મેટ્રો-થ્રી: કોલાબામાં કફ પરેડથી નેવીનગર સુધી લંબાવાશે, વધુ એક રેકનું આગમન

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સૌથી પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (કોલાબા-સિપ્ઝ) થ્રી લાઈન માટે શુક્રવારે વધુ એક રેક (ચાર કોચ)નું મુંબઈમાં આગમન થયું છે. ૩૨.૫ કિલોમીટર કોલાબા (કફ પરેડથી બાંદ્રા) સિપ્ઝ વચ્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના હતી, જે મૂળ પ્રોજેક્ટથી વિપરીત કફ પરેડથી નેવીનગર સુધી લંબાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. કોલાબામાં કફ પરેડથી નેવીનગર સુધી મેટ્રો-થ્રીને એક્સટેન્ડ કરવા માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર)ને તૈયાર કરવા માટે બિડ મગાવવામાં આવી છે. અગાઉ દક્ષિણ મુંબઈમાં કોલાબા (કફ પરેડ)થી સિપ્ઝ (પશ્ર્ચિમ ઉપનગર) વચ્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના હતી. જોકે, ડીપીઆર છ મહિનામાં તૈયાર કરવામાં આવશે, ત્યાર બાદ કામકાજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. કફ પરેડથી નેવીનગર વચ્ચે લગભગ ૧.૫ કિલોમીટર છે. આમ છતાં નવી લાઈન (અપ એન્ડ ડાઉન લાઈનમાં ટ્રેનને રિવર્સ લાવવા)ને લગભગ અઢી કિલોમીટર સુધી લંબાવવામાં આવશે. અઢી કિલોમીટરના વિસ્તારમાં આ લાઈનને એક્સટેન્ડ કરવાને કારણે લગભગ ૨,૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ ખર્ચ વધી શકે છે, પરંતુ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા પછી ચોક્કસ ખર્ચની રકમ કહી શકાય. ઉપરાંત, એક્સટેન્શન વર્ક ૩૦ મહિનામાં પૂરું કરી શકાય છે, એમ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીએ જણાવ્યું હતું.
મંગળવારે સૌથી પહેલી રેક ૧૩ દિવસે મુંબઈમાં પહોંચી હતી, જ્યારે આ રેકને આંધ્ર પ્રદેશથી આવતા ૧૦ દિવસ લાગ્યા છે. આ બે રેક (આઠ કોચ)ને હવે તમામ સ્પેરપાર્ટસને એક કરવાનું કામકાજ પૂરું કરવામાં આવ્યા પછી એમએમઆરસી દ્વારા તૈયાર કરવામાં આવેલી સાઈટ્સ પર પરીક્ષણ કરવામાં આવશે.
નવી ટ્રેનની પૂરી ચકાસણી કરવામાં આવ્યા પછી હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલી સાઈટ્સ પર બંને રેકની ટ્રેક પર ટેસ્ટિંગ કરવામાં આવશે, એમ એમએમઆરસીએલના અધિકારીએ જણાવ્યું હતું. મેટ્રો-થ્રી માટે તૈયાર કરવામાં આવેલી આ રેકનું લગભગ ૧૬૮ ટન જેટલું વજન ધરાવે છે, જેમાં પ્રત્યેક એક કોચનું વજન ૪૨ ટનનું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.