Homeઉત્સવઆપણે ખાધેપીધે સુખી ગુજરાતીઓ

આપણે ખાધેપીધે સુખી ગુજરાતીઓ

ખાઓ ઔર ખાને દો

મિજાજ મસ્તી – સંજય છેલ

ટાઇટલ્સ: સ્વાદ કે વિવાદ વિશે બહુ વિચારવું નહીં. (છેલવાણી)
આ જગતમાં ૨ વાત ક્યારેય બદલાઈ શકશે નહીં: ૧) સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે. ૨) ગુજરાતીઓનો ખોરાક પ્રેમ! જો વિશ્ર્વ પ્રવાસી માર્કો પોલો, જો ગુજરાતી હોત તો નક્કી એ થેપલાં ને ગુંદા લઈને દુનિયા ખૂંદવા ગયો હોત અને પછી જો થેપલાં ખૂટી ગયાં હોત તો-” દુનિયા ગઇ તેલ લેવા કહીને પાછો આવી ગયો હોત અને ઘરે આવીને સફેદ ઢોકળાં કે ઇદડાં તેલમાં ડૂબાડીને ખાતો હોત!
ઇન શોર્ટ- ‘દુનિયાનાં લોકો જીવવા માટે ખાય છે પણ મોટાભાગના ગુજરાતીઓ તો ખાવા માટે જીવે છે, એના કરતાં પણ ચાવવા માટે જીવે છે.’ આપણને સતત જોઈએ: ચવાણું, ભૂસું, સેવ-મમરાં, વેફર, ખાખરા, મુખવાસ, ફાકી-માવો સતત બદલાતો ગુજરાતી સમાજ, ખાવાની બાબતે સદીઓ અગાઉ હતો એટલો જ આજે ય સ્વાદ-ઝનૂની છે ને રહેશે. આપણે ગુજરાતીઓએ દુનિયા ભરની ફૂડ-આઈટેમોને જ બદલી નાખી છે. એક જમાનામાં પરદેશગમન કરનારા કે વટલાઇ ગયેલાઓને ગંગાજળ છાંટીને શુદ્ધ કરવામાં આવતાં એમ આપણે દુનિયાની કોઈ પણ વાનગી પર સાકર-અથાણા-તેલ-ડ્રાયફ્રૂટ છાંટીને એને ગુજ્જુ આઈટેમમાં વટલાવી નાખીએ છીએં!
આપણે નૂડલ્સમાં બીજી ૫-૭ આઈટેમો નાખીને, લાલ-પીળાં સોસ કે તેલ રેડીને એક અજાયબ ચાઈનીઝ ભેળ બનાવી નાખી છે. આપણે પાતળાં કડક પિત્ઝાને જાડ્ડાં ફૂલાવેલાં હાંડવા જેવા બનાવીને એને ’પિત્ઝાનાં રોટલા’ જેવું દેશી નામ આપી દીધું છે. એટલું ઓછું ના હોય એમ પિત્ઝા પર દ્રાક્ષ, દાડમ, કાજૂ, ટૂટીફ્રટી અને ફ્રૂટ-જામ છાંટીને પિત્ઝાને મીટ્ઠી ગુજ્જુ આઈટેમમાં પલટાવી નાખી અને પછી ગુજ્જુ ફોઇએ પાડ્યું એનું ‘ડ્રાયફ્રુટ પિત્ઝા’ નામ! જો મારિયો પુઝોની ‘ગોડફાધર’ નોવેલમાં હતાં એવા ખૂંખાર ઈટાલિયન માફિયા ડોનને ખબર પડે કે આપણે એમનાં ઇટાલિઅન પિત્ઝાની કેવી હાલત કરી નાખી છે તો એ ડોન, પિત્ઝવાળાઓને મશીનગનથી ઉડાવી મૂકે! અરે, આપણે તો આઈસક્રીમને પણ આદું ને મરચાંની ફ્લેવરવાળી બનાવવાની કલ્પનાશક્તિ ફેલાવી છે! આપણો ફરસાણ-પ્રેમ તો એવો છે કે ઠંડી આઈસક્રીમના પણ ગરમાગરમ ભજિયાં પણ શોધી કાઢયા છે.
કદાચ, જલસા જ આપણો જીવન મંત્ર બની ગયો છે.
ઇંટરવલ:
યે સમઝો ઔર સમઝાઓ, થોડી મેં મૌજ મનાઓ,
દાલ રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ (જ્વાર-ભાટા ફિલ્મ)
એવી જ રીતે થાઇ કે મેકિસકન આઈટેમોને પણ આપણે ‘હાઈબ્રીડ’ કે ‘વર્ણસંકર’ ગુજ્જુ વાનગીઓ બનાવી નાખી છે. આવનારા સમયમાં ‘ફરાળી ફલાફલ’ કે ‘હિંગવાળાં હમસ’ કે ‘થાઇ થેપલાં’ ગુજજુઓની થાળીમાં થિરકતાં દેખાય તો નવાઇ નહીં. ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં ૨-૩ મીઠાઈઓ અને ૧-૨ ફરસાણોમાં ગુજરાતીઓનો જમણવાર થઈ જતો પણ આજે દુનિયાભરની આઈટેમોને આપણે ગુજરાતી લેબલ આપીને રસટપકતી જીભને શાંત કરીએ છીએં. આપણે ગુજરાતીઓ કદાચ સૌથી વધુ આઈટેમો ખાનારી પ્રજા તરીકે દેશમાં જ નહીં દુનિયામાં પણ નામ કાઢી શકીએં. પંજાબીઓ કરતાં આપણી ખાવાની માત્રા ભલે ઓછી હશે પણ સતત ખાવાની વાત કરવી, ખાધેલા ખોરાક વિશે વાગોળતાં રહેવું, સતત ચટપટું ચાવતા રહેવું, એ રસનો ચટકો આપણી કમજોરી છે અથવા તો એ જ આપણી તાકાત છે. અગાઉ આપણાં જમણવાર બેસીને થતાં હવે ઉભા ઉભા બૂફે-કાઉન્ટર પાસે થાય છે…એમાં યે આઇટેમોનાં કાઉન્ટરો આપણી વસ્તીની જેમ સતત વધ્યાં છે.
૫૦ કે ૧૦૦ વરસ પહેલાનાં મરજાદી ગુજરાતીઓ પાઉં કે કેકને વિદેશી કે પરધર્મી આઇટેમ ગણીને ધુત્કારતાં પણ હવે ગુજ્જુઓ આ બાબતે સંપૂર્ણ ગ્લોબલ ને લિબરલ બની ગયા છે! ઉપનિષદમાં કહે છે કે “અમને દરેક દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાઓ એમ ગુજ્જુ સ્વાદ-પિપાસુઓ માટે ’દરેક દિશાઓમાંથી અલગ અલગ આઈટેમો પ્રાપ્ત થાઓ’- એવી સ્વાદ-ઘેલી બાબત છે! જે પ્રજા લોચો ખાવા સુરતમાં પ્રાત:કાળે લાંબી લાઇનો લગાડે, જે પ્રજા માણેકચોકમાં ૨૫ જાતની સેંડવીચો આખી રાત ચાવી જાય, જે કાઠિયાવાડીઓને ઓકસિજન વિના ચાલે પણ ગાંઠિયા વિના નહીં, જે કચ્છીઓ દાબેલી ખાતા ખાતાં એવા સિસકારા નાખે કે છે કે છેક સરહદ પાર પાકિસ્તાન સુધી સંભળાય- એવાં ટેસ્ટફુલ ગુજરાતીઓ આપણે છીએ! અગાઉ પણ ગુર્જર નર-નારીઓ ખાધેપીધે સુખી હતા, આજે વધારે સુખી છીએ ને કાલે પણ વધુ હોઇશું!
કદાચ કાળક્રમે આવતાં ૧૦-૧૫ વરસ પછી ગુજરાતીઓનાં લગ્નમાં ફૂડના કાઉન્ટર એક-બે-ત્રણ-ચાર માળ સુધી ફેલાયેલાં હશે. લોકો, ડિશ હાથમાં લઇને લિફટમાં ત્રણ માળ સુધી ઉપર નીચે જઈને એક પછી એક આઈટેમો ચાખી ચાખીને જમશે! લગ્નની વિધી ભલે ૧૫ મીનીટ ચાલે પણ બૂફે ડિનર આખી રાત સુધી ચાલશે કે કદાચ ૧-૨ દિવસ ચાલે તો યે નવાઈ નહીં!
કદાચ આજથી ૨૫-૫૦ વરસ પછી તો મંગળ કે ચાંદ પર માણસ રહેવા માંડયો હશે અને ગુજ્જુઓએ ત્યાં ’ઘરનું ઘર’ બનાવ્યાં હશે. ચાંદ પર જનારો પહેલો માનવી નીલ આર્મસ્ટ્રોંગ, જો ગુજરાતી હોત તો ત્યાં ચાંદ પર પાણી જોઈને તરત કહી બેઠો હોત: ‘હાશ, અહીં પાણી છે તો પાણી પુરીવાળો પણ હશે જ!’ એક જમાનામાં ગુજરાતી બ્રાહમણોનાં જમણવારમાં લાડુ ખાવાની હરીફાઈ થતી અને ભૂદેવો ૧૦૦-૧૦૦ લાડુ ઝાપટી જતાં- ૧૦૦ વરસ પછી ચાંદ પર જઈને ગુજરાતીઓ પરગ્રહવાસીઓ કે એલિયન્સ જોડે લાડવાં ઝાપટવાની સ્પર્ધા કરે તો નવાઈ નહીં.
બાકી રાજકારણ, સમાજ-જીવન, સાહિત્ય-કળા,એ બધું તો સમજ્યાં,શું?
(નોંધ: સતત લગ્નોમાં જઇને ઉપરા ઉપર બૂફે-જમણ જમ્યાના આફરા બાદનું આ નિર્દોષ ચિંતન છે.)
એંડ-ટાઇટલ્સ:
ઇવ: તને મારામાં સૌથી વધુ શું ગમે?
આદમ: જમવાનું પીરસતી વખતે તારી બંગડીઓનો અવાજ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -