મેટ્રો-૩નું પરીક્ષણ શરૂ: ડિસેમ્બર, ૨૦૨૩માં સિપ્ઝ (આરે કારશેડ)થી બીકેસી નોર્થ સુધી મેટ્રો-૩ દોડશે

90

મુંબઇ: મુંબઈગરાઓને ટ્રાફિકજામમાંથી રાહત આપનાર આયોજિત કોલાબા-બાન્દ્રે-સીપ્ઝ મેટ્રો-૩ પ્રોજેક્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની ટ્રેનોનું તાજેતરમાં ત્રણ કિમીના અંતર માટે પરીક્ષણ કરીને ટ્રેકના સશક્તીકરણની ચકાસણી કરવામાં આવી હતી.
મુંબઈનાં પશ્ર્ચિમી ઉપનગરોને ઉત્તરથી દક્ષિણ સુધી જોડવા માટે કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો-૩ લાઇનનું નિર્માણ ચાલી રહ્યું છે. આ રૂટમાં પ્રથમ તબક્કામાં સીપ્ઝ (આરે કારશેડ)થી બીકેસી નોર્થ સુધી મેટ્રો-૩ દોડશે. ડિસેમ્બર, ૨૦૨૩માં શરૂ થનારા આ પ્રથમ તબક્કા માટે ટ્રેનોનું પરીક્ષણ શરૂ થઈ ગયું છે. સંબંધિત સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરમાં સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ મેટ્રો-૩નું છેલ્લું સ્ટેશન સીપ્ઝ છે. ત્યાર બાદ આ મેટ્રો આરે કારશેડ જશે. આ વિસ્તારમાં સરીપુતનગર આવેલું છે. સરીપુતનગરથી મરોલ નાકા સુધીની ત્રણ કિલોમીટરની ટેસ્ટ રન તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી. એના માટે વાસ્તવિક મેટ્રો કોચને બદલે કુલ આઠ કોચના નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં મરોલ નાકાથી સહર રોડ સુધીના અન્ય ત્રણ કિલોમીટરના અંતર માટે પરીક્ષણ કરવામાં આવશે. આમ, દરેક ત્રણ કિલોમીટરની ક્ષમતા પરીક્ષણ દ્વારા ચકાસવામાં આવશે.
શરૂઆતમાં મેટ્રો કોચ પરીક્ષણમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ધીમે-ધીમે તેની ઝડપ વધારીને પાંસઠ કિમી પ્રતિ કલાક કરવામાં આવશે. જ્યારે પ્રથમ તબક્કો ડિસેમ્બર, ૨૦૨૩માં શરૂ થશે, વાસ્તવિક ઝડપી ટ્રાયલ ફેબ્રુઆરી, ૨૦૨૩થી શરૂ થશે.
લગભગ એક હજાર કિલોમીટરનું પરીક્ષણ વિવિધ રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. લગભગ દસ હજાર કિમીના આવા પરીક્ષણ ફેબ્રુઆરીથી વાસ્તવિક સેવા શરૂ થાય ત્યાં સુધી હાથ ધરવામાં આવશે, એમ સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!