મુંબઈઃ મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. ગુંદવલીથી અંધેરી અને દહીંસર ઈસ્ટથી ગુંદવલી સુધી મેટ્રોમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને રાહત આપતા હવે મેટ્રો 2A અને મેટ્રો 7ની રાતના સમયે મેટ્રોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે આ મેટ્રો લાઈન પરથી છેલ્લી મેટ્રો રાતે 10.09 કલાકને બદલે રાતે 10.30 કલાકે રવાના કરવામાં આવશે. મેટ્રો લાઈન 2A અને મેટ્રો 7 ખાતે રાતે 10.09 કલાકના છૂટનારી છેલ્લી લોકલ ટ્રેનના બદલે હવે રાતના 10.30 કલાકે છેલ્લી ટ્રેન દોડાવવામાં આવશે. બંને રૂટ પર બે-બે એડિશનલ સર્વિસ શરૂ કરવામાં આવી રહ્યો છે અને આજથી જ આ એડિશનલ સર્વિસીઝ દોડાવવામાં આવશે.
બે મહિનાના ટ્રાયલ બેઝિસ પર આ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાર બાદ આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
એમએમએમઓસીએલ (MMMOCL)ના પ્રવાસીઓની સુવિધા માટે મેટ્રો સર્વિસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં અમારી પાસે 28 મેટ્રો રેક છે અને આ સંખ્યા બંને લાઈન પર દોડાવવા માટે પૂરતી છે. આ સિવાય પ્રવાસીઓનો પ્રતિસાદ જોઈને સર્વિસ વધારવા વિશે વિચાર કરવામાં આવશે, એવું એમએમઆરડીએના કમિશ્નર અને MMMOCLના અધ્યક્ષ એસ વી આર શ્રીનિવાસે જણાવ્યું હતું.
મુંબઈ મેટ્રો 2A અને 7 માટે આવું હશે ટાઈમ ટેબલ
અંધેરી વેસ્ટથી દહીંસર ઈસ્ટ માટે 10.20 કલાકે અને 10.30 કલાકે (2 સર્વિસ)
ગુંદવલીથી દહાણુકરવાડી માર્ગે દહીંસર ઈસ્ટ વચ્ચે રાતે 10.20 કલાકે અને 10.30 કલાકે (2 સર્વિસ)