંત જોખમી છે. ગણતરીમાં એક દોરા જેટલી ભૂલ અને બધું સ્વાહા થઈ જશે,’ રશિયાના અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેસેવ પોતાના આસિસ્ટન્ટને
કહી રહ્યા હતા
——–
રંજન કુમારની સામે અત્યારે મંગલયાન માટેના ઈંધણના વપરાશનો અહેવાલ પડ્યો હતો અને તેનો અભ્યાસ કરતી વખતે અચાનક એક જગ્યાએ તેઓ અટકી પડ્યા અને તરત જ કમ્પ્યુટર પર કશુંક શોધવાનું ચાલુ કર્યું. થોડી શોધખોળ કર્યા પછી કમ્પ્યુટર બંધ કરીને ફરી પાછા પોતાની સામે પડેલા અહેવાલમાં માથું નાખીને બેસી ગયા. અચાનક તેમને શું સૂઝ્યું કે તેમણે શ્રૃતિને બોલાવી.
‘શ્રૃતિ બેટા, એક કામ કરશે આપણી ઓફિસમાં જરા ફોન કર. ઓફિસમાં લૈલા ડિસોઝા હશે તેને કહીને આપણે આંદામાનના પ્રસ્તાવિત પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ રિપોર્ટ મગાવી લે,’ રંજન કુમારે કહ્યું.
‘અમોલ ક્યાં છે તું?’ રંજન કુમારે અહેવાલમાં જોતાં જોતાં અવાજ આપ્યો.
‘અહીં જ છું સર,’ અમોલ સામે આવ્યો.
‘અમોલ, આપણે પેલો થોરિયમનો એક પોર્ટેબલ શુદ્ધીકરણ પ્લાન્ટ તૈયાર કર્યો હતો તેની વિગતો યાદ છે તને?’
‘હા, સર શું જોઈએ છે?’ અમોલે સવાલ કર્યો.
‘મને એક વસ્તુ યાદ અપાવ, એ પોર્ટેબલ પ્લાન્ટનું વજન કેટલું થયું હતું?’રંજન કુમારે સવાલ કર્યો.
‘જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એનું વજન લગભગ એક ટન જેટલું હતું,’ અમોલ પાઠકે રંજન કુમારને જવાબ આપ્યો.
આ સાંભળીને રંજન કુમારે પોતાની પાસે પડેલા કેટલાક કાગળોમાં થોડી નોંધ ટપકાવી અને પછી ફરી અમોલને અવાજ આપ્યો.
‘અમોલ એક કામ કર યુરેનિયમ શુદ્ધીકરણના પ્લાન્ટનો એક નકશો તૈયાર કરીને આપ અને તેની સાથે યુરેનિયમનો ઉપયોગ કરીને ઊર્જા તૈયાર કરવાનો નકશા પણ તૈયાર કરજે.’
અમોલને કામ સોંપીને તેઓ તરત જ ઊભા થયા અને હાથમાં કેટલાક કાગળો લઈને અનુપ રોયને મળવા ચાલ્યા.
* * *
‘ઓછામાં ઓછા મેનપાવર સાથે વીજળીનું ઉત્પાદન કરવું હોય તો યંત્રોનું ઓટોમેશન (સ્વયંચાલિત) કરવું પડશે. આને માટે આપણે ડીઆરડીઓની મદદ લેવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. જે રીતે આ કામ ગુપ્ત રીતે કરવાનું છે તો તેમાં આપણને ડીઆરડીઓના માણસો જ કામ લાગી શકશે.’ અનુપ રોય વિશાલ માથુર અને અન્ય સહકારીઓ સાથે પ્લાન તૈયાર કરી રહ્યા હતા.
‘સર, મને લાગે છે ત્યાં સુધી આપણે વીજ ઉત્પાદનની જવાબદારી નથી લેવાની તે કામ તો રંજન કુમારનું છે. આપણે યુરેનિયમ શુદ્ધીકરણની પણ જવાબદારી નથી લેવાની આપણે તો ફક્ત ઓછામાં ઓછા ખર્ચે ચંદ્ર પર જઈને પાછા ફરી શકાય તે માટેની તૈયારીઓ કરવાની છે,’ વિશાલ માથુરે અનુપ રોયને કાપવાનો પ્રયાસ કરતા કહ્યું.
‘અચ્છા.. તો પછી થોડા સમય બાદ તમે એમ કહેશો કે રોકેટનું બધું તો અકબરે જોવાનું છે. રોકેટના કામ સાથે તો એ લોકો સંકળાયેલા છે. બરાબર?’ અનુપ રોયે વિશાલને ટોણો માર્યો અને પછી આગળ બોલવાનું ચાલુ કર્યું.
‘જો, વિશાલ એક વસ્તુ સમજી લે. અત્યારે અહીં જે ટીમ બેઠી છે તે કોર ટીમ છે અને આ ટીમે ભવિષ્યની એક મોટી યોજના માટે બધા જ સારાં-માઠાં પાસાની ગણતરી કરીને એક એવો અહેવાલ તૈયાર કરવાનો છે, જેને આધારે વડા પ્રધાન મહોદય નિર્ણય લઈ શકે કે મિશન મૂન ખરેખર હાથ ધરવાનું છે કે નહીં. એમ આઈ ક્લિયર.’
‘હા, સર.. સોરી..,’ વિશાલે તરત જ માફી માગી
‘હવે મારી પાસે રહેલી માહિતી મુજબ મંગળયાન વખતે કુલ પાંચ અલગ અલગ પ્રકારના ઈંધણનો રોકેટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાંથી અલગ અલગ મિશ્રણનો સમાવેશ થતો હતો,’ વિશાલ માથુરે કહ્યું.
‘ચંદ્ર પર જવા માટે આપણને ઓછામાં ઓછા ત્રણ રોકેટની આવશ્યકતા પડશે. પહેલા રોકેટથી ઉડ્ડયન થશે, બીજું રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને ભેદ્યા બાદ ભ્રમણકક્ષામાં યાનને ગોઠવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે અને ત્રીજું રોકેટ ચંદ્ર પર ઊતરવા માટે ઉપયોગમાં લેવાશે.’
‘આ ઉપરાંત લેન્ડિંગ માટેની વ્યવસ્થા પણ કરવી પડશે.’
‘ચંદ્ર પરથી પાછા ફરવા માટે પણ ઓછામાં ઓછા ત્રણથી ચાર રોકેટની આવશ્યકતા પડશે અને સાથે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે આ બધા અનામત રોકેટને ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે નુકસાન ન પહોંચે.’
‘આ બધાની વ્યવસ્થા કરવા માટે ઘણા મોટા આકારના ક્ધટેનર તૈયાર કરવા પડશે અને ત્રણથી ચાર રોકેટ અંદર અને આટલાં જ રોકેટ બહારની બાજુમાં રાખવા પડશે.’
‘ક્ધટેનરના ઓછામાં ઓછા ત્રણ લેયર થઈ જશે અને આટલા બધામાં આપણા મિશન મૂનનું વજન ઘણું વધી જશે. હવે આની જોગવાઈ કેવી રીતે કરવી તેનો વિચાર કરવો પડશે.’
‘અત્યાર સુધી વાપરેલા ઈંધણને ધ્યાનમાં લેવામાં આવે તો આપણે યાનના વજનમાંથી ચાર ટન વજન ફક્ત રોકેટની પાછળ જ ગણતરીમાં લેવું પડશે. બીજું આ ચાર ટન ઈંધણ યાનના વજનને બાદ કરતાં બીજા ચાર-પાંચ ટન વજન કેવી રીતે ઊંચકી શકશે તેનો પણ વિચાર કરવાનો છે અને તેથી મને આ બધું અત્યંત ગૂંચવાડાભર્યું લાગી રહ્યું છે. મારું મગજ કામ નહોતું કરી રહ્યું. મને તમારા માર્ગદર્શનની આવશ્યકતા છે. મેં અત્યારે આ કેટલાંક ચિત્રો તૈયાર કર્યાં છે અને કેટલીક આકૃતિઓ પણ બનાવી છે તેના પર નજર મારીને મને જણાવશો કે ક્યાં ફેરફાર કરવાની શક્યતા છે,’ વિશાલ માથુરે તરત જ પેંતરો બદલીને નમતું લઈને અનુપ રોયને મોટાઈ આપવાનો પ્રયાસ કર્યો.
‘આ આપણે પછી કરીએ અત્યારે આપણે કોનો પ્લાન ક્યાં સુધી પહોંચ્યો તેની જાણકારી મેળવી લઈએ,’ એમ જણાવીને અનુપ રોય ઊભા થયા.
***
‘અકબર સર, આપણા માથે સૌથી મોટી અને મહત્ત્વની જવાબદારી આવી પડી છે આપણે કેવી રીતે આમાંથી રસ્તો કાઢીશું. મને તો સમજાતું જ નથી.’ જયંત સિન્હાએ પોતાના સિનિયર સાથે ગંભીર ચર્ચા આદરી.
‘આપણી પાસે સ્પેસ સ્ટેશન નથી, નથી આપણે અત્યાર સુધી રિટર્ન જર્ની માટેના કોઈ યાન બનાવ્યા.’
‘અવકાશમાં ભ્રમણકક્ષામાં યાનને પહોંચાડવાની ક્ષમતા છે, પરંતુ પાછા ફરવા માટે વધારાનું ઈંધણ લઈને જવું પડે અને તેની સાથે જ સુરક્ષાની ચિંતા વધી જાય.’
‘ચંદ્ર પર જો ગયા વખતની જેમ ક્રેશ લેન્ડિંગ થશે તો તો આટલું બધું ઈંધણ વિસ્ફોટ કરશે અને આ વિસ્ફોટ કદાચ મીની અણુ બોમ્બ જેટલો મોટો હોઈ શકે. તેમાં ચંદ્રની સપાટી પર રહેલા યુરેનિયમને પણ ઝાળ લાગે તો ચંદ્રની જગ્યા પર સૂર્ય જોવા મળશે,’ જયંત સિન્હાએ પોતાનો ડર વ્યક્ત કર્યો.
‘જયંત, મને પણ આ જોખમોની ખબર છે. અત્યારે આપણે ચંદ્ર પર જવાના અને પાછા ફરવાના રસ્તા વિશેના આયોજનના નકશા અને આકૃતિ તૈયાર કરવાના છે. તમને ચંદ્રયાનમાં મોકલી નથી દીધા કે આટલી બધી ચિંતા કરો છો,’ એજેપી અકબરે જુનિયરને ટોક્યા.
‘તમે કેટલાં વર્ષોથી આ શાખામાં છો? તમે જ જો હિંમત ગુમાવી દેશો તો પછી જે યુવાન વિજ્ઞાનીઓને યાનમાં બેસીને ખરેખર ચંદ્ર પર જવાનું છે તેમને કેવી રીતે હિંમત આપશો? નકારાત્મક વાતોને ખંખેરી નાખો.’
‘મંગળયાનની આપણી સફળતાને યાદ કરો. આપણે મહાબલિ રોકેટને સફળતા પૂર્વક લોન્ચ કરીને ચંદ્ર સુધી પહોંચાડવાને માટેનું આયોજન કરવાનું છે અને મને લાગે છે કે આને માટે લાંબો વિચાર આવશ્યક છે. તમારા નકશા અને આકૃતિઓ તૈયાર છે? મારે એક નજર મારવી પડશે અને કેટલાક મુદ્દે અનુપ રોયની સાથે ચર્ચા કરવી પડશે,’ અકબરે જયંત સિન્હાને હિંમત બંધાવી.
‘સર, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી અનુપ રોય તમારા જુનિયર છે. તમારે તેમની સાથે ચર્ચા કરવાની હોય કે તેમણે તમારી પાસે આવવું જોઈએ?’ જયંત સિન્હાએ ટપકું મુક્યું.
‘જો, અત્યારે અનુપ રોય બધા જ વિજ્ઞાનીઓના સિનિયર તરીકેનો હોદ્દો ધરાવે છે. આપણે ફક્ત રોકેટ ટેકનોલોજી સાથે સંકળાયેલા છીએ, પરંતુ તેમની પાસે બધી જ જવાબદારી છે. આ સામાન્ય બાબત તમે ક્યારે સમજશો?’ જયંત સિન્હાને ઠપકો આપવાના અંદાજમાં અકબરે કહ્યું. (ક્રમશ:)ઉ