સફળતા:મુંબઈની સૌથી પહેલી અને સૌથી વધારે વિવાદમાં ઘેરાયેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસીએલ) દ્વારા ૧૦૦ ટકા ટનલ બનાવવાનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની સૌથી પહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો-થ્રી પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે રાજ્ય સરકારની સાથે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસીએલ) કમર કસી રહી છે ત્યારે બુધવારે કોલાબા-બાંદ્રા-સીપ્ઝ વચ્ચેની મેટ્રોની (૩૨.૫ કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ કોરિડોર વચ્ચે) ટનલના બોરિંગનું કામકાજ ૧૦૦ ટકા પૂરું કરવામાં આવ્યું છે.
મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન ખાતે બુધવારે મેટ્રો-થ્રી કોરિડોરના ૪૨મા અને પ્રકલ્પના અંતિમ તબક્કાની ટનલ બનાવવાનું કામકાજ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. ૨૪૩ દિવસમાં મહાલક્ષ્મી મેટ્રો સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ મેટ્રો સ્ટેશન વચ્ચેનું અપ લાઈનનું સૌથી પડકારજનક કામકાજ ટીબીએમ તાન્સા-એક મારફત સફળતાપૂર્વક પાર પાડ્યું છે. મેટ્રો ત્રણ લાઈનના ત્રીજા પેકેજ અન્વયે મુંબઈ સેન્ટ્રલ, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચૌક અને વરલી મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે. દક્ષિણ મુંબઈના સૌથી જૂના બિલ્ડિંગ સહિત હેરિટેજ બોડી, પાલિકા, મેટ્રો લાઈન્સ, રેલવે લાઈન સહિત અન્ય સંસ્થા સાથે કામકાજ કરવાનું હોવાથી આ પડકારજનક કામકાજ હતું, પરંતુ નિર્ધારિત સમયગાળામાં કામ પૂરું કરવાથી સૌથી મોટી રાહત છે, એમ એમએમઆરસીના એમડી અશ્ર્વિની ભીડેએ જણાવ્યું હતું. પ્રસ્તાવિત પ્રોજેક્ટનું કામકાજ સાર્વત્રિક રીતે જોવામાં આવે તો ૭૬ ટકા પૂરું કર્યું છે. આ પ્રોજેક્ટમાં અનેક પડકારો હોવા છતાં સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને કામકાજ કરવામાં આવે છે. ઉપરાંત, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાને કારણે કામકાજ ઝડપથી પાર પાડવામાં સફળતા મળી છે, એમ અન્ય અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો-થ્રીના કારશેડને મુદ્દે આ પ્રોજેક્ટ સૌથી વધારે વિવાદમાં રહ્યો છે, જેમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ વિરોધી મુખ્ય અરજીઓની સુનાવણી આગામી વર્ષના ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવાનો નિર્ણય લીધો છે, તેથી આ પ્રોજેક્ટને પાર પાડવામાં હજુ વધારે સમય પસાર કરવાની નોબત આવી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.