Homeમિશન મૂનપ્રકરણ ૧૨

પ્રકરણ ૧૨

આ એક ભૂલ હતી કે ઈરાદાપૂર્વકનું કૃત્ય હતું? સામે પક્ષે ભારત હોય ત્યારે જ કેમ મોનિકાના અંદાજ ખોટા પડે છે? અન્ય દેશો વિશેની પરિસ્થિતિનું આકલન કરતી વખતે કે પછી આવી કોઈ યોજના ઘડતી વખતે તે ક્યારેય ભૂલ કેમ નથી કરતી? શું મોનિકા ડબલ એજન્ટ છે?

લેખક – વિપુલ વૈદ્ય

પેન્ટાગોનમાં અત્યારે અત્યંત મહત્ત્વની બેઠક ચાલી રહી હતી. પ્રેસિડેન્ટ જોન લાઈગર ત્યારે ભારે ગુસ્સામાં હતા. તેમને મળેલા અહેવાલ મુજબ ભારત પોતાના લક્ષ્ય તરફ ઝડપભેર કૂચ કરી રહ્યું હતું અને આવી રીતે જો ભારત આગળ વધતું રહે તો આગામી દિવસોમાં અમેરિકાનું મહત્ત્વ ઘટી જાય એવી ભીતી હતી.
બીજી તરફ મોનિકા હેરિસ અત્યાર સુધી એમ માની રહી હતી કે તેની યોજના શ્રેષ્ઠ છે અને ભારતમાં કોઈ અહેવાલને ગંભીરતાથી લેશે નહીં પણ પ્રેસિડેન્ટ જોન લાઈગરે તેમને જે માહિતી આપી હતી તે હોશ ઉડાવી નાંખે એવી હતી. આખા વિશ્ર્વના સૌથી શક્તિશાળી રોકેટ બનાવવાની તૈયારી ભારતે શરૂ કરી હતી, એનો અર્થ એવો થતો હતો કે ભારતે અહેવાલને ન ફ્ક્ત ગંભીરતાથી લીધો હતો, પરંતુ ચંદ્ર પરથી ધાતુ લાવવાની યોજના પણ ઘડી કાઢી હતી, જ્યારે અમેરિકા આ બાબતે શું કરવું જોઈએ તે નક્કી પણ કરી શક્યું નહોતું, તે પાછળ પડી ગયું હતું. મંગળ મિશનની જેમ જો મિશન મૂનમાં પણ અમેરિકા ભારતથી પાછળ રહી જાય તો હવે અમેરિકાની સ્થિતિ હાસ્યાસ્પદ બનવાનો ડર બંનેને સતાવી રહ્યો હતો.
પેન્ટાગોનની અત્યંત ખાનગી ચેમ્બરમાં આ બંને અત્યારે બેઠા હતા. મોનિકાના ભરોસે બેસી રહ્યા એ ઓવર કોન્ફિડન્સ ભારે પડવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. ભારત મહાબલી રોકેટ દ્વારા ચંદ્ર પર પહોંચવા માટેની તૈયારી કરી રહ્યું હતુ અને અહીં અમેરિકાના લોકો એ પણ નક્કી કરી શક્યા નહોતા કે ચંદ્ર પર ઉપલબ્ધ ઈંધણનો ખજાનો હાથ કેવી રીતે કરવો.
આખી દુનિયા એટલે કે રશિયા અને ચીન જેવા દેશોથી અહેવાલ ગુપ્ત રાખવા માટે કાવતરું ઘડ્યું ત્યારે જેને કોઈ ગણતરીમાં લીધું નહોતું તે ભારત “મહાબલી બની જશે અને અમેરિકાને ટક્કર આપશે એવી તો કલ્પના પણ નહોતી કરી. લાઈગર ધુંધવાઈ રહ્યા હતા. તેમના મગજમાં અનેક વિચારોની આંધી ચાલી રહી હતી. છેલ્લા ૧૫ વર્ષથી મોનિકા હેરિસ તેમની સાથે કામ કરતી હતી, આજે પહેલી વખત તે પરિસ્થિતિનો તાગ મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. આ એક ભૂલ હતી કે ઈરાદાપૂર્વકનું કૃત્ય હતું? સામે પક્ષે ભારત હોય ત્યારે જ કેમ મોનિકાના અંદાજ ખોટો પડે છે? અન્ય દેશો વિશેની પરિસ્થિતિનું આકલન કરતી વખતે કે પછી આવી કોઈ યોજના ઘડતી વખતે તે ક્યારેય ભૂલ કેમ નથી કરતી? શું મોનિકા ડબલ એજન્ટ છે? આવા બધા વિચારોથી લાઈગરનું મગજ ફાટફાટ થતું હતું.
સામે બેઠેલી મોનિકાને લાઈગરની વાતો ખટકી હતી. ભારતીયો માટે વાપરવામાં આવેલા “ભૂખ્યા – નંગા અને અભણ લોકોના દેશની ટિપ્પણી તેના દિલમાં કારમો આઘાત કરી ગઈ હતી. અત્યારે લાઈગરમાં તેને ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ બમ્પ દેખાઈ રહ્યો હતો. આ માણસને પોતે ૧૫ વર્ષ આપ્યાં હતાં અને હજી સુધી તેને ઓળખી શકી નહોતી. આ માણસમાં પણ પેલો અમેરિક્ધસ આર બેસ્ટ (અમેરિકનો શ્રેષ્ઠ છે)નો ઈગો ઠાંસી ઠાંસીને ભરેલો હોવાનું આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે પોતાને આ વાતનું કેમ ખરાબ લાગી રહ્યું છે એની પણ મોનિકાને નવાઈ લાગી રહી હતી. એનો તો જન્મ પણ અમેરિકાની ધરતી પર થયો છે. તે પોતે ખુદ ભારત અને ભારતીયોને અનેકવાર ભાંડી ચુકી છે પરંતુ આજે લાઈગરના મોઢે ભારત માટે બોલાયેલા અપમાનજનક શબ્દોએ જાણેકે જનોઈવઢ ઘા ઝીંકી દીધો હતો. ભયંકર અંતરદ્વંદ્ધ તેના મગજમાં ચાલી રહ્યું હતું. હમણાં માથું ફાટી જશે એવું લાગતું હતું ત્યારે લાઈગરના શબ્દોએ તેને ભાનમાં આણી.
‘હવે આપણે શું કરવાનું છે? આ ભારત મહાબલી રોકેટ દ્વારા ટનના હિસાબે સામગ્રીનું વહન કરવા માટે તૈયારી કરી રહ્યું છે. એનો અર્થ એવો થાય કે તારા બધા અંદાજ અને આગાહી તેમણે ખોટા પાડ્યા છે.’
સળંગ ત્રીજી વખત આપણે ભારતથી ખત્તા ખાઈ ન શકીએ. વિચારો કશુંક ઝડપથી. હવે આપણે પહેલું પગલું ભરી લેવું છે, લાઈગરે આકરા શબ્દોમાં મોનિકાને આદેશ આપ્યો.
‘પ્રેસિડેન્ટ સર, આપણે પહેલ માટે આપણી યંત્રણા પર આધાર રાખવાને બદલે ખાનગી કંપનીઓ પર આધાર રાખ્યો હતો. આ નિષ્ફળતા આપણી નથી,એ ચાર કંપનીના માલિકની છે. તમે પરવાનગી આપો તો ચારેયને બોલાવી મંગાવીએ,’ એમ કહીને મોનિકાએ લાઈગરના મન પર રહેલા બોજને હળવો કરવાનો પ્રયાસ કર્યો.
‘અત્યારે મિશન મૂન જેવા ખર્ચાળ અભિયાન માટે દેશની તિજોરી પર ભાર નાખવો એ મને અયોગ્ય લાગે છે. મિશન મૂન એટલે અબજો ડૉલરનો ખર્ચ થશે, અત્યારે દેશની આર્થિક મંદીના સમયમાં આટલો ખર્ચ કરી શકવાની સ્થિતિમાં આપણે નથી. આમેય આ મિશનનો ફાયદો આ ચાર કંપનીઓને જ થવાનો છે,’ મોનિકાએ પ્રેસિડેન્ટને બીજો વિકલ્પ દેખાડ્યો.
‘ફાયદો જો એ ચાર કંપનીને થવાનો હોય તો તેના પાછળ થનારી જહેમત પણ તેમણે જ ઉઠાવવી જોઈએ એવું મારું માનવું છે અને તેથી અત્યારે આપણે તેમને બોલાવવા આવશ્યક જણાઈ રહ્યું છે. તમે કહો ત્યારે તેમને બોલાવી લેવામાં આવશે. પણ તે પહેલાં આપણે આપણા વિજ્ઞાનીઓ પાસેથી જાણકારી મેળવવી જોઈએ એવું લાગી રહ્યું છે, પ્રેસિડેન્ટ સર.’ મોનિકાએ બોલવાનું પૂરું કર્યું.
‘તમારી વાત સાચી છે, પરંતુ હું પેલા સ્વીપરનું મોઢું જોવા નથી માગતો. તમારી પાસે કોઈ બીજો વિકલ્પ છે,’ જોન લાઈગરે પોતાના મનને મોનિકા સામે ખુલ્લું કર્યું. આમેય ગયા વખતે જે રીતે સ્વીપરે તેમની સાથે વાતો કરી હતી તેને યાદ કરીને પણ તેમનું મોં કડવાશથી ભરાઈ જતું હતું.
‘વિકલ્પ શોધવો હોય તો બેઈલીને બોલાવી લઉં છું. તે જ આપણને કહી શકશે કે સ્વીપર કરતાં સારી રીતે આપણને કોણ મદદ કરી શકશે,’ મોનિકાએ પ્રેસિડેન્ટને વૈકલ્પિક રસ્તો દેખાડ્યો.
‘આ તબક્કે આપણે કેટલાક અણુવિજ્ઞાનીના મતની આવશ્યકતા છે. લોકહીડ માર્ટીન કંપનીના મિ. માર્ટીનને બોલાવવાની વ્યવસ્થા કરો,’ લાઈગરે મોનિકાને આદેશ આપ્યો.
મોનિકાએ ઈન્ટરકોમ પર કેટલાક આદેશો આપ્યા અને પછી પોતાના ફોનમાંથી સામેની દીવાલ પર પ્રોજેક્ટર મોડ પર પ્રેઝન્ટેશન ચાલુ કર્યું.
‘આ મિ. માર્ટીને મોકલાવેલું પ્રેઝન્ટેશન છે, તેમણે પોતાની ટીમની સાથે તૈયાર કર્યું છે અને તેમના જણાવ્યા મુજબ નાસાનો ફક્ત ચંદ્ર સુધી તેમની ટીમને પહોંચાડવાનો સહયોગ મળશે તો બાકીનું કામ તેઓ કરવા સક્ષમ છે. તેમની ટીમમાં ભૂસ્તરશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી, મશીનરી નિષ્ણાતોની ટીમ તૈયાર છે.’
‘તેમના જણાવ્યા મુજબ તેઓ ચંદ્ર પર યુરેનિયમનું શુદ્ધીકરણ કરીને આપણા સ્પેસ સ્ટેશન સુધી પહોંચાડશે અને પછી સ્પેસ સ્ટેશનથી પાછું લાવવા માટે પણ તેમને નાસાની મદદ જોઈશે. આ પ્રોજેક્ટમાં તેમની સાથે બીજી ત્રણેય કંપનીઓ સહભાગી થશે અને પૃથ્વી પર આવનારા યુરેનિયમમાં તેઓ પોતાના રોકાણના હિસાબે હિસ્સેદારી નોંધાવશે,’ મોનિકાએ મિ. માર્ટીન સાથે થયેલી વાતની બધી જાણકારી પ્રેસિડેન્ટને આપી.
‘આ કેવી શરત છે. બધું યુરેનિયમ તેમને હવાલે કેવી રીતે કરી શકાય. આખા દેશમાં અત્યારે ૯૭ અણુઊર્જા પ્લાન્ટ ચાલી રહ્યા છે તેમને પણ યુરેનિયમ આપવું પડશે. આખી દુનિયામાં આપણી છબી જાળવી રાખવી હશે તો દેખાડવું પડશે કે આપણે ચંદ્ર પરથી લાવવામાં આવી રહેલા યુરેનિયમનો ઉપયોગ શાંતીમય હેતુ માટે કરી રહ્યા છીએ,’ લાઈગરે મિ. માર્ટીનની શરત સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું.
‘જો પાંચ ટન યુરેનિયમ આવશે તો ફક્ત અઢી ટન એ ચાર કંપનીને આપી શકાય, તેનાથી વધારે નહીં. આમેય આપણા પર હવે ન્યુક્લિયર રેગ્યુલેટરી કમિશનની નજર હોય છે. આપણે જો બધું જ યુરેનિયમ અણુશસ્ત્રો માટે આપી દઈશું તો દુનિયા તો પછી, પહેલાં તો આપણા જ દેશની એનઆરસી આપણું જીવન હરામ કરી નાખશે. આપણાં સંશોધનો માટેની ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. આવું નહીં થઈ શકે,’ લાઈગરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકેની મર્યાદા મોનિકા સામે જાહેર કરી.
‘મિ. માર્ટીનને સંદેશ પહોંચાડી દો કે ચારેય કંપનીના પ્રતિનિધિઓ આવતીકાલે સવારે ૧૧ વાગ્યે મળવા આવી જાય,’ પ્રેસિડેન્ટે મોનિકાને આદેશ આપ્યો.
આજના દિવસમાં પહેલી વખત મોનિકાને પોતાના નેતા માટે માન થયું. તેઓ આવી પરિસ્થિતિમાં પણ ઘણું લંબાણથી વિચારી શકતા હતા. તેમની વાત આમ જોવા જાઓ તો જરાય ખોટી નહોતી. એનઆરસી તો ટાંપીને જ બેઠી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અણુશસ્ત્રો વિરોધી નીતિઓનો અમલ કરાવવાનું ખાસ્સું દબાણ રહેતું હતું. આ બાબતે જો ધ્યાન રાખવામાં ન આવે તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular