Homeમિશન મૂનમિશન મૂન પ્રકરણ ૧૩

મિશન મૂન પ્રકરણ ૧૩

‘અકબર સર, તમે એવું કેમ કહ્યું કે આવા પ્લેન વિશે સાંભળ્યું નથી. આદમ જસ્ટ આવા જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તે તો તમે અને હું બંને જાણીએ છીએ,’ જયંત સિન્હાએ સાઉથ-એન્ડની તેમની કેબિનમાં પહોંચતાં જ સવાલ કર્યો.
જયંત સિન્હાને પોતાના પ્રામાણિક અને સ્પષ્ટવક્તા તરીકે ઓળખાતા બોસના આવા વર્તનથી નવાઈ લાગી હતી

લેખક – વિપુલ વૈદ્ય

સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે ફક્ત ત્રણ લોકો પીએમ ઑફિસની એન્ટી-ચેમ્બરમાં બેઠા હતા. આદેશ રાજપાલ અને રાજીવ ડોવાલ સાથે વડાપ્રધાન ખુદ હાજર હતા. રંજન કુમારે જે માગણી કરી હતી તે અને બાકીના લોકો દ્વારા કરવામાં આવેલી વાત પર ગહન ચર્ચા ચાલી રહી હતી.
‘અનુપ રોયે શું કહ્યું હતું?,’ વડાપ્રધાને આદેશને સવાલ કર્યો.
‘સર, તેમણે કહ્યું હતું કે અનુપમ વૈદ્યને પાછા લેવાની રંજન કુમારની માગણી સ્વીકારવામાં ઘણું જોખમ છે, કેમ કે આનાથી અન્ય વિજ્ઞાનીઓનું મોરલ તૂટી જશે અને દેશ પર દૂરગામી પરિણામ આવશે,’ આદેશ રાજપાલે કહ્યું.
તમને આ વાતમાં કેટલું તથ્ય લાગે છે?
‘પીએમ સર, જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી અનુુપ રોયને અનુપમ વૈદ્ય સાથે કોઈ વ્યક્તિગત વાંધો હોવો જોઈએ કેમ કે અનુપમ સામે એવા કોઈ ગંભીર આરોપ નથી. પરસ્ત્રીગમન અને મદ્યપાનની ફરિયાદ તેમની સામે કરવામાં આવી હતી. આ બંને દૂષણ તો દેશના ૮૦ ટકા વિજ્ઞાનીઓમાં છે,’ આદેશ રાજપાલે પોતાનો નિષ્પક્ષ મત વ્યક્ત કર્યો
આ બધી વાત ચાલી રહી હતી ત્યારે અચાનક કશુંક યાદ આવતાં વડા પ્રધાને ઈન્ટરકોમ ઉઠાવીને રાજેશ તિવારીને મોકલવાનો આદેશ આપ્યો.
‘રાજેશ અહીંથી ગયા પછી અને અહીં આવવા પહેલાંની કોઈ મહત્ત્વની માહિતી આપવાની રહી ગઈ છે,’ વડાપ્રધાન ઈન્દ્રવદન મહેતાએ સવાલ કર્યો.
‘સર, સેન્ટ્રલ વિસ્ટાની કેન્ટીનમાં બે નવા છોકરા કામ પર ગઈકાલથી જ લાગ્યા છે. રાજીવ સરને આ બાબતની જાણકારી આપી હતી, પરંતુ તેમણે આ બાબતને મહત્ત્વ ન આપવા જણાવ્યું હતું,’ રાજેશ તિવારી એકશ્ર્વાસે બોલી ગયો.
‘તો પછી આજે કે અત્યારે એવું શું થયું કે તને આ વાતનો મારી પાસે ઉલ્લેખ કરવો આવશ્યક લાગ્યો?,’ વડા પ્રધાને સવાલ કર્યો.
‘સર, અહીંથી નીકળીને વિજ્ઞાનીઓ નોર્થ-એન્ડની કચેરીમાં પહોંચ્યા ત્યારે તેમાંથી એક છોકરો કેન્ટીનમાંથી પાણી અને જ્યુસ આપવાને બહાને તેમની કેબિનની અંદર પહોંચી ગયો હતો.’
‘બીજો છોકરો સાઉથ-એન્ડમાં વિજ્ઞાનીઓની પાછળ જવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ તેને આંતરીને તેની પાસેથી પાણી અને જ્યુુસ લઈને રવાના કરી દેવામાં આવ્યો હતો,’ રાજેશ તિવારીએ વડાપ્રધાનને માહિતી આપી.
‘બીજું કશું જાણવા જેવું છે?,’ વડા પ્રધાને બીજો સવાલ કર્યો.
‘સર, શ્રુતિ મહેતાના પિતા મધ્ય પ્રદેશમાં અમેરિકન કંપનીમાં કામ કરે છે અને આ કંપની અમેરિકામાં સત્તાધારી પાર્ટીની નજીક ગણાય છે. શ્રુતિ મહેતાએ અહીંથી નીકળીને પિતાની સાથે વાત કરી હતી અને પછી તેમની નિર્ધારિત જગ્યા પર પહોંચ્યા હતા,’ રાજેશ તિવારીએ કહ્યું.
‘બીજું…’
‘વિશાલ માથુર સર.. બહાર નીકળીને તેમણે ઈસરોમાં ફોન લગાવ્યો હતો, પરંતુ તેમણે આ ફોન વિક્રમ નાણાવટીને નહોતો કર્યો. તેમણે આ ફોન પોતાના અત્યંત જૂના મિત્ર રાકેશ વાધવાનને લગાવ્યો હતો. તેમણે અંદાજે પાંચેક મિનિટ સુધી કેટલીક ગૂફતેગો કરી હતી અને પછી તેઓ પોતાની નિર્ધારિત જગ્યાએ પહોંચ્યા હતા,’ રાજેશ તિવારીએ માહિતી આપી.
‘રાજીવ, તમને શું લાગે છે આપણે શું કરવું જોઈએ?,’ વડા પ્રધાને પુછ્યું.
‘સર, જ્યાં સુધી બંને છોકરાની વાત છે તો તેમને કાલે અહીંથી હટાવી દેવામાં આવશે, રાજીવ ડોવાલે તરત જ જવાબ આપ્યો.
રાજીવ ડોવાલ આગળ બોલે તે પહેલાં તેમને રોકતાં વડા પ્રધાને કહ્યું,
‘ના, તેમને હટાવવાના નથી, ફક્ત તેમની હિલચાલ પર નજર રાખો અને તેઓ કોને રિપોર્ટિંગ કરે છે તેની નક્કર માહિતી મેળવો. પછી હું કહીશ કે શું કરવાનું છે.’
‘બીજું રાકેશ વાધવાન અને વિશાલ માથુર વચ્ચેના સંબંધોની તપાસ કરો. શ્રુતિ મહેતાના પિતા શંકર મહેતાની માહિતી એકઠી કરાવી રાખો. રાકેશ વાધવાનના કોલ રેકર્ડ અને શંકર મહેતાના સીડીઆરની માહિતી મેળવવાનું કહેવાની આવશ્યકતા નથી, બરાબર,’ વડા પ્રધાને બોલવાનું પૂરું કર્યું.
‘હવે અકબર અને જયંતે કરેલી વાતનું અર્થઘટન કરવાનો પ્રયાસ કરીએ,’ વડા પ્રધાને રાજીવ અને આદેશને જણાવ્યું.
‘અકબરની વાત પરથી સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ગુરુત્વાકર્ષણને ભેદી શકે એવું પ્લેન તૈયાર તો નથી, પરંતુ સ્પેસ સ્ટેશન માટે શટલ તરીકે કામ કરી રહેલા પ્લેન અત્યારે કામ કરી રહ્યા છે. જોકે તેમને માટે લાભની વાત એ હોય છે કે તેમને ગુરુત્વાકર્ષણ અને વાતાવરણનો સંઘર્ષ સહન કરવો પડતો નથી, જે સામાન્ય રોકેટને સહન કરવો પડે છે અને તેથી આપણે ઈંધણ મોટા પ્રમાણમાં વાપરવું પડે છે,’ આદેશે પોતાની સમજણ પ્રમાણે જવાબ આપ્યો.
‘અત્યારે તમારા ધ્યાનમાં એવા કોઈ વિજ્ઞાની છે, જેણે સ્પેસ સ્ટેશન સાથે સંકળાયેલા આવા શટલ જેવા પ્લેન માટે કામ કર્યું હોય, વડાપ્રધાને સવાલ કર્યો.
આ ઉપરાંત વિશાલ માથુર કંઈ ભારતમાં સોલિડ ફ્યુઅલ બનાવવાની વાત કરી રહ્યો હતોને, તે શું હતું? તેમાં કોઈ ભારતીય વિજ્ઞાની આપણી મદદ કરી શકે છે એની જરા તપાસ તો કરાવો, વડાપ્રધાને બીજું કામ સોંપ્યું.
તેમણે રાજીવને કહ્યું કે ભારતમાં આવા પ્રોજેક્ટ પર કશું કામ ચાલી રહ્યું છે કે નહીં તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરો. મને લાગે છે કે કોઈ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવાનું ક્યાંક વાંચ્યું હતું. તપાસ તો કરી જુઓ.’
***
‘અકબર સર, તમે એવું કેમ કહ્યું કે આવા પ્લેન માટે સાંભળ્યું નથી. આદમ જસ્ટ આવા જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે તે તો તમે અને હું બંને જાણીએ છીએ,’ જયંત સિન્હાએ સાઉથ-એન્ડની તેમની કેબિનમાં પહોંચતા જ સવાલ કર્યો.
જયંત સિન્હાને પોતાના પ્રામાણિક અને સ્પષ્ટવક્તા તરીકે ઓળખાતા બોસના આવા વર્તનથી નવાઈ લાગી હતી.
‘કારણકે, આદમ જસ્ટનો પ્રોજેક્ટ કેટલા બિલિયન ડૉલરનો છે તેની તને ખબર છે ને. આમ પણ મેં એમાં ખોટું શું કહ્યું હજી સુધી આદમને પોતાના પ્રોજેક્ટમાં સફળતા મળી નથી. એક વખતની નિષ્ફળતા બાદ હજી સુધી તે પોતાના રોકેટની ટેસ્ટિંગ કરવાની હિંમત કરી શક્યો નથી,’ અકબરે પોતાના સાથીને કહ્યું.
‘જયંત તમે પોતે એક વિજ્ઞાની છો એટલે તમને ખબર હોવી જોઈએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ભેદીને બહાર નીકળવામાં ભારે તાકાતની જરૂર પડે છે, આવી જ રીતે વાતાવરણનો સંઘર્ષ થાય ત્યારે આપણી મેટલની પ્લેટો પણ સળગી ઊઠે એટલી ઊર્જા પેદા થાય છે. આ બધું સહન કરી શકે એવા પ્લેન બનાવવાનું શક્ય લાગે છે તમને?’ અકબરે પોતાની વાત કરી.
‘તને લાગે છે કે આ ભારત માટે યોગ્ય વિકલ્પ છે. આપણે એવો પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે જે આપણા દેશને પરવડી શકે,’ આખરે અકબરે પોતાના સાથીને સમજાવવા માટે સ્પષ્ટ શબ્દો વાપર્યા.
‘આદમ જસ્ટ અત્યારે રોકેટ જેવા પ્લેનની યોજના વેચી રહ્યો છે અને લોકોને અવકાશયાત્રા કરાવવાને નામે કરોડોના બૂકિંગ લઈ રહ્યો છે. તે તો કાલ સવારે મંગળ પર જમીન વેચશે. એવા ગાંડાની સરખામણી ન થાય,’ એમ અકબરે કહ્યું.
***
‘અનુપ સર, તમે જે ભરતીની વાત કરી તે આ પ્રોજેક્ટને બંધ કરવા માટે પૂરતી હતી. આ બધું સાંભળીને પીએમ સરના હોશ ઉડી ગયા હશે. હવે રંજન કુમારનો પ્રોજેક્ટ આગળ વધી શકશે નહીં, શું લાગે છે તમને સર,’ વિશાલ માથુર પોતાના સાહેબને ખુશ કરવાના ઈરાદાથી બોલ્યો.
‘પ્રોજેક્ટ બંધ કરવાના ઈરાદાથી મેં ભરતીની વાત કરી નહોતી. મારી વાત સાચી છે અને જો આટલા મોટા પાયે વીજળી ઉત્પાદિત કરવી હોય તો મેનપાવર તો લાગશે જ. હા મારા અનુભવ પરથી આવશ્યકતા કરતાં થોડા વધુ લોકો માગ્યા હતા. તેમાં કશું ખોટું નથી,’ અનુપ રોયે ખુશામત કરવા માગનારા વિશાલને સ્પષ્ટ જવાબ આપીને આગળની ચર્ચા બંધ કરવાનો પ્રયાસ કર્યો.
‘કદાચ તમારી વાત સાચી હશે પણ ૫૦,૩૨૦ લોકોની ભરતીની વાત સાંભળીને વડાપ્રધાન આ પ્રોજેક્ટ માટે હા જ નહીં પાડે અને આપણે ઘણી મોટી જફામાંથી બચી જઈશું,’ વિશાલ માથુરે કહ્યું.
‘આ જફા નથી એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે અને ભારતીયોના ભવિષ્યને અંધકાર અને પ્રદૂષણથી બચાવવાનો ઉદાત્ત હેતુ એની પાછળ છે,’ અનુપ રોયે થોડી નારાજગી સાથે કહ્યું.
આવા વ્યક્તિને પોતાની સાથે રાખવાનો અત્યારે તેમને અફસોસ થઈ રહ્યો હતો. ટીમમાં સૌથી યુવાન હોવા છતાં ઉત્સાહ-ઉમંગનો તેનામાં અભાવ જોવા મળી રહ્યો હતો. આના કરતાં ઘણા સારા વિજ્ઞાનીઓને ગુમાવીને પોતે ભૂલ કરી હોવાનું અત્યારે તેમને લાગી રહ્યું હતું. (ક્રમશ:)


હવે શું?

‘સર, તમારી યોજના શું છે તેની અમને પણ જાણકારી તો આપો. અત્યારે તો અમે તમારા આસિસ્ટન્ટ હોવા છતાં તમારી કોઈ યોજનાની માહિતી અમારી પાસે નથી. અમે કેવી રીતે આગળ કામ કરી શકીશું,’ શ્રુતિ મહેતા રંજન કુમારને કહી રહી હતી અને અમોલ પાઠક તેની વાતમાં હોંકારો પુરાવી રહ્યો હતો. આખરે મિશન મૂનની રૂપરેખા રંજન કુમાર કેમ જાહેર કરતા નહોતા તેની બધાને જ નવાઈ લાગી રહી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular