મુશ્કેલીનાં માઇનસ, સફળતાનો સરવાળો

પુરુષ

કવર સ્ટોરી-હેન્રી શાસ્ત્રી

‘સ્પર્ધામાં ઉતરનારો ખેલાડી કાં વિજય મેળવે છે કાં કંઈક શીખે છે. પરાજયથી નિરાશ થવાને બદલે કરેલી ભૂલ સુધારી આગળ વધી તારે વિજય મેળવવાનો છે.’ કોચ જોન ક્રિસ્ટોફરના શબ્દો પેરા સ્વિમર નિરંજન મુકુંદન માટે ટોનિક સાબિત થયા. વાત એમ હતી કે સ્વિમિંગની ૫૦ મીટર બટરફ્લાય રેસ તેણે પૂરી કરી ત્યારે સ્વિમિંગ પૂલમાં કોઈ નહોતું. એ એટલું ધીમું તર્યો કે અંતર પૂરું કરે ત્યાં સુધીમાં તો બધા સ્વિમર રેસ પૂરી કરી પૂલ છોડી બહાર જતા રહ્યા હતા. એમાં મારો ગજ નહીં વાગે એવો વિચાર કરી સ્વિમિંગને રામ રામ કરવાનું તેણે નક્કી કરી નાખ્યું. જોકે કોચને છેલ્લો આવેલો આ સ્વિમર પહેલો આવવાની ક્ષમતા ધરાવે છે એવો વિશ્ર્વાસ હતો અને એની સમજાવટથી નિરંજને સ્વિમિંગને નહીં, પણ પોતાના વિચારને રામ રામ કરી દીધા. યોગ્ય સમયે સાચી સલાહ તેને મળી. સઘન તાલીમ અને સખત મહેનતને પગલે ૧૯ ઓપરેશન છતાં ૧૦ વર્ષમાં અસાધારણ સફળતા મેળવનાર નિરંજન ૨૮ જુલાઈથી યુકેના બર્મિંગહેમ શહેરમાં શરૂ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં વધારે સફળતા મેળવી દેશનું નામ રોશન કરવા થનગની રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં નિરંજનનું પરફોર્મન્સ ઊડીને આંખે વળગે એવું છે. ચેક રિપબ્લિક અને ફ્રાન્સમાં આયોજિત કોમ્પિટિશનમાં તેણે ચાર મેડલ જીતી સફળતાનો સરવાળો કરવાની આદત છૂટી ન જાય એની તકેદારી રાખી છે. વાતાવરણમાં ‘શિખરને કહો ઊંચાઈ વધારે, નિરંજનનાં અરમાન છે ભારે’ જેવી લાગણી ધબકી રહી છે.
કોઈ સંજોગોમાં હિંમત હારવી નહીં એ બોલવામાં સહેલી લાગતી શિખામણ વ્યવહારમાં મૂકવી-આચરણમાં લાવવી એ સહેલી વાત નથી એ સમજવું અઘરી વાત નથી. જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધ તો આવે, પણ દૃઢ અને મક્કમ મનોબળ હોય તો ‘ઈકબાલ’ ફિલ્મના ગીતની પંક્તિ ‘તૂફાનોં કો ચીર કે, મંઝિલોં કો છીન લે, આશાએં ખિલે દિલ કી, ઉમ્મીદેં હંસે દિલ કી, અબ મુશ્કિલ નહીં કુછ ભી’ જીવનની વાસ્તવિકતા બનતાં વાર નથી લાગતી. નિરંજનની કથા આ ભાવનાનું જાણવા જેવું, સમજવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું પ્રતિબિંબ છે. Spina Bifida તરીકે ઓળખાતી શારીરિક સમસ્યા સાથે નિરંજનનો જન્મ ૧૯૯૪માં બેંગલુરુમાં થયો હતો. આ તકલીફ સાથે જન્મેલા બાળકની કરોડરજ્જુમાં દોષ હોય છે. આ તકલીફમાં ઘણી વખત કમરથી નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત થઈ જવાની સંભાવના હોય છે. પાંચ વર્ષની ઉંમર સુધી નિરંજનના શરીરનો કમરથી નીચેનો હિસ્સો પૂર્ણપણે લકવાગ્રસ્ત હતો. એ નહોતો બેસી શકતો કે નહોતો ચાલી શકતો. મગજથી નિતંબના ભાગ સુધી ફેલાયેલું ‘દોરડું’ (કરોડરજ્જુ) મગજથી શરીર સુધી અને શરીરથી મગજ સુધી સંદેશાઓની હેરફેર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આટલી સ્પષ્ટતા પછી કરોડરજ્જુને નુકસાન વ્યક્તિ માટે કેવું જોખમી સાબિત થઈ શકે એનો અંદાજ આવી ગયો હશે. આ તકલીફમાં માત્ર દવાથી કામ નથી ચાલતું, સર્જરી કરાવ્યા વિના છૂટકો નથી હોતો. ‘જન્મ પછી મારી પીઠ અને પગમાં બધું મળીને ૧૯ ઓપરેશન કરાવ્યાં છે,’ નિરંજન જણાવે છે.
નિરંજનનાં માતા-પિતાને પુત્રની તકલીફ જોઈ ઠેસ જરૂર પહોંચી, પણ હૈયામાં હામ રાખી પરિસ્થિતિથી પીઠ ફેરવી લેવાને બદલે એની સામે લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો. સદ્નસીબે સારા ડોક્ટર મળ્યા જેમણે પાંચ વર્ષના નિરંજન પર સર્જરી કરી દીકરાને ઘોડેસવારી અથવા સ્વિમિંગ કરાવવાની સલાહ આપી. આવી સલાહ મુશ્કેલીઓની બાદબાકી કરી હૈયામાં હામનો ગુણાકાર કરી નાખે છે. બન્યું એવું કે બાળક નિરંજનને ઘોડે ચડવાની જરાય ઈચ્છા નહોતી અને એટલે એના માટે સ્વિમિંગનો પર્યાય સ્વીકારવામાં આવ્યો. સર્જરી પછી પગમાં મજબૂતી આવે એ માટે એક્વા થેરપી માટે નિરંજને સ્વિમિંગ કરવાની શરૂઆત કરી હતી. જોકે છબછબિયાં કરતાં કરતાં પાણી સાથે પ્રીત થઈ ગઈ અને સ્વિમિંગને ખેલકૂદ તરીકે અપનાવવાની ઈચ્છાએ જન્મ લીધો. પુત્રની જળપ્રીતિ પારખી ગયેલા પેરન્ટ્સે એને બેંગલુરુની સ્વિમિંગ શીખવતી સંસ્થામાં દાખલ કરી દીધો. ઝવેરીની પારખુ નજર હોય તો હીરો જલદી ઓળખાઈ જાય અને એને વધુ પાસાદાર બનાવી મૂલ્યવાન બનાવી શકાય. સાત વર્ષના નિરંજન પર કોચ જોન ક્રિસ્ટોફરની નજર પડી. આજની તારીખમાં પણ નિરંજનને તાલીમ આપી માર્ગદર્શન કરી રહેલા જોનભાઈએ તરવૈયાનાં માતા-પિતાને પેરા સ્વિમિંગની માહિતી આપી અને એમાં એડ્મિશન લેવા જણાવ્યું. પ્રવેશપ્રક્રિયા પૂરી કરી નિરંજને તરત ટ્રેઈનિંગ લેવાની શરૂઆત કરી અને સફળતા તરત જ તેનાં કદમ ચૂમવા લાગી. ‘ટ્રેઈનિંગ શરૂ કર્યાના ત્રણ મહિનામાં જ મેં ૨૦૦૩-૦૪ની નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જુનિયર લેવલના મુકાબલામાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું. મને સિલ્વર મેડલ મળ્યો,’ નિરંજને માહિતી આપી.
કારકિર્દીમાં બહુ વહેલા સફળતાનો સ્વાદ ચાખવા મળતાં નિરંજનની ઈચ્છા-આકાંક્ષા ઊંચા ગગનમાં ઊડવા લાગી. રાષ્ટ્રીય સ્તરે એક પછી એક સફળતા મેળવી લીધા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાના અભરખા જાગ્યા. ૧૯ વર્ષની ઉંમરે ૨૦૧૨-૧૩ની મોસમમાં નિરંજનને પહેલી વાર ભારત વતી સ્પર્ધામાં ઊતરવાનો મોકો મળ્યો. સાવચેતીભરી શરૂઆત પછી બીજા જ વર્ષે તરવૈયાની કારકિર્દીમાં સફળતાના સરવાળાની શરૂઆત થઈ. ૨૦૧૪માં ઈન્ટરનેશનલ વ્હીલચેર એન્ડ એમ્પ્યુટી સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા યુકેમાં આયોજિત જુનિયર વર્લ્ડ ગેમ્સમાં નિરંજને સપાટો બોલાવી ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીતવાની ભવ્ય કહી શકાય એવી
સફળતા મેળવી. આ ભવ્ય સફળતા ફ્લુક-અણધારી કે અચાનક મળેલી નહોતી એ જાણે પુરવાર કરતો હોય એમ બે વર્ષ પછી ૨૦૧૬માં ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં આયોજિત જુનિયર વર્લ્ડ ગેમ્સમાં નિરંજને ફરી આઠ મેડલ મેળવી ૨૦૧૪ની સિદ્ધિનું અદલોઅદલ પુનરાવર્તન કર્યું. આંખમાં વસી જાય એવી સફળતાને પગલે એ સન્માનનો હકદાર બને એ સ્વાભાવિક હતું. પેરા સ્વિમિંગમાં મેળવેલી અદ્ભુત સફળતાને પગલે ૨૦૧૫માં ભારત સરકાર દ્વારા બેસ્ટ પેરા સ્પોર્ટ્સમેનનો નેશનલ એવોર્ડ મળ્યો અને ત્યાર બાદ ૨૦૧૬માં કર્ણાટક સરકાર તરફથી નિરંજન એકલવ્ય એવોર્ડનો હકદાર બન્યો. મહત્ત્વાકાંક્ષાને જ્યારે પાંખો લાગે ત્યારે વધુ ને વધુ ઊંચાઈ સર કરવાની ઈચ્છા જાગૃત થાય એ સમજી શકાય એવી વાત છે. ‘હજી વધુ રમવું છે, હજી વધુ જીતવું છે’ એ ભાવના દિમાગને ઘેરી વળે.
દસ વર્ષની કારકિર્દીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પરફોર્મન્સથી ૮૫થી વધુ મેડલ જીતી લેવામાં સફળતા મેળવનાર નિરંજનનું લક્ષ્ય હવે ૨૮ જુલાઈથી શરૂ થતી કોમનવેલ્થ ગેમ્સ છે. આ સ્પર્ધા એને માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે પહેલી વાર એ આ સ્પર્ધામાં ઊતરી રહ્યો છે. ‘૨૦૧૪માં હું આ સ્પર્ધા માટે પાત્ર ઠર્યો હતો, પણ સ્પર્ધા શરૂ થવા પહેલાં ઈજા થવાથી હું ભાગ નહોતો લઈ શક્યો. ૨૦૧૮માં હું ફિટ હતો અને તૈયારી સારી હતી, પણ એ વર્ષે મારા વિભાગમાં કોઈ ઈવેન્ટ નહોતી. આમ આ વર્ષે હું પહેલી વાર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં સહભાગી થઈશ,’ નિરંજન ઉત્સાહથી જણાવે છે. શાનદાર દેખાવ કરવા થનગની રહેલો નિરંજન છેલ્લાં ત્રણ વર્ષથી થાઈલેન્ડ અને જર્મનીમાં ટ્રેઈનિંગ લઈ રહ્યો છે. તાજેતરમાં પોર્ટુગલમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મુકુંદને બે નેશનલ રેકોર્ડ તોડ્યા હતા. મતલબ કે શ્રેષ્ઠ દેખાવ કરવા એ સજ્જ છે.
૨૦૨૨ના ટોક્યોમાં આયોજિત થયેલા પેરાલિમ્પિક ઓલિમ્પિક્સમાં અગિયારમા સ્થાને રહેલા આ સ્વિમરના નામે એશિયન રેકોર્ડ છે અને ૮૫થી વધુ મેડલ મેળવનાર એ પ્રથમ ભારતીય પેરા સ્વિમર છે. પોતાના જ વિક્રમ તોડી નવી સિદ્ધિ મેળવી ઊંચા લક્ષ્યાંક રાખવા એ નિરંજનને ગમતી વાત છે. વિશ્ર્વસ્તરે ભારતીય પેરા એથ્લિટોએ કાઠું કાઢ્યું છે એ વાત પોરસાવા જેવી જરૂર છે, પણ પેરા ઍથ્લીટો અંગે હજી વધુ જાગરૂકતાની જરૂર છે એ મુદ્દા પર ભાર આપી મિસ્ટર મુકુંદન જણાવે છે કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોમાં પેરા ઍથ્લીટોએ મેડલો જીતી દેશની શાન વધારી છે એ સાચું, પણ આપણા જ દેશની બ્રાન્ડ્સ તરફથી પેરા ઍથ્લીટોને સ્પોન્સરશિપ અને એન્ડોર્સમેન્ટનો મળવો જોઈએ એટલો ટેકો નથી મળતો. હવે સહાનુભૂતિની જરૂર નથી. હવે સમય છે પ્રતિભાને પારખી એને પીઠબળ પૂરું પાડવાનો.’ નિરંજનની આ વાતનો પડઘો પડી ચારે કોર ગુંજવો જોઈએ એવું તમને નથી લાગતું?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.