આ જ મહિનામાં મુખ્ય પ્રધાનના હસ્તે અપાશે લીલી ઝંડી સંપૂર્ણ કોરિડોર આ વર્ષના અંતમાં ચાલુ કરવામાં આવશે

ક્ષિતિજ નાયક

મુંબઈ: મેટ્રોપોલિટન રિજનમાં પ્રસ્તાવિત મેટ્રોના કામકાજમાં ગતિ આવી છે, જે અંતર્ગત મેટ્રો-ટૂએ અને મેટ્રો-સેવનના વિસ્તરણ કામકાજમાં ઝડપ આવી છે. આ બંને મેટ્રો લાઈનનું વિસ્તરણના ભાગરૂપે ડાયનેમિક પરીક્ષણ ચાલુ કર્યું છે, જ્યારે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ કોરિડોરમાં મેટ્રો ટ્રેન ચાલુ કરવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.મેટ્રો-ટૂએ (યલો લાઈન) અને મેટ્રો-સાત લાઈન (રેડ લાઈન)ને પહેલા તબક્કા (દહીસરથી ડીએનનગર અને દહીંસર પૂર્વથી આરે)માં મે મહિનામાં ચાલુ કરી હતી, જેમાં ચાર મહિનામાં સરેરાશ રોજના ૩૨,૦૦૦થી પ્રવાસી ટ્રાવેલ કરે છે. જોકે, આ બંને લાઈનને અંધેરી સુધી વિસ્તારવાનું કામકાજ સંપૂર્ણ થવાને આરે છે. અત્યારે ડાયનેમિક ટેસ્ટ ચાલુ છે, જે અંતર્ગત રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય, રેલવે ટ્રેક, ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર, પેન્ટોગ્રાફ સહિત તમામ પરીક્ષણનું કામકાજ ચાલુ છે, જે પરીક્ષણ પૂરા કરવામાં આવ્યા પછી ટ્રાયલ રન ચાલુ કરવામાં આવશે. ટ્રાયલ રન માટે મેટ્રો ટ્રેનને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં લીલી ઝંડી આપવામાં આવશે. હાલના તબક્કે ડાયનેમિક ટેસ્ટ ચાલુ છે, જે પૂરો થયા પછી સ્ટેટિક સહિત અન્ય ટ્રાયલ રન હાથ ધરવામાં આવશે, જે ડિસેમ્બર સુધી ચાલે તો દહીસરથી અંધેરી વચ્ચે મેટ્રો ટ્રેન દોડાવવાનું શક્ય બનશે.
બીજા તબક્કા (મેટ્રો-ટૂ ડીએનનગરથી દહાણુકરવાડી અને મેટ્રો સાત આરેથી અંધેરી પૂર્વ)નું કામકાજ ઑગસ્ટમાં પૂરું કરીને સપ્ટેમ્બરમાં ચાલુ કરવાની યોજના હતી, પરંતુ નિર્ધારિત સમયગાળામાં કામકાજ પૂરું થયું નથી. હાલના તબક્કે સ્ટેશનનું નિર્માણ કાર્ય ૯૯ ટકા પૂરું થયું છે. પીક અવર્સમાં સરેરાશ દર દસ મિનિટે એક મેટ્રો ટ્રેન દોડાવાય છે, જ્યારે સંપૂર્ણ કોરિડોરમાં ટ્રેન ચાલુ થયા પછી દર સાતથી આઠ મિનિટે એક ટ્રેન ઉપલબ્ધ રહેશે, જેથી પ્રવાસીની સંખ્યા વધશે. સંપૂર્ણ કોરિડોર તૈયાર કર્યા પછી વેસ્ટર્ન લાઈનમાં રોડ પરનો ટ્રાફિક ઘટશે. એટલું જ નહીં, વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનમાં પેસેન્જરની સંખ્યામાં ઘટાડો થશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
———–
ડિઝાસ્ટર મૅનેજમેન્ટની ટીમ કામે લાગી ગઈ
મૂળ યોજના પ્રમાણે બંને મેટ્રો લાઈનનું કામકાજ ચાલી રહ્યું છે, જ્યારે નવા અઢાર સ્ટેશન પૈકી મોટા ભાગનું કામકાજ પૂરું કર્યું છે. બાકી રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓની આપવામાં આવનારી સુવિધાનું કામકાજ પૂરું પાડ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા માટે સ્ટાફને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સુરક્ષા માટે જૂના અને નવા સ્ટેશન મળીને રોજ એક સ્ટેશન પર સુરક્ષાની દૃષ્ટિએ મોક-ડ્રિલ કરાય છે. પ્રવાસીઓને ઈમર્જન્સીમાં ફર્સ્ટ એઈડ આપવાની સાથે સામાનની ચોરી થવાના કિસ્સામાં મેટ્રોનો સ્ટાફ પણ રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહેશે, તેથી સામાનની ચોરી કે ગુમ થવાનું પ્રમાણ ઓછું રહેશે, એવો અધિકારીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો.

Google search engine