મુંબઈમાં નવ વર્ષ પહેલા ગુમ થયેલી એક છોકરીને શોધવામાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. વર્ષ 2013માં સાત વર્ષની છોકરી ગુમ થઈ હતી. મળતી માહિતી અનુસાર એક દંપતિએ તેનું અપહરણ કર્યું હતું, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. હાલમાં આરોપી પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે.
ગુમ થયેલી છોકરીને શોધવા માટે મુંબઈ પોલીસના નિવૃત્ત આસિસ્ટંટ સબ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર ઢોંડૂ ભોસલેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જે વખતે ડીએન નગર પોલીસ સ્ટેશનમાં સાત વર્ષની પૂજા ગૌડ નામની છોકરીની મિસિંગ રિપોર્ટ ફાઈલ થઈ હતી તે સમયે ભોસલે આ કેસના ઈન્ચાર્જ હતાં. તેમણે પૂજાને શોધવા માટે જીવ રેડી દીધો હતો. તમામ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી, આજુબાજુના વિસ્તારો શોધી નાંખ્યા, પરંતુ પૂજા મળી નહીં. નિવૃત્ત થયા બાદ પણ તેઓ 7 વર્ષથી તેને શોધવાની કોશિશ કરતાં હતાં.
ભોસલેએ તેમની કારકિર્દીમાં 166માંથી 165 મિસિંગ છોકરીઓને શોધી હતી, પરંતુ પૂજાનો પત્તો મળી રહ્યો નહોતો. ગુરુવારે એ દિવસ આવ્યો અને પૂજાની શોધ પૂરી થઈ. વર્ષો બાદ પરિવારથી મળ્યા બાદ પૂજા અને તેનો પરિવાર ભાવુક થઈ ગયો. પૂજાની માતાએ ભોસલેને ફોન કરીને કહ્યું, મારી પૂજા મળી ગઈ છે. આ વાત સાંભળીને ભોસલે પણ ભાવુક થઈ ગયા હતાં અને 166મો કેસ પણ સોલ્વ થઈ ગયો.

 

 

 

Google search engine