મેટિની

શો-શરાબાઃ મલ્ટિસ્ટારર મૂવીઝનું મેગા કમબેક…

દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે હિન્દી સિનેમામાં એક ફિલ્મ એટલે ઘણા સ્ટાર્સ. શોલે’,અમર અકબર એન્થની’, દિલ તો પાગલ હૈ’,કભી ખુશી કભી ગમ’ કે `કલ હો ના હો’ જેવી ફિલ્મ્સ આજે પણ એટલા માટે યાદ છે કારણ કે દરેક પાત્રની પોતાની ઓળખ હતી. પછી ધીમે ધીમે ટ્રેન્ડ બદલાયો. ફિલ્મ્સ વધુ ને વધુ એક હીરો પર કેન્દ્રિત થતી ગઈ, સાઈડ કેરેક્ટર્સ માત્ર સપોર્ટ સુધી સીમિત રહી ગયા. સમય સાથે બજેટ, શેડ્યુલ અને સ્ટાર ઈમેજના કારણે ઇન્ડસ્ટ્રી આ મોડેલથી દૂર ગઈ, પણ હવે ફરી એ જ મોડેલની જરૂર પડી રહી હોય એવું લાગી રહ્યું છે.

આ બદલાવનું સૌથી મોટું ઉદાહરણ છે બોર્ડર 2′. 23 જાન્યુઆરીના રોજ રિલીઝ થનારી આ ફિલ્મ 1997નીબોર્ડર’ની સિક્વલ છે. સની દેઓલ ફરી એક વાર બોર્ડરના વિશ્વમાં જોવા મળશે. પણ સાથે છે વણ ધવન, દિલજીત દોસાંઝ, આહાન શેટ્ટી, મોના સિંહ અને સોનમ બાજવા જેવા અલગ અલગ પેઢીના કલાકારો. ફિલ્મમાં સૈનિકોની જુદી જુદી બેકસ્ટોરીઝ, તેમની ફેમિલી, ડ્યૂટી અને બલિદાનને `બોર્ડર’ની જેમ જ સમાન મહત્ત્વ આપવામાં આવ્યું હશે એવું લાગે છે.

રિપબ્લિક ડે વીકએન્ડ પર રિલીઝ થવાની યોજના એ બતાવે છે કે મલ્ટિસ્ટારર ફિલ્મ્સ ફરીથી ફેમિલી ઓડિયન્સ અને મોટા સ્ક્રીન માટે બનાવવામાં આવી રહી છે.

બીજી તરફ, એકદમ જુદી શૈલીમાં ધુરંધર’ જેવી ફિલ્મ છે. આદિત્ય ધર દ્વારા લખાયેલી અને ડિરેક્ટ કરેલી આ સ્પાય-એક્શન ફિલ્મ ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ અને જબરજસ્ત બોક્સ ઓફિસ પ્રદર્શન કર્યું. રણવીર સિંહ, સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા અભિનેતાઓ સાથે ફિલ્મ કોઈ એક એજન્ટ પર અટકી નથી. અહીં દરેક કેરેક્ટર પોતાનો દૃષ્ટિકોણ, પોતાનો સંઘર્ષ અને પોતાનો ગ્રે ઝોન લઈને આવે છે. આ જ મલ્ટિસ્ટારર ફોર્મેટની તાકાત છે, એક સાથે ઘણા વિચારો અને ટોનને હેન્ડલ કરવાની ક્ષમતા.ધુરંધર’ની સિક્વલ પણ એ હિસાબે મલ્ટિસ્ટારર જ હોવાની.

મલ્ટિસ્ટારર ટ્રેન્ડ ફક્ત દેશભક્તિ કે એક્શન સુધી સીમિત નથી. વિશાલ ભારદ્વાજની આવનારી ફિલ્મ `ઓ’રોમિયો’ પણ એ જ દિશામાં છે. વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડીમરી લીડમાં છે, પણ સાથે નાના પાટેકર, તમન્ના ભાટિયા, અવિનાશ તિવારી અને વિક્રાંત મેસી જેવા મજબૂત કલાકારો પણ છે.

વિશાલ ભારદ્વાજની ફિલ્મ્સમાં હંમેશાં સાઈડ કેરેક્ટર્સ ખૂબ જ મહત્ત્વના રહ્યા છે અને `ઓ’રોમિયો’માં તેમનું મહત્ત્વ વધ્યું છે. એમ લાગે છે. અહીં રોમાન્સ, ક્રાઇમ અને પાવર ડાયનેમિક્સ અલગ અલગ પાત્રોની નજરથી બતાવવામાં આવશે એવું તેના ટીઝર પરથી જણાઈ રહ્યું છે, જે આજના દર્શકોને વધુ કનેક્ટ કરશે.

ઇતિહાસ આધારિત ફિલ્મ્સમાં પણ હવે મલ્ટિસ્ટારર એપ્રોચ જોવા મળે છે. 1 મેના રોજ રિલીઝ થનારી રિતેશ દેશમુખ દિગ્દર્શિત `રાજા શિવાજી’ તેનું મોટું ઉદાહરણ છે. રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે, પણ ફિલ્મ આખી એક પાત્ર પર આધારિત નથી. સંજય દત્ત, અભિષેક બચ્ચન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી અને જેનિલિયા દેશમુખ જેવા કલાકારો સાથે ફિલ્મ એક આખી ઐતિહાસિક દુનિયા અને એ સમયને બતાવશે એવું લાગી રહ્યું છે.

અલગ-અલગ પાત્રો દ્વારા રાજકારણ, યુદ્ધ, પરિવાર અને વિચારધારાને એકસાથે બતાવવાનો પ્રયાસ હશે. આ ફિલ્મ મલ્ટિસ્ટારર ઉપરાંત મલ્ટીલેન્ગ્વેજ રિલીઝ તરીકે પણ પ્લાન કરવામાં આવી છે. એનો અર્થ એ કે મલ્ટિસ્ટારર ફિલ્મ્સ ફક્ત હિંદી સિનેમા જ નહીં, પરંતુ પેન-ઇન્ડિયા સ્કેલ પર વિચારવામાં આવી રહી છે.

મલ્ટિસ્ટારર ફિલ્મ્સની વાપસી ફક્ત ગંભીર અથવા ભવ્ય વિષયોમાં જ નહીં, મનોરંજનમાં પણ થઈ છે. ડેવિડ ધવન દિગ્દર્શિત `હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મને વણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સાથે મૌની રોય, જિમ્મી શેરગિલ, ચંકી પાંડે, મનીષ પોલ જેવાં કલાકારો એક ફુલ-ઓન ઓન્સોમ્બલ બનાવે છે. આ ફિલ્મ 90ના દાયકાની ડેવિડ ધવનની જ રોમેન્ટિક કોમેડી વાઈબને ફરી લાવવાનો પ્રયાસ હશે, જ્યાં એક સાથે ઘણા લવ ટ્રાયએન્ગલ્સ, સાઈડ ટે્રક્સ અને કોમિક પાત્રો દર્શકોને એન્ગેજ રાખતા હતા.

આ સિવાય પણ ઘણા પ્રોજેક્ટ્સ બતાવે છે કે મલ્ટિસ્ટારર હવે અપવાદ નથી રહ્યા. 2024ની સિંઘમ અગેન’માં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ અને કરીના કપૂર ખાન જેવાં નામો સાથે એક રોહિત શેટ્ટીનું સિનેમેટિક યુનિવર્સ આપણે જોયું.વેલકમ ટુ ધ જંગલ’ જેવી આવનારી ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત, અર્શદ વારસી અને સુનિલ શેટ્ટી સાથે એક સાથે અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મને મલ્ટિસ્ટાર ઇવેન્ટ તરીકે જ ડિઝાઇન કરવામાં આવી છે.

આજના સમયમાં થિયેટરમાં લોકો ફક્ત ફિલ્મ નથી જોવા આવતા, એ લોકો અનુભવ લેવા આવે છે. ટિકિટના ભાવ વધ્યા છે, સ્ટ્રીમિંગનો વિકલ્પ છે. એટલે ફિલ્મને સ્પેશ્યલ બનાવવી જરૂરી છે. અને મલ્ટિસ્ટારર ફિલ્મ્સ એ કામ કરી શકે છે. અલગ અલગ સ્ટાર્સ અલગ અલગ ઓડિયન્સને ખેંચે છે, અને સ્ટોરીને પણ વધારે લેયર્સ મળે છે. આ ફિલ્મ્સ ક્રિએટિવ અને કમર્શિયલ રીતે સફળ થાય તો મનોરંજન દેવની કૃપાથી શક્ય છે કે આવનારા વર્ષોમાં મલ્ટિસ્ટારર ફરી એકવાર હિન્દી સિનેમાની કરોડરજ્જુ બની જાય!
લાસ્ટ શોટ
હિન્દી અને દક્ષિણ ભારતીય મલ્ટીસ્ટારર ફિલ્મ્સનું એક કોમન નામ એટલે સંજય દત્ત.

આ પણ વાંચો…-શરાબાઃ અરે, મઝાક થા ક્યા ભાઈ?!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button