Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૧૫

મિશન મૂન પ્રકરણ ૧૫

વિશાલ ‘જાણીતા રાજકારણી રવિ માથુરના ભત્રીજા છે. આઈઆઈટી ન હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ અનેક વખત કરી ચૂક્યા છે. તેમનું સ્પેશિયાલાઈઝેશન પણ ઘન ઈંંધણમાં છે,’ રાજીવે પોતાની પાસેની માહિતી વડાપ્રધાનને આપી

લેખક – વિપુલ વૈદ્ય

‘પીએમ સર, અનુપમ વૈદ્યનો સંપર્ક થઈ ગયો છે અને ૧૫ મિનિટમાં તેઓ સેન્ટ્રલ વિસ્ટામાં ઊતરી જશે.’
‘વિક્રમ નાણાવટીના બોસ રાયચૂરા સાહેબ સાથે વાત થઈ ગઈ છે, સત્તાવાર રીતે તેમને રિલીવ કરવામાં ત્રણેક દિવસ લાગશે. એક કલાકમાં તેઓ પણ અહીં પહોંચી જશે.’
‘સાંજે કોન્ફરન્સ હોલમાં બધાની સાથે બેઠક ગોઠવવામાં આવી છે. આ બેઠકમાં મિશન મૂન અંગે વિસ્તૃત ચર્ચા કરી શકાશે અને જાણકારી મળ્યા બાદ આ પ્રોજેક્ટમાં આગળ વધવું કે નહીં તે નક્કી કરી શકાશે,’ આદેશ રાજપાલે વડાપ્રધાનને અત્યાર સુધીની બધી માહિતી આપી.
‘રાજીવ, અનુપમ વૈદ્યની ફાઈલ વાંચી છે?’ વડા પ્રધાન ઈન્દ્રવદન મહેતાએ રાજીવ ડોવાલને સવાલ કર્યો.
‘પીએમ સર, અનુપમ વૈદ્ય ગોલ્ડ મેડલિસ્ટ સાયન્ટિસ્ટ છે. સ્કૂલના સમયથી તેમનો પ્રિય વિષય વિજ્ઞાન હતો. એમ.એસસી થયા બાદ સારી કંપનીમાં કેમિસ્ટ તરીકેની ૨૫૦૦ રૂપિયાની નોકરી કરતો હતો, પરંતુ ૧,૫૦૦ની સરકારી નોકરી સ્વીકારી કેમ કે તેને દેશના હિતમાં કામ કરવું હતું તેમ જ ખાનગી લેબોરેટરીમાં સંશોધનની તક મળવાની નહોતી અને સરકારી લેબમાં સંશોધનની તક હતી.’
આપણી સાથે જોડાયા પછી તેમણે કેટલાંક સંશોધનો કર્યાં હતાં અને તેમાંથી કેટલાકનો આપણી લેબમાં ઉપયોગ કરવામાં આવે છે. આવી જ રીતે તેમણે અન્ય કેટલાંક સંશોધનો માટે સરકાર પાસે પરવાનગી માગી હતી, તેમાંથી એક પરવાનગી વીજળીના વહન અંગેના પ્રયોગો કરવા માટેની હતી. તે પહેલાં તેમનો આ બાબતનો નિબંધ પણ સાયન્સ મેગેઝિનમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ આધારવિહીન માનીને તેને પ્રકાશિત કરવામાં આવ્યો નહોતો,’ રાજીવે વડાપ્રધાનને માહિતી આપી.
‘તર્કના આધારે કદાચ આ વાત સાચી લાગતી હોય, પરંતુ આખી દુનિયાના કોઈ અભ્યાસમાં કેબલ કે વાયર વગર વીજળી પસાર થાય એવું કશું સિદ્ધ થયું નથી,’ રાજીવ ડોવાલે પોતાના તરફથી વાત ઉમેરી.
‘વિક્રમ અંગે શું માહિતી છે તમારી પાસે?’ વડાપ્રધાને બીજો સવાલ કર્યો.
‘વિક્રમ આઈઆઈટી કેમિકલ એન્જિનિયર છે. તેણે કારકિર્દીની શરૂઆત સામાન્ય વિજ્ઞાની તરીકે કરી હતી. ઘન ઈંધણ (સોલિડ ફ્યુઅલ) તેમની સ્પેશ્યાલિટી છે.’
‘મંગળ યાનની સૌથી સસ્તી યાત્રા વખતે જે ઈંધણની ટીમ હતી તેમાં તેમને રાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે મંગળયાનમાં જે પાંચ અલગ અલગ રોકેટમાં અલગ અલગ પ્રકારના ઈંધણ ભરવાનો આઈડિયા તેમનો જ હતો, પરંતુ તેમને આનું શ્રેય પણ આપવામાં આવ્યું નહોતું અને અકળ કારણોસર ત્યાંથી અચાનક ઈસરોમાં બદલી કરી દેવામાં આવ્યા હતા.’
‘કારકિર્દીમાં અનેક બદલીઓ જોઈ છે, પરંતુ હજી સુધી ક્યારેય ફરિયાદ કરી નથી.’
‘બીજો એક યોગાનુયોગ ધ્યાનમાં આવ્યો છે,’ એટલું કહીને રાજીવે થોડો પોરો ખાધો અને પછી બોલ્યા.
‘જ્યારે જ્યારે વિક્રમની બદલી થઈ છે ત્યારે તેમને સ્થાને વિશાલ માથુર આવ્યા છે, અથવા તો બંને સાથે હતા અને ફક્ત વિક્રમની બદલી કરવામાં આવી છે.’
‘આ સિવાય કોઈ મહત્ત્વની જાણકારી છે તમારી પાસે,’ ઈન્દ્રવદન મહેતાએ રાજીવને સવાલ કર્યો.
‘થોડા વખત પહેલાં જ્યારે રંજન કુમારને વિજ્ઞાની પરિષદમાં આમંત્રણ મળ્યું હતું ત્યારે તેમની સાથે વિક્રમ પણ ગયા હતા અને ત્યાં વિક્રમે પોતાનો અવિનાશી ઊર્જા વિષય પર નિબંધ રજૂ કર્યો હતો.’
‘બંને ત્યાં એક જ ઓરડામાં રહેતા હતા એટલે તેમની વચ્ચે વિવિધ વિષય પર ચર્ચા થઈ હોય તે શક્ય છે,’ રાજીવે પોતાની માહિતી આપી.
‘રાજીવ, વિશાલ માથુર વિશે શું જાણકારી છે તમારી પાસે?’ પીએમ સરે સવાલ કર્યો.
‘વિશાલ માથુર આઈઆઈટીમાં પ્રવેશથી વંચિત રહી ગયા હતા, તેમણે સાઉથની અગ્રણી ઈન્સ્ટિટ્યૂટમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હતું.’
‘જાણીતા રાજકારણી રવિ માથુરના ભત્રીજા છે. આઈઆઈટી ન હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાની ફરિયાદ અનેક વખત કરી ચૂક્યા છે. તેમનું સ્પેશિયાલાઈઝેશન પણ ઘન ઈંંધણમાં છે,’ રાજીવે પોતાની પાસેની માહિતી વડાપ્રધાનને આપી.
‘ઠીક છે, અત્યારે મારે ફક્ત અનુપ રોય સાથે વાત કરવી છે.’
‘તેમને મોકલો અને તમે બંને અલગ અલગ અનુપમ અને વિક્રમને મળીને તેમની સાચી વાત જાણવાનો પ્રયાસ કરજો,’ વડાપ્રધાને પોતાના બંને વિશ્ર્વાસુઓને મહત્ત્વની જવાબદારી સોંપી.
* * *
‘અનુપ સર, તમે અનુપમનો વિરોધ કર્યો હતો. કોઈ નક્કર કારણ. તમારે કશું કહેવું છે.’ ઈન્દ્રવદન મહેતાએ પોતાના ચિરપરિચિત અંદાજમાં ખભા પર હાથ મુકીને અનુપ રોયને પુછ્યું.
‘સર, મારે અનુપમ સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી અને વ્યાવસાયિક રીતે જોવા જઈએ તો તેઓ ઉચ્ચ ટેલેન્ટ ધરાવતા વિજ્ઞાની છે. સંશોધન અને નવા પડકારો ઝીલવા હંમેશાં તત્પર હોય છે.’
‘અનુપમ ભ્રષ્ટાચારી પણ નથી. સાદા કુરતા અને ધોતીમાં ફરતા હોય છે, પરંતુ તેમનો લંગોટ ઢીલો છે. આ જ કારણસર તેમને સાયન્ટિસ્ટ કોલોનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે હું એ જ કોલોનીમાં રહેતો હતો. આવી વ્યક્તિ આપણા મિશનમાં હોય તે મને અજુગતું લાગતું હતું,’ અનુપ રોયે પોતાનો મત વ્યક્ત કર્યો
‘અનુપમ સામેના આરોપોની ખરાઈ કરાઈ હતી?’ પીએમસરે ફરી સવાલ કર્યો.
‘ફક્ત એક જ ફરિયાદ હોત તો કદાચ શંકાને સ્થાન રહ્યું હોત, પરંતુ ત્રણ સહકારીની ફરિયાદ હતી, તેમ જ એ ઑફિસમાં કામ કરી રહેલી બે મહિલા કર્મચારીઓએ પણ તેમના પર શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આની ખરાઈ કરવામાં આવી રહી હશે.’
‘સત્તાવાર રીતે તેમની સામે ઓછી ફરિયાદ નોંધાઈ હોવા છતાં કોલોનીમાં એ વખતે એવી ચર્ચા ચાલતી હતી કે તેમના સંબંધો ઓછામાં ઓછું ૫૦ મહિલા સાથે હતા,’ અનુપ રોયે કહ્યું.
‘કોણ હતી મહિલા કર્મચારીઓ?,’ પીએમ સરે ફરી સવાલ કર્યો.
‘એક હતી મીના બરાક, તેનું કામ હતું વિજ્ઞાનીઓના ડાયટનું ધ્યાન રાખવું. દર મહિને વિજ્ઞાનીઓનું હેલ્થ ચેક-અપ કરવામાં આવતું હતું, તે વખતે અનુપમે ગેરલાભ લીધો હોવાનો આરોપ મીનાએ કર્યો હતો અને તેને સાચી માની લેવામાં આવી હતી.’
‘બીજી હતી સાયન્ટિસ્ટ લૈલા ડીસોઝા, ત્યારે એનર્જી ટ્રાન્સમિશન સેક્શનમાં હતી. અત્યારે કોલ્લમ પ્લાન્ટમાં પ્રોડક્શન સેક્શનમાં છે. અનુપમને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યારે તે પ્રોડક્શનમાં હતો. લૈલાએ અનુપમ પર ઑફિસમાં જ ગેરલાભ લેવાનો આરોપ લગાવ્યો હતો.’
અનુપમ સામેના આરોપોની વાતો જ્યારે બહાર આવી ત્યારે કોલોનીમાં પુરુષ અને મહિલા કર્મચારીઓમાં તેમની સામે ભારે આક્રોશ હતો એટલે તેમને સસ્પેન્ડ કરવામાં થોડી ઉતાવળ કરવામાં આવી હતી. મેં સાંભળ્યુ હતું કે અનુપમની પત્ની પણ તેના કરતૂતોથી પરેશાન થઈને તેને છોડીને જતી રહી હતી.’ અનુપ રોયે પોતાની પાસે હતી એટલી માહિતી વડાપ્રધાનને આપી.
અનુપ રોય જે કહી રહ્યા હતા તે બધી રીતે યોગ્ય લાગી રહ્યું હતું તેમ છતાં વડાપ્રધાનને કેમ જાણે આ વાતમાં કશુંક ખુટતું હોવાનું જણાઈ રહ્યું હતું.
અનુપમ વૈદ્ય સારો વિજ્ઞાની છે એમ બધા જ કબૂલ કરે છે. તેની સામે ફરિયાદ થઈ હતી તે વાત સાચી પણ છે, પરંતુ તેને સસ્પેન્ડ કરવામાં ઉતાવળ કરવામાં આવી હતી તેની પણ કબૂલાત કરવામાં આવી રહી છે.
હજી સુધી તેના સસ્પેન્શનની સુનાવણી કરીને નિર્ણય લેવામાં આવ્યો નથી. જેણે તેની સામે ફરિયાદ કરી હતી તેનું પ્રમોશન થઈ ગયું ક્યાંક વાત ગુંચવાઈ રહી હતી. આ બાબતની તપાસ કરવાનું આવશ્યક હોવાનું લાગી રહ્યું હતું.
અનુપમની અને વિક્રમની સાથે પોતાના ખાસ માણસોને વાત કરવા મોકલવાનો નિર્ણય સાચો હોવાનું હવે તેમને લાગી રહ્યું હતું. (ક્રમશ:)
——–
હવે શું?
‘સર, અનુપમ અને વિક્રમ બંને આવી ગયા છે અને તમારા આદેશ મુજબ બંનેને સાથે એક જ કેબિનમાં બેસાડવામાં આવ્યા હતા અને સીસીટીવીમાં જે રેકર્ડ થયું છે તે સાંભળીને મારા હોશ ઊડી ગયા હતા, તમારી પરવાનગી હોય તો ચાલુ કરું,’ રાજેશ તિવારીએ આવીને વડાપ્રધાનને કહ્યું ત્યારે તેઓ અનુપ રોય અને અકબરે આપેલી માહિતીનું મૂલ્યાંકન કરી રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular