Homeલાડકીમિશન મૂન પ્રકરણ ૧૦

મિશન મૂન પ્રકરણ ૧૦

ભારત આપણું મિત્રરાષ્ટ્ર હતું અને રહેશે. મારે પણ ભારતના વડા પ્રધાન સાથે વ્યક્તિગત મૈત્રી સંબંધ છે, પરંતુ દેશહિત અને મૈત્રી વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે દેશહિતમાં જે કરવું પડે તે કરવું જોઈએ, સહમત છો મારી વાત સાથે?,’ બાઈને બધાને સવાલ કર્યો

લેખક – વિપુલ વૈદ્ય

ભારતમાં બેઠક પૂરી થયાના ગણતરીના કલાકોમાં જ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલા રશિયન સત્તાકેન્દ્ર ડુમા હેડક્વાર્ટર્સમાં એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને બધા જ લોકોને ફરજિયાત હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. અત્યારે પોતાને મળેલી માહિતીથી ખુશ થવું કે પછી ગુસ્સો કરવો તે બાઈનને સમજાતું નહોતું. બીજી તરફ રાષ્ટ્રપ્રમુખને ભારતની છેલ્લામાં છેલ્લી માહિતી આપીને સરસાઈ મેળવી હોવાથી ઈવાનોવિચ પોતાની જાત પર ખુશ હતો અને વેલેરી પોતાની પાસે હજી સુધી આ માહિતી આવી ન હોવાથી ચિંતામાં હતો. આ બંનેની દોડ વચ્ચે ર્ફ્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવને અત્યારની સ્થિતિમાં પોતાનું મહત્ત્વ વધારવાની તક જોવા મળી રહી હતી.
બધા પોતાની બેઠક પર ગોઠવાઈ ગયા બાદ રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને આંખના ઈશારે ઈવાનોવિચને બોલવાનો સંકેત કર્યો.
‘કોમરેડ સર, ભારતમાં રહેલા આપણાં સૂત્રો પાસેથી કલાક પહેલાં જ એવી માહિતી મળી છે કે તેઓ મહાબલી કે બાહુબલી જેવું કોઈ રોકેટ તૈયાર કરવાની વેતરણમાં પડ્યા છે, કેમ કે ચંદ્ર પર જઈને પાછું ફરી શકે તેમ જ ટનોના હિસાબે પે-લોડ લઈ જઈ શકે એવા રોકેટની માગણી મૂકવામાં આવી છે અને આ પ્રોજેક્ટ માટે એ. જે. પી. અકબર અને જયંત સિન્હા જેવા નિષ્ઠાવાન માણસોને જવાબદારી આપવામાં આવી છે,’ ઈવાનોવિચે પોતાની પાસે આવેલી માહિતી સભાગૃહને આપવાની શરૂઆત કરી.
‘જે રીતે મહાબલી જેવા રોકેટની તૈયારીઓ થઈ રહી છે તેનો અર્થ એવો કાઢી શકાય કે તેઓ ટનના હિસાબે યુરેનિયમ ચંદ્ર પરથી ઉસેડવાની તૈયારીમાં લાગ્યા છે,’ અણુવિજ્ઞાની યેવગેની એડામોવ બોલ્યા.
યેવગેનીએ તરત જ ઉમેર્યું કે, ‘આની સરખામણીમાં ભારત કરતાં આપણી પાસે ઘણી સારી વ્યવસ્થા છે. આપણી સ્થિતિ આ વિષયમાં તો કમ સે કમ ભારત સામે મહાત થવા જેવી નથી. આપણા સ્પેસ સ્ટેશન સાથેના શટલ આપણને ઘણા મદદરૂપ થઈ શકશે. ભારત એક વખત યુરેનિયમ લાવવા માટે જેટલો ખર્ચ કરશે તેનાથી અડધા ખર્ચમાં આપણે યુરેનિયમ લાવી શકીશું અને તે આપણા માટે પ્લસ પોઈન્ટ બની રહેશે.’
એલેકઝાંડર રૂમાન્ટોવ કશું બોલે તે પહેલાં જ કુર્ચાટોવે તેમને આંતર્યા. ‘ઉતાવળે અટકળો બાંધવાની આવશ્યકતા નથી. ટનના હિસાબે પે-લોડ લઈ જવાનો અર્થ યુરેનિયમની ધાતુ ઉસેડીને પૃથ્વી પર લાવવાનો જ નથી થતો.’
‘તમારા કહેવાનો અર્થ શું છે, સ્પષ્ટ રીતે જણાવો,’ અત્યાર સુધી તકની રાહ જોઈ રહેલા ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવે ચર્ચામાં ઝંપલાવ્યું. આજે નોમાટોવ નક્કી કરીને આવ્યા હતા કે રાષ્ટ્રપ્રમુખની સામે પોતાની સારી છબી નિર્માણ કરવી છે અને ગમે તે હિસાબે ચર્ચામાં સહભાગી થઈને અન્ય લોકોને પણ પોતાના ફર્સ્ટ ડેપ્યુટીના પદનો અહેસાસ કરાવવો છે.
‘તમારા કહેવાનો અર્થ એ છે કે ભારત અતિ શક્તિશાળી રોકેટ દ્વારા ટનના હિસાબે સામગ્રીનું વહન કરવા માગે છે અને આના પરથી તમે એવું અનુમાન લગાવી દીધું કે ચંદ્ર પરથી કશુંક લાવવામાં આવશે. એવું કેમ ના વિચાર્યું કે પૃથ્વી પરથી કશુંક ભારે ત્યાં લઈ જવામાં આવે. આ ઘણો લંબાણપૂર્વક વિચારીને તૈયાર કરાયેલો પ્રકલ્પ છે. જ્યાં સુધી મારી બુદ્ધિ ચાલે છે ત્યાં સુધી ભારતીય વિજ્ઞાનીઓ કાચી ધાતુ લાવવાનો ખર્ચાળ માર્ગ અપનાવશે નહીં, કુર્ચાટોવે કહ્યું.
આમ તો કુર્ચાટોવ પીઢ અને અનુભવી અણુવિજ્ઞાની હતા, પરંતુ ક્યારેક તેઓ એવી વાત કરતાં હતાં કે સામેની વ્યક્તિની માનસિકતા ઓળખી ગયા હોય. અત્યારે તેઓ ફક્ત અંદાજ લગાવી રહ્યા હતા, પરંતુ તેમનો અંદાજ એટલો અચુક હશે એવી ન તો તેમને કલ્પના હતી કે ન તો ભારતીય વિજ્ઞાનીઓએ આવી કલ્પના કરી હોય.
‘ભારત અત્યારે અહીંથી કોઈ મોટા મશીન લઈ જવાની તૈયારી કરતાં લાગી રહ્યું હોય એવું લાગે છે. હવે તમારૂં (ઈવાનોવિચ અને વેલેરીનું)કામ છે કે ભારત કેવા પ્રકારની મશીનરી લઈ જવાની તૈયારી છે તેની ભાળ મેળવવી. બીજું જો ભારત આવી કોઈ તૈયારી કરી રહ્યું હોય તો એલેક્ઝાન્ડર માટે પણ આવા મહા શક્તિશાળી રોકેટની તૈયારી આવશ્યક છે, કુર્ચાટોવે બે મહત્ત્વના લોકોને તેમની જવાબદારી સમજાવી દીધી.
‘અમારા માટે યુરેનિયમ શુદ્ધીકરણ માટે નાના માં નાના મશીન તૈયાર કરવાનો સૌથી મોટો પડકાર છે,’ કુર્ચાટોવે જવાબ તો રૂમાના સવાલનો આપ્યો હતો, પરંતુ તેઓ સતત પ્રમુખ બાઈન સામે જોઈ રહ્યા હતા. બાઈનના ચહેરા પરના ભાવ જોઈને તેઓ સમજવા માગતા હતા કે તેમને સમજાયું કે નહીં. પ્રમુખ વાત સમજી રહ્યા છે એવું લાગતાં તેમણે વાત આગળ ચલાવી.
‘મારું માનો તો આ પ્રોજેક્ટ સાથે ક્યા અને કેટલા વિજ્ઞાની સંકળાયેલા છે તેની જાણકારી મેળવી શકાય તો તે મેળવી આપો, હું તમને તેમની યોજના વિશે આધારભૂત માહિતી આપી શકીશ,’ કુર્ચાટોવે સમાપન કર્યું.
અત્યાર સુધી નિરાશ થઈ બેઠેલા વેલેરીને આ તક ઝડપી જેવા લાગી. તેમણે તરત જ કહ્યું કે ‘આ પ્રોજેક્ટ સાથે કોઈ રંજન કુમાર નામના વિજ્ઞાની સંકળાયેલા છે. તેમની સાથે અનુપ રોય અને વિશાલ માથુર પણ હતા.’
‘કોમરેડ સર, જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી રંજન કુમાર તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના વડા છે,’અણુવિજ્ઞાની યેવગેની એડામોવે પોતાની પાસે રહેલી માહિતી બધાને આપી.
‘આનો અર્થ એવો થાય છે કે ભારત આ ધાતુનો ઉપયોગ શાંતીમય હેતુ માટે કરવા માગે છે. જો આ વાત સાચી હોય તો આપણે તેમની સાથે સ્પર્ધા કરવાની જગ્યાએ તેમને સહકાર કરવો જોઈએ. આમેય શાંતીમય હેતુ માટે અણુશક્તિનો ઉપયોગ કરવામાં ભારતને સંપૂર્ણ અને બિનશરતી સાથ આપવાના દ્વિપક્ષી કરાર આપણે કર્યા છે,’ કુર્ચાટોવે પોતાનો મત વ્યક્ત કર્યો.
વોલેરન બાઈન પર પોતાની આંખો રાખતા ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવે બોલવાનું શરૂ કર્યું. ‘અત્યારે વિષય ભારત શું કરે છે કે પછી કરવાનું છે તે નથી, અત્યારે વિષય રશિયાએ પોતાના સામરિક મહત્ત્વને જાળવી રાખવા અને તેમાં વધારો કરવા માટે શું કરવું જોઈએ એનો છે. અત્યારે આપણે દેશહિતમાં આ ધાતુ મહત્તમ પ્રમાણમાં હાથ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. મને લાગે છે કે આમાં તમને કોઈ વાંધો નહીં હોય. બરાબર મિ. કુર્ચાટોવ? મને લાગે છે ત્યાં સુધી આ ઓરડામાં હાજર દરેક વ્યક્તિ મારી સાથે સહમત છે, યા પ્રા (એમ આઈ રાઈટ)’
કુર્ચાટોવ અને બાઈનને બાદ કરતાં બધા એક અવાજે ચિલ્લાયા, ‘ટી પ્રા (યુ આર રાઈટ – તમે સાચું કહ્યું)’
‘રૂમા, તમે ફર્સ્ટ ડેપ્યુટી છો એટલે તમારું સન્માન કરું છું. મને દેશવિરોધી દર્શાવવાનો પ્રયાસ કરશો નહીં. મારી માતૃભૂમિનું હિત મારા હૃદયમાં વસેલું છે સાથે તેની પ્રતિષ્ઠા પણ એટલી જ વહાલી છે. આપણા મિત્રરાષ્ટ્ર સાથે આવી સ્પર્ધા નૈતિક દૃષ્ટિએ મને અયોગ્ય લાગે છે, જોકે કોમરેડ સર કહેશે તો જીવ પણ આપી દઈશ તો ચંદ્ર પરથી ધાતુ લાવવાનો સવાલ જ ક્યાં છે,’ કુર્ચાટોવે જવાબ આપ્યો.
વાસ્તવમાં રૂમા અત્યારે શું રમત કરી રહ્યો હતો તે તેમના ધ્યાનમાં આવી ગયું હતું અને તેથી જ તરત જ રાષ્ટ્રપ્રમુખની સામે જ રૂમાના પ્રયાસને નિષ્ફળ કરવા માટે આવો ખુલાસો કરવાનું તેમને યોગ્ય લાગ્યું હતું.
રૂમા નોમાટોવ અને કુર્ચાટોવ વચ્ચે વિવાદ વધે નહીં એટલે યેવગેની એડામોવે વચ્ચે હસ્તક્ષેપ કર્યો. ‘કુર્ચાટોવના પોતાના વિષય પરના જ્ઞાનની જેમ જ તેમની દેશભક્તિ નિર્વિવાદ છે. તેમની વાત સમજવા જેવી છે. અત્યારે પ્રત્યેક આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વના મુદ્દે ભારતે આપણને એકલા પડવા દીધા નથી. યુક્રેનના યુદ્ધનો દાખલો તાજો જ છે. આખી દુનિયામાં ફક્ત એક ભારતે આપણને સાથ આપ્યો હતો, એટલું જ નહીં ક્રુડની ખરીદી કરી હતી અને આપણને આર્થિક નિર્બળ બનતા રોક્યા હતા.’
યેવગેની ભારત સાથેના સંબંધો માટે પોતાની રજૂઆત કરી રહ્યા હતા અને વધુ બોલવા માગતા હતા, પરંતુ વાત આડે પાટે ચડી રહી હોવાનું જણાતાં રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને હાથ ઊંચો કરીને બધાને શાંત થઈ જવાનો ઈશારો કર્યો.
‘તમારા કહેવાનો અર્થ હું સમજી રહ્યો છું. ભારત આપણું મિત્રરાષ્ટ્ર હતું અને રહેશે. મારે પણ ભારતના વડા પ્રધાન સાથે વ્યક્તિગત મૈત્રી સંબંધ છે, પરંતુ દેશહિત અને મૈત્રી વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે દેશહિતમાં જે કરવું પડે તે કરવું જોઈએ, સહમત છો મારી વાત સાથે?,’ બાઈને બધાને સવાલ કર્યો.
હવે બાઈને એવી કૂકરી મારી હતી કે આખા ઓરડામાં હાજર કોઈપણ વ્યક્તિ તેનો ઈનકાર કરી શકે નહીં.
સ્વાભાવિક રીતે ઓરડામાં હાજર દરેક વ્યક્તિએ હકારાત્મક જવાબ આપ્યો. બધાના હોકાર મળી ગયા પછી તેમણે પોતાની વાતનો દોર આગળ ચલાવ્યો.
‘ભારતે આપણને અનેક વખત આપણને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાથ આપ્યો છે. તો આપણે પણ તેમને અનેક કઠીન પ્રસંગોમાં સાથ આપ્યો હતો એટલે આમ તો બધો હિસાબ બરાબર થઈ ગયો છે. આમછતાં હું ભારતનો ઋણ સ્વીકાર કરું છું. ભારત આપણું મિત્ર હતું અને રહેશે,’ બાઈને કહ્યું.
ભારત સાથેના આપણા સંબંધો અને મિત્રતાના દાવે હું અત્યારે બધાની વચ્ચે વચન આપું છું કે આપણે આ દિશામાં જે કોઈ કામ કરીશું, યુરેનિયમ લાવવા માટે જે કોઈ ઝુંબેશ હાથ ધરીશું તેનાથી ભારત કે પછી ભારતનાં હિતોને કોઈપણ સંજોગોમાં નુકસાન થવા દઈશ નહીં, બાઈને પોતાનું બોલવાનું પૂર્ણ કર્યું.
બાઈનના નિવેદન બાદ સભાગૃહમાં હાજર કુર્ચાટોવ, યેવગેની અને પોલિટ બ્યૂરોના જે સભ્યોને ભારત માટે કુણું વલણ હતું તેઓને સંતોષ થયો. આખરે આ બધા જ લોકો બાઈનની વચનપ્રતિબદ્ધતા જાણતા હતા.
(ક્રમશ:)
———–
હવે શું?
બરાબર એ જ સમયે બીજિંંગમાં આ જ વિષય પર ગરમાગરમ ચર્ચા થઈ રહી હતી.
‘ભારત મહાબલી રોકેટની તૈયારી કરી રહ્યું છે અને તમે બધા મોજમજા કરી રહ્યા છો, તમારાથી કામ ન થતું હોય તો જગ્યા કરી આપો. હું અન્ય કોઈને કામ માટે રાખી લઈશ.’ લ્યાન ઝીન પિંગ અત્યારે ક્રોધથી ધ્રૂજી રહ્યા હતા. તેમનું રૌદ્ર સ્વરૂપ જોઈને બધા કંપી રહ્યા હતા કે હવે કોનો વારો પડશે

RELATED ARTICLES

Most Popular