Homeમિશન મૂનમિશન મૂન

મિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ – ૪૦

હવે શું?
વેલેરી, મારે અમેરિકાનું મિશન મૂન કોઈ પણ ભોગે નિષ્ફળ બનાવવું છે. જો અમેરિકાનું મિશન અબોર્ટ થઈ જાય તો મારે પણ મિશન મૂનનું પોટલું માથે ઊંચકવું નહીં. ભલે ભારત પોતાનું મિશન મૂન કરીને આખા દુનિયાનું કલ્યાણ કરવાનું કામ કર્યા કરતું. શું લાગે છે તને? વોલેરન બાઈને ડુમા હાઉસની બેઠક પૂરી થયા બાદ ખાનગીમાં મેજર જનરલને સવાલ કર્યો
———
તમારા મગજમાં એક વાતને બેસાડી દો કે મારે ભારત સાથે કોઈ સ્પર્ધા નથી. મારી સ્પર્ધા અમેરિકાની સાથે છે. ‘અમેરિકાથી હાર મને સ્વીકાર્ય નથી. તમને અમેરિકાથી હાર સ્વીકાર હોય તો એમ કહી શકો છો
———-
રતના મિશન મૂનની જાણકારી મળ્યાને ૨૪ કલાક થયા હતા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વોલેરન બાઈને ફરી તાકીદે બેઠક બોલાવી હતી.
૪૦ જેટલા ડેપ્યુટી, અણુ વિજ્ઞાનીઓ, અવકાશ વિજ્ઞાનીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ, કેજીબીના વડા અને મેજર જનરલ રશિયાના પાટનગર મોસ્કોની અત્યંત સુરક્ષિત ઈમારત ડુમા હાઉસમાં એકઠા થયા હતા.
રાષ્ટ્રપ્રમુખે મેજર જનરલ વેલેરીને સીધો જ સવાલ કર્યો કે ‘તમારી પાસે શું માહિતી છે?’
‘સર, જ્યાં સુધી મને માહિતી મળી છે ત્યાં સુધી અમેરિકાએ મિશન મૂન માટેની તૈયારીઓ જોરશોરથી કરી છે. આને માટે પાંચ વિશ્ર્વની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી પાંચ કોર્પોરેટ કંપનીને નાસાના મિશન મૂન સાથે જોડવામાં આવી છે,’ કેજીબીના ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવે કહ્યું.
આ બાબતને કેટલી ગંભીરતાથી લેવી જોઈએ? વોલેરન બાઈનનો સવાલ.
‘કોમરેડ સર, આ બાબત અત્યંત ગંભીર છે અને તેને એટલી જ ગંભીરતાથી લેવી જોઈએ,’ ફર્સ્ટ ડેપ્યુટી રૂમાએ જવાબ આપ્યો.
‘સારું તો આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને મને જવાબ આપો કે આપણું મિશન મૂન ક્યારે શરૂ થવાનું છે? પ્રેઝન્ટેશન ક્યારે આપવામાં આવશે?’
અણુવિજ્ઞાની યેવગેની એડામોવે કહ્યું કે ‘પ્રેસિડેન્ટ સર, રોસાટેમને ભારત સરકારે બંધાણમાંથી મુક્ત કરી નાખ્યો છે અને તે આવતીકાલે મોસ્કોમાં આવી જશે કે તરત જ અમે પોર્ટેબલ યુરેનિયમ શુદ્ધીકરણ અને સંવર્ધન પ્લાન્ટની તૈયારીમાં લાગી જઈશું.’
અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટેવે કહ્યું કે ‘પ્રેસિડેન્ટ સર, મારી આખી ટીમ તૈયાર છે. અમારી પાસે અત્યારે રોકેટ તૈયાર છે. આપણા સ્પેસ સ્ટેશન પર શટલ તૈયાર છે. તમે જ્યારે કહેશો ત્યારે તમારા ભૂસ્તરશાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓને અવકાશમાં પહોંચાડી દેવામાં આવશે.’
આટલી મહત્ત્વની બેઠકમાં સાવ લઘરવઘર કપડાં પહેરીને ખૂણામાં બેસેલા, ગોળ કાચના ચશ્મામાંથી મોટા બટેટા જેવી આંખો ધરાવતા, વિખરાયેલા વાળ અને ચાર દિવસથી વધેલી દાઢી ધરાવતા ખગોળશાસ્ત્રી કુર્ચાટોવની સામે વોલેરન બાઈનની નજર ગઈ.
જેવી પ્રેસિડેન્ટની નજર તેમના પર ગઈ કે તરત જ કુર્ચાટોવ સંકેત સમજી ગયા અને તેમણે બોલવાનું શરૂ કર્યું.
‘હું હજી પણ માનું છું કે આ પ્રોજેક્ટ અવ્યવહારુ છે.’
‘યુરેનિયમ લાવવા માટે આપણે અબજો રૂપિયાના કેમિકલ ઈંધણનું આંધણ કરી નાખીશું.’
‘આ યુરેનિયમ આપણને ઘણું મોંઘું પડશે.’
‘આપણી સરકાર અમેરિકાની જેમ ખાનગી ઉદ્યોગપતિઓની મદદ લઈ શકતી નથી.’
‘અમેરિકન સરકારને સાથ આપનારી બધી કંપની માટે સાથ આપવાની મજબૂરી છે કેમ કે તેઓ વર્ષોથી શસ્ત્રોનું નિર્માણ કરી રહ્યા છે અને યુરેનિયમ નહીં મળે તો તેમની કંપનીના શટર પડી જશે.’
‘આ સ્થિતિમાં આપણે વાસ્તવમાં ભારતને સાથ આપવો જોઈએ જેથી અમેરિકા સાથેની સ્પર્ધામાં તેઓ પાછળ ન પડી જાય,’ કુર્ચાટોવે અત્યંત ઓછા શબ્દોમાં પોતાનો નિષ્પક્ષ મત બધાની સામે માંડ્યો.
કુર્ચાટોવે જે રીતે વાત કરી તેનાથી લગભગ બધા જ પ્રભાવિત થઈ ગયા.
લગભગ બધા લોકોના મનમાં કુર્ચાટોવની વાત સાચી હોવાની ભાવના જાગી.
આમેય આની પહેલાં અનેક વખત રશિયન પ્રમુખ ખુદ ભારતનું ઋણ સ્વીકારી ચૂક્યા હતા.
જો મિશન મૂનમાં ફક્ત બે જ દેશ સ્પર્ધક સામે હોય અને ભારતની સામે અમેરિકા જેવી મહાસત્તા હોય તો સ્વાભાવિક રીતે રશિયાએ મહાસત્તા તરીકેની પોતાની જવાબદારી સમજીને અને ભારતના અંતરંગ મિત્ર તરીકેની જવાબદારી નિભાવતાં ભારતના પડખે રહેવું જોઈએ એવી લાગણી હોલમાં બેઠેલા મોટા ભાગના લોકોના મનમાં થઈ રહી હતી.
૩૫ વર્ષથી રાષ્ટ્રપ્રમુખના પદે રહેલા વોલેરન બાઈને બધા પર એક નજર નાખી અને તેમને હાજર લોકોની લાગણી બદલાઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું.
કુર્ચાટોવ અત્યારે તેમને કોરોનાના વાઈરસ સમાન ભાસી રહ્યો હતો. કુર્ચાટોવના સારાપણાનો ચેપ જો બધાને લાગે તો મિશન મૂનને પડતું મૂકવાનો વારો આવશે એવું લાગ્યું એટલે તરત જ તેમણે આખો મામલો પોતાના હાથમાં લેવાનો નિર્ણય લીધો.
‘કુર્ચાટોવ, તમારી વાત સો ટકા સાચી છે. આપણે ભારતની સાથે જ રહેવું જોઈએ એવી તમારી વાત સાથે હું સૈદ્ધાંતિક રીતે સહમત છું.’
‘આની પહેલાં પણ મેં તમને વચન આપ્યું છે કે ભારતનાં હિતો જોખમાય એવું એકેય પગલું હું ભરીશ નહીં, યાદ છેને?’
‘મારી સ્પર્ધા ભારત સાથે છે જ નહીં, મારી સ્પર્ધા અમેરિકાની સાથે છે.’
‘યુરેનિયમ મેળવવા માટે અમેરિકાનો હેતુ અને આપણો હેતુ એક જ છે.’
‘ભારતનો હેતુ અલગ છે અને તેથી તેમની સાથે મારે કોઈ સ્પર્ધા જ કરવી નથી.’
‘જો યુરેનિયમના અભાવે અમેરિકાની કંપનીઓની શટર પાડી દેવા જેવી સ્થિતિ છે તો આપણી સ્થિતિ કેવી છે?’
‘આપણી કંપનીઓને પણ યુરેનિયમની ભૂખ છે ને?’
‘આપણે અણુશસ્ત્રો બનાવવાનું બંધ કરી દીધું છે?’
‘તેમને માટે યુરેનિયમની વ્યવસ્થા કરવી પડશે ને?’
‘તમારા મગજમાં એક વાતને બેસાડી દો કે મારે ભારત સાથે કોઈ સ્પર્ધા નથી. મારી સ્પર્ધા અમેરિકાની સાથે છે.’
‘અમેરિકાથી હાર મને સ્વીકાર્ય નથી. તમને અમેરિકાથી હાર સ્વીકાર હોય તો એમ કહી શકો છો.’
‘અત્યારે આપણે વિશ્ર્વમાં સુપર પાવર બનવાની વાત છે અને તેમાં તમે સહકાર આપી શકશો કે નહીં તે સ્પષ્ટ કરો,’ વોલેરન બાઈને બોલવાનું પૂરું કર્યું.
બાઈનના નિવેદનની ધારી અસર થઈ. ઘડી પહેલાં ઝૂકી ગયેલા બધા જ ડેપ્યુટીના ખભા અચાનક ઊંચા થઈ ગયા. બધાને જાણે રોમ-રોમ જોશ ફૂટી નીકળ્યું.
અનુભવી કુર્ચાટોવ સમજી ગયા કે હવે બાજી રાષ્ટ્રગૌરવના મેદાનમાં છે અને અહીંથી બીજો કોઈ વિકલ્પ મળવો શક્ય નથી એટલે તરત જ શરણાગતિ સ્વીકારી લેતાં તેમણે કહ્યું.
‘પ્રેસિડેન્ટ સર, તમારી દરેક લડાઈમાં અમે તમારી સાથે હતા અને રહીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી.’
‘અમેરિકા કરતાં પહેલાં આપણું અવકાશયાન ચંદ્ર પર પહોંચી જશે.’
‘હું અંગત રીતે રસ લઈને આપણો શુદ્ધીકરણ અને સંવર્ધન માટેનો પોર્ટેબલ પ્લાન્ટ ૭૨ કલાકમાં તૈયાર કરાવી દઈશ.’
‘ચંદ્ર પરથી યુરેનિયમને પૃથ્વી પર લાવવા માટે એક મિશ્ર ધાતુનું ક્ધટેનર તૈયાર કરાવી લીધું છે, જે વિસ્ફોટની વચ્ચે પણ અંદરના યુરેનિયમને સુરક્ષિત રાખશે,’ કુર્ચાટોવે કહ્યું.
કુર્ચાટોવની તૈયારીની વાત સાંભળીને ફક્ત વોલેરન બાઈન જ નહીં, ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમેટોવ પણ ચમકી ગયા.
અત્યાર સુધી જેને મિશન મૂન પ્રોજેક્ટના વિરોધી સમજતા હતા તેમણે તો ઘણી તૈયારીઓ કરી રાખી હતી. હવે મિશન મૂન સફળ થવાના બધા જ એંધાણ મળી રહ્યા હતા. (ક્રમશ:)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular