ઔરંગાબાદ: ઔરંગાબાદમાં રામમંદિર નજીક બે જૂથ બાખડી પડ્યા પછી પોલીસ પર થયેલા હુમલા દરમિયાન ઘવાયેલા ૫૧ વર્ષના રહેવાસીનું સારવાર દરમિયાન હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ શેખ મુનીરુદ્દીન તરીકે થઈ હતી. હિંસાના કલાકો બાદ બુધવારની મોડી રાતે ઔરંગાબાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન શેખનું મૃત્યુ થયું હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોકે શેખના મૃત્યુનું ચોક્કસ કારણ અધિકારીએ જણાવ્યું નહોતું. તોફાન મચાવનારા ૫૦૦થી ૬૦૦ જણ સામે જિન્સી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે સાત જણની ધરપકડ કરી હતી. ઔરંગાબાદનું હવે છત્રપતિ સંભાજીનગર નામકરણ કરવામાં આવ્યું છે.
સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામમંદિર નજીક રામનવમીની આગલી રાતે, બુધવારે તોફાન ફાટી નીકળ્યું હતું. બે જૂથ બાખડ્યાં હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ પર પેટ્રોલ ભરેલી બૉટલો ફેંકી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ૫૦૦થી વધુ લોકોએ કરેલા હુમલામાં ૧૦ પોલીસ કર્મચારી સહિત ૧૨ જણ ઘવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં ૧૩ વાહનને આગ ચાંપવામાં આવી હતી. ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગૅસ અને પ્લાસ્ટિક બૂલેટ્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. એ સિવાય હવામાં ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો.
દરમિયાન વધારાની મદદ બોલાવવામાં આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં શાંતિનું વાતાવરણ હતું. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની પાંચ કંપની સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવી હતી. શહેરનાં વિવિધ સંવેદનશીલ સ્થળે સુરક્ષા વધારવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)ઉ