એક ખૂફિયા દિલ્લી ડાયરી: રાજધાનીની અનકહી દાસ્તાનો!

ઉત્સવ

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઈટલ્સ: સત્તા સામે ‘બાળપણ’ નકામું! (છેલવાણી)
કોઇ ગમે તે કહે હિંદી ફિલ્મ લાઇનને મુંબઇ વિના કલ્પી ના શકાય ને રાજનીતિને દિલ્લી શહેર વિના ના કલ્પી શકાય. હિંદી સાહિત્ય અને ફિલ્મોના કવિ ‘નીરજ’ ઊર્ફ ગોપાલદાસ સક્સેનાએ, રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ ફિલ્મ માટે ગીત લખેલું- “ઐ ભાઇ, યે સર્કસ હૈ! પણ મૂળે તો એ દિલ્લી વિશે લાખાયેલ કવિતા હતી- “ઐ ભાઇ યહ રાજપથ હૈ, ઔર રાજપથ મેં છોટે કો ભી-બડે કો ભી, દૂબલે કો ભી-પતલે કો ભી, ઉપર સે નીચે આના-જાના પડતા હૈ!…તો ચાલો આજે સદીઓથી સત્તાના કેન્દ્ર એવા દિલ્લીની વાતો એક ઘુમક્કડ પત્રકારની ડાયરીના માધ્યમથી કરીએ.
લો, એક કેફિયત વાંચો “હું દિલ્લીમાં એક વિદ્વાનને ઓળખું છું જેની મહેરબાનીથી સેંકડો ઉમેદવારોને સરકારી નોકરીઓ મળી ચૂકી છે. આ વિદ્વાન પબ્લિક સર્વિસ કમિશનમાં સરકારી નોકરીઓ માટે ઈન્ટરવ્યુમાં જતાં હોય છે. એકવાર તેઓ કમિટીમાં હતાં જયાં એનો સગો ભત્રીજો નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવવાનો હતો. વિદ્વાન એકદમ સાવધ હતાં કે કોઈપણ ભોગે એમના નામ પર સગાવાદનો આરોપ ના લાગે. તો જયારે ભત્રીજાનું નામ એનાઉન્સ કરવામાં આવ્યું ત્યારે કમિટીના અધ્યક્ષ સામે વિનંતિ કરી, “ઉમેદવાર મારો ભત્રીજો છે એટલે હું થોડીવાર બહાર જતો રહું ને આપ જ ઈન્ટરવ્યુ લઇ લોને! સરકારી અકકલમંદને અડધો ઈશારો પણ કાફી હોય. જયારે નોકરી મેળવનારાઓની યાદી નીકળી ત્યારે વિદ્વાનના ભત્રીજાનું નામ ટોચ પર હતું! આમ વિદ્વાનનું કામ પણ થઈ ગયું ને દામન પર ડાઘ પણ ના લાગ્યો! આવા કિસ્સાઓ, દિલ્લીના બુઝુર્ગ ને ગુરૂ સમાન પત્રકાર દ્રોણ કોહલીના સંસ્મરણોની જૂની ડાયરીમાં છે, જે સત્તાવિલાસ ને ભ્રષ્ટાચારની કથાઓથી લથબથ છે. નવાઇની વાત એ છે દિલ્લીની આવી ઘટનાઓ વાંચીને હવે આપણું દિલ જરાયે ચોંકતું નથી!
કારણકે ભ્રષ્ટાચાર બહુ બારીક કળા છે. ઘણા ચિત્રકારો ચોખાના દાણા પર આખા તાજમહાલનું ચિત્ર દોરી શકે છે એમ દિલ્લીના ખેલાડીઓ ધોળે દિવસે ચાંદો દેખાડીને ચાંદની વેંચી શકે! ભ્રષ્ટાચારના ખેલાડીઓને, સત્તાની ગલીઓમાં સાંપ-સીડી રમતા સારી રીતે આવડે! એક જમાનામાં માત્ર દૂરદર્શન જ ચેનલ હતી ત્યારે ત્યાંથી સિરિયલો પાસ કરાવવાની કળા પાંચ-છ નિર્માતાઓ પાસે જ હતી. એ નિર્માતાઓ ‘મંડી હાઉસ’ વિસ્તારની દૂરદર્શનની હેડ-ઓફિસમાં સાહેબોને પટાવીને સીરિયલ પાસ કરાવી લેતા ને પછી અમારા જેવા સામે બિંદાસ કહેતા:સરકારને દૂરદર્શન કી હેડ-ઓફિસ રખી હૈ-મંડી હાઉસ ઈલાકે મેં! ‘મંડી’ યાને ’બાઝાર’! તો ’મંડી’ મેં તો બેચના-ખરીદના હિ હોગા ના’?’
ઇંટરવલ:
અનાડી હૈ કોઇ,
ખિલાડી હૈ કોઇ! (આનંદ બક્ષી)
દિલ્લીના ભ્રષ્ટ રાજકારણીઓના તેજતર્રાર દિમાગનો વધુ એક કિસ્સો દ્રોણ સાહેબની જુબાનીથી સાંભળો-
“ચાંદની ચોક વિસ્તારમાં ગુપ્તાજીની રેશનિંગની દુકાન હતી. દુકાન પર રેઇડ પડી અને ગલ્લામાં દુકાનના માલની કિંમત કરતા વધારે પૈસા મળ્યા, મતલબ કે ગુપ્તાજી સરકારી રેશનિંગના અનાજને બ્લેકના ભાવે વેંચતા હતા. રેઇડ પાડનાર ઓફિસર કડક હતો એટલે દુકાનને સીલ કરી નાખી.
ગુપ્તાજી, લોકલ એમ.એલ.એ. પાસે પહોંચીને બોલ્યા, “સર, તમને વોટ આપેલો હવે તમે જ બચાવો! નેતાએ હસીને કહ્યું, અરે દુકાન સીલ હુઈ હૈ, તુમ્હારી કિસ્મત સીલ નહીં હુઇ! હમ તરકીબ બતાતે હૈં લોકલ નેતાએ ગુપ્તાજીને ટ્રીક સમજાવી કે દુકાનની પાછલી બાજુએ દિવાલ તોડાવો, અંદર ઘુસીને ગલ્લા બહાર કાઢી લો ને બીજો ગલ્લા ત્યાં મૂકી દો ને ફરીથી દિવાલ ચણાવી લો! ૫૦૦૦નો ખર્ચો થશે ને રેશનિંગ દુકાનનું લાખોનું લાઇસંસ બચી જશે! દરવાજા પર ભલેને સરકારી સીલ મારેલું હોય પણ જે કામ પાછલી બાજુથી થાય એ જ સાચું! ગુપ્તાજી તો સાંભળીને ઉછળી પડયા ને રાતોરાત નેતાની સલાહ મુજબ કરી નાખ્યું અને વાળ પણ વાંકો ના થયો. ભ્રષ્ટ નેતાએ સ્પષ્ટ કરી આપ્યું કે જ્યાં મામૂલી પૈસાથી કામ નીકળતું હોય ત્યાં અફસરોના સૂતેલા આત્માને કે પોઢેલાં આદર્શોને જગાડીને ડિસ્ટર્બ નહીં કરવાના!
બુઝુર્ગ પત્રકાર દ્રોણ કોહલીની ડાયરીમાં આવાં કિસ્સાઓ પાને પાને પ્રગટે છે. જેમાં દિલ્લીની દિલ દહેલાવી નાખતી દાસ્તાનો છે,જેમ કે-
‘ચાવડી બાઝાર’ નામના ગરીબ ઇલાકામાં ઉસ્માન નામનો રદ્દીવાળો પોતાની મોટી ભરાવદાર મૂછો માટે પ્રખ્યાત હતો. એક દિવસ ઉસ્માન, પત્રકાર દ્રોણને મળ્યો ત્યારે એ ઉસ્માનની ઓળખ સમાણી મૂછો ગાયબ હતી! દ્રૌણજીએ મૂછો ગાયબ થવા વિશે પૂછ્યું ત્યારે ઉસ્માને કહ્યું,”શું કહું સાહેબ, પોલીસ મૂછ લઇ ગઇ!’
“પણ પોલિસને ને તારી મૂછને શું લેવાદેવા?
“સાહેબ, હવાલદારો અમને રદ્દીવાળાઓને ચોર કહીને સતાવે છે. ગિરફ્તાર કરવાની ધમકીઓ આપીને ખિસ્સામાંથી પૈસા કાઢી લે છે. પૈસા ના આપું તો મૂછો ખેંચીને ત્રાસ આપે છે એટલે મેં નક્કી કર્યું કે મૂછો જ નહીં રહે તો ખેંચશે કોને? પૈસા તો મારી પાસે છે નહીં તો પછી મોટી મૂછને લીધે શા માટે હેરાન થાઉં? મૂંડાવી નાખી. તેલ લેવા ગઇ મર્દાનગીની નિશાની!
ખરેખર તો “દિલ્લી પોતે એક એવો હવાલદાર છે જે દેશ આખાની, આપણા સૌની મૂછો ખેંચી ખેંચીને સતાવે જ રાખે છે. આઝાદી પહેલા પણ ને આઝાદી બાદ પણ! હવે તો ‘નવી દિલ્લી’ સાવ ‘નવી’ બની રહી છે અને ત્યાંનો નઝારો જ અલગ છે, હવે સૌ સમજદારોએ પોતાની મૂછો કાઢી નાખવી કે પછી બચાવવી રાખવી, એ વિચારી લેવું, જેથી ભૂલેચૂકે ભવિષ્યમાં દર્દ ના થાય!
એંડ ટાઇટલ્સ:
આદમ: એક વાત કહું ઇમાનદારીથી?
ઇવ: ઇમાનદારીથી કહી શકીશ?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.