દરેક શિક્ષક પર દસ નવા ઍડમિશન કરાવવાની જવાબદારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ‘મુંબઈ પબ્લિક સ્કૂલ’માં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે પાલિકાએ આ વર્ષે ‘મિશન એડમિશન, એક જ લક્ષ્ય-એક લક્ષ’ અભિયાન હાથ ધર્યું છે. જે હેઠળ પાંચ એપ્રિલ, ૨૦૨૩થી ૩૦ એપ્રિલ સુધીના એક મહિનાના સમયગાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની ઝુંબેશ સમગ્ર મુંબઈમાં ચાલશે. જે હેઠળ પાલિકાની સ્કૂલના દરેક શિક્ષકના માથે દસ નવા વિદ્યાર્થીઓના ઍડમિશન કરાવવાની જવાબદારી રહેશે.
મુંબઈ મહાનગપાલિકાના શિક્ષણ ખાતાના અખત્યાર હેઠળ આવતી સ્કૂલનું નામ ‘મુંબઈ પબ્લિક સ્કૂલ’ કરી દેવામાં આવ્યું છે. પાલિકાએ ગયા વર્ષની સંખ્યા કરતા આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ વધારવાનો નિર્ધાર કર્યો છે. તે માટે પાલિકાએ નિયમિત અને પ્રચલિત પદ્ધતિએ સ્કૂલમાં પ્રવેશ આપવાની સાથે જ આ વખતે ક્યુઆર કોડ, ઓનલાઈન લિંક દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા અમલમાં મૂકવાની છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈમાં ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, તમિલ, તેલગુ, ઉર્દુ, કન્નડ એમ આઠ ભાષાની શાળા ચલાવવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષથી પાલિકા દ્વારા અંગ્રેજી માધ્યમની, સીબીસી બોર્ડ સાથે મળીને સ્કૂલ ચાલુ કરવાની સાથે જ શાળાનું શૈક્ષણિક સ્તર સુધારવાને કારણે પાલિકાની સ્કૂલમાં એડમિશન લેવામાં ધસારો થઈ રહ્યો છે.
‘મુંબઈ પબ્લિક સ્કૂલ’માં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, તેમાં હજી વધારો કરવા માટે પાલિકાએ ૨૦ માર્ચ, ૨૦૨૩થી ‘મિશન એડમિશન, એક જ લક્ષ્ય-એક લક્ષ’ ઝુંબેશ ચાલુ કરી છે. જે હેઠળ ધોરણ પહેલા, પાંચમા અને નવમા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે.
‘મુંબઈ પબ્લિક સ્કૂલ’માં દાખલ થયેલો વિદ્યાર્થી છેલ્લે સુધી સ્કૂલ છોડે નહીં તેની જવાબદારી સ્કૂલે લેવાની રહેશે. દરેક સ્કૂલમાંથી જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ છોડશે, તેટલા નવા વિદ્યાર્થી ભરવાની જવાબદારી સ્કૂલના પ્રમુખની રહેશે. દરેક શિક્ષકોએ સ્કૂલ સ્તર પર ઓછામાં ઓછા દસ પ્રવેશ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. સ્કૂલ સ્તરે નવા પ્રવેશ માટે સ્કૂલ મૅનેજમેન્ટ કમિટી અને વાલી વચ્ચે સભા લેવાની, શિક્ષકોની ઘરે જઈને વાલીઓને સ્કૂલમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવા, ઑનલાઈન પ્રવેશ આપવો, સ્ટ્રીટ પ્લે કરીને જનજાગૃતિ કરવી, વીડિયોથી લોકોમાં પ્રચાર કરવા જેવા ઉપક્રમ પાલિકા અમલમાં મૂકવાની છે.