Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૧૬

મિશન મૂન પ્રકરણ ૧૬

આ બાબતે તપાસ કરાવી તો મને ચોંકાવનારી વાત જાણવા મળી છે. ‘અનુપમ પર સસ્પેન્શનની કાર્યવાહી થઈ ત્યારે અને મંગલયાનની સફળતા બાદ વિક્રમની બદલી વખતે એક જ વ્યક્તિ તેમની એચઓડી હતી અને તે અત્યારે અહીં હાજર છે’

લેખક – વિપુલ વૈદ્ય

વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતા અનુપ રોય દ્વારા આપવામાં આવેલી માહિતીનું મૂલ્યાંકન કરી રહ્યા હતા ત્યાં અચાનક રાજેશ તિવારી આવી ચડ્યો. રાજેશના ચહેરા પર અકલ્પ્ય ભાવો હતા. જાણે તેણે એવું કશું જોઈ કે સાંભળી લીધું હોય જેની તેણે કલ્પના પણ ન કરી હોય. રાજેશને પોતાની સાથે છેલ્લાં પાંચ વર્ષથી રાખ્યો હતો તેમાં આવા ભાવ તેના ચહેરા પર ક્યારેય જોવા મળ્યા નહોતા એટલે વડા પ્રધાને સવાલ કર્યો કે ‘શું થયું?’
‘સર, પહેલાં અનુપમ વૈદ્ય આવ્યા હતા અને તેમને જમાડીને તમારી સૂચના મુજબ નવ નંબરની કેબિનમાં બેસાડીને આવ્યો હતો. ત્યારબાદ આવેલા વિક્રમ નાણાવટીને પણ એ જ કેબિનમાં બેસાડીને આવ્યો.’
‘બંને એકબીજાની સામે આવ્યા બાદ જે રીતે તેમણે એકબીજા સાથે વર્તન કર્યું તે જોઈને મારી આવી હાલત થઈ છે. તમારી ઈચ્છા હોય તો હું ચાલુ કરું.’ રાજેશ તિવારીએ વડાપ્રધાનને કહ્યું.
પીએમની પરવાનગી મળ્યા બાદ તેણે સીસીટીવી ફૂટેજ સામેની દીવાલ પર પ્રોજેક્ટરથી ચાલુ કર્યું.
અનુપમ વૈદ્ય: ‘અરે નાણાવટી સાહેબ, તમને પણ આમંત્રણ મળ્યુું છે. સરસ,’
વિક્રમ નાણાવટી: ‘તમને અહીં જોઈને મને આનંદ નહીં આઘાત લાગ્યો છે. તમે તો સસ્પેન્ડેડ છો ને?’
અનુપમ વૈદ્ય: ‘સસ્પેન્ડેડ છું, બરતરફ નથી. મારી મરજીથી નથી આવ્યો, મને મારા ગામમાં આવીને ઉઠાવી લાવ્યા છે. ફોર યોર કાઈન્ડ ઈન્ફર્મેશન.’
વિક્રમ: ‘સરસ, હોય જ ને. તમારા જેટલા વિદ્વાન અને સંશોધનપ્રિય વિજ્ઞાનીમાં ફક્ત મહિલાઓને જ નહીં સરકારને પણ રસ હોઈ શકે.’
અનુપમ: ‘હું ક્યારેય કોઈ મહિલાની પાછળ પડ્યો નહોતો.’
વિક્રમ: તો શું લૈલા અને મીના ખોટું બોલતાં હતાં?’
અનુપમ: ‘સાચી વાત તું જાણે છે પછી શા માટે મને પીડે છે?’
વિક્રમ: ‘મને કશું જ ખબર નથી, હું તારી સાથે ક્યારેય નહોતો. હું તને ઓળખતો પણ નથી અને જો મારે આ પ્રોજેક્ટ પર તારી સાથે કામ કરવાનું હશે તો હું નહીં કરું.’
અનુપમ: ‘અને તને શું લાગે છે કે હું તારી સાથે કામ કરવા તૈયાર થઈશ. આમેય તારા જેવા આળસુને પડકારો ઝીલવા કરતાં ઈસરોની શાંતીપ્રિય નોકરી વધુ પસંદ હશે.’
વિક્રમ: ‘હું આળસુ નથી, મેં તને પહેલાં જ કહ્યું હતું કે તારો પ્રોજેક્ટ મંજૂર નહીં થાય. મને પણ સંશોધન કામ કરવાનું ગમે છે, પડકારો ઝીલવાનું ગમે છે પણ છેવટે મળ્યું શું.’
અનુપમ: ‘તો પછી ઈસરોમાં બેસીને શું કરે છે. કેમ તારા હકની લડાઈ ન લડ્યો. મારી સાથે અન્યાય થયો તો મેં તેની રજૂઆત કરી ને દિલ્હી સુધી, તેં કેમ ન કરી. શું મજબૂરી હતી તારી?’
વિક્રમ: ‘કોની સામે લડું. શું કામ લડું. તેં લડીને શું મેળવી લીધું? સસ્પેન્શન. મારે સસ્પેન્શન પરવડી શકે તેમ નથી. બે ઘર ચલાવવાના હોય છે. પત્ની અને દીકરી માટે અડધો પગાર મોકલવો પડે છે. તારા કારણે..’
અનુપમ: ‘તો હું પણ પત્ની અને દીકરા વગર એકલો રહું છું તારા કારણે..’
વિક્રમ: ‘તારી તો ભૂલ હતી. તારી સામે ફરિયાદ થઈ હતી. મીનાને પકડવાની શું જરૂર હતી.’
અનુપમ: ‘સાચી વાત તું જાણે છે, મીના મારી પાછળ પડી હતી, હું એની પાછળ પડ્યો નહોતો.’
વિક્રમ: ‘હા, તો લૈલાનું પ્રકરણ. એનું શું હતું.’
અનુપમ: ‘લૈલા તારી ક્લાસમેટ હતીને, તું નથી ઓળખતો એને. તને નથી ખબર.. ’
વિક્રમ: ‘કોલોનીમાં રહેનારા અન્ય કર્મચારીઓની ફરિયાદ પણ હતી તારી સામે.’
અનુપમ: ‘મને વાંસળી વગાડવાનું ગમે છે અને તેથી હું વાંસળી વગાડવા માટે સાંજે સાંજે બેસતો હતો કોલોનીને અડીને આવેલી નદી પાસે, હવે કોલોનીની બધી મહિલાઓ વાંસળી સાંભળવા માટે આવે તેમાં મારો શું વાંક હતો?’
‘તને ખબર હતી.. છતાં તે મારી પત્નીની ગેરસમજ દૂર કરી નહોતી. તારો વાંક નહોતો.. આવી રીતે દોસ્તી નિભાવી.’
વિક્રમ: ‘તારી પત્ની તો મારી
બહેન હતી. તને શું ખબર બહેનની આંખમાં આંસુ જોઈને એક ભાઈ પર શું વીતે છે? એ પીડા તું નહીં સમજી શકે, પરંતુ મારી પત્ની તો તારી ક્લાસફ્રેન્ડ હતી, તો પણ તેં મારું ઘર તૂટવા દીધું.’
અનુપમ: ‘મારો કોઈ વાંક નહોતો એને તારી બહેને મારા પર લગાવેલા આક્ષેપો સહન થતા નહોતા. નિર્દોષ હોવા છતાં મારે જે ભોગવવું પડ્યું તેનાથી તે દુ:ખી હતી.’
‘તમારા ઘરના વાતાવરણને સંભાળવામાં તું નિષ્ફળ ગયો એમાં મને શેનો દોષ આપે છે. હું તો તેને આટલા વર્ષોમાં એકેય વખત મળ્યો પણ નથી.’
વિક્રમ: ‘કારણ તું હતો. તારા કારણે આ બધું થયું છે. મારી જિંદગી બરબાદ કરવા માટે તું જવાબદાર છે.’
અનુપમ: ‘હું નહીં, તું જવાબદાર છે.’
‘મારા કારણે નહીં, તારા પ્રત્યેની લોકોની દુશ્મનીને કારણે મને પણ સહન કરવું પડ્યું હતું.’
‘લોકોને ઈર્ષ્યા થતી હતી. એ લોકો તારી પ્રગતિ રોકવા માગતા હતા અને એટલે જ મારી સાથે દુશ્મની કાઢતાં હતાં.’
વિક્રમ : ‘તારા દુશ્મનો ઓછા હતા. મોટો સંશોધન કરવા નીકળ્યો હતો.’
‘મારે તને સરકારી નોકરીમાં બોલાવવાની જરૂર જ નહોતી. તારી કંપનીની જોબ સારી હતી. હાથે કરીને મેં ત્રાસ બોલાવી લીધો.’
અનુપમ: ‘મારા સંશોધન સાથે કોઈને વાંધો નહોતો. બધા જ એચઓડીએ મને પ્રોત્સાહન
અને સવલત ઉપલબ્ધ કરાવી આપી હતી.’
વિક્રમ: ‘હા અને પાછળથી તારા સંશોધનને નિષ્ફળ કરવા માટેના પ્રયાસ કરતા હતા.’
‘વાસ્તવમાં તારા વાયર વગર વીજળીને પસાર કરવાના પ્રયોગ સામે જ બધાને વાંધો હતો. સાયન્સ મેગેઝિનમાં તારા નિબંધને રોકવાનું કામ તારા જ પ્રિય બોસે કર્યું હતું.’
‘અત્યારે તને એનું નામ આપીશ તો તને ચક્કર આવી જશે.’
અનુપમ: ‘મારે કોઈ વાત સાંભળવી નથી હવે હું એ બધાથી ઘણો આગળ નીકળી આવ્યો છું. હવે તો જગન્નાથની ઈચ્છા પ્રમાણે કામ કરવું છે. જોઈએ ભગવાને મારા માટે શું રાખ્યું છે.’
વિક્રમ: ‘જેવી તારી ઈચ્છા, બાકી દ્વારકાધીશ બધાનો હિસાબ કરવાના છે પછી આપણે શું.’
‘હવે અહીં કેમ આવ્યો છે તેની જાણકારી છે તને.’
અનુપમ: ‘ના નથી, અહીં આવ્યા પછી ખબર પડી છે કે ૨૦ જેટલા વિજ્ઞાનીઓ અહીં છે.’
વિક્રમ: ‘મને મારા બોસ કહી રહ્યા હતા કે કોઈ બહુ મોટો પ્રોજેક્ટ છે અને તેને માટે અહીં બોલાવવામાં આવ્યા છે.’
‘આટલા મોટા પ્રોજેક્ટ માટે આપણી પસંદગી કોણે અને કેમ કરી તે નવાઈ છે.’
‘ભારતમાં તો આ ક્ષેત્રે આપણા દુશ્મનો વધારે છે. આપણી ભલામણ કોણે કરી હશે અને તેને માન્યતા કોણે આપી હશે.’
પ્રોજેક્ટર પર ચાલતી ફિલ્મ પૂરી થઈ કે તરત જ વડાપ્રધાને રાજેશ તિવારી સામે જોયું.
‘આમાં ક્યા મુદ્દે તમારા હોશ ઊડી ગયા હતા?’ વડા પ્રધાને સવાલ કર્યો.
‘સર, આ બંને એકબીજાના દોસ્ત અને સંબંધી પણ છે. બંનેની ઈરાદાપૂર્વક સતામણી કરવામાં આવી રહી છે અને તે વિજ્ઞાની અત્યારે કોઈ મોટા પદે કામ કરી રહ્યો છે.’
‘તેની તપાસ થવી જોઈએ તમને શું લાગે છે?’ રાજેશ તિવારીએ મનની વાત કરી.
‘તારી વાત તો સાચી છે પણ આટલાં વર્ષો તે છુપાયેલો કેવી
રીતે રહ્યો. આ બંનેને તેના વિશે જાણકારી હોવા છતાં તેમણે કેમ
મોં ખોલ્યું નહોતું?,’ વડાપ્રધાને
સવાલ કર્યો
‘સર, મેં આ બાબતે તપાસ કરાવી તો મને ચોંકાવનારી વાત જાણવા
મળી છે.’
‘અનુપમ પર સસ્પેન્શનની કાર્યવાહી થઈ ત્યારે અને મંગલયાનની સફળતા બાદ વિક્રમની બદલી વખતે એક જ વ્યક્તિ તેમની એચઓડી હતી અને તે અત્યારે અહીં હાજર છે,’ રાજેશ તિવારીએ વડાપ્રધાનને માહિતી આપી.
‘કોણ, અનુપ રોય?,’ વડાપ્રધાને સવાલ કર્યો
‘ના સર, રંજન કુમાર….’ રાજેશે જવાબ આપ્યો. (ક્રમશ:)
————-
હવે શું?
હું ગૂંચવાઈ ગયો છું, ચંદ્ર પર જવા માટે આપણને ઓછામાં ઓછાં ત્રણ રોકેટની આવશ્યકતા પડશે. પાછા ફરવાનાં રોકેટ પણ લઈ જવાનાં રહેશે. આ ઉપરાંત લેન્ડિંગ માટેની વ્યવસ્થા પણ કરવી પડશે. આ બધાની વ્યવસ્થા કેવી રીતે કરવી તે સમજાતું નથી, વિશાલ માથુરે પોતાની સમસ્યા અનુપ રોયને જણાવી અને તેમની મદદ માગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular