આજે એલિમિનેટર મેચમાં લખનઉ અને મુંબઈ ટકરાશે
આજે IPL 2023ની એલિમિનેટર મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે. લોકો આ મેચ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કારણ કે વિજેતા ટીમ ફાઈનલની નજીક પહોંચશે અને હારેલી ટીમની સફર આ સિઝનમાં સમાપ્ત થશે. આજની મેચમાં મુંબઈના ચાહકોને સૂર્યકુમાર યાદવ પાસેથી ઘણી આશાઓ છે.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ઝડપી શોટ્સથી દરેક વ્યક્તિ વાકેફ છે. ઘણી વખત તેણે મેદાન પર પોતાના બેટનો જાદુ ચલાવીને મુંબઈને જીત અપાવી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં લઈ જવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે. આજે એલિમિનેટરની મેચમાં પણ લોકોની નજર તેની ઇનિંગ્સ પર રહેશે.
સૂર્યકુમાર યાદવ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. તેણે આ સિઝનમાં 12મી મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે સદી ફટકારી હતી. આ મેચમાં તેણે અણનમ સદી ફટકારી હતી અને 49 બોલનો સામનો કરીને અણનમ 103 રન બનાવ્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થતો હતો. તેની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં 42.58ની એવરેજથી 511 રન બનાવ્યા છે.
આજે સાંજે 7:30 વાગ્યાથી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો ત્રણ વખત સામસામે આવી ચુકી છે અને લખનૌએ ત્રણેય મેચ જીતી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ રિપોર્ટની વાત કરીએ તો પીચમાં સંતુલન રહેશે. જેના કારણે ઝડપી બોલરોની સાથે સ્પિનરોને પણ મદદ મળશે.