તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. ભૂકંપમાં 296 કલાક વિતવા છતાં ત્રણ લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. આ ત્રણેય લોકો 13 દિવસ સુધી કાટમાળની અંદર ભૂખ અને તરસથી પીડાતા હોવા છતાં જીવતા રહ્યા એ વાત ચમત્કારથી કંઇ કમ નથી.બચાવકર્મીઓ માટે પણ આ મોટી સફળતા છે.
296. saatte mucizeler peş peşe geldi…
Hatay'da biri çocuk 3 kişi enkazdan sağ olarak çıkarıldı.https://t.co/17DbgTaLdX pic.twitter.com/an4zubJBy9
— TRT HABER (@trthaber) February 18, 2023
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી બાદ વિશ્વભરના બચાવ કાર્યકર્તા રાહત કાર્યમાં લાગેલા છે. કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. બંને દેશોમાં મૃત્યુઆંક 46 હજારને વટાવી ગયો છે. એકલા તુર્કીમાં મૃત્યુઆંક 40,642 છે, જ્યારે પડોશી સીરિયામાં 5,800 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
ભૂકંપ પીડિતો સુધી રાહત સામગ્રી સતત પહોંચાડવામાં આવી રહી છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતીય સેના સતત એક્શન મોડમાં છે. બચાવ કાર્યથી લઈને ઘાયલોની સારવાર સુધી સેના બંને દેશોને સતત મદદ કરી રહી છે. જોકે, સીરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ધરતીકંપોએ વિનાશ વેર્યો છે, ત્યારે બળવાખોરોએ આ વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાથી રાહત પુરવઠો ખોરવાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, તુર્કીમાં પહેલો ભૂકંપ 6 ફેબ્રુઆરીએ સવારે 4.17 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો બહાર નીકળી શકે તે પહેલાં રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો.
આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક આવ્યો. આફ્ટરશોક્સે 11 પ્રાંતોમાં તબાહી મચાવી હતી, જેમાં માલત્યા, સનલિયુર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીરનો સમાવેશ થાય છે. સાંજે 4 વાગ્યે બીજો ભૂકંપ આવ્યો. કહેવાય છે કે આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.