રોહિંગ્યાઓને ફ્લેટમાં નહીં, ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે, મંત્રીના નિવેદન પર હંગામો થયા બાદ ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

રોહિંગ્યા શરણાર્થીઓના મુદ્દે દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ પહેલા એમ જણાવ્યું હતું કે રોહિંગ્યાઓને દિલ્હીમાં EWS ફ્લેટમાં રાખવામાં આવશે. આ અંગે સ્પષ્ટતા કરતા ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે રોહિંગ્યાઓને ડિટેન્શન સેન્ટરમાં જ રાખવામાં આવશે. દિલ્હી સરકારે હાલના સ્થાનને ડિટેન્શન સેન્ટર તરીકે જાહેર કર્યું નથી. તેમને તાત્કાલિક આમ કરવા માટે સૂચના આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય આ વિદેશીઓને તેમના દેશમાં પાછા મોકલવા સંબંધિત દેશો સાથે વાતચીત કરી રહ્યું છે.
આ આખો મામલો કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીના ટ્વીટ બાદ ચર્ચામાં આવ્યો હતો. પુરીએ ટ્વીટ કર્યું હતું કે ભારત હંમેશા એવા લોકોનું સ્વાગત કરે છે, જેમણે દેશમાં આશ્રય માગ્યો છે. એક ઐતિહાસિક નિર્ણય લેતા તમામ રોહિંગ્યા શરણાર્થીઓને બક્કરવાલા વિસ્તારમાં EWS ફ્લેટમાં રાખવામાં આવશે. તેમને પાયાની સુવિધાઓ, UNHRC ID અને 24 કલાક પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
રોહિંગ્યા શરણાર્થીઓને વસાવવા અંગે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીના આમ આદમી પાર્ટી પણ સરકાર સામે આક્રમક બની હતી. ભાજપના કેટલાક નેતાઓએ પણ પક્ષ સામે મોરચો ખોલ્યો હતો, વિશ્વ હિંદુ પરિષદે પણ નારાજી વ્યક્ત કરી હતી અને સંઘ પણ આ નિર્ણયથી નારાજ હતો. આ મુદ્દે ભારે હોબાળો મચતા ગૃહ મંત્રાલયને આ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.