(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના ગામમાં બંધ બંગલામાં તેમ જ દરિયાકિનારે ઝાડીઝાંખરામાં ૧૬ વર્ષની સગીરા પર આઠ નરાધમે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. સાતપાટી પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યા બાદ રવિવારે મળસકે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાતે આઠ વાગ્યાથી શનિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સગીરાના પિતા શનિવારે બપોરે સાતપાટી પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પુત્રી શુક્રવાર રાતથી ઘરે આવી ન હોવાનું તથા તેનો મોબાઇલ પર સંપર્ક સાધતાં તે રડતી હતી, એવું તેમણે પોલીસ અધિકારીને જણાવ્યું હતું.
દરમિયાન પોલીસે સગીરાની શોધ ચલાવી હતી અને તેને હરણવાડી ખાતેથી શોધી કાઢવામાં આવી હતી. સગીરાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા બાદ તેને વિશ્ર્વાસમાં લઇ પૂછપરછ કરવામાં આવતાં તેણે કહ્યું હતું કે તે શુક્રવારે રાતે મિત્ર સાથે દરિયાકિનારે આવેલા બંગલા નજીક ગઇ હતી, જ્યાં અન્ય આરોપીઓ પણ આવ્યા હતા અને તેમણે બંગલામાં તથા પાસેના ઝાડીઝાંખરામાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
સગીરા પાસેથી હકીકત જાણ્યા બાદ પોલીસે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો તથા પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ) હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને રવિવારે મળસકે તમામ આરોપીની ધરપકડ કરી હતી.