પાંચમા માળેથી પડી ગયેલી યુવતીએ ચોથા માળની ગ્રિલ પકડી લેતાં ચમત્કારિક બચાવ

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: પાંચમા માળની બાલ્કનીમાંથી પડી ગયેલી યુવતીએ ચોથા માળની બારીની ગ્રિલ પકડી લેતાં તેનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના નાલાસોપારામાં બની હતી.
ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીની ઓળખ ઝાકિયા ખાન (૨૧) તરીકે થઈ હતી. યુવતી નાલાસોપારા પશ્ર્ચિમમાં આવેલી રિલાયેબલ હાઈટ્સ બિલ્ડિંગના પાંચમા માળે રહે છે.
કહેવાય છે કે શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ યુવતી ફ્લૅટની બાલ્કનીમાં ઊભી હતી. તેના ફ્લૅટની બાલ્કનીમાં ઉપર સુધી ગ્રિલ ન હોવાથી આ ઘટના બની હતી. તમ્મર આવી જતાં યુવતી પાંચમા માળેથી પડી ગઈ હતી. જોકે સદ્નસીબે યુવતી ચોથા માળની ગ્રિલ પકડીને લટકી ગઈ હતી.
સોસાયટીના રહેવાસીની નજર પડતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. યુવતી સુધી મદદ પહોંચી શકે ત્યાં સુધી રહેવાસીઓએ ચોથા માળની ગ્રિલ બહાર યુવતીને પકડી રાખી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી યુવતીને બચાવી લીધી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.