(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં થયેલા ભાવવધારામાં હવે ગુજરાતની સહકારી સંસ્થા અમૂલ દ્વ્રારા પણ દૂધ અને દહીંના ભાવમાં બેથી ત્રણ રૂપિયા સુધીનો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. જોકે દૂધમાં કરાયેલા ભાવ વધારામાંથી ગુજરાતને મુક્તિ આપવામાં આવી છે, જ્યારે મુંબઇ (મહારાષ્ટ્ર), પશ્ર્ચિમ બંગાળ, દિલ્હીમાં આ વધારો લાગુ થશે. બીજી બાજુ દહીંમાં પણ રૂપિયા ત્રણનો વધારો ગુજરાત સહિતના તમામ સ્થળોએ પહેલી ફેબ્રુઆરીથી જ લાગુ કરવામાં આવ્યો છે.
અમૂલ દ્વ્રારા ગત ઑક્ટોબર મહિનામાં ગુજરાત સિવાયના આ રાજ્યો અને શહેરોમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી ભાવવધારામાંથી મુક્તિ આપવામાં આવી હોવાનું કહેવાતું હતું, પરંતુ આ વખતે પણ દૂધના ભાવવધારામાંથી ગુજરાતને મુક્તિ આપવામાં આવી છે. દૂધના નવા ભાવવધારા પ્રમાણે અગાઉ મુંબઇ સહિતના શહેરોમાં અમૂલ ગોલ્ડ ૫૦૦ મિ.લિ.ના ભાવ અગાઉ રૂ. ૩૨ હતા, તે હવે વધારીને રૂ. ૩૩ અને એક લિટરના રૂ. ૬૩ હતા, જે વધારીને રૂ. ૬૬ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાયના દૂધના ૫૦૦ મિ.લિ.
દૂધના રૂ. ૨૭ હતા તે હવે વધીને રૂ. ૨૮ થયા છે, જ્યારે એક લિટરના રૂ. ૫૩ હતા, જેમાં રૂ. ત્રણનો વધારો કરીને રૂ.૫૬ કરવામાં આવ્યો છે. અમૂલ તાજાના ૫૦૦ મિ.લિ.ના રૂ. ૨૬ હતા, જે વધીને રૂ. ૨૭ કરવામાં આવ્યાં છે અને એક લિટરના ભાવ રૂ. ૫૧ હતા, તે વધીને રૂ. ૫૪ થયા છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તેના ડેરી ઉત્પાદનોનું ’અમૂલ’ બ્રાન્ડ નામ હેઠળ માર્કેટિંગ કરે છે.
ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે દૂધના ભાવમાં થયેલો વધારો ગુજરાતને લાગુ પડતો નથી. અમે ગુજરાત સિવાયના અન્ય બજારો જેમ કે દિલ્હી, કોલકાતા અને મુંબઈ માટે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કર્યો છે. હાલમાં ગુજરાતમાં દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. નવી કિંમતો શુક્રવાર સવારથી લાગુ થશે. ભાવવધારા સાથે અમૂલ તાજા દૂધના એક લિટર પાઉચની કિંમત હવે રૂ.૫૪ થશે જ્યારે અમૂલ ગોલ્ડ એક લિટર રૂ. ૬૬માં વેચાશે. ગાયના દૂધના એક લિટર પાઉચની કિંમત હવે રૂ. ૫૬ થશે, જ્યારે અમૂલ એટૂ ભેંસના દૂધના પાઉચની કિંમત શુક્રવારથી રૂ.૭૦ થશે.
દરમિયાન ગત ૧ ડિસેમ્બરના રોજ દૂધ વિક્રેતા કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વેચાતા દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ ગત વર્ષે પાંચ વાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો, ત્યારે હવે નવા વર્ષમાં અમૂલે ભાવ વધારો કરીને ગ્રાહકોને ચોંકવ્યા છે. અમૂલ મસ્તી દહીં ૧ કિલો પાઉચ જૂનો ભાવ ૬૯ રૂપિયા હતો, જે હવે અમૂલ મસ્તી દહીં ૧ કિલો પાઉચ નવો ભાવ ૭૨ રૂપિયા થયો છે. જ્યારે અમુલ મસ્તી દહીં ૫ કિલો પાઉચ જૂનો ભાવ ૩૧૦ રૂપિયા તે હવે અમુલ મસ્તી દહીં ૫ કિલો પાઉચ નવો ભાવ ૩૨૫ રૂપિયા કર્યો હતો આમ અમુલ મસ્તી દહીં ૫ કિલો પાઉચમાં રૂ.૧૫ નો વધારો કર્યો હતો અમૂલ મસ્તી દહીં ૪૦૦ ગ્રામ પાઉચ જૂનો ભાવ ૩૨ રૂપિયા હતો, તેનો નવો ભાવ ૩૪ રૂપિયા થયો છે, જ્યારે અમૂલ મસ્તી દહીં ૨૦૦ ગ્રામ પાઉચ જૂનો ભાવ ૧૭ રૂપિયા હતો, તેનો નવો ભાવ ૧૮ રૂપિયા થયો છે. જ્યારે અમૂલ મસ્તી ૨૦૦ ગ્રામ ડબ્બી જૂનો ભાવ ૨૧ રૂપિયા હતો, તેનો નવો ભાવ ૨૨ રૂપિયા થયો હતો.