મેટ્રો-થ્રી: ટૂંક સમયમાં બીજી મેટો ટ્રેનને મુંબઈ લાવવામાં આવશે

115

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો-૩ રૂટ પર પહેલા તબક્કામાં ૯ ટ્રેન ચલાવવામાં આવશે, જે પૈકી એક ટ્રેન પહેલાં જ આંધ્રપ્રદેશના શ્રીસિટીથી મુંબઈ આવી ચૂકી છે. અત્યારે બીજી ટ્રેન પણ તૈયાર છે અને આ ટ્રેનને ટૂંક સમયમાં મુંબઈ લાવવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)ની યોજના છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મેટ્રો-૩ રૂટ બે તબક્કામાં ચાલુ કરવામાં આવશે. બીકેસી (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ)-સીપ્ઝનો તબક્કો ડિસેમ્બર ૨૦૨૩માં શરૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે એમએમઆરસીએએ કામકાજને ઝડપથી કર્યું છે. એકાદ વર્ષમાં મેટ્રો-૩ સેવા શરૂ કરવામાં આવશે. આ રૂટ પર દોડનારી ટ્રેનને મુંબઈ લાવીને તેમને જોડવાનું અને પરીક્ષણનું કામ કરવું જરૂરી છે.તેથી મેટ્રો ટ્રેન મુંબઈમાં લાવવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. મેટ્રો-૩માં કારશેડની મડાગાંઠ ઉકેલાતી ન હોવાથી મેટ્રો ટ્રેન ક્યાં ઊભી કરવી એવો પ્રશ્ર્ન ઊભો થયો હતો. હવે કારશેડની સમસ્યા ઉકેલાઈ છે ત્યારે કારશેડનું કામ પણ ઝડપથી પૂરું કરવાનો એમએમઆરસી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
એમએમઆરસીએ મેટ્રો-૩ રૂટ માટે ૩૧ ટ્રેન બનાવવાનો કોન્ટ્રેક્ટ શ્રીસિટીની એક કંપનીને ૨૦૧૭-૧૮માં આપ્યો છે. લગભગ ૨ હજાર ૫૧૬ કરોડ રૂપિયાનો આ કોન્ટ્રેક્ટ છે. આ કોન્ટ્રેક્ટ અનુસાર શ્રીસિટીમાં મેટ્રો-૩ની ટ્રેન બનાવવાનું કામ ચાલુ છે.શ્રીસિટીથી પહેલી ટ્રેન આ પહેલાં જ આવી પહોંચી છે અને બીજી ટ્રેન મુંબઈ લાવવા માટે તૈયાર છે એવી માહિતી એમએમઆરસીના અધિકારીએ આપી હતી. આ ટ્રેન ઊભી રાખવાની જગ્યાની યોજના કરવામાં આવી રહી છે. એ થઈ જાય એટલે ટ્રેન તરત મુંબઈ લાવવામાં આવશે. દરમિયાન પહેલા તબક્કામાં ૯ ટ્રેન દોડશે. તેથી હવે ૮ ટ્રેન જલદીથી મુંબઈ લાવવાની એમએમઆરસીની ઈચ્છા છે. મેટ્રો ટ્રેનની વિશેષતા આઠ ડબ્બાની મેટ્રો ટ્રેન ઓટોમેટિક છે. ૧૮૦ મીટર લાંબી અને ૩.૨ મીટર પહોળી ટ્રેનની કુલ પ્રવાસી ક્ષમતા ૨ હજાર ૪૦૦ પ્રવાસીની છે. મેટ્રો ટ્રેનની સ્પીડ કલાકના ૮૫ કિલોમીટર છે. સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોવાથી મેટ્રો ટ્રેનની આવરદા ૩૫ વર્ષ છે. રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમના કારણે લગભગ ૩૦ ટકા વિદ્યુત ઊર્જાની બચત થશે અને પૈડાં તથા બ્રેક બ્લોક્સ વગેરે ઉપકરણોને ઓછું નુકસાન થશે, જ્યારે આ મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે એસી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!