મેક્સિકોના રાષ્ટ્રપતિએ મૂક્યો એવો પ્રસ્તાવ કે વૈશ્વિક સ્તરે પીએમ મોદીનું કદ વધી ગયું, જાણો શું છે એ પ્રસ્તાવ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

યુક્રેન-રશિયા યુદ્ધ અને યુએસ-ચીન તણાવની અસર હેઠળ જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાના પાયા હચમચી ગયા છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિશ્વમાં સતત વધી રહી છે. મેક્સીકન પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર મોદીને લઈને ખાસ પ્રસ્તાવ લાવી રહ્યા છે. એન્ડ્રેસ મેન્યુઅલનું કહેવું છે કે વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવા અને વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રએ 5 વર્ષ માટે એક કમિશન બનાવવાની જરૂર છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ત્રણ નેતાઓનો સમાવેશ થવો જોઈએ. તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્રમાં આ અંગે લેખિત પ્રસ્તાવ મૂકશે.

મેક્સિકોના રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કમિશનમાં ભારતીય પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત પોપ ફ્રાન્સિસ અને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને સામેલ કરવા જોઈએ. આ કમિશનનો હેતુ વિશ્વભરમાં યુદ્ધો અટકાવવા માટે પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કમિશનનું ધ્યેય એ હશે કે તે વિશ્વભરમાં યુદ્ધને રોકવા માટે જે પ્રસ્તાવ રજૂ કરે છે તેનો અમલ થાય અને ઓછામાં ઓછા 5 વર્ષ માટે શાંતિ કરાર થાય. તેમણે કહ્યું કે અમને આશા છે કે મીડિયા આ અંગેની માહિતી ફેલાવવામાં અમારી મદદ કરશે.

યુદ્ધ જેવી પરિસ્થિતિનો અંત લાવવાની હાકલ કરતાં, મેક્સીકન રાષ્ટ્રપતિએ ચીન, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. ઓબ્રાડોરે કહ્યું કે કોઈએ આ દેશોને જણાવવું જોઈએ તેમની વચ્ચેના પરસ્પર સંઘર્ષને કારણે વિશ્વએ એક વર્ષથી ઓછા સમયમાં ભારે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે. વિશ્વમાં ગરીબી, મોંઘવારી વધી છે અને વિશ્વ ખાદ્ય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જેના કારણે દુનિયાભરમાં અનેક લોકોના મોત થયા છે. ઓબ્રાડોરના મતે પ્રસ્તાવિત કમિશન તાઈવાન, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના મામલામાં સમજૂતી સુધી પહોંચવામાં પણ મુખ્ય ભૂમિકા નિભાવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.