Homeપુરુષમિશન મૂન

મિશન મૂન

લેખક – વિપુલ વૈદ્ય

પ્રકરણ – ૮
અત્યારે આપણા સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૫ લોકો કામ કરી રહ્યા છે અને ટેક્સી-બે પર, બે શટલ તૈયાર છે. આમાંથી એક શટલને હાઈ-પાવર કેમેરાની સાથે ચંદ્રની કક્ષામાં મોકલવાની તૈયારી થઈ ગઈ છે. તમારી પરવાનગી મળતાં જ આ શટલને રવાના કરવામાં આવશે. આ કેમેરા એટલા શક્તિશાળી છે કે તે સપાટીથી ૧૦ ફૂટ અંદર સુધી શું
પડ્યું છે તે બધું જ જણાવી શકશે

રશિયાના પાટનગર મોસ્કોમાં આવેલા ડુમા હેડક્વાર્ટર્સમાં અત્યારે રાઉન્ડ ટેબલ બેઠક ચાલી રહી હતી અને વોલેરન બાઈન અત્યંત ગુસ્સામાં જોવા મળી રહ્યા હતા. ચંદ્ર પરની માટીનો અહેવાલ હજી સુધી મળ્યો ન હોવા અંગે તેમની નારાજગી જોવા મળી રહી હતી. તેમની નારાજગી અત્યારે ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવ સામે હતી, પરંતુ તેમના આક્રમક વર્તનને જોઈને બધા જ ડેપ્યુટીમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો.
ઈવાનોવિચ ફ્લ્યુસ્ટીકોવને તેમણે સીધો જ સવાલ કર્યો હતો કે ‘આપણા કેટલા જાસૂસો અત્યારે અમેરિકા અને ભારતમાં છે?’
‘મિ. પ્રેસિડેન્ટ, અત્યારે આપણી પાસે ૨૦૦૦ જાસૂસ અમેરિકામાં છે અને ૧૦૦૦થી વધુ જાસૂસો ભારતમાં કામ કરી રહ્યા છે. પેન્ટાગોનમાં આપણા ૨૦ જાસૂસ અત્યારે કામ કરી રહ્યા છે. નાસામાં પણ અત્યારે આપણા પાંચ જાસૂસ છે,’ ફ્લ્યુસ્ટીકોવે વિગતો આપવાનું ચાલુ કર્યું.
‘તો પછી હજી સુધી કેમ આપણા હાથમાં અહેવાલ આવ્યો નથી?,’ એવો સવાલ બાઈને કર્યો.
‘સર, આપણા જાસૂસો પાસેથી આજે સવારે જ આ બાબતે માહિતી મગાવવામાં આવી હતી. જ્યાં સુધી મારી માહિતી છે ત્યાં સુધી ચંદ્ર પરની માટીનો અહેવાલ અત્યંત ખાનગી રાખવામાં આવ્યો છે. અમેરિકામાં ચાર શોની કંપનીના ટોચના વિજ્ઞાની, પ્રેસિડેન્ટ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, નાસાના વિજ્ઞાની જોન સ્વીપર અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સિવાય કોઈની પાસે આ બાબતે માહિતી નથી,’
‘હજી સુધી આ બાબતે ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલને જાણ કરવામાં આવી નથી. જ્યાં સુધી આપણાં સૂત્રો પાસે જાણકારી છે ત્યાં સુધી ફક્ત મિ. પીટર બોઝેસની પાસે અહેવાલ ગુપ્ત પરબીડિયામાં પહોંચ્યો છે,’
‘ભારતની વાત કરવામાં આવે તો ત્યાં આપણા જાસૂસો પાસેથી મળેલી જાણકારી મુજબ સેન્ટ્રલ વિસ્ટામાં પહેલે દિવસે પાંચ વિજ્ઞાનીઓ અને બીજા દિવસે ૧૦ વિજ્ઞાનીઓ બેસાડી રાખવામાં આવ્યા છે. આ વિજ્ઞાનીઓને ઘરે જવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. આપણા એક જાસૂસના જણાવ્યા મુજબ કોઈ અવકાશી સાહસની તૈયારી ચાલી રહી હોવાનું જણાઈ રહ્યું છે,’ ફલ્યુસ્ટીકોવે વિગતો આપી.
‘ભારત અત્યાર સુધીમાં ચંદ્રયાન સહિત અનેક અવકાશી સાહસો કરી ચૂૂક્યું છે, તેમાં નવું શું છે?’ ફ્લ્યુસ્ટીકોવને વચ્ચે જ રોકતાં બાઈને નવો સવાલ કર્યો.
‘સર, આ વખતની કામગીરીમાં નવાઈ એ બાબતની છે કે સામાન્ય રીતે પોતપોતાના સ્ટેશનોમાં બેસીને કામ ભારતીય વિજ્ઞાનીઓ કરતાં હોય છે એવા કામ અત્યારે તેઓ સેન્ટ્રલ વિસ્ટામાં બેસીને કરી રહ્યા છે. તેમને ખાવા-પીવા સહિતની બધી જ સુવિધા તેમની કેબિનમાં જ આપવામાં આવી રહી છે. બહારના લોકોને મળવાની બિલકુલ છૂટ નથી, તેમ જ બધા જ વિજ્ઞાનીઓના મોબાઈલ ફોન પણ બંધ રાખવામાં આવ્યા છે. ભારતની દૃષ્ટિએ આ વસ્તુ થોડી નવી લાગી રહી છે,’
‘વેલેરી, તમારી પાસે આ અંગે કોઈ માહિતી છે? ભારતમાં શું ચાલી રહ્યું છે?’ હવે બાઈને પોતાનો મોરચો મેજર જનરલ વેલેરી ગેરાસિમોવ તરફ વાળ્યો.
‘કોમરેડ, જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી વડા પ્રધાન ઈન્દ્રવદન દ્વારા એક ખાનગી બેઠક કરવામાં આવી હતી અને તેમાં ફક્ત ગણતરીના લોકોને હાજર રાખવામાં આવ્યા હતા અને તેમાં ચંદ્ર વિશે કોઈ વિશેષ અભિયાનની તૈયારી કરવામાં આવી રહી છે. સેન્ટ્રલ વિસ્ટામાં હાજર આપણા પાંચમાંથી એકેય જાસૂસને આ વિજ્ઞાનીઓની નજીક પણ જવા મળ્યું નથી. આ વિજ્ઞાનીઓને નોર્થ-એન્ડ અને સાઉથ-એન્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને પણ અંદરોઅંદર મળવા દેવામાં આવ્યા નથી,’ વેલેરી ગોરાસિમોવે રાષ્ટ્રપ્રમુખને વિગતો આપી.
‘મને આ બધી વિગતો સાથે કશી જ લેવા-દેવા નથી. આમાં કોઈપણ બાબત મારા કામની નથી. મને રસ પડે એવી કોઈ માહિતી છે તમારી પાસે?,’ બાઈને થોડા ધુંધવાયેલા સ્વરે જણાવ્યું.
ફર્સ્ટ ડેપ્યુટી રૂમા નોમાટોવે હવે આખી ચર્ચામાં ઝંપલાવતાં કહ્યું કે, ‘ભારત સરકાર અત્યારે કોઈ મોટા અવકાશી સાહસની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ અમેરિકા પણ અહેવાલને દબાવવા માટે પોતાના તરફથી જોરદાર પ્રયાસો કરી રહ્યું છે. ઘાનાને ભૂખમરામાંથી બચાવવા માટે અમેરિકા તરફથી ૧૦૦૦ કરોડ ડૉલરનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને આનો સંબંધ જોડવા માગો તો ઈન્ટરનેશનલ સાયન્સ કાઉન્સિલના પ્રામાણિક ગણાતા વડા મિ. પીટર બોઝેસ ઘાનાના છે. તેમના હાથમાં અત્યારે ચંદ્રની માટીના પૃથક્કરણનો અહેવાલ છે.’
’તમારા કહેવાનો અર્થ એવો છે કે અમેરિકાએ આ અહેવાલને દબાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે?’ બાઈને ફર્સ્ટ ડેપ્યુટી નોમાટેવને સવાલ કર્યો.
‘આવો કોઈ દાવો હું કરતો નથી, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે જો અહેવાલ ભારત અને અમેરિકા બંને જ ગુપ્ત રાખવા માગે છે તો તેની પાછળ ચોક્કસ કોઈ એવું કારણ જવાબદાર છે, જે અત્યંત મુલ્યવાન છે. એટલું જ નહીં, આ કારણ એટલું શક્તિશાળી છે કે તેના માટે અણુશો તૈયાર કરનારી કંપનીઓ ૧૦૦૦ કરોડ ડોલરનું આંધણ કરવા માટે પણ તૈયાર થઈ ગયા છે,’ નોમાટોવે પોતાની આશંકા વ્યક્ત કરી.
‘આ સ્થિતિમાં હવે સ્પષ્ટ થાય છે કે આપણને વહેલામાં વહેલી તકે આ અહેવાલ હાથ કરવો જોઈએ ત્યારે જ આપણે અમેરિકાને આપણા કરતાં આગળ વધતાં અટકાવી શકીશું, નોમાટોવે કહ્યું.
‘મને ૨૪ કલાક આપો, હું તમને અહેવાલ લાવી આપીશ,’ વેલેરી ગોરાસિમોવે રાષ્ટ્ર પ્રમુખને જણાવ્યું.
‘અહેવાલ આવે ત્યાં સુધી મને તમારી તૈયારીઓ વિશે માહિતી આપો,’ બાઈને હવે અવકાશવિજ્ઞાની એલેકઝાંડર રૂમાન્ટોવને સંબોધ્યા.
‘કોમરેડ સર, અત્યારે આપણા સ્પેસ સ્ટેશનમાં કુલ ૨૫ લોકો કામ કરી રહ્યા છે અને ટેક્સી-બે પર બે શટલ તૈયાર છે. આમાંથી એક શટલને હાઈ-પાવર કેમેરાની સાથે ચંદ્રની કક્ષામાં મોકલવાની તૈયારી થઈ ગઈ છે. તમારી પરવાનગી મળતાં જ આ શટલને રવાના કરવામાં આવશે. આ કેમેરા એટલા શક્તિશાળી છે કે તે સપાટીથી ૧૦ ફૂટ અંદર સુધી શું પડ્યું છે તે બધું જ જણાવી શકશે. આ શટલનો અહેવાલ મળ્યા બાદ આપણે અમેરિકાએ તૈયાર કરેલા અહેવાલની કદાચ જરૂર પડશે નહીં,’ એલેકઝાંડર રૂમાન્ટોવે પોતાની તૈયારીઓની વિગતો આપી.
‘સ્પેસ સ્ટેશનમાં તો તમે શિખાઉ વિજ્ઞાનીઓને મોકલ્યા છે ને, કેમેરાનું સેટિંગ કોણ કરશે?,’ અણુવિજ્ઞાની યેવગેની એડામોવે સવાલ કર્યો.
‘આપણા સ્પેસ સ્ટેશનમાં પાર્થો ઈવાનોવિચ છે અને તે ભૂસ્તર વિજ્ઞાની છે તેમ જ ૧૨ વર્ષથી સ્પેસ સ્ટેશન સાથે સંકળાયેલા હોવાથી તેમને કેમેરા સેટિંગ્સની સારી જાણકારી છે અને તેમની સાથે રોબર્ટ નિમોને આ અભિયાન માટે મોકલવામાં આવશે, જેઓ કમ્પ્યુટરના નિષ્ણાત છે અને પાર્થોને બધી જ રીતે મદદરૂપ થઈ શકશે.’
‘બીજું આ બંનેને અહીં પૃથ્વી પર બેઠાં બેઠાં આપણે બધી જ રીતે મદદ કરી શકીએ એવી તૈયારી આપણી પાસે છે અને આપણા વિજ્ઞાનીઓ તેમની સાથે વાતો પણ કરી શકશે. અત્યારે પણ આપણે સ્પેસ સ્ટેશન સાથે સતત સંપર્કમાં હોઈએ છીએ,’ એલેકઝાંડરે પોતાના બચાવનો જોરદાર પ્રયત્ન કર્યો.
‘આપણા ૨૦૦ સેટેલાઈટના કેમેરા અત્યારે પૃથ્વીની દિશામાં લાગેલા છે અને તેના દ્વારા જે તસવીરો આપણી પાસે આવી રહી છે તેની ચોક્સાઈથી અમેરિકા અને ચીન જેવા દેશ પણ અત્યંત પ્રભાવિત થઈ ગયા છે,’ એમ એલેકઝાંડરે કહ્યું.
‘આ બંનેને ક્યારે રવાના કરવા છે તેનો આધાર આપના પર છે,’ એલેકઝાંડરે જણાવ્યું.
વોલેરન બાઈનનો ગુસ્સો શાંત થયો હોવાનું જણાઈ રહ્યું હતું. તેમણે હાજર બધા લોકોની સામે રૂમાન્ટોવને સંબોધતાં કહ્યું કે, ‘અત્યારે શટલને રવાના કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી. આ લોકોને ૨૪ કલાકનો સમય આપવા દ્યો. જો તેઓ ૨૪ કલાકમાં નક્કર માહિતી લાવી ન શકે તો પછી જ આપણે શટલ રવાના કરવું છે, જોકે સ્પેસ સ્ટેશનને અત્યારથી એલર્ટ મોડ પર મૂકી દેજો.’
‘જેવી આપની આજ્ઞા કોમરેડ સર,’ રૂમાન્ટોવે કહ્યું. (ક્રમશ:)

હવે શું?
‘સર, મને વિક્રમ નાણાવટી અને અનુપમ વૈદ્યની તાકીદે આવશ્યકતા છે. આ બંને વિજ્ઞાનીઓને તમે બોલાવી આપો તો તેમની સાથે મળીને હું આ દિશામાં આગળ વધવા તૈયાર છું. મારે કોઈ પણ ભોગે માનવસૃષ્ટિને અંધકારમાંથી બહાર કાઢવી છે. મારી પાસે ૮૦ ટકા યોજના તૈયાર છે અને તેમાં આ લોકો મને મદદરૂપ થઈ શકે છે એવી મને ખાતરી છે,’ રંજન કુમારે વડા પ્રધાન ઈન્દ્રવદન નરોત્તમ મહેતાને જણાવ્યું ત્યારે રાજીવ ડોવાલ, આદેશ કુમાર રાજપાલ, અનુપ રોય, વિશાલ માથુર બેઠકમાં હાજર હતા

RELATED ARTICLES

Most Popular