બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ
કોઈ દિવસ રાતે ૧૦ વાગ્યે કે પરોઢિયે ચાર વાગ્યે ટ્રેઈન પકડવા સ્ટેશને જતા હોઈએ, અમાસ આસપાસની રાત હોય અને આકાશમાંથી સડસડાટ પૃથ્વી પર આવતી ચમકીલી અને પ્રકાશની રેખા દોરતી ઉલ્કા દેખાય તો આપણે ચમકી જઈએ. તે કાળી રાતમાં આકાશમાં પ્રકાશની રેખા દોરે છે તો ખરી પણ સાથે સાથે તે આપણા મગજમાં પણ ચમકીલી રેખા દોરે છે. સુરેખા કોને કહેવાય તેનું ડેમોન્સ્ટ્રેશન પૃથ્વી પર પડતી ઉલ્કા કરે છે. આપણને થાય કે એક તારો જમીન પર ખરી પડ્યો. આકાશીપિંડોમાં ઉલ્કા છે તો તદ્દન નાની, તાજી જન્મેલી બાળકી જેવી પણ છે. ઘણી ઝડપી અને તેજસ્વી વિજ્ઞાનીઓ તેને અંતરીક્ષની સંદેશવાહક કહે છે. (ખયતયક્ષલયિ જ્ઞર જાફભય) શા માટે ઉલ્કાને અંતરીક્ષની સંદેશવાહક કહેવામાં આવે છે? કારણ કે તેનો અભ્યાસ કરવાથી વિજ્ઞાનીઓને એ જાણકારી મળે છે કે દૂર દૂર અંતરીક્ષમાં શું છે? તેનો અભ્યાસ કરવાથી આપણને સૂર્યમંડળનો જન્મ, રચના અને વિકાસની જાણકારી મળે છે. પૃથ્વીને પેલે પાર, સૂર્યમાળાની પેલે પાર બ્રહ્માંડ કેવું છે તેની જાણકારી મળે છે.
કોઈ બેટીનું નામ ઉલ્કા સાંભળીને આપણે ચમકી જઈએ છીએ. જો કે કોઈ બેટીનું નામ ઉલ્કા ભાગ્યે જ હોય છે.
કહેવાય છે કે માનવીની કિંમત, તેના રૂપરંગ, આકાર, કપડા, વાળ પર તો નિર્ભર છે પણ હકીકતમાં તેનો સ્વભાવ, વિવેક, જ્ઞાન તેને સુંદર બનાવે છે, બાહયીક સૌન્દર્ય કરતાં આંતરિક સૌન્દર્ય ચડિયાતું છે. શ્રીકૃષ્ણ ક્યાં ગોરા હતા? અષ્ટવક્રના આઠેય અંગ વાંકાં હતાં, આપણા ભૂતપૂર્વ પ્રમુખ એ. પી. જે. અબ્દુલ કલામ પણ ક્યાં બાહયીક દેખાવમાં સુન્દર હતા, પણ આંતરિક રીતે તે ખૂબ જ સૌન્દર્યવાન હતા. લોકો તેમને દિલ અને દિમાગથી ચાહતા હતા. તેમ છતાં બાહયીક દેખાવ પણ અગત્યનો ભાગ ભજવે છે. વિષ્ણુ ભગવાને સુંદર પીતામ્બર વગેરે વેશ પહેર્યો હતો. તો તેમને લક્ષ્મીજી મળ્યા અને શિવજીનો તેનો મૃગચર્મ, જટા, માળા, સર્પનો વેશ હતો તેથી ઝેરનો કુંભ મળ્યો. આ પણ એક ધ્યાન રાખવા જેવી વાત છે.
ઉલ્કા હોય છે કાળી ડિબાંગ જેવી, કાળાશમાં કોલસો પણ તેની હરીફાઈ ન કરી શકે, ખરબચડી હોય છે, અનિયમિત આકારની હોય છે ખૂબ ભારે હોય છે તેમ છતાં પણ ખૂબ જ સુંદર લાગે છે. પ્યારી લાગે છે જેને જોઈ હોય તેને જ તેના સૌન્દર્યની ખબર પડે.
પૃથ્વી પર પડતી ઉલ્કાને જોઈને લોકો માનતાં કે એક તારો ખર્યો માટે જ તેનું નામ ખરતો તારો પડ્યું છે. હકીકતમાં એ ખરતો તારો નથી સૂર્યમાળા જન્મી ત્યારે બાકીનો વધારાનો પદાર્થ, ભંગાર પડ્યો રહ્યો તે પદાર્થના ટુકડા છે. તારો ખરવાની વાત છોડો, એક તારો સૂર્યની થોડો નજીક આવે તો પૂરું સૂર્યમંડળ ડોલવા લાગે, વધારે નજીક આવે તો ગુરૂ, શનિ, યુરેનસ, નેપ્ચૂન કે બુધ, શુક્ર, પૃથ્વી મંગળ ફૂટબોલની માફક, વોલીબોલની માફક અંતરીક્ષમાં ઊડવા લાગે.
હકીકત એ છે કે ઉલ્કા સૂર્યમાળાનો નાનો મોટો પદાર્થ છે. જ્યારે પૃથ્વી આ પદાર્થની નજીક આવે છે ત્યારે તે તેના ગુરુત્વાકર્ષણથી આ પદાર્થને ખેંચે છે જે ખૂબ ઝડપથી પૃથ્વી તરફ આવે છે, આભમાં પૃથ્વીનું વાયુમંડળ છે તેમાંથી તેને પસાર થવાનું હોય છે અને ઉલ્કાની ઝડપ ખૂબ હોવાથી વાયુમંડળ તેને ભયંકર ઘર્ષણ આપે છે. ઘર્ષણને લીધે ઉલ્કામાં આયોનાઈઝેશન (ઈંજ્ઞક્ષશતફશિંજ્ઞક્ષ – આયનીકરણ) થાય છે અને ઉલ્કાના રસ્તામાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. જો ઉલ્કા મોટી હોય તો ફાયરબોલની માફક તે પૃથ્વી તરફ ધસમસતી આવી ચઢે છે. નાની ઉલ્કા રસ્તામાં જ બળીને રાખ થઈ જાય છે, મોટી ઉલ્કા તદ્દન રાખ થતી નથી. તેના અવશેષો પૃથ્વી પર પાષાણ તરીકે, ઉલ્કા પાષાણના રૂપમાં આવી પડે છે. અંગ્રેજીમાં ઉલ્કાને મીટીઓરોઈડ કે મીટીઓર કહે છે અને ઉલ્કા પાષાણને મીટીઓયઈટ કહે છે.
મંગળ અને ગુરૂ વચ્ચે વિશાળ લાખો ઉલ્કા લઘુગ્રહો ભરેલો પટ્ટો છે. તેમાં લઘુગ્રહો એકબીજા સાથે અથડાય છે અને તેના ટુકડા સૂર્યમાળામાં બહારના ભાગમાં કે પૃથ્વી તરફ ફેંકાય છે. આ ઉલ્કા ઠીક ઠીક મોટી હોય છે અને ખતરનાક હોય છે. તે પૃથ્વી પર મોટા ખડકના રૂપે આવી પડે છે.
પૃથ્વી જન્મી ત્યારથી પૃથ્વી પર ઉલ્કા આવે છે, તે આજકાલની આવતી નથી. પૃથ્વી પર લોનાર ઉલ્કાકુંડ, બેઝીન્જર ઉલ્કાકુંડ એવા હજારથી વધારે ઉલ્કાકુંડ છે અને તે પૃથ્વી પર આવી પડેલી મોટી ઉલ્કાએ બનાવેલાં છે.
એન્ટાર્કટીકા ઠંડો અને બરફાચ્છાદિત દક્ષિણ ધ્રુવ પ્રદેશ છે. હમણા સુધી ત્યાં કોઈ ગયું ન હતું ત્યાં ઘણી બધી ઉલ્કા પડી છે. ઉલ્કા મેળવવી હોય તો એન્ટાર્કટીકા જવું. હવે વિજ્ઞાનીઓ અને ભૂસ્તરશાસ્ત્રીઓ, ખગોળશાસ્ત્રીઓ એન્ટાર્કટીકામાં જાય છે. તેઓને ત્યાંથી ઘણી ઉલ્કાઓ મળી છે. પણ તે નાની નાની છે. તાજેતરમાં ખગોળ વિજ્ઞાનીઓને ૬.૭
કિલોગ્રામ વજનની મોટી ઉલ્કા મળી આવી છે તે ખૂબ જ અગત્યની વાત છે તે એન્ટાર્કટીકાની એક વિશાળ ગ્લેશિયર (હિમનદી)માં ઘણે ઊંડેથી મળી આવી છે. આ મોટી ઉલ્કા ખૂબ ઊંડેથી મળી આવી છે તે દર્શાવે છે કે તે બહુ મોટી ઉલ્કા (લઘુગ્રહ) હતી જ્યારે તે ત્યાં પડી હશે ત્યારે મોટો ઉલ્કાપાત, વિનાશ થયો હશે. આ ઉલ્કાનો અભ્યાસ સૂર્યમાળાના બંધારણ વિશે વિશિષ્ટ અને નવો પ્રકાશ પાડશે તેવી ધારણા રખાય છે.
એમ તો ૧૯૮૫માં અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીઓએ એન્ટાર્કટીકામાંથી એક ઉલ્કા શોધી કાઢી હતી. તેનો અભ્યાસ કરતા માલૂમ પડયું છે કે તે ઉલ્કા મંગળ પરથી આવી છે અને તેમાં જીવાસ્મની છાપ છે. ઉલ્કાના એક વેક્યુમ પેકેટમાં જીવનરસ હતો. આ દર્શાવે છે કે બ્રહ્માંડમાં બીજે પણ જીવનરસ છે, બ્રહ્માંડમાં બીજે ક્યાંક જીવન પણ છે. આમ ઉલ્કા માણસને બ્રહ્માંડમાં બીજે ક્યાંક જીવન રસ છે જેની જાણ પણ કરી શકે છે માટે તેને અંતરીક્ષની સંદેશવાહક પણ કહેવામાં આવે છે. ઉલ્કા નાની હોવા છતાં બહુ અગત્યતા ધરાવે છે. હવે ખગોળવિજ્ઞાનીઓ આ નાની ઉલ્કાનો અભ્યાસ કરવા મથે છે. મોટી મોટી ગેલેક્સી, તારા, વાયુનાં વાદળોનો તેમણે અભ્યાસ કર્યો. હવે નાની ઉલ્કાનો અભ્યાસ કરે છે. બ્રહ્માંડમાં બીજે ક્યાંય જીવન છે કે નહીં તે જાણવા પણ ઉલ્કાનો અભ્યાસ ઉપયોગી છે.