મેટ્રો કારશેડ પર્યાવરણ પ્રેમી અને પક્ષોનું વિરોધ પ્રદર્શન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

પ્રોટેસ: રવિવારે પર્યાવરણ પ્રેમીઓ અને શિવસેનાના કાર્યકર્તાઓએ આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ સ્થાપવાનો વિરોધ કર્યો હતો. (તસવીર: અમય ખરાડે)

મુંબઇ: ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, આપ સહિત પર્યાવરણવાદીઓ અને કેટલાક રાજકીય પક્ષોએ રવિવારે ગોરેગાંવમાં આરે કોલોની ખાતે મેટ્રો-૩ કારશેડ બનાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધીઓએ મેટ્રો-૩ કારશેડ પ્રોજેક્ટને મુંબઈના આરે કોલોનીમાં ખસેડવાના નવી સરકારના નિર્ણય વિરુદ્ધમાં પ્લેકાર્ડ બતાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
શિવસેનાના કેટલાક નેતાઓ અને કાર્યકરો તેમજ તેની યુવા પાંખ યુવા સેનાએ વિરોધમાં ભાગ લીધો હતો.
મુંબઈમાં વરલી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે રવિવારે રાજ્ય વિધાનસભાના નિર્ણાયક સત્રને કારણે તેઓ વિરોધમાં જોડાઈ શક્યા ન હતા, પરંતુ સરકારને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.
વિરોધમાં ભાગ લેનાર શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકાર પર આ મુદ્દાનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આવી રાજનીતિમાં સામેલ થવાથી મુંબઈગરાઓને શું નુકસાન થયું છે? તમે તમારી રાજનીતિ માટે મુંબઈ સામે બદલો કેમ લઇ રહ્યા છો? જો તમને અમારી વિરુદ્ધ કંઈ હોય, તો અમારી સાથે લડો, શા માટે મુંબઈવાસીઓને દંડો છો, એમ ચતુર્વેદીએ સવાલો કર્યાં હતા.
આમ આદમી પાર્ટી (આપ)ના મુંબઈ એકમના કાર્યકારી પ્રમુખ રુબેન મસ્કરેન્હાસે જણાવ્યું હતું કે આરે કોલોની વિશ્ર્વમાં એકમાત્ર શહેરી જંગલ ઇકોસિસ્ટમ છે અને તેને કોઈપણ કિંમતે બચાવવી જોઈએ.
ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારમાં પ્રધાન તરીકે શિંદે મેટ્રો-૩ કારશેડને કાંજુરમાર્ગમાં ખસેડવાની તરફેણમાં હતા અને તે નિર્ણયનો એક ભાગ હતો. અત્યારે તેમનો યુ-ટર્ન આશ્ર્ચર્યજનક છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત પણ આરેમાં કારશેડના પ્રસ્તાવિત બાંધકામનો વિરોધ કરવા માટે જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે સરકારના આ નિર્ણયથી તેમના જેવા ઘણા પ્રકૃતિ પ્રેમીઓને આઘાત લાગ્યો છે. આશા છે કે શિંદેની આગેવાની હેઠળની સરકાર તેમના આ નિર્ણય પર પુનર્વિચાર કરશે.
શુક્રવારે, દાદર ખાતે પક્ષનું મુખ્યમથક શિવસેના ભવનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ નવી સરકારને આરે કોલોનીમાં મેટ્રો-૩ કારશેડ પ્રોજેક્ટનો નિર્ણય બદલવા માટે ઉગ્ર અપીલ કરી હતી.
હું ખૂબ જ પરેશાન છું. જો તમે મારાથી નારાજ છો, તો તમારો ગુસ્સો બહાર કાઢો, પરંતુ મુંબઈનું ખરાબ ન કરશો. હું ખૂબ જ નારાજ છું કે આરેના નિર્ણયને રદ્ કરવામાં આવ્યો છે. આ કોઈની અંગત મિલકત નથી, એમ તેમણે જણાવ્યું
હતું. (પીટીઆઇ)
———-
સરકાર ટસની મસ થતી નથી
કારશેડનું પચીસ ટકા કામ પૂર્ણ: ફડણવીસ
મુંબઇ: આરે કોલોનીમાં કારશેડ બાંધવાના મુદ્દે ઠાકરેબંધુઓને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ જવાબ આપ્યો હતો. આરે કોલોનીમાં કારશેડનું મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. મેટ્રોનું બાકીનું કામ પૂર્ણ થતા જ એક વર્ષની અંદર મેટ્રો શરૂ થઇ શકે છે. કઇંક અંશે વિરોધ સમજી શકાય એમ છે, પરંતુ આ વિરોધ એ કોઇના દ્વારા આયોજિત હોય એવું લાગે છે. જો તમે કારશેડને કાંજૂરમાર્ગ ખાતે લઇ જશો તો ‘સોના કરતાં ઘડામણ મોંઘુ’ એવો ઘાટ થઇ શકે છે. બજેટમાં પણ વધારો થઇ શકે છે. સર્વોચ્ચ અદાલત સમક્ષ તમામ પુરાવાઓ અને તથ્યો રજૂ કર્યા બાદ કોર્ટે તેને મંજૂરી આપી હતી, એમ સ્પષ્ટ શબ્દોમાં ફડણવીસે ઠાકરે બંધુઓ અને આંદોલનકારીઓને જણાવ્યું હતું.
આરે કોલોનીમાં વૃક્ષો કાપ્યા બાદ પચીસ ટકા પૂર્ણ થઇ ગયું છે, હવે વધારાના વૃક્ષો કાપવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં લખ્યું છે કે તમામ વૃક્ષ તેના સમગ્ર જીવનકાળમાં જેટલો કાર્બન શોષી લેશે તેટલો કાર્બન મેટ્રો એંસી દિવસમાં શોષી લેશે, તેથી આરે કોલોનીમાં કારશેડ બનાવવા માટેની પરવાનગી સર્વોચ્ચ અદાલતે આપી હતી. હવે વૃક્ષો કાપવાની જરૂર નથી તેમ છતાં આવા આંદોલનો થઇ રહ્યાં છે. જો કે કેટલાક પર્યાવરણવાદીઓ તેમને સાચી માહિતી ન મળવાના અભાવે આંદોલન કરી રહ્યા છે, તો કેટલાક લોકો પર્યાવરણવાદી બનીને આંદોલનો પ્રાયોજિત કરી રહ્યાં હોવાની શક્યતા છે. મેટ્રો મુંબઇનો અધિકાર છે. પ્રદુષણના કારણે મુંબઇ પરેશાન છે, એ પાપ અમે નહીં થવા દઇએ, એમ ફડણવીસે વધુમાં જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.