અનુપમે બધાને આગળ રવાના કર્યા અને છેલ્લી વખત આંખ મીંચીને આકાશમાં જોયું. જમણી તરફથી પૃથ્વી-ઉદય થઈ રહ્યો હતો. કેટલી સુંદર દેખાતી હતી અહીંથી પૃથ્વી. કેવી રીતે આનો સંહાર કરી શકાય? છેલ્લી વખત ભગવાનનું નામ લીધું અને ત્રણ નાના રિએક્ટર બોમ્બ લઈને ચાલ્યો
વિપુલ વૈદ્ય
ચંદ્ર પર અત્યારે ભારતીય વિજ્ઞાનીઓ ભારે ચિંતામાં હતા, ખાસ કરીને અનુપમ. ભારતીય વિજ્ઞાનીઓએ વાહક વગર વહન કરવાની જે ટેકનોલોજી શોધી કાઢી હતી અને તેના માધ્યમથી વીજળીનું પરિવહન કરવાની યોજના ઘડી કાઢવામાં આવી હતી. આવી રીતે વીજળી મોકલવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોટી મહત્ત્વાકાંક્ષી યોજના ઘડી કાઢવામાં આવી હતી. રંજન કુમારે કેટલા ઉત્સાહથી આવી રીતે વીજળી મોકલવાના ફાયદા ગણાવ્યા હતા. તેમણે ચંદ્ર પરથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન કરીને આખી દુનિયાના દરેક અંધારા ખૂણા સુધી પહોંચાડવાની મહેચ્છા ધરાવતા હતા. અત્યારે આ બધા જ સપનાં ધૂળમાં મળતાં જણાઈ રહ્યાં હતાં. ક્ષિતિજે રાહુ આવી ગયો હતો. હવે બધું ખતમ થવાની દિશામાં આગળ વધી રહ્યું હતું. માનવ કલ્યાણ માટેની જે યોજના ઘડી હતી તેનો ઉપયોગ માનવના વિનાશ માટે કરવાની યોજના કેટલાક શક્તિશાળી લોકો ઘડી રહ્યા હતા અને તેની સામે ટકવાનું શક્ય નહોતું.
ચંદ્ર પર રહેલું યુરેનિયમ માનવજાતના કલ્યાણ માટે નહીં, વિનાશ માટે વાપરવાનો કારસો ઘડવામાં આવી રહ્યો હતો. સારી વાત એ હતી કે કહેવાતી મહાસત્તાઓ જે આવો કારસો ઘડી રહ્યા હતા તે જ દેશના કેટલાક નીતિવાન લોકો હતા જે તેમની આવી મનોવૃત્તિનો વિરોધ કરી રહ્યા હતા. જોન સ્વીપર, વાંગ ડાહેંગ અને પાર્થો ઈવાનોવિચ જેવા લોકો હતા જેઓ માનવજાતના કલ્યાણની ચિંતા કરી રહ્યા હતા.
માનવજાતનું કલ્યાણ ઈચ્છનારા લોકો અત્યારે એકસાથે ચંદ્ર પર હતા.
આ સમસ્યાનું શું નિરાકરણ લાવી શકાય તેના પર અનુપમ વિચારમાં પડ્યો હતો. રસાયણ શાસ્ત્રનું પોતાનું બધું જ જ્ઞાન તેણે કામ પર લગાવી દીધું અને શું કરી શકાય તેનો વિચાર કરવા લાગ્યો. તેના મગજમાં વારંવાર અત્યારે જોન સ્વીપરનું વાક્ય ફરી રહ્યું હતું કે જ્યાં સુધી ચંદ્ર પર યુરેનિયમ અને પ્લુટોનિયમ છે ત્યાં સુધી પૃથ્વી પરનું સંકટ દૂર થવાનું નથી.
આ કેમ કરી શકાય એનો વિચાર ચાલી રહ્યો હતો તેના મગજમાં. બરાબર એ જ વખતે તેને સામેથી પાર્થો, જોન સ્વીપર અને વિક્રમ આવતા દેખાયા. તેમની સાથે શું વાત કરવી તે ગોઠવી રહ્યો હતો.
અનુપમ, તું આજે ક્યારનો શું વિચાર કરી રહ્યો છે?
વિક્રમ, હું જોનની વાત પર વિચાર કરી રહ્યો છું.
અનુપમ, મારી વાત એટલી ગંભીરતાથી લેવાની આવશ્યકતા નથી. આપણે કામ કરવા માટે આવ્યા છીએ. આપણે આપણું કામ કરીને પૃથ્વી પર પાછા જવાનું છે.
અનુપમ, આપણે કશું જ કરી શકતા નથી. આપણે કામ કરતા જ રહેવાનું છે. કર્મ હી ભગવાન છે. આપણે આપણી ફરજ પૂરી કરવાની છે. આપણે કશું ખોટું કરતા નથી. આપણે આપણું કામ કરી રહ્યા છીએ.
પાર્થો-જોન શું કહી રહ્યા છો તમે માનવજાતના વિનાશનું કાવતરું તમારી સામે ઘડાઈ રહ્યું છે અને તમે તેને રોકી શકો છો તમે કશું નહીં કરો તો શું આખી જિંદગી પોતાની જાતને માફ કરી શકશો?
મારે માનવજાતને વિનાશથી બચાવવા માટે જે કરવું પડશે તે કરીશ. અત્યારે મને તમારું માર્ગદર્શન જોઈએ છે.
બોલ, તારા બધા જ સવાલોનો જવાબ આપવા અમે તૈયાર છીએ, ત્રણેયે એકસાથે અનુપમને જવાબ આપ્યો.
મારા મનમાં જોનની વાત ફરી રહી છે કે આ યુરેનિયમ અને પ્લુટોનિયમ નહીં હોય તો માનવજાત પરનું સંકટ ટળી જશે. હવે એ વસ્તુ માટે આપણે આ ભંડારોને ખતમ કરવાનો કોઈ રસ્તો કરવો જોઈએ. કેવી રીતે આ ભંડારોનો નાશ કરી શકાય? તમારી પાસે કોઈ આઈડિયા છે?
અનુપમ, આ મુદ્દે આપણે ગઈકાલે વાત થઈ ગઈ કે અહીં આપણી પાસે જે સામગ્રી છે તેનાથી આપણે કશું કરી શકતા નથી.
વિક્રમ, મને એક વિચાર આવી રહ્યો છે કે યુરેનિયમને તેનું રેડિયેશન જ ખતમ કરી શકે છે. આવી જ રીતે પ્લુટોનિયમને તેની હાઈપર-એક્ટિવિટી જ ખતમ કરી શકે છે. યુરેનિયમના અણુને થોરિયમની મદદથી ટૂકડા કરી શકાય છે, આપણે થોરિયમનું અહીં શુદ્ધીકરણ કરીને તેને વાપરી શકીએ છીએ. પ્લુટોનિયમ પોતે જ પોતાની જાતને ખતમ કરી નાખશે. મારે તમારી થોડી મદદ જોઈએ છે. મળી શકશે?
અહીંના યુરેનિયમના ભંડારોને ખતમ કરવા માટે નાનકડો વિસ્ફોટ કરવો પડશે એક વખત ચેઈન રિએક્શન ચાલુ થઈ જશે તો બધું યુરેનિયમ શ્રુંખલામાં ખતમ થઈ જશે.
અનુપમ, તું વિચારે છે એટલું આ સહેલું નથી. અણુ બોમ્બનો વિસ્ફોટ બહુ ભયાનક બની રહેશે. આપણે બધા જ ખતમ થઈ જશું, જોન સ્વીપરે અનુપમના વિચારનો વિરોધ કરતાં કહ્યું.
મેં નક્કી કરી નાખ્યું છે કે મારે શું કરવું છે. ચંદ્ર પર આ આપણી છેલ્લી રાત હશે. મેં નક્કી કરી નાખ્યું છે કે કેવી રીતે આખી દુનિયાને સંકટમાંથી ઉગારી લેવી અને મારી યોજના પર હું અડગ છું. આપણે ચારેય લોકોએ કાલે ચંદ્રને અંતિમ વિદાય કરી દેવાની છે અને પછી કાયમનું સંકટ ટળી જશે. માનવ જાતી બચી જશે, અનુપમ અત્યારે બધાને અત્યંત ગંભીરતાથી કહી રહ્યો હતો.
અત્યારે મારે તમારી થોડી મદદની આવશ્યકતા છે. આપણે નક્કી કરીએ કે ચંદ્ર પર ઓક્સિજન મળી રહે તે માટે જોન સ્વીપરના અવકાશયાનમાંથી મોટા પ્રમાણમાં ઓક્સિજન છોડીશું, આની સાથે અમારા અવકાશયાનમાંથી પણ ઓક્સિજન છોડીશું. રશિયાના અવકાશયાનમાંથી પણ ઓક્સિજન છોડીશું. ત્રણેય યાનના ઓક્સિજન એક સાથે છોડવામાં આવશે તો થોડો સમય માટે અહીં ઓક્સિજન વાતાવરણમાં રહેશે. એ જ સમયે તમારી પાસે રહેલા કેમિકલ ફ્યુઅલ હાઈડ્રો-કાર્બનના બનેલા હોવાથી તેમાં કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન અને નાઈટ્રોજન પણ છે. તેમને સળગાવી દેવામાં આવશે તો વાતાવરણમાં કાર્બન હાઈડ્રોજન વગેરે પણ આવશે અને બરાબર બે મિનિટ પછી બ્લાસ્ટ કરવામાં આવશે તો રિએક્શનની શૃંખલા ચાલુ થઈ જશે એક વખત શૃંખલા ચાલુ થશે કે તરત મોટો વિસ્ફોટ થશે અને અહીંનો ભડકો તમે ત્રણેય લોકોએ જે ખાણ શોધી છે ત્યાં સુધી ફેલાશે. ત્યાં પણ શૃંખલા ચાલુ થશે અને આમ બધું યુરેનિયમ પોતાની જાતને ખતમ કરી નાખશે. પ્લુટોનિયમ પણ ઝડપથી યુરેનિયમ બનીને પોતાની જાતને ખતમ કરી નાખશે. અહીં ફક્ત બચશે સીસું. સીસું લેવા માટે કોઈ દેશ ચંદ્ર સુધી આવશે નહીં.
આમેય ચંદ્ર પર કોઈ જીવસૃષ્ટિ નથી એટલે આનું વધુ નુકસાન થશે નહીં. કદાચ ચંદ્રની ચમક ઓછી થઈ જશે.
અનુપમ, તું વિચારે છે એટલું સહેલું નથી. પૃથ્વી પર જઈને આપણે જવાબ શું આપીશું? આપણી જિંદગી ખતમ થઈ જશે.
કેમ, એક્સિડન્ટ નથી થઈ શકતો? એમાં બધું ખતમ થઈ ગયું માંડ જીવ બચાવીને પાછા ફર્યા એમ કહી શકાય છે.
તું ભૂલી રહ્યો છે કે આપણી દરેક હરકત પર તેમની નજર છે, જોન સ્વીપરે હવે મુદ્દાની વાત કરી.
તો પછી આપણે બધાએ આ યુરેનિયમ અને પ્લુટોનિયમની સાથે ખતમ થઈ જવું પડશે.
એક કામ કરીએ, આપણી સાથે જે એન્જિનિયરો અને મજૂરો આવ્યા છે તેમને અવકાશયાનમાં રવાના કરી દઈએ. આપણે છેલ્લે પાર્થોના સ્પેસ શટલમાં નીકળી જઈશું.
ઓક્સિજન અને ફ્યુઅલ લીકેજ માટે અકસ્માત દેખાડી દઈશું, ચાલશે? અનુપમે છેલ્લો ગૂગલી નાખ્યો.
****
નક્કી કર્યા પ્રમાણે સૂર્ય તેજ તપી રહ્યો હતો ત્યારે જ ચારેયની ટાંકીમાંથી ઓક્સિજન છોડવામાં આવ્યો અને અમેરિકાના અવકાશયાનમાંથી ઈંધણ લીકેજ થયું. ચારે તરફ બૂમાબૂમ થઈ ગઈ કે ઈંધણ લીકેજ થયું છે બધાએ નીકળી જવું પડશે. ચીનના સ્પેસ શટલમાં ભારત અને ચીનના એન્જિનિયરો અને અન્ય મજૂરોને રવાના કરવાનો નિર્ણય લેવાયો. અમેરિકા અને રશિયાના એન્જિનિયરો અને મજૂરો રશિયાના બાકીના ત્રણ સ્પેસ શટલમાં સ્પેસ સ્ટેશન માટે જવા રવાના થઈ ગયા. હવે ભારતનું અને અમેરિકાનું અવકાશયાન અને રશિયાનું એક સ્પેસ શટલ બાકી રહ્યું હતું. વિક્રમ, પાર્થો અને ભારતના એટમિક એનર્જી પર ચાલી રહેલા એન્જિનમાંથી ઈંધણ કાઢીને તેનો વિક્રમે રિએક્ટર બોમ્બ બનાવ્યો જેથી શૃંખલા ચાલુ કરી શકાય. હવે અમેરિકાના અવકાશયાનમાંથી બધું જ ઈંધણ ખતમ કરી નાખવાનું હતું એટલે તે કોઈ કામનું નહોતું. ભારતના અવકાશયાનનું એન્જિન તો ખતમ કરી નાખવામાં આવ્યું હતું. છેલ્લી ઘડીએ ચાર ન્યુક્લિયર બેટરી પાર્થોને પકડાવીને અનુપમે કહ્યું કે આ ચારેય દેશ માટે યાદગાર બની રહેશે. રાખજે તારી પાસે. પાર્થો બેટરીને લઈને એટીવી પર સ્પેસ શટલમાં મૂકવા ગયો.
જોન અને વિક્રમ બીજા એટીવી પર બેઠા અને અનુપમને તાકીદ કરતા ગયા કે જેવું રિએક્શન ચાલુ થાય કે બે મિનિટની અંદર સ્પેસ શટલમાં ઘૂસી જવાનું છે. અનુપમે બધાને આગળ રવાના કર્યા અને છેલ્લી વખત આંખ મીંચીને આકાશમાં જોયું. જમણી તરફથી પૃથ્વી-ઉદય થઈ રહ્યો હતો. કેટલી સુંદર દેખાતી હતી અહીંથી પૃથ્વી. કેવી રીતે આનો સંહાર કરી શકાય? છેલ્લી વખત ભગવાનનું નામ લીધું અને ત્રણ નાના રિએક્ટર બોમ્બ લઈને ચાલ્યો. ત્રણેય ખાણમાં એક એક બોમ્બ નાખવાનો હતો, કેમિકલ ફ્યુઅલ દ્વારા ડિટોનેટર તૈયાર કરવામાં આવ્યું હતું. એટીવી લઈને તે નીકળ્યો પહેલાં ચીન જ્યાં ખોદકામ કરતું હતું તે ખાણમાં બોમ્બ નાખ્યો પછી રશિયાની ખાણમાં અને છેવટે ભારતે જ્યાં ઝંડા લગાવ્યા હતા ત્યાં તે પહોંચ્યો. બોમ્બ નાખતાં પહેલાં અચકાયો. બધા ધ્વજ ઉખાડ્યા. એનસીસીમાં શીખવ્યું હતું તે રીતે બધાને વાળીને એટીવી પર મૂક્યા અને પછી બોમ્બ ખાણમાં નાખ્યો. ત્યાં સુધીમાં ચીનની ખાણમાં રિએક્શન ચાલુ થઈ ગયું હતું. હવે ૫૦ મીટર પર સ્પેસ શટલ ઊભું હતું. એટીવી લઈને તે સ્પેસ શટલ સુધી પહોંચ્યો. દરવાજો ખુલ્લો રાખીને જોન અને વિક્રમ તેની રાહ જોઈ રહ્યા
હતા.
હું નહીં આવી શકું. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી વાહક વગર વીજળીનું વહન કરવાની ટેકનોલોજી જીવે છે. એને મારી સાથે જ ખતમ થવું પડશે. મારી સાથે જ ખતમ થવું પડશે. આવજો. ભાગો જલ્દી.
બે ખાણમાં ધમાકા થઈ ગયા હતા એટલે પાર્થોએ હવે સ્પેસ શટલ ઉપાડ્યે જ છૂટકો હતો.
પાર્થોએ સ્પેસ શટલ ઉપાડ્યું અને જેવું થોડું ઊંચું ગયું કે ત્રીજી ખાણમાં ધમાકો થયો. અચાનક જોન સ્વીપરને અનુપમના છેલ્લા શબ્દો યાદ આવ્યા. “વીજળીનું વહન કરવાની ટેકનોલોજીને મારી સાથે જ ખતમ થવું પડશે.
તેણે પાર્થોને કહ્યું કે ‘આ ટેકનોલોજી વિશે આપણે ત્રણેય જણા ઘણું જાણીએ છીએ. જો આ ટેકનોલોજી માટે અનુપમ બલિદાન આપી શકતો હોય તો આપણે પણ આપવું પડશે. તારું શું કહેવું છે, વિક્રમ.’
જોનની વાત સાચી છે. આ ટેકનોલોજીની જાણકારી લઈને આપણે પાછા પૃથ્વી પર ફરી શકાય નહીં, વિક્રમે હોકાર આપ્યો.
ક્ષણાર્ધ માટે પાર્થોના હાથ ધ્રૂજ્યા. એક તરફ સૃષ્ટિ હતી અને બીજી તરફ પોતાનો જીવ. અચાનક સ્પેસ શટલે ઘુમરી ખાધી અને વિસ્ફોટ થઈ રહેલી ખાણમાં આગની લપટોમાં ખોવાઈ ગયું.
ચંદ્ર પર ભડકા ઊઠી રહ્યા હતા અને બરાબર એ જ સમયે શ્રુંગમણી હિલ પર વીજળીને ઝીલવા માટે તૈયાર કરવામાં આવેલું લેસર ઈન્ડ્યુસ્ડ પ્લાસમા ચેનલ અને તેને જોડીને રાખવામાં આવેલા જનરેટર ધમાકા સાથે ઊડી ગયું. ધમાકો સાંભળીને ફાયર બ્રિગેડનાં વાહનો ત્યાં પહોંચે તે પહેલાં જ રોસ હિલ પર અનુપમને ઓફિસ માટે જે જગ્યા આપવામાં આવી હતી અને જ્યાં વીજળીના વહન માટેના ટ્રાન્સમીટર, એમિટર વગેરેની ડિઝાઈન વગેરે પડી હતી તે ઓફિસમાં ભીષણ આગ લાગી. રોસ હિલ પર દોડાદોડ ચાલુ થઈ ત્યારે કોઈને યાદ આવ્યું કે અંદર લૈલા પણ હતી.
સેન્ટ્રલ વિસ્ટામાં અત્યારે એક કેબિનમાં રંજન કુમાર અને અનુપ રોય બેઠા હતા. તેમણે નજરની સામે જોયું કે પહેલાં ચંદ્ર પર આગ લાગી, પછી શ્રુંગમણી હિલ પર ધમાકો થયો અને છેવટે રોસ હિલ પર જે ઓફિસમાં અનુપમના સંશોધન સાથે સંકળાયેલા બધા દસ્તાવેજો હતા તે ઓફિસમાં આગ લાગી અને તેમાં આ પ્રોજેક્ટમાં અનુપમને મદદ કરનારી લૈલાનું પણ મોત થયું.
બધું ખતમ થઈ ગયું, હતાશામાં રંજન કુમારના મોંમાંથી નીકળી ગયું.
મિશન મૂન તો બ્લાસ્ટ મૂન બની ગયું, અનુપ રોય બોલી ઉઠ્યા. (સમાપ્ત)