રાજસ્થાનના બાડમેર જિલ્લામાં મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થયું, બે પાઇલટ્સ શહીદ

ટૉપ ન્યૂઝ

રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભીમડા ગામ પાસે ગુરુવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન મિગ-21 ક્રેશ હતું. આ બનાવામાં એરફોર્સના બે પાઇલટ્સ શહીદ થયા છે. બે સીટ વાળા મિગ-21 ટ્રેનર એરક્રાફટે ગુરુવારે સાંજે બાડમેર ઉત્તરલાઈ એરબેઝથી ઉડાન ભરી હતી
એરફોર્સે ગઈ કાલે રાત્રે ટ્વીટ કરી માહિતી આપી હતી કે ‘આજે સાંજે 9:10 વાગ્યે પશ્ચિમી સેક્ટરમાં IAFનું મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટ ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બંને પાઈલટોને જીવ ગુમાવ્યા છે. આ અંગે IAF ઊંડો ખેદ વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવારો સાથે દૃઢપણે ઊભી છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.’
ઘટનાની જાણ થયા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાડમેરના ડેપ્યુટી એસપી જગ્ગુ રામે જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ રાત્રે 9 વાગ્યાની આસપાસ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આકાશમાંથી પડેલો અગ્નિનો ગોળો જમીન સાથે અથડાયો હતો. ઘટના સ્થળે પહોંચી પ્લેન ક્રેશ થયાની જાણ થઇ હતી. જેમાં બંને પાઈલટ માર્યા ગયા છે. પ્લેનનો કાટમાળ એક કિલોમીટરમાં ફેલાઈ ગયો છે.
ડેપ્યુટી એસપીના જણાવ્યા મુજબ સ્થાનિકોમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સ્થાનિકોએ ક્રેશ થયેલા વિમાનના સળગતા અવશેષોના વિડિયો શેર કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશ થયું એ જગ્યાએ લગભગ 15 ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. વિમાનના અવશેષો લગભગ એક કિલોમિટરના વિસ્તારમાં ફેલાઈ ગયા છે.
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘બાડમેરમાં IAF મિગ 21 ટ્રેનર એરક્રાફ્ટને નડેલા અકસ્માતમાં બે IAF પાઇલટ્સે પોતાનો જીવ ગુમાવ્યો તે જાણીને ખૂબ જ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ભગવાન તેમને આ દુઃખ સહન કરવા માટે શક્તિ આપે. અમે તેમની સાથે ઊભા છીએ અને તેમના દુઃખમાં સહભાગી છીએ.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.