આપણા કેનેડી સ્પેસ સેન્ટરના નેટવર્કમાં કોઈ બગ આવી ગયો છે અને તેને કારણે આખી સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે. આ ગંભીર સમસ્યા છે અને તત્કાળ બેક-અપ જોઈએ છે, જોન સ્વીપરને તાકીદે સંદેશો મળ્યો
વિપુલ વૈદ્ય
ચીનની રાજધાની બીજીંગમાં એક વિશાળ ઈમારતમાં અત્યારે રાષ્ટ્રપ્રમુખ લ્યાન ઝિન પિંગ ૧૨૦૦ ફૂટની પોતાની ઓફિસમાં બેઠા હતા અને તેમની સામે ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ હ્યુ રેન્યુ બેઠા હતા. સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ અને ઝાંગ યુઓઆ બેઠા હતા. ચારેય લોકો કોઈ ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એસએમએસના વડા લી ત્યાં પહોંચ્યા.
રાષ્ટ્રપ્રમુખે માથું ઊંચું કરીને લી સામે જોયું તો તે પરસેવે રેબઝેબ હતો. તેની આંખો લાલ-લાલ થઈ ગઈ હતી. નસકોરાં ફૂલી ગયા હતા. રાષ્ટ્રપ્રમુખ પોતાની સામે જોઈ રહ્યા હોવાનું ધ્યાનમાં આવતાં જ તેની નજર નીચી થઈ ગઈ હતી. અત્યારે લીને જોવાથી એવું લાગતું હતું કે તે કોઈનું મર્ડર કરવાની કામના ધરાવી રહ્યો છે. એક મિનિટ માટે લ્યાન ઝિન પિંગે લીનું નિરીક્ષણ કર્યું અને પછી તેને સવાલ કર્યો.
‘એવું તે શું તાકીદનું કામ આવી પડ્યું કે તારે તત્કાળ ભાગીને અહીં આવવું પડ્યું.’
‘તને ખબર હતી કે અહીં અમે મિશન મૂનની ફાઈનલ તૈયારીઓ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ.’
‘થોડી વાર રાહ જોઈ શકાય એવું નહોતું?,’ લ્યાન ઝિન પિંગે સવાલ કર્યો.
‘સોરી કોમરેડ સર, અત્યારે મારી પાસે જે જાણકારી આવી છે તેનાથી હું થોડો ઉશ્કેરાઈ ગયો હતો અને સાથે જ આ બાબત ચિંતાજનક હોવાથી તમને તત્કાળ જાણ કરવી આવશ્યક હતી,’ લીએ રાષ્ટ્રપ્રમુખને કહ્યું.
‘એવી તે શું વાત છે?,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘કોમરેડ સર, આપણું કેમિકલ ફ્યૂૂઅલ ભરેલું કન્ટેનર જી-૬ પરથી આવીને જી-૨૪૨ પર જવાને બદલે જી-૭ પર ચડી ગયું છે અને હવે તેને અડધે રસ્તેથી વાળીને પાછું લાવી શકાય એમ નથી.’
‘આ કાવતરા પાછળ અમેરિકાનો હાથ હોવાના પુરાવા મને મળ્યા છે.’
‘આપણા કન્ટેનર ની જીપીએસ સિસ્ટમને હૅક કરી નાખવામાં આવી હતી અને તેને જી-૨૪૨ને બદલે જી-૭ પર ચડાવી દેવામાં આવી હતી.’
‘આ સિસ્ટમ હૅક કરનારી યંત્રણા અમેરિકાના સેટેલાઈટથી કાર્યરત કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું છે,’ લીએ પોતાની પાસે રહેલી માહિતી એકશ્ર્વાસે રાષ્ટ્રપ્રમુખને આપી.
‘હમમમ, તો આપણે શું કરવું છે હવે?,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘આપણા મિશન મૂનમાં હાડકાં નાખી રહેલા અમેરિકાના મિશન મૂનને આપણે ખોરવી નાખીએ.’
‘તેમની સિસ્ટમ હૅક કરીને ચંદ્રને બદલે પ્રશાંત મહાસાગરમાં તેમના અવકાશયાનને ડૂબાડી દઈએ,’ લી ઉશ્કેરાટમાં બોલી ગયો.
‘આનાથી આપણી બદનામી સિવાય બીજું શું થશે?,’ લ્યાન ઝિન પિંગે અત્યંત શાંતિથી પૂછ્યું.
‘પણ કોમરેડ સર, એમની આટલી હિંમત…’
‘શાંત થઈ જા, લી,’ લ્યાન ઝિન પિંગે કહ્યું અને તરત જ પોતાનો મોરચો સીપીસીના વાઈસ પ્રેસિડેન્ટ ઝૂ કિલાંગ તરફ વાળતાં પૂછ્યું.
‘ઝૂ, અમેરિકાના મિશન મૂનની પ્રગતીનો કોઈ અહેવાલ છે તારી પાસે?’
‘હા સર, તેમનું મિશન મૂન કેનેડી સ્પેસ સેન્ટર પર ચાલુ થઈ ગયું છે અને અત્યારે ત્યાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે,’ ઝૂ કિલાંગે પોતાની પાસે રહેલી માહિતી આપી.
‘અચ્છા, ભારતના મિશન મૂનની કોઈ જાણકારી છે તારી પાસે?,’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘સોરી સર, હજી સુધી ભારતના મિશન મૂન અંગે કોઈ માહિતી નથી,’ ઝૂએ જવાબ આપ્યો.
‘શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર પર આપણી ચાંપતી નજર છે. આ ઉપરાંત ઈસરોની બધી જ કચેરીઓ પર પણ ચાંપતી નજર છે. ક્યાંયથી કોઈ તૈયારી જેવું કશું દેખાતું નથી,’ ઝૂએ કહ્યું.
‘અચ્છા, હવે અમેરિકાના સ્પેસ પ્રોગ્રામને તારે રોકવો છે ને?,’ લ્યાન ઝિન પિંગે હવે લીને પૂછ્યું.
‘એના માટે આપણે શું કરી શકાય?’ લ્યાન ઝિન પિંગે પૂછ્યું.
‘એણે આપણું ઈંધણ રોક્યું તો આપણે એમનું ઈંધણ રોકીએ?’
‘નહીં તો એક કામ કરીએ આપણે તેમની લોન્ચિંગ સિસ્ટમ હૅક કરી નાખીએ અને અવકાશયાનને રોકી પાડીએ, બરાબર!’ લ્યાન ઝિન પિંગે લીને સવાલ કર્યો.
‘સર, આમાં તો આપણું નામ આવી જાય અને સીધી દુશ્મની સર્જાઈ જાય,’ ઝૂ કિલાંગે કહ્યું.
‘અચ્છા તો તેમના ઈંધણને રોકવાનું કામ કરીએ. જાણકારી મેળવો તેમનું ઈંધણ કેનેડી સ્પેસ સેન્ટર પર પહોંચી ગયું કે નહીં?’ લ્યાન ઝિન પિંગે સવાલ કર્યો.
‘સારું સર,’ લીએ કહ્યું.
****
‘સર, મને લાગે છે કે આપણા ઈંધણને રવાડે ચડાવવાનું કામ
ચીનનું નહોતું,’ ચીફ ઑફ સ્ટાફ સેમ્યુઅલ યંગે રાષ્ટ્રપતિ જોન લાઈગરને કહ્યું.
‘તો?,’ જોન લાઈગરે સવાલ કર્યો.
‘કદાચ રશિયાનું કામ છે,’ સેમ્યુઅલે પોતાની શંકા વ્યક્ત કરી.
‘એનો અર્થ એવો થયો કે રશિયા પણ મિશન મૂન પ્રોગ્રામ કરી રહ્યું છે,’ જોન લાઈગર બોલી પડ્યા.
‘રશિયાની આર્થિક હાલત એવી છે નહીં કે આટલો મોટો પ્રોજેક્ટ કરી શકે.’
‘રશિયા આપણને શા માટે રોકવાનો પ્રયાસ કરે?,’ ઉપરાષ્ટ્રપ્રમુખ મોનિકા હેરિસે પોતાની શંકા વ્યક્ત કરી.
‘અચ્છા રશિયાનું અવકાશયાન ક્યારે અને ક્યાંથી ઉડવાનું છે?,’ લાઈગરે પૂછ્યું.
‘મને માહિતી મેળવીને વિગતો આપો.’
‘હવે આ લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.’
‘અમેરિકાની તાકાતને બધા ભૂલી ગયા લાગે છે. આપણે પરચો દેખાડવો પડશે,’ લાઈગરે દાંત ભીસતાં કહ્યું.
****
‘આપણા કેનેડી સ્પેસ સેન્ટરના નેટવર્કમાં કોઈ બગ આવી ગયો છે અને તેને કારણે આખી સિસ્ટમ ડાઉન થઈ ગઈ છે. આ ગંભીર સમસ્યા છે અને તત્કાળ બેક-અપ જોઈએ છે.’
કેનેડી સ્પેસ સેન્ટરમાં કામ કરનારા પીટર રોસે નાસાના વિજ્ઞાની અને મિશન મૂનના કર્તાહર્તા જોન સ્વીપરને તાકીદે હોટલાઈન પર ફોન કરીને માહિતી આપી.
આ માહિતી મળતાં જ જોન સ્વીપરે સેમ્યુઅલ યંગને તેની જાણકારી આપી અને તાકીદે વ્યવસ્થા કરવા જણાવ્યું.
સેમ્યુઅલ યંગ દોડીને આ માહિતી પ્રેસિડેન્ટ જોન લાઈગરને આપવા દોડ્યો.
‘કેમ શું થયું,’ જોન લાઈગરે પૂછ્યું.
‘સર, મિશન મૂન આડે નવો અવરોધ ઊભો થયો છે,’ સેમ્યુઅલે કહ્યું.
‘આપણા સ્પેસ સેન્ટરનું નેટવર્ક હૅક થઈ ગયું છે અને આખી સિસ્ટમ ડાઉન છે,’ સેમ્યુઅલે જવાબ આપ્યો.
‘કોણે આપણા નેટવર્કમાં ઘૂસણખોરી કરી તેની માહિતી મેળવી છે?,’ લાઈગરે પૂછ્યું.
‘સર, તપાસ ચાલી રહી છે. પાંચેક મિનિટમાં શોધી કાઢવામાં આવશે,’ સેમ્યુઅલે જવાબ આપ્યો. (ક્રમશ:)
—
હવે શું?
પ્રેસિડેન્ટ સર, એક ચોંકાવનારી વાત જાણવા મળી છે. આપણી સિસ્ટમનો હૅકર કોઈ ચાઈનીઝ વ્યક્તિ છે અને તેણે આપણા સર્વર પર ગાળો ભાંડીને કહ્યું છે કે ચીનના મિશન મૂનને ખોરવી નાખવાનો પ્રયાસ કરવાનો આ બદલો લેવામાં આવી રહ્યો છે. જોકે, તે વ્યક્તિનું લોકેશન ચીનમાં નહીં, ન્યૂ યોર્કમાં છે, સેમ્યુઅલ યંગે રાષ્ટ્રપતિ જોન લાઈગરને વિગતો આપી