કવર સ્ટોરી-ગીતા માણેક
મારા પ્રોફાઇલ પર ‘ઇન્ટરેસ્ટ’ એટલે કે મને તમારામાં રસ છે એવો મેસેજ આવ્યો એટલે મેં તેના પર ક્લિક કર્યું એ જોવા માટે કે આ મેસેજ કોણે મોકલાવ્યો છે. તેનો ફોટો જોયો તો તે બહુ સુંદર દેખાતી હતી એટલે મેં તેનો પ્રોફાઇલ ચેક કર્યો. હું એ મેટરિમોનિયલ વેબસાઇટ પર પૈસા ભરીને પ્રીમિયમ મેમ્બર હોવાને કારણે તે સ્ત્રીનો ફોન નંબર જોઈ શક્યો અને એટલે મેં તેને હેલ્લો થેંક્યુંનો મેસેજ કર્યો. પોતાની આપવીતી કહી રહેલા આ ભાઈને આપણે ‘મુંબઈ મેન’ તરીકે ઓળખીશું. આ ‘મુંબઈ મેન’ ડાયવોર્સી અને એક બાળકના પિતા છે. બીજા લગ્ન કરવા માટે તેમણે એક ખૂબ જ જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટ પર પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું હતું. આર્થિક રીતે સધ્ધર આ બિઝનેસમેનની કરમની કઠણાઈ એ મેસેજ પછી શરૂ થઈ. તે મહિલા સાથે તેમની વ્હોટસ અપ પર થોડીક વાતચીત થઈ. આ વાતચીત દરમિયાન તે અજાણી મહિલાએ આ ‘મુંબઈ મેન’ને વીડિયો કોલ કરવા કહ્યું. મુંબઈ મેનને થોડીક નવાઈ લાગી પણ પેલી મહિલાએ કહ્યું કે એ બહાને તમારી સાથે વધુ સારી રીતે પરિચય થશે કારણ કે વીડિયો કોલ એટલે લગભગ રૂબરૂ મળવા જેવું જ થયું. હું વધુ કંઈ વિચારું એ પહેલાં જ મારા મોબાઈલ ફોન પર રીંગ વાગી. તે મહિલાએ જ વીડિયો કોલ કર્યો હતો. મેં ફોન રિસીવ કર્યો તો સામે એક મહિલા હતી જે તદ્દન નગ્નાવસ્થામાં હતી અને પોતાના શરીરના કેટલાક ભાગને સ્પર્શ કરી રહી હતી. હું ડઘાઈ ગયો. તે સ્ત્રીએ મને કહ્યું, આપકો યહ અચ્છા નહીં લગ રહા હૈ? આ બધું જોઈને મેં જોરથી કહ્યું, કોણ છો તમે અને આ શું કરી રહ્યા છો કહીને મેં ફોન તરત ડિસકનેક્ટ કરી નાખ્યો. થોડીક જ વારમાં મારા ફોન પર બે વ્હોટ્સ અપ મેસેજ આવ્યા. પહેલા મેસેજમાં વીડિયો કોલનો સ્ક્રીનશોટ હતો અને બીજા મેસેજમાં પેલી સ્ત્રીની જ વીડિયો ક્લીપ હતી જેમાં પુરુષ તેની સાથે અડપલાં કરી રહ્યો હતો. તે પુરુષ પર મુંબઈ મેનનો ફોટો એ રીતે મોર્ફ કરવામાં આવ્યો હતો કે જોનારને એવું જ લાગે કે મુંબઈ મેન જ તે સ્ત્રી સાથે શારીરિક અડપલાં કરી રહ્યો છે. આ વીડિયો ક્લીપ સાથે લખ્યું હતું, અબ કૈસા લગ રહા હૈ? યે પૂરા વીડિયો શેઅર કર દૂંગી, સબકો પતા લગ જાયેગા.
મુંબઈ મેન દ્વારા ઇન્ટરેસ્ટ મેસેજને જવાબ આપ્યો એના અડધો કલાકમાં જ આ આખી ઘટના બની ગઈ હતી. બીજા દિવસે જ્યારે તે બિઝનેસ મેન ડ્રાઇવ કરીને તેના કામ પર જઈ રહ્યો હતો ત્યારે તેના મોબાઈલ પર એક ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઇન્સ્પેક્ટર વિક્રમ રાઠોડ આપ્યું. તેનો અવાજ એકદમ કઠોર અને સત્તાવાહી હતો. આ ઇન્સપેક્ટરે તેને કહ્યું કે તેની સામે એક એફઆઈઆર નોંધવામાં આવી છે. કોઈ બિચારી મહિલા સાથે અડપલાં કરવા અને એ વીડિયોને વાઇરલ કરવાનો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. મુંબઈ મેનના હાથ-પગ ઠંડા પડી ગયા. આ ઇન્સ્પેકટરે તેને કહ્યું કે જો તે સહયોગ નહીં આપે તો સ્થાનિક પોલીસ તેને પકડી જશે, કારણ કે તેના મોબાઈલ પરથી તેનું લોકેશન મેળવી લેવામાં આવ્યું છે. મુંબઈ મેને જ્યારે આ ફોન ડિસકનેક્ટ કરીને ટ્રુકોલર એપ પર ચેક કર્યું તો જે ફોન આવ્યો હતો તેમાં ઇન્સ્પેકટર વિક્રમ રાઠોડનું જ નામ હતું. આ મુંબઈ મેને ઇન્ટરેસ્ટનો જવાબ આપવાના સાડા આઠ લાખ ચૂકવવા પડ્યા હતા.
એ જ અઠવાડિયે પુણેમાં એક ૧૯ વર્ષના સ્ટુડન્ટ સાથે આવી જ ઘટના બની હતી. પ્રીતિ યાદવ નામની એક સ્ત્રીએ આ સ્ટુડન્ટને આવી જ રીતે સકંજામાં લીધો હતો અને તેની પાસેથી પહેલાં સાડા ચારસો રૂપિયા પડાવ્યા હતા અને બીજા પૈસા માગી રહી હતી પણ છોકરા પાસે પૈસા નહોતા અને ડરના માર્યા તેણે આત્મહત્યા કરી લીધી હતી. આ છોકરાની આત્મહત્યાના કેસમાં જ્યારે પોલીસે તેનો ફોન તપાસ્યો ત્યારે આ બધી બાબતો સામે આવી હતી.
આ આખા મામલાનો છેડો ૧૪૦૦ કિલોમીટર દૂર આવેલા રાજસ્થાનના મેવાત વિસ્તાર સુધી પહોંચ્યો હતો. એક જમાનામાં રાજપૂતોનું રાજ્ય ગણાતા મેવાત વિસ્તારમાં અત્યારે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અમુક જિલ્લાઓ આવે છે. અત્યારે આ વિસ્તારમાં મુસ્લિમોની બહુમતી છે અને કેટલાક રાજપૂતો પણ વસે છે. જે રીતે ઝારખંડનું જમતારા ફીશિંગ એટલે કે બૅન્ક કે અન્ય જગ્યાએથી ફોન છે એવું જતાવીને નિર્દોષ લોકો પાસેથી તેમની બૅન્કની વિગતો મેળવી પૈસાની ઉચાપાત કરવાના સાઇબર ક્રાઇમ માટે બદનામ છે એ જ રીતે સેક્સટોર્શન માટે મેવાત વિસ્તાર છે. છેલ્લા બે વર્ષમાં પોલીસે કુલ ૪૧૧ લોકોની આ વિસ્તારમાંથી સેક્સટોર્શન માટે ધરપકડ કરી છે પણ એ તો ખરેખર જેટલા સેક્સટોર્શન થયા છે એનો એક ટકો હિસ્સો પણ નથી. આ વિસ્તારના અલવર જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે કે અલવરના લગભગ બે ડઝન ગામડાંઓમાંની અડધોઅડધ વસતિ સીધી કે આડકતરી રીતે સેક્સટોર્શન સાથે સંકળાયેલી છે. આ વિસ્તારનો દર ચોથો માણસ આ અપરાધ સાથે સંકળાયેલો છે. તેની લગોલગ આવેલા નહ અને ભરતપુરમાં તો આ સાઇબર ક્રાઇમ કરનારાઓની સંખ્યા અનેકગણી વધુ છે. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અનુસાર ૨૦૨૧ના ડિસેમ્બરમાં તેમણે અલવરના એક રહેવાસીની સાઇબર ચીટિંગ માટે ધરપકડ કરી હતી. તે એક વ્યક્તિએ પોતાના એક ફોન પરથી ૬૦૦૦ લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા જેમાંના ૧૨૦૦ તો માત્ર તેલંગણાના જ હતા. આ વિસ્તારના સાઇબર ક્રિમિનલો લાખ્ખો નહીં કરોડોમાં કમાય છે. પોલીસના સાણસામાં આવેલા એક અપરાધીએ કબૂલ કર્યું હતું કે તે બે વર્ષમાં ૧૧ કરોડ રૂપિયા કમાયો હતો!
જો કે આ અપરાધીઓ ભાગ્યે જ પકડાય છે કારણ કે તેમનામાં જબરદસ્ત સંપ છે અને તેમની પાસેથી બીજા કોઈની કંઈ પણ માહિતી મળતી નથી. ઉપરાંત તેઓ જે ક્રાઈમ કરે છે તેના શિકાર અન્ય રાજ્યોના હોય છે એટલે ફરિયાદ તે રાજ્યમાં નોંધાય છે. બીજું આ લોકોનું નેટવર્ક એટલું જબરદસ્ત છે કે એક વ્યક્તિ સીમકાર્ડ સપ્લાય કરે છે, બીજી વ્યક્તિ બનાવટી બૅન્ક અકાઉન્ટ ખોલાવે છે, ત્રીજી વ્યક્તિ સેક્સ ચેટ કરે છે, ચોથી વ્યક્તિ બનાવટી પોલીસ બનીને શિકાર પાસેથી પૈસા કઢાવે છે અને પાંચમી વ્યક્તિ જઈને એટીએમમાંથી પૈસા કઢાવે છે. આ બધાને કારણે પોલીસ માટે આ આખી ચેઇન શોધી કાઢવી મુશ્કેલ બને છે. જો કે એક વાત એવી પણ કહેવાય છે કે આ વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનનો બાંધેલો હપ્તો છે એટલે આમાં ખાસ કંઈ થતું નથી.
જો કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કહે છે કે અહીં જે સીમ કાર્ડ વાપરવામાં આવે છે એના બધા દસ્તાવેજો બનાવટી હોય છે અને એ આસામ, પશ્ર્ચિમ બંગાળ, ઓડિશા જેવા દૂર-દૂરનાં રાજ્યોમાંથી ખરીદવામાં આવે છે. આ આખું ઓપરેશન એટલી સજ્જતાથી કરવામાં આવે છે અને એમાં લગભગ આખું ગામ સામેલ હોય છે એટલે પોલીસ માટે આ રેકેટ તોડી પાડવું લગભગ અશક્ય બને છે. ગયા વર્ષે મુંબઈ પોલીસે અઢાર વ્યક્તિઓનું એક નેટવર્ક પકડ્યું હતું તેમાંના ચાર જણાં બૅન્ક કર્મચારીઓ જ હતા!
પોલીસ કહે છે કે સૌથી પહેલાં તો કોઈ અજાણ્યા નંબર પરથી આવેલા વીડિયો કોલ સ્વીકારો જ નહીં અને જો કદાચ કોઈ કારણસર તમે આમાં ફસાઈ પણ ગયા તો ગભરાઈને પૈસા તો બિલકુલ ન ચૂકવો. તે વ્યક્તિ તમારા ડર પર જ કામ કરી રહી હોય છે. એક વાત વિચારો કે તમારો ચહેરો મોર્ફ કર્યો હોય એટલે કે તમે કોઈ સ્ત્રી સાથે જાતીય ક્રીડા કરી રહ્યા છો એવો બનાવટી વીડિયો રાજસ્થાન કે હરિયાણામાં બેઠેલો માણસ ઇન્ટરનેટ પર અપલોડ કરે તો એનાથી તમે બદનામ નથી થઈ જવાના. બીજી વાત કે તે આવું કરે એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે જો તે ધ્યાનમાં આવી જાય તો તેના પર એફઆઇઆર થઈ શકે જે તે ક્યારેય નહીં ઇચ્છે. આ પ્રકારના ગુનેગારો મોટા ભાગે મોટી ઉંમરના પુરુષોને જ ટાર્ગેટ કરે છે અને જો તેમના ખ્યાલમાં આવી જાય કે આ માણસ પૈસા નહીં જ આપે તો પછી તેઓ તેને મૂકીને બીજા શિકારની શોધમાં લાગી જાય છે. પોલીસ કહે છે કે ડર્યા વિના ફરિયાદ નોંધાવો તો આ ગુનેગારો સુધી અમે પહોંચી શકીએ.
જો કે અત્યારે તો મેવાત વિસ્તારના આ સાઇબર ક્રિમિનલો કરોડો કમાય છે, એપલ અને મેકબુક વાપરે છે, ગળામાં સોનાની ચેઇનો, મોંઘીદાટ મોટરસાઇકલ કે કાર વાપરે છે અને જલસા કરે છે. તેમણે એવું જડબેસલાક નેટવર્ક ઊભું કર્યું છે કે પોલીસ તેનું કંઈ બગાડી નથી શકતી. મુસ્લિમ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અપરાધીઓ ખુલ્લેઆમ અને બેરોકટોક ફરી રહ્યા છે અને રોજ નવા-નવા શિકારોને ફસાવી તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે.ઉ